પવિત્ર શ્રાવણ માસ અને મુસ્લિમોના રમજાન માસનો સુભગ સમન્વય, વરૂણદેવની કૃપા સાથે ક્યાંક કૃપાનો અતિરેક જોવા મળી રહ્યો છે. અત્ર-તત્ર-સર્વત્ર વિવિધ સમસ્યાઓના વાદળો ઘેરાયેલા છે. ત્યારે ભક્તિ, સાધના, વ્રત-તપ કરી ઈશ્ર્વરને રીઝવવા દરેક વ્યક્તિ પુરૂષાર્થ કરી રહ્યો છે.
પરંતુ પુરૂષાર્થ વગર દલા તરવાડીની જેમ પ્રજાના ખર્ચે આપણા સાંસદો લાખો-કરોડોમાં આળોટી રહ્યાં છે. કોઈપણ સામાજિક, રાજકીય કે વહીવટી જવાબદારી વિના રાષ્ટ્રની પ્રજાનો ખુલ્લ્ોઆમ દ્રોહ કરી પોતાનો પગાર વધારો હસ્તગત કરી લીધો. પાકિસ્તાનના ક્રિકેટરોએ મેચ ફિક્સીંગ કરી કરોડો મેળલી લીધા એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે. આપણે ત્યાં હંમેશા એકબીજા સામે ઘૂરકતાં, આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા શાસક અને તમામ વિરોધ પક્ષોના સાંસદોએ એકબીજા સાથે પગાર વધારો મેળવવાના મુદ્દે ફિક્સીંગ કરી લીધું એવી લાગણી પ્રજાએ અનુભવી. તુમ દેખતે રહ જાઓગેની અદાથી સાંસદો વીનીંગ સીટ પર આવી ગયા. હવે સાંસદો માટે પણ આચારસંહિતા નહિ, પણ સર્વિસ રુલ્સ હોવા જરૂરી છે. સંસદમાં હાજરી, શિસ્ત, જવાબદારીની શરતો તેમજ કામચોરપણું, ધાંધલ-ધમાલ કરી સમય અને સંપત્તિના રાષ્ટ્રીય નુકસાન માટે શિક્ષાત્મક જોગવાઈઓ, પગારપંચ અને ખાસ કરીને તેમને સાંસદ પદેથી રૂખસદ કરવા પ્રજા પાસે કાનૂની હક જરૂરી છે, તે માટેનો સમય આવી ગયો છે. સપ્રિમ કોર્ટે મંત્રીઓને ટકોર કરવી પડે એ દુ:ખદ બાબત છે પણ કોને પડી છે ?
મોંઘવારી અને ભ્રષ્ટાચાર વચ્ચે પીસાતો `કોમનમેન’ આવી રહેલા તહેવારોની ઉજવણી કેવી રીતે કરી શકશે એ પણ એક પ્રશ્ર્ન છે. રાજકારણીઓ એના વિશે વિચારશે ખરા ?