ઉત્તરાયણની લુપ્ત થતી પરંપરાઓ

ઉત્તરાયણની લુપ્ત થતી પરંપરાઓ

- in Laughing Zone
62
0

–  બધિર અમદાવાદી

સોશિયલ મીડિયામાં એક હકીકતનુમા જોક ફરે છે જેમાં કહેવાયું છે કે ‘આજકાલ બોરડી પરથી બોર જાતે જ ખરી પડે છે કારણ કે, એને ખેરવનાર હાથમાં મોબાઇલ છે.’ આ કરુણતા છે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજીના વિકાસ સાથે કેટલીક કળા, કૌશલ્યો, પ્રથાઓ અને પરંપરાઓ એવી છે જે લુપ્ત થવાના આરે છે. એક આખી પેઢી લખોટી, ગીલ્લી-ડંડા અને ભમરડા રમ્યા વગર મોટી થઇ છે, એની સાથે લખોટીને આંટવાની, ગીલ્લીને ટોલ્લો મારવાની અને ભમરડામાં સાત જાળ કરવાની કળા પણ ભૂલાવાની કગાર ઉપર છે. આ તો થઇ રમતોની વાત, પણ દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોની પણ આ જ હાલત છે.
ઉત્તરાયણ તહેવારમાં લચ્છા પ્રથા કાળની ગર્તામાં ખોવાઇ ગઇ એ ચાલુ સદીના સૌથી મોટા સામાજિક પરિવર્તન તરીકે જોવાવું જોઇએ એવો અમારો આગ્રહ છે. પકડેલા પતંગનું શું કરવું એ સૌને ખબર છે. પણ સાથે આવેલી દોરીનું શું કરવું એ બાબતે આજની પેઢીમાં અંધાધૂંધી પ્રવર્તે છે. કોઇનો પતંગ પેચમાં હોય એ વખતે ઢીલમાં દોરી સાથે કપાયેલા પતંગની દોરીનું ગૂંચળું જતું દેખાય ત્યારે અમને ગઇ પેઢીના જ્યોતિર્ધરોની બેદરકારી માટે ધ્રૂસકે ને ધ્રૂસકે લાગી આવે છે. લચ્છા વાળવા કે લચ્છા મારવા એક લોકકળા હતી. તમે જીવનમાં ગમે તેટલી શ્રેષ્ઠકક્ષાના લચ્છા માર્યા હોય પણ પકડેલી દોરીના લચ્છા વાળવા એ જુદી વાત છે. જેની જન્મ કુંડળીના ધન સ્થાનનો સ્વામી ગુરુ ગ્રહ શનિ સાથે યુતિમાં હોય (ટૂંકમાં કંજૂસ) એવા જાતકો આ કળામાં પારંગત જોવા મળ્યા છે. આવા જાતકો પાસે નવી દોરીની પાંચ-પાંચ ફીરકીઓ પડી હોય તો પણ લચ્છા ઉકેલીને બનાવેલા પીલ્લાથી પતંગ ચગાવતા હોય છે. જે જાતકો લચ્છો વાળ્યા પછી એને ગૂંચ પાડયા વગર પાછો ઉકેલી પણ શકતા એમને માટે ક્ધયાઓની લાઇન લાગતી. જો કે, લગ્ન પછી આવા જાતકોના હુન્નરનો ઉપયોગ સદ્યસ્નાતા પત્નીના માથાની ગૂંચો ઉકેલવામાં થવા માંડયો અને કદાચ એ જ કારણોસર આ પ્રથા લુપ્ત નહિ તો મૃતપ્રાય તો થઇ જ ગઇ છે.
ફાટેલો પતંગ સાંધીને ચગાવવો એ પણ એક કળા હતી જેના ઉપાસકોની સંખ્યા અત્યારે ગીરના સિંહો કરતાં પણ ઓછી છે! સમાજમાં એમને પૂરતું માન પણ મળતું નથી. આજે તો હાલત એ છે કે કાચી પાંત્રીસનો માવો ખાનારને કદાચ ગર્લફ્રેન્ડ મળી જાય પણ સાંધેલો પતંગ ચગાવનારને તો વાંઢા જ રહેવું પડે. બાકી એક જમાનામાં પતંગ ઉપર એટલી ગુંદરપટ્ટીઓ લાગેલી રહેતી કે પતંગનો અસલ કાગળ કયો એ જાણવું મુશ્કેલ પડતું. પતંગની એક બાજુ ગુંદરપટ્ટીથી ભારે થઇ જાય તો બીજી બાજુ કમાન ઉપર નમણ બાંધવાના બદલે છાપાના કાગળનું પૂછડું બાંધવાનો ટૂંકો રસ્તો અપનાવનાર દીકરાને બાપ લોકો જાયદાદમાંથી બેદખલ કરવા ઉપર આવી જતા. શાકભાજી સાથે કોથમીર મરચાં મફત મેળવવાની ટેવવાળા અમદાવાદીઓ એક કોડી પતંગ સાથે બીજી એક કોડી પતંગ સાંધી શકાય એટલી ગુંદરપટ્ટી પ્રેમથી મફત માગી લેતા.
થોડી શિખામણ પતંગ કપાયા પછી દોરી લપેટવા બાબતે આપવાનું મન થાય છે. આજનો યુવાન પતંગ કપાયા પછી દોરી પાછી ખેંચતાં શરમ અનુભવે છે. દોરી લપેટવા માટે ઊંધી મૂકેલી સાઇકલ વાપરવાના પ્રયાસો થઇ ચૂક્યા છે. અહીં યુવાનોએ એક વાત સમજી લેવાની જરૂર છે કે આજે તમે દોરી ખેંચવા માટે ધાબામાં સાઇકલો ચઢાવશો પછી કાલે ‘જોર લગા કે હૈશો…’ બોલીને ટેલિફોનના કેબલો ખેંચવાવાળા મજૂરોને બોલાવશો. પછી પતંગને છૂટ અપાવવા અને ઠુમકા મારવા માટે રામલા રાખશો. તો તમે પોતે સેલ્ફી પાડ્યા સિવાય બીજું કરશો શું? અહીં કવિ કહેવા એ માગે છે કે આમાં જાતે જ મચી પડવાનું હોય બકા. હજાર કોશિશ કરીશ તો પણ દોરી ખેંચતી વખતે તું હીરો લાગવાનો નથી. ઇન ફેક્ટ જરકસી જામો, સોનેરી સાંકળીઓવાળો કોટ અને માથે રજવાડી સાફો પહેરીને દોરી ઉતારીશ તો પણ તું માંજો ઘસનારો ભૈયો જ લાગવાનો છે. જરા સમજ. દોરી હશે તો પતંગ ચગાવી શકીશ. માટે શરમાયા વગર લપેટી લેવાનું.
હવે તો પતંગોને ક્ધિના બાંધવાનું તો દૂર રહ્યું પણ ક્ધિના બાંધી અને શૂન-શૂન કરવાનું કામ પણ મમ્મીઓએ કરી આપવું પડે છે. એટલું જ નહિ, પણ ધાબામાં તલસાંકળી, બોર અને શેરડી લઇને આવનારી મમ્મીને દેશી કહીને મશ્કરી કરવામાં આવે છે. જેને બે ધાબા વચ્ચે લટકતો પતંગ લંગસીયાથી કેવી રીતે લપટાવી શકાય કે પછી લટપટીયાથી દુશ્મનનો પતંગ આપણા ધાબામાં કેવી રીતે બેસાડી શકાય એ પણ શીખવાડવું પડે એ યુવાન પાસે દેશ માટે મરી ફીટવાની આશા રાખવી નક્કામી છે. આ બાબતે સમાજ જાગૃત નહિ થાય તો ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ના નિયમ મુજબ ઉત્તરાયણનો તહેવાર પણ લુપ્ત થઇ જશે એવી અમને બીક છે.

‘પેલી છોકરી જેના મોઢા ઉપર બહુ તલ છે એનું નામ શું છે?’..‘હેતલ’.. ‘તલસાંકળી હોવું જોઇએ.’

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું