કચરો ભરેલા ટ્રકનો નિયમ

કચરો ભરેલા ટ્રકનો નિયમ

- in I K Vijaliwala
64
0

– આઈ.કે. વીજળીવાળા

…ઘણા માણસો કચરો ભરીને જતા ટ્રક જેવા હોય છે. એ લોકો કાયમ છલોછલ કચરો ભરીને જતા ટ્રકની જેમ જ આમથી તેમ ફરતા હોય છે. એ કચરાને આપણે હતાશા એટલે કે ફ્રસ્ટ્રેશન, ગુસ્સો, નિરાશા વગેરે નામ આપીશું. એમનો આ કચરો જ્યારે હદથી વધી જાય ત્યારે એ લોકો એને ક્યાંક ઠાલવવાની પેરવીમાં હોય છે.

એક માણસે સવારના પહોરમાં એરપોર્ટ જવા માટે ટેક્સી પકડી. ટેક્સી ડ્રાઇવર એકદમ હસમુખો અને વિનમ્ર હતો. એણે આ માણસને ખૂબ આદરપૂર્વક આવકાર્યો. એ બેસી ગયો પછી ડ્રાઇવરે ટેક્સી શરૂ કરી. એ લોકો હજુ તો થોડાક જ દૂર ગયા હશે ત્યાં જ અવળી સાઇડ (રોંગ સાઇડ)માંથી એક કાળા રંગની કાર લઇને એક માણસ ધસમસતો આવ્યો. ટેક્સીના ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી. બંને ગાડી સહેજમાં અથડાતાં
રહી ગઇ.
પોતે રોંગ સાઇડમાંથી આવતો હોવા છતાં પોતાનો જ વાંક હોવા છતાં કાળી કારવાળા માણસે આ ટેક્સી ડ્રાઇવરને ખૂબ ગાળો આપી. ગમે તેમ બોલી ગયો. નિર્દોષ હોવા છતાં ટેક્સી ડ્રાઇવર હસતાં મોઢે બધું સાંભળતો રહ્યો. કાંઇ જ બોલ્યો નહીં. પેલાએ એને ઉશ્કેરવા ઘણા ખરાબ શબ્દો વાપર્યા. પણ ટેક્સી ડ્રાઇવરે પોતાનું ધૈર્ય ન ખોયું. એ ચૂપ જ રહ્યો. કોઇ પ્રતિક્રિયા ન મળતાં કંટાળીને એ બેદરકાર ડ્રાઇવર બબડતો-બબડતો જતો રહ્યો. આ બધી ધમાલ વચ્ચે પણ ટેક્સી ડ્રાઇવર એકદમ શાંતિથી જાણે કાંઇ જ ન બન્યું હોય એમ બેઠો રહ્યો. પેલા ઝઘડાળુના ગયા પછી એણે ટેક્સી સ્ટાર્ટ કરી.
આ બધું જોઇને જેણે ટેક્સી ભાડે કરી હતી એ માણસને ખૂબ નવાઇ લાગી. એનાથી રહેવાયું નહીં. એણે પોતાના ટેક્સી ડ્રાઇવરને પૂછી જ લીધું, ‘અરે ભાઇ! તમારો વાંક નહોતો તો પછી તમે એને વળતો જવાબ આપીને ખખડાવી કેમ ન નાખ્યો? આપણી બ્રેક વાગવામાં જો બે જ ક્ષણનું મોડું થયું હોત તો તમારી ટેક્સી ભુક્કો થઇને ગેરેજમાં પહોંચી ગઇ હોત અને આપણે બંને હોસ્પિટલમાં! તમે આટલું બધું સાંભળી કેમ લીધું? તમને ગુસ્સો નથી આવતો? હું તમારી જગ્યાએ હોત તો ક્યારની પેલાને એનાથી પણ વધારે ચોપડાવી દીધી હોત!’
ટેક્સી ડ્રાઇવર હસી પડ્યો. એને પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપવાના બદલે સામો પ્રશ્ર્ન કર્યો, ‘સાહેબ! તમને કચરો ભરેલા ટ્રકનો નિયમ ખબર છે?’ મુસાફરે ના પાડી.
ડ્રાઇવરે કહ્યું, ‘સાહેબ! ઘણા માણસો કચરો ભરીને જતા ટ્રક જેવા હોય છે. એ લોકો કાયમ છલોછલ કચરો ભરીને જઇ રહેલા ટ્રકની જેમ જ આમથી તેમ ફરતા હોય છે. એ કચરાને આપણે હતાશા એટલે કે ફ્રસ્ટ્રેશન, ગુસ્સો, નિરાશા વગેરે નામ આપીશું. એમનો આ કચરો જ્યારે હદથી વધી જાય ત્યારે એ લોકો એને ક્યાંક ઠાલવવાની પેરવીમાં હોય છે. એમ કહો કે મોકો જ શોધતા હોય છે. એ લોકો એવું જ ઇચ્છતા હોય છે કે તમે એમનો આ કચરો સ્વીકારવાનું પાત્ર બનો. આપણે અજાણતાં જ એવું પાત્ર બની જતાં હોઇએ છીએ. એવું શું કામ થવા દેવું? એના કરતાં તો હસીને એમને માર્ગ આપી દેવો એ વધારે સારું. મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે અજાણતાં જ એનો આ કચરો સ્વીકારી લઇએ છીએ. પછી ઘરમાં, મિત્રોમાં કે આપણા કામનાં સ્થળે એ કચરો આપણે પણ ઠાલવતા રહીએ છીએ. ટૂંકમાં આપણે એમનો હાથો બની જઇએ છીએ. સાહેબ! એવા લોકો સાથે જીભાજોડી કરીને એમનો ગુસ્સો, ફ્રસ્ટ્રેશન વગેરે આપણી ઉપર લઇ લેવાનો કોઇ અર્થ ખરો? એટલે એવા કચરો ભરેલા ટ્રકને તો દૂરથી જ રસ્તો આપી દેવો. મારી દૃષ્ટિએ તો નિરાંતે જીવવાનો એ જ સાચો રસ્તો છે! કેમ સાહેબ! બરાબર ને?’
એક સાવ સાદા માણસના મોેઢે આવી અદ્ભુત વાત સાંભળીને મુસાફર અવાક્ બની ગયો. એણે ફક્ત હકારમાં માથું હલાવ્યું.

જે લોકો પ્રેમથી બોલાવે એમની સાથે પ્રેમ અને આદરથી વર્તન કરવું જોઇએ. જે લોકો આપણી સાથે ખરાબ વર્તન કરે એમના માટે પ્રાર્થના કરવી જોઇએ.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું