‘વાંચો મેગેઝિન ઓનલાઈન’

ખુશબૂ પ્રકરણ-15

Friday, April 23, 2010 4:12

આકાર ઓફિસમાં ફાઈલો જોતો હતો. માધુરી ઓફિસે આવી નહોતી. દ્વિજેન આવી ચડ્યો, `ડિસ્ટર્બ કરું ?’

`આવ, દ્વિજેન આવ. તેં તારા અખબાર `ધ રેવોલ્યુશન’માં મારા લગ્નનો અહેવાલ એટલો ભભકદાર રીતે પ્રગટ કર્યો હતો કે મુંબઈમાં આટલાં ભવ્ય લગ્ન પહેલી જ વાર થતાં હોય. ઈન્કમટેક્સની રેડ પડશે એવી બીક હતી, પણ ન પડી.’

`ઈન્કમટેક્સવાળાઓનું ભલું પૂછવું, હજુ પણ રેડ પડી શકે છે. લાખ-બે લાખ લઈ ચાલતા થઈ જશે. કેટલી રેડો પડે છે. પછી શું થયું એની ખબર પડે છે ? ભ્રષ્ટાચારનું કેન્સર થયું છે દેશને, દુનિયાને, નેતાઓને, જેમના હાથમાં નાનીમોટી સત્તાઓ છે એમને. `Lack of opportunity is Morality` દ્વિજેનના શબ્દોમાં આક્રોશ હતો. “વૃદ્ધા નારી પતિવ્રતા” જેવો ઘાટ છે.’

`છાપાંઓ પણ એમાંથી ક્યાં બચ્યાં છે ? મોટાં છાપાંઓની મોટી તાકાત. નાનાં છાપાંઓની નાની તાકાત. Yellow Journalism……Red Journalism.’

`ખૂન, અત્યાચાર, બળાત્કાર, લૂંટના સમાચારોને મોટાં હેડિંગો આપી પ્રગટ કરતાં છાપાંઓને હું Red Journalism કહું છું.’

`છોડ, એ વર્તુળનો છેડો શોધવા જેવી વાતને. બોલ, જ્યૂસ પીશ કે ચા ?’

`જ્યૂસની આદત પડી જાય તો પરવડે નહીં. હું અમૃત જેવી કોફી પીશ.’
આકારે કોફીના ઓર્ડર આપ્યો.

`બોલ શું ચાલે છે ?’

`તું પરણ્યો, હું પરણીશ.’
`ક્યારે ?’

`આવતી કાલે. ખૂબ સાદાઈથી. કોઈને નહી બોલાવું. તને પણ નહીં.’
`કેમ, શિલ્પાનાં માતા-પિતા વિરોધ કરે છે ?’

`કૃત્તિકાનાં માતા-પિતા જેવાં કોન્ઝર્વેટિવ બધાં માતા-પિતા હોતાં નથી. શિલ્પાનાં ફાધર-મધરની સંમતિથી. એના ફાધર સીરિયસ છે. એમની ઈચ્છા પુત્રીને પરણેલી જોવાની છે.’
`શિલ્પાએ વાત કરી હતી કે ફાધર સીરિયસ છે. એટલે બે દિવસથી રજા પર છે.’

`જો શિલ્પાના ફાધર જીવી જશે તો હનીમૂન માટે ગોવા જઈશું-મૃત્યુ પામશે તોપણ શિલ્પા હજુ દસેક દિવસ નહીં આવી શકે.’

`બેસ્ટ લક. શિલ્પાએ આજ સુધી રજા લીધી નથી. એને કહેજે કે તારી લાગવગ વગર પણ એને રજા મળશે. નિરાંતે આવે. તું લગ્ન પછી શિલ્પાને સર્વિસ તો છોડાવી દેવાનો નથી ને ?’

`બીજો બોસ હોત તો છોડાવવાનો વિચાર કરત.’
આકાર હસ્યો.
ચા પિવાઇ ગઈ.
દ્વિજેન ચાલ્યો ગયો.
ફોનની ઘંટડી બજી ઊઠી.
`હલો ! આકાર સ્પીકિંગ.’

`આકાર સર, બિન્ની બોલું છું.’
આકાર ચમક્યો.

`સર, સ્ટેલા અન્કલ અને મિ. `અ’ ની ચુંગાલમાંથી નાસી આવી છે, એને મદદની જરૂર છે.’
`સ્ટેલા ક્યાં છે ?’

`રૂબરૂ આવી શકશો ? તરત ? સમય ખૂબ ઓછો છે.’
`ક્યાંથી બોલો છો ?’
`ઓબેરોય સ્યૂટ નં. 303. સર. આવો છો ને ? ખૂબ મહત્વની માહિતી આપવાની છે. મારાથી ડરવાની જરૂર નથી. હું જ ડરતી ફરું છું. દરવાજા પર ત્રણ ટકોરા મારજો. હું સમજી લઈશ કે તમે છો.’
`આવું છું.’
આકારને યાદ હતું કે ડેડી અને પૂર્ણિમાબહેને પણ આવી છોકરીઓને મદદરૂપ થવું જોઈએ એમ કહ્યું હતું.
આકાર `ઓબેરોય’માં પ્રવેશી લિફ્ટ દ્વારા સ્યૂટ નં. 303 આગળ આવ્યો.

`હું ખોટું સાહસ તો નથી કરતો ને, પરોપકાર કરવાના ઝનૂનમાં ?’
ક્ષણભર આકારના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ.
આકારે સરી જતી હિંમતને એકઠી કરવા મથમણ કરી, બંધ દરવાજા પર ત્રણ ટકોરા માર્યા.
દરવાજો ખૂલ્યો.

સફેદ મેક્સી પહેરેલી બિન્નીએ દરવાજો ખોલ્યો. તે ઉદાસ હતી. આંખો લાલ હતી. ચાલ શિથિલ હતી.
મારી વાત સાંભળીને જલદી જતા રહો. સ્ટેલા મિ. `A’ ની ચુંગાલમાંથી મુંબઈ નાસી આવી છે. એક હોટલમાં મને મળી ગઈ હતી.  ડિસોઝા અન્કલ અને બીજા માણસો તેનો પીછો કરતા આવી પહોંચ્યા છે. એ તમને મળવા માગતી હતી પણ તમારી ઓફિસે તપાસ થાય અને તમને મળે તો એની સાથે તમે મુસીબતમાં મુકાઈ જાવ. મેં સ્ટેલાને સુરક્ષિત જગ્યાએ

છુપાવી દીધી છે. આ ચિઠ્ઠીમાં સરનામું છે.’
`પણ મને એ લોકો મળવા દેશે ?’

`મારી નિશાની બતાવશો,’ બિન્નીએ લોકિટ કાઢી આપતાં કહ્યું. `વધુ ખાતરી માટે કહેશો કે ગોવાથી બિન્ની પહેલાં તમારા આશ્રયે રહી હતી. તમે ખૂબ પ્રેમ આપ્યો હતો. શક્ય હોય તો તમે સ્ટેલાને સલામત જગ્યાએ હટાવશો. લોકિટમાં બન્ને બહેનોની બાળપણની તસવીરો છે.’
ફોનની ઘંટડી રણકી ઊઠી.

`ઓહ, માય ગોડ ! એ લોકો આટલા જલદી આવી પહોંચ્યા.’
`એ લોકો એટલે કોણ ?’

`અન્કલ ડિસોઝા અને મિ. `A’ના માણસો.’
`મિ. `A’કોણ છે ?’

`મને ખબર નથી. તમે જાવ, પ્લીઝ! હું તમને માહિતી આપતી રહીશ. સ્ટેલાના સમાચાર પૂછતી રહીશ. ડિસોઝા અન્કલ સાથે મેં નાટક કર્યું છે, `હું સ્ટેલાને શોધવામાં મદદ કરીશ,’ અને એમનો વિશ્ર્વાસ સંપાદન કર્યો છે.’
ફોનની ઘંટડી રણકતી હતી.

`પ્લીઝ ! ગો…’ બિન્ની ચીખી ઊઠી. તેની આંખોમાં ભયના ઓળા તરવરી ઊઠ્યા, `ફોન નહીં ઉઠાવું તો એ લોકો ઉપર આવશે. મને મારા જીવનની પડી નથી, પણ તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. જાવ….’
બિન્નીએ ફોન ઉઠાવ્યો.

આકાર પસીને રેબઝેબ બની ગયો, `પરોપકાર મોંઘો તો નહીં પડી જાય ને ? ડેડી, પૂર્ણિમાબહેન અને માધુરીને તરત વાત કરવી પડશે. નહીં તો આ રહસ્યમય પરિસ્થિતિમાં મારા પ્રત્યે અવિશ્ર્વાસ જન્મી શકે છે.’

આકાર લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. તેની નજર કાઉન્ટર પરથી ફોન કરતા ડિસોઝાની પીઠ પર પડી, `થેન્ક ગોડ. ડિસોઝાની નજર મારા પર પડી નથી.’
આકારે કારમાં બેસી એ.સી. ચાલુ કરી રૂમાલથી પસીનો લૂછી નાખી કાર મારી મૂકી.

`ઘડીમાં બિન્ની રસ્તા પર રઝળે છે. ઘડીમાં અન્કલ ડિસોઝા સાથે ઓબેરોય’ જેવી લક્ઝુરિયસ હોટલના સ્યૂટમાં દેખાય છે. આજકાલ શ્રીમંતોને ફસાવી કરોડો રૂપિયા પડાવવાની બદી ફેલાતી જાય છે. હું પણ એવી જાળમાં ધીમે ધીમે ફસાઈ રહ્યો છું કે શું ?’

આકારના વિચારો કાર કરતાં વધુ તેજ ગતિએ દોડતા હતા.

`બિન્નીમાં પરિવર્તન આવી ગયું લાગે છે. જો એમ ન હોત તો મને સ્ટેલાનો લંડનથી લખેલો પત્ર અને મારી પાસેથી પડાવી લીધેલી રિસ્ટવોચ, ડાયમન્ડ રિંગ અને ગોલ્ડન ચેન શા માટે આપી જાત ?’ આખરે સ્ટેલા એની બહેન છે. બહેનને બચાવવા માટે એ પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં મારું મન સાશંક બની ગયું છે. હું શ્રદ્ધા ગુમાવતો જાઉં છું. અશ્રદ્ધાથી કોઈ પણ ઉમદા કાર્ય ન થઈ શકે.’

આકાર ઓફિસે આવ્યો.
બિન્નીએ આપેલી ચિઠ્ઠી કાઢી.
છગન ટંડેલ-
કિનારા પરનાં ઝૂંપડાઓમાં સાતમું ઝૂંપડું.
વરસોવા-

`તો બિન્નીના કહેવા મુજબ સ્ટેલા છગન ટંડેલના ઝૂંપડામાં છે.’
આકારે ચિઠ્ઠી ખોવાઈ જાય, નામ ભુલાઈ જાય તો વાંઘો ન આવે એટલા માટે ડાયરીમાં નામ-સરનામું લખી દીધું. સાથે બિન્નીએ સ્ટેલાએ લંડનથી લખેલો પત્ર આપ્યો હતો તે પણ ડાયરીમાં મૂકી દીધો.

આકારનું ચિત્ત ઓફિસમાં ગૂંગળામણ અનુભવવા લાગ્યું. તે બંગલે જવાનો વિચાર કરતો હતો ત્યાં, ફોનની રિંગ રણકી.
મિ. આકાર સંઘવી ?’

`યસ.’ આકારને ઘેરો જાડો અવાજ સંભળાયો.
આકારને એ અવાજ પરિચિત લાગ્યો. તેને યાદ આવ્યું કે સ્ટેલા ઈન્ટરવ્યૂ આપીને ગઈ પછી એકાદ કલાક બાદ, `સ્ટેલા ખતરનાક છોકરી છે. તમે સર્વિસ આપીને મુશ્કેલીમાં મુકાઈ જશો,’ એવી ચેતવણી -ધમકી આપતો ફોન આ અવાજમાં હતો.

`મિ. આકાર, તમારી પર્સનલ સેક્રેટરી સ્ટેલા ક્યાં છે?’
`મને ખબર નથી. એ સર્વિસ છોડીને જતી રહ્યા પછી દેખાઈ નથી. તમે કોણ છો ?’

`X,Y,Z, ગમે તે હોઉં એ અગત્યનું નથી. સ્ટેલા નાસીને તમારી પાસે આવી છે. તમે એને પ્નાહ આપી છે.’
`કહ્યું ને, મને ખબર નથી.’

`નિર્દો્રષ ન બનો મિ. આકાર. તમે બિઝનેસમેન છો. સોદો કરીએ.’
`એટલે ?’

`તમે સ્ટેલાને નહીં સોંપો તો માની લઈશ કે તમને તમારી જિંદગી કરતાં સ્ટેલા પર વધુ પ્રેમ છે.’
`હું પરિણીત પુરુષ છું. સ્ટેલા માટે મને પ્રેમ નથી.’

`કોઈ પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથેના પ્રેમનો એકરાર કરે ભલા ?’
`શટ્ અપ.’

`શટ્ અપ શબ્દ તમારી અને સ્ટેલાની જિંદગીને શૂટ કરી દેશે. મારી વાત સાંભળો : સ્ટેલાને અમને સોંપી દેશો તો તમારી જિંદગી પરથી ખતરો દૂર થશે અને ઉપરથી દસ લાખ મળશે.’

`એટલે ?’
`મુંબઈમાં પૈસાની માગણી થાય છે. એક મામૂલી ગોરી ચામડીની છોકરી માટે દસ લાખ આપવા કોઈ તૈયાર નહીં થાય. બોલો, ડબલ ફાયદાનો આ સોદો મંજૂર છે ?’

`મેં કહ્યું ને, મને સ્ટેલા વિશે કાંઈ ખબર નથી.’

`સ્ટેલા બીજે જઈ ન શકે. છેલ્લી ઓફર, પંદર લાખ.’
આકારને વિચાર ઝબક્યો, `સ્ટેલાને ક્યારે, ક્યાં પહોંચાડવાની છે ?’

`તમારા બંગલે રાતે ફોન મળશે. અમારા માણસો તમને શેડો કરી રહ્યા છે. તમારી કારમાં સ્ટેલાને કહીએ તે સમયે, સ્થળે પહોંચાડી દેવાની. પોલીસની મદદ લીધી છે તો ઘણીબધી લાશો પડી જશે. એડ્વાન્સની જરૂર હોય તો તમારી ઓફિસમાં હમણાં જ પહોંચી જશે.’
ફોન મુકાઈ ગયો.

`ફોન અન્કલ ડિસોઝાનો લાગે છે. એ જાણે છે સ્ટેલા અહીં સર્વિસ કરતી હતી. સ્ટેલાના એવરગ્રીન એપાર્ટમેન્ટ્સના દસમા માળે એણે મને રાતે સ્ટેલાના ફ્લેટમાં જોયો હતો. એ સમજી બેઠો હશે કે હું સ્ટેલાના પ્રેમમાં છું એટલે જ સ્ટેલાને મેં આશરો આપ્યો છે માની ધમકી અને લાલચ આપે છે. સ્ટેલાની જિંદગી એમને મન એટલી કીમતી છે કે રૂપિયા પંદર લાખ આપવાની ઓફર કરે છે ? ઘણુંબધું વિચિત્ર બનતું જાય છે.’

આકાર બંગલે આવ્યો. ડાઈનિંગ ટેબલ પર અક્ષયકુમાર, પૂર્ણિમાબહેન અને માધુરી આકારની વ્યગ્રતાને માપતાં હતાં.

`આકાર, આજે તું મૂડમાં નથી લાગતો.’

`યસ ડેડી.’

`શું થયું ?’ આકારે બની ગયેલી તમામ વાત કરી, `ડેડી શું કરવું જોઈએ ?’

`આકાર પરોપકાર શબ્દો માત્રથી થતો નથી, એનું મૂલ્ય પણ ચૂકવવું પડે છે. અમે તારી સાથે જ છીએ. એ બે છોકરીઓનું જીવન ઠેકાણે પડશે. સાથે સાથે સ્મગલર્સની ગેંગને પકડાવવાનું કામ પણ થશે.’

`ડેડી, તમારે કમિશનર, ડી.જી.આઈ સાથે પરિચય છે. એમની સલાહ લઈ જુઓ.’ આકારે કહ્યું.

`જરૂર પડે લઈશું જ. કાનૂનની મદદ સિવાય તો આપણે કાંઈ જ ન કરી શકીએ. આપણને મળતી માહિતી પહોંચાડીને મદદરૂપ થઈ શકીએ. જો, સ્ટેલા મળી જાય તો ઘણાં રહસ્યોનો પર્દાફાશ થઈ જાય.’
`સ્ટેલા છગન ટંડેલના સાત નંબરના ઝૂંપડામાં વરસોવા મુકામે છે.’

`રાતે ફોન આવી જવા દે, પછી શું કરવું તે અંગે વિચારીશું. આજે રાતે હું અને પૂર્ણિમા પણ તારા બેડરૂમમાં રહીશું, તમને ડિસ્ટર્બ કરીશું.’
`શું, ડેડી તમે પણ! આવી પરિ-સ્થિતિમાં તમને મજાક સૂઝે છે ?’

`આવી પરિસ્થિતિમાં જ મજાક કરી, માનસિક તંગદિલી હળવી કરી લેવી જોઈએ.’
રાતે બધાં આકારના બેડરૂમમાં બેસી ફોનની રાહ જોઈ રહ્યાં. બધાંની નજર વારંવાર સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેલા ફોન પર જતી હતી, પાછી ફરતી હતી, જતી હતી. ફોનની ઘંટડી વાગી. આકાર દોડ્યો-

(અપૂર્ણ)