આપણા ગ્રહ માટે તારણહાર બની શકે તેવો દેશ ઓમાન

આપણા ગ્રહ માટે તારણહાર બની શકે તેવો દેશ ઓમાન

- in Feature Article
614
Comments Off on આપણા ગ્રહ માટે તારણહાર બની શકે તેવો દેશ ઓમાન

ગ્લોબલ વોર્મિંગની વૈશ્ર્વિક સમસ્યા સામેનો સૌથી મોટો ઉકેલ મળી શકે તેમ છે
આપણા ગ્રહ માટે તારણહાર બની શકે તેવો દેશ ઓમાન

છેલ્લાં ઘણાં વરસોથી દરેક ઉનાળે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. ભારત સહિતનાં તમામ દેશો ગરમી તેમજ પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે હિમાલય પર્વત પરની હિમશીલાઓ પણ સતત પીગળી રહી છે. જેને રોકી શકવા હાલ આપણે કશાય નક્કર પગલાં નથી ઉઠાવી રહ્યા. કારણકે, વૈજ્ઞાનિકો પાસે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટને કેમ કાબૂમાં લાવી શકાય એ વાતનો ખાસ કોઇ જવાબ જ નથી. ગૂંગળામણ અને અસ્થમાને કારણે મૃત્યુ પામી રહેલા દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઔદ્યોગિક ક્રાંતિએ વિશ્ર્વને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડ્યું છે. જીવનને સરળ અને સુખ-સગવડભર્યું બનાવવાનાં ચક્કરમાં આપણે એક પછી એક ઉદ્યોગો ઊભા કર્યા, જેનાં પરિણામસ્વરૂપ સર્જાયું અનિયંત્રિત અને અખૂટ માત્રાનું પ્રદૂષણ..! પ્રતિ વર્ષ આપણે કેટલા ટનનો કાર્બન ડાયોકસાઇડ વાયુ વાતાવરણમાં ઠાલવી રહ્યા છીએ એ વાતનો તમને ખ્યાલ છે..! 40 અબજ ટન..! ચોંકી નહીં જતાં, કારણ કે, દિવસે ને દિવસે આ આંકડામાં વધારો થઇ રહ્યો છે. અગર નજીકનાં ભવિષ્યમાં ‘ગ્લોબલ વોર્મિંગ’ નામના ભયાનક રાક્ષસનો ઉકેલ ન શોધાયો તો પૃથ્વીને અગનગોળામાં પરિવર્તિત થતાં એકેય વૈજ્ઞાનિક રોકી નહીં શકે!

સમગ્ર વિશ્ર્વ જ્યારે કાર્બન ડાયોકસાઇડથી છૂટકારો મેળવવા ઝઝૂમી રહ્યું છે ત્યારે એક દેશ એવો છે જેને કુદરતનું સૌથી મોટું વરદાન પ્રાપ્ત થયેલું છે.! ઓમાનનાં ઇબરા પ્રદેશ ખાતે આવેલા પથ્થરોમાં એવા કેટલાક રાસાયણિક ગુણધર્મો છે જેના પ્રતાપે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોકસાઇડ વાયુ તેની તરફ ખેંચાઇને ઘન પથ્થરોનાં ટુકડાઓમાં રૂપાંતર થઇ જાય છે..! ત્યાંની શીલાઓને તમે ધ્યાનથી જોશો તો એવું લાગશે જાણે કોઇકે નિરાંતે બેસીને ‘મોઝેઇક’ પેઇન્ટિંગ ન બનાવ્યું હોય..! કાળા-ભૂખરા-ઘેરા રંગનાં પથ્થરોમાંથી પસાર થતી સફેદ અસુરેખ રેખાઓ માનવ શરીરની ધોરી નસ જેવી પ્રતીત થાય છે. આડીઅવળી દિશામાં ફંટાતી આ સફેદ રેખાઓ ખરેખર પથ્થરોની નસ નહીં, પરંતુ શોષાઇને જામી ગયેલો ઘન કાર્બન ડાયોકસાઇડ વાયુ છે.! પથ્થરોની મોટી મોટી શીલા વચ્ચે આવેલા તળાવોમાં પણ વરસોથી જામેલો કાર્બન ડાયોકસાઇડ વાયુ, સફેદ રંગની જાજમ બિછાવી પથરાયેલો હોય એવું લાગ્યા કરે છે. કોઇકવાર તાપમાન ઊંચું જતાં તળાવમાં જામી ગયેલા ઘન કાર્બન ડાયોકસાઇડનાં સ્તરનું ખંડન થાય તો થોડા સમયની અંદર જ તે આપોઆપ નવા સ્તરનું નિર્માણ કરી નાખે છે.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીનાં ભૂસ્તરશાસ્ત્રી ડો.પીટર કેલેમેન આજથી ર8 વર્ષ પહેલાં 1990ની સાલમાં સૌપ્રથમ વખત ઓમાન ગયેલા. તેમનો મુખ્ય ધ્યેય ત્યાંના ભૂપૃષ્ઠ અંગેની વિગતવાર માહિતી મેળવવાનો હતો. પૃથ્વીનાં પેટાળની સંરચના, તેનું માળખું અને તેની અંદરનાં તત્ત્વો વિશે વિસ્તૃત સંશોધન કરતી વેળાએ તેમણે નોંધ્યું કે ઇબરાનાં પથ્થરોમાં કેટલીક ખાસ પ્રકારની શિરા પસાર થઇ રહી છે, જે કાર્બનયુક્ત છે..! વધુ ઊંડાણપૂર્વકની લેબોરેટરી તપાસમાં માલૂમ પડયું કે પથ્થર સ્વરૂપે જામી ગયેલા કાર્બન ડાયોકસાઇડનાં ટુકડાઓ તો લાખો વર્ષ જૂના છે..! એ વખતે વૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું કે ઇબરાનાં પથ્થરો પાસે અમુક ખાસ પ્રકારનાં રાસાયણિક ગુણધર્મો છે. પરંતુ ઈજ્ઞ2 (કાર્બન ડાયોક્સાઇડ) વાયુનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલી બધી ધીમી છે જેમાં ઘણાં વરસો વીતી શકે! (આજથી બે દાયકા પહેલાં, પથ્થરોને લેબોરેટરીમાં મોકલી તેની ઉંમર જાણી શકવાની ટેકનિક નહોતી શોધાઇ. ફક્ત આછો પાતળો અંદાજ લગાવી શકાતો.!) પરંતુ ર007ની સાલમાં જ્યારે ફરી આ શીલાઓ પર કામ શરૂ થયું ત્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે કાર્બન ડાયોકસાઇડ ઘન પથ્થરોની સાચી ઉંમર પ0,000 વરસોથી પણ ઓછી છે! આખરે તમામ પ્રયોગો પૂરા થયા બાદ એ તારણ નીકળ્યું કે વાયુમાંથી ઘન બનવાની પ્રક્રિયા વાસ્તવમાં ખૂબ જ ઝડપી છે.

અત્યારે વૈજ્ઞાનિકો માનતા થઇ ગયા છે કે ઓમાનનાં આ પથ્થરોનો વ્યવસ્થિત અંદાજમાં મોટા પાયા પર ઉપયોગ કરવામાં આવે તો માનવજાત માટે તે અત્યંત મહત્ત્વનાં પુરવાર થઇ શકે તેમ છે. તેના લીધે ઉદ્યોગીકરણની શરૂઆતથી વાતાવરણમાં ઠલવાયેલા અબજો ટનનાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર ત્વરિત નિયંત્રણ લાદી શકાશે. નોંધનીય બાબત તો એ છે કે ઘન સ્વરૂપમાં ફેરવાયેલો કાર્બન ડાયોક્સાઇડ ફરી ક્યારેય આપમેળે વાયુ સ્વરૂપમાં પાછો નથી ફરી શકતો. જેના લીધે પ્રદૂષણની ગંભીર સમસ્યા પર પૂર્ણત: સફળતા મળવાની સંભાવના પણ ખરી!

મુદ્દાની વાત જણાવી દઉં કે કાર્બન ડાયોકસાઇડને ‘કેદી’ બનાવી શકવાના સમાચાર વિશ્ર્વના તમામ દેશોની સરકાર માટે ઘણા આશાસ્પદ પુરવાર થયા છે. હાલમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડનું સ્તર ઓછું કરવા માટે ર0 જેટલા મોટા પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યું છે. ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાને આબોહવા સાથે ભળતો અટકાવવા માટે તેનો સંગ્રહ ભૂગર્ભ ગેસ ચેમ્બરમાં થાય એ પણ આવા જ એક પ્રોજેક્ટનો નાનકડો ભાગ ગણી શકાય..! પરંતુ આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે, જેના લીધે મોટાભાગના દેશો તેને અપનાવવા નથી માગતા. બીજી બાજુ કેટલીક કંપની અને સંશોધકોએ એવા મશીનો વિકસાવ્યા છે જેની મદદ વડે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને સીધો ખેંચી શકાય! અત્યાર સુધી એવી કોઇ ટેક્નોલોજીની ખોજ નથી થઇ જે ઓમાનનાં પથ્થરોની સહાય વડે લાખો ટનનો કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી શકે.

તમને એમ થશે કે ઓમાનનાં આ પથ્થરો વળી અસ્તિત્વ કઇ રીતે પામ્યા હશે? તો એનો જવાબ પણ આપી દઉં. વાત જાણે કે એમ છે, ‘પેરિડોટાઇટ’ નામે ઓળખાતા આ ઘન પથ્થરો કુદરતી આફતો (ભૂકંપ)ને લીધે 10 કરોડ વર્ષ પહેલાં ધરતીની ઉપલી સપાટી પર આવી ગયા. સમયની સાથે ઘસારો પામી તેનો વિસ્તાર પણ ફેલાતો ગયો. ઇબરાના ર00 માઇલ લાંબા અને રપ માઇલ પહોળા પ્રદેશમાં ‘પેરિડોટાઇટ’નો વ્યાપ વધતો ગયો, જે ઓમાનની રાજધાની મસ્કતના અમુક વિસ્તારો સુધી ફેલાયો. ઉત્તર કેલિફોર્નિયા, પપુઆ ન્યુગિનીયા તથા અલ્બાનિયા જેવા અન્ય સ્થળોએ પણ પેરિડોટાઇટના પથ્થરો ઉપલબ્ધ છે પરંતુ ઓમાનની મહત્તા સૌથી વધુ એટલા માટે છે કારણકે અહીં તેની માત્રા ખૂબ વધારે પડતી છે!

ર007 થી ડો. પીટર કેલેમેન પેરિડોટાઇટના પથ્થરો પર ગહન અભ્યાસ કરી રહ્યા છે. ઓમાનમાં તેની માત્રા પાણી સાથે ભળી શકવાની ક્ષમતા, કાર્બન ડાયોક્સાઇડની ઘટ્ટતા પર પણ વિવિધ પ્રયોગો થઇ રહ્યા છે. અનેક મલ્ટિનેશનલ કંપની સાથે મળીને તેઓ પેરિડોટાઇટમાં મોટા છિદ્રો પાડવાના (40 લાખ ડોલરના) પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. પથ્થરોની નીચેનાં સ્તરનું બારીકાઇપૂર્વક નિરીક્ષણ કરવા માટે સંશોધકોની ટીમે તેમાં 1300 ફૂટનો ઊંડો ખાડો કરી નાખ્યો છે. ગયા માર્ચ મહિનામાં ખોદકામ પૂરું કરી વૈજ્ઞાનિકો અને ટેક્નિશિયનની આખી ટીમને ખાડાની તપાસ કરવાનાં આદેશ જારી કરી દેવાયા છે.

પથ્થરો મળી ગયા, પ્રોજેકટ શરૂ કરવા માટે પૂરતું ફંડિંગ આપી દેવાયું. વૈજ્ઞાનિકો પણ તૈયાર છે. આમ છતાં પ્રયોગ પર કામ કેમ શરૂ નથી થઇ રહ્યું!? મુખ્ય કારણ છે : ગતિ ! કાર્બન ડાયોક્સાઇડને વાયુમાંથી ઘન સ્વરૂપમાં ફેરવી શકવાની ક્ષમતા કુદરત પાસે છે, માણસ પાસે નહીં! આથી સૌપ્રથમ તો આપણે એવા યંત્રો વિકસાવવા પડશે જે આખી પ્રક્રિયાને અતિ ઝડપી બનાવી શકે. બીજી સમસ્યા છે, ઓમાનવાસી.! ત્યાંના સ્થાનિક નાગરિકોએ અમુક કારણોસર પોતાનાં દેશમાં પેરિડોટાઇટ પર પ્રયોગો કરવાની મનાઇ ફરમાવી દીધી છે. પરિણામસ્વરૂપ ડો. પીટર કેલેમેન સહિત તમામ ભૂસ્તરશાસ્ત્રીઓ હવે કેલિફોર્નિયામાં પોતાના પ્રયોગને આગળ ધપાવવા માગે છે. ત્રીજી સૌથી મોટી સમસ્યા છે, ખર્ચ..! વૈજ્ઞાનિકોએ એવી પણ કોશિશો કરી કે પથ્થરોને ટુકડા કરી તેનો ભૂકો આજુબાજુનાં વિસ્તારમાં ફેલાવી દેવામાં આવે! પરંતુ પેરિડોટાઇટને ધૂળ સ્વરૂપમાં ફેરવવા માટે જે યંત્રોનો ઉપયોગ થયો તેણે ઊલટું બમણી માત્રામાં પ્રદૂષણ અને ધુમાડો વાતાવરણમાં ઠાલવ્યો! લાખો-કરોડો રૂપિયા સ્વાહા થઇ ગયા એ અલગ!

ઓમાનનાં પેરિડોટાઇટ પથ્થરો પર થઇ રહેલા તમામ પ્રયોગોને સફળતા ક્યારે મળશે એ કહી શકવું મુશ્કેલ છે, પરંતુ એટલું નક્કી છે કે હાલ આપણી પાસે ઓમાન એકમાત્ર એવો દેશ છે જેની મદદ વડે ગ્લોબલ વોર્મિંગની સૌથી વિકરાળ સમસ્યાનું સમાધાન નીકળી શકે એમ છે..! આશા રાખીએ કે આપણો આવનારો સમય વધુ સ્વાસ્થ્યપ્રદ અને નિરોગી રહે!

Facebook Comments

You may also like

રાજકોટનું અનોખું રોટરી ડોલ્સ મ્યુઝિયમ

જે લોકોને એક વર્લ્ડ ટૂરનો અનુભવ કરાવે છે