જળ વિના સૂનો સંસાર

જળ વિના સૂનો સંસાર

- in Cover Story
821
Comments Off on જળ વિના સૂનો સંસાર

દુનિયાની 80 ટકા ભૂમિ ઉપર પાણી છે છતાં પીવા કે વાપરવાના ઉપયોગમાં આવે એવું પાણી વર્ષોવર્ષ ઘટી રહ્યું છે વરસાદ ભલે ગમે તેટલો આવે પણ આપણે જળ સંચય કરવામાં હવામાં વાતો કરી રહ્યા છીએ. બચાવવાનું તો ઠીક પણ પાણીનો વેડફાટ અને પ્રદૂષિત કરવાનું નઠારું કાર્ય આપણે સૌ કરી રહ્યા છીએ, જે ચિંતાની વાત છે…

જળ એ જ જીવન… ઉક્તિ સાચી છે. જે હવે સમજાય છે. દુનિયાની 80 ટકા ભૂમિ ઉપર પાણી છે છતાં પીવા કે વાપરવાનાં ઉપયોગમાં આવે એવું પાણી વર્ષોવર્ષ ઘટી રહ્યું છે. વરસાદ ભલે ગમે તેટલો આવે પણ આપણે જળ સંચય કરવામાં વાદળાની માફક હવામાં વાતો કરી રહ્યા છીએ. બચાવવાનું તો ઠીક પણ પાણીનો વેડફાટ અને પ્રદૂષિત કરવાનું નઠારું કાર્ય આપણે સૌ કરી રહ્યા છીએ. આપણે પ્રકૃતિને બચાવીએ નહીં તો કંઇ નહી પણ એને કલુષિત ન કરીએ એ તો આપણા હાથની વાત છે. પાણી કુદરતે આપેલી અણમોલ ભેટ છે. માનવી જ નહીં જીવ ધરાવતી દરેક પ્રજાતિને પાણી વિના ચાલે તેમ છે જ નહીં. હવે જો પાણીનો વેડફાટ થતો જ રહે તો કહેવાય છે કે, હવેનાં યુદ્ધ પાણી માટે ખેલાશે. આ દિશામાં વિચારતાં આપણને કદાચ હસવું આવે પણ આ હકીકત છે. ચોમાસું સારું જાય એ પછી પણ ભોગવવી પડતી પાણીની તકલીફો વિશ્ર્વ સામે પડકાર છે. ગુજરાતની વાત લઇએ તો સ્થિતિ વિકટ છે. નદીઓની દેવી ગણાતી નર્મદા સૂકાઇ ગઇ છે એનાથી મોટી ગંભીર ઘટના બીજી કઇ હોઇ શકે ! જે નદીનું ધસમસતું પાણી રોકવા 132 મીટર ઉંચો વિરાટકાય નર્મદા ડેમ બનાવ્યો છે તેનો પટ સૂકોભઠ્ઠ છે. નર્મદા તો ગુજરાત માટે મા સમાન છે. માનું વાત્સલ્ય છીનવાઇ જાય તો એના સંતાનોની અવદશા થાય. નર્મદા ડેડવોટર સુધી આવી ગઇ. ગુજરાતમાં ખેતી માટે પાણી બંધ કરી દેવું પડ્યું છે. પીવાનું પાણી ય હવે નર્મદા માંડ આપી શકે છે. ગુજરાત સરકાર વારંવાર કેન્દ્રને હસ્તક્ષેપ કરવાનું કહીને મધ્યપ્રદેશ પાસેથી નર્મદામાં પાણી છોડીને ચેતનવંતી બનાવવા વિનંતી કરે છે.
દેશમાં સળંગ બબ્બે ચોમાસા સરેરાશ રહ્યાં. ચોમાસામાં ગુજરાતનાં એવા કોઇ જિલ્લા ન હતા કે જ્યાં પાણી ઓછું વરસ્યું હોય. ચેકડેમો, ખેત તલાવડી, નદી-નાળા અને કૂવા તથા ડેમો ય છલકાઇ ગયા હતા. છતાં પાણીની તકલીફ કેમ થઇ ? સવાલ અનુત્તર છે. જવાબ મળે તો એ રાજકીય છે. મધ્યપ્રદેશમાં નર્મદાનાં ઉપરવાસમાં વરસાદ ઓછો પડ્યો એટલે નર્મદા સૂકાઇ ગઇ એવો સરકારી બચાવ છે. નર્મદાનું લાખો ક્યૂસેક પાણી છોડી દઇને વેડફવામાં આવ્યું એ ય હકીકત છે. સૌની યોજના માટે હોય કે પછી ચૂંટણીમાં લોકોને પાણી બતાવવા માટે..ગમે તે કારણ લઇ લો પાણી વેડફાયું અને હવે આપણે અછતની હાલતમાં છીએ.

સરકારનાં સિંચાઇ વિભાગનાં આંકડાઓ પ્રમાણે નર્મદા ઉપર બાંધેલા સરદાર સરોવર ડેમમાં ફક્ત 31 ટકા પાણી એપ્રિલનાં અંતે હતું. ગુજરાતનાં બીજા મોટાં ડેમોની સંખ્યા 17ની છે. બધા ડેમની સરેરાશ કાઢીએ તો ફક્ત 21 ટકા જ જળરાશિ ડેમોમાં સંગ્રહિત છે. મહિસાગરનાં કડાણા ડેમમાં 59 ટકા પાણી સંગ્રહાયેલું છે. કડાણાની ક્ષમતા 1249 મિલિયન ક્યુબિક મીટર (એમએમસી) છે. પાણીનો જથ્થો એમાં 738 મિલિયન ક્યુબિક મીટર છે. સરદાર સરોવરની સૌથી વધુ 6460 એમએમસીની ક્ષમતા છે પણ પાણી ફક્ત 2989 એમએમસી છે. સૌથી નબળી સ્થિતિ મોરબીનાં મચ્છુ-2ની છે. જેમાં 88 એમએમસીની ક્ષમતા સામે 16 એમએમસી પાણી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, જામનગર અને મોરબી તમામ જિલ્લામાં પાણીની ભારે સમસ્યા છે. નર્મદા પછી સૌથી વધુ પાણીનો સંગ્રહ કરી શકતા તાપીના ઉકાઇ ડેમમાં 2020 એમએમસી પાણી છે, એની ક્ષમતા 7414 એમએમસી છે. ડેમમાં ફક્ત 27 ટકા પાણી છે. ગુજરાતનાં લગભગ તમામ ડેમો ડેડવોટર નજીક છે કે ડેડવોટર આવી ગયું છે.

ગામડે ગામડે પીવાનાં પાણીની તકલીફ છે ત્યારે હવે ખેતી માટે તો પાણી આપવાનો સવાલ નથી. નર્મદા અને તાપીમાંથી ય સિંચાઇ માટે પાણી આપવાનું માર્ચ મહિનાથી બંધ છે. નાના ડેમોની તો વાત જ થાય તેમ નથી. ગુજરાતમાં ખાસ તો અછતગ્રસ્ત રહેતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેત તલાવડી, ચેકડેમ અને બોરીબંધો બાંધવાની શરૂઆત થઇ હતી. અત્યારે લાખોની સંખ્યામાં આવા બંધ કે ડેમ છે. નવા બનતા જાય છે છતાં ય પાણીની તંગી છે. ઘણા કિસ્સામાં તો તલાવડી, ચેકડેમોે કે બોરીબંધોને લીધે મોટાં ડેમમાં પાણી આવતું નથી એવી પણ ચર્ચા થાય છે. ખેર એ ટીકાપાત્ર ન ગણાય કારણકે આવા નાના નાના ડેમો ચોમાસાં કે એ પછીના બે ત્રણ માસ સુધી ખેતી કે અન્ય ઉપયોગ માટે જળસ્રોત બની જતા હોય છે. મોટાં ડેમો તો શહેરી પ્રજાને કામમાં આવે છે પણ ગુજરાતમાં તલાવડી, ચેકડેમ કે બોરીબંધોની યોજના ગામડાંનાં આંતરિયાળ વિસ્તારોમાં રહેનારા માટે આશીર્વાદ સમા છે.
ખેર, આપણે અછત તરફ પાછા વળીએ તો પાણીની અછત કેમ થઇ એની ચર્ચાનો અંત નથી અને નિષ્કર્ષ પણ નથી. પરંતુ આપણે સૌ એટલું તો છાતી ઠોકીને કહી જ શકીએ કે આપણાથી પાણી વેડફાઇ રહ્યું છે. ઓછો વરસાદ કે ઓછો સંગ્રહ એના માટે જવાબદાર નથી જ. જો એવું કારણ હોય તો યુનાઇટેડ આરબ અમિરાત અને ઇઝરાયલ એવા દેશો છે જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે. છતાં બંને દેશોની અફલાતુન ઉપલબ્ધિ છે. યુએઇ વિશ્ર્વનું શ્રેષ્ઠ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે તો ઇઝરાયલની ખેતી દુનિયા માટે અચંબો છે. ભારતમાં તો વરસાદનું પ્રમાણ ઘણું સારું છે છતાં આપણે જ પાણીની આ અછત ભોગવી રહ્યા છીએ.

ગુજરાત સરકારે પહેલી મે થી પાણીના સંરક્ષણની યોજનાનો અમલ કર્યો છે. આખા મે માસ સુધી આ અભિયાન ચાલશે. 11 હજાર લાખ ક્યુબિક મીટર જેટલો વિસ્તાર પાણી માટે સંરક્ષિત કરવામાં આવી રહ્યો છે. 12 હજાર તળાવો અને ડેમોમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધે તે માટે તે ઊંડા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. 32 મૃતપ્રાય નદીઓને સજળ કરાશે તેવું સરકારનું લક્ષ્યાંક છે. એ ઉપરાંત 340 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા જળસ્રોતો સાજા કરવામાં આવી રહ્યા છે. એ વચ્ચે આવતી પાણીની કેનાલો પણ સાફ કરાશે. સામાન્ય લોકો, સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ અને સમાજનાં તમામ લાકો આ જળયજ્ઞમાં જોડાયા છે. જળસ્રોતોને સાજા કરવા, રિચાર્જ, પાણીનો બગાડ અટકાવવો, પાણીનું રિસાઇકલિંગ અને પાણીનો ઉપયોગ ઘટાડવા જેવા મદ્દા પર કામકાજ થઇ રહ્યું છે. ખેડૂતોને ટપક કે સૂક્ષ્મ સિંચાઇ તરફ વાળવામાં આવશે.

સરકારની યોજના ઉત્તમ છે. પાણીની તંગી સમયસર યાદ આવી એ સારી બાબત છે. જોકે, આવા અભિયાનો દર પાંચ કે સાત વર્ષે કરવા જોઇએ. માત્ર દુષ્કાળની સ્થિતિ વખતે થાય એટલું પૂરતું નથી. પાણીની અછત થાય ત્યારે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ થાય. પણ જો નિયમિત રીતે આવી ઝુંબેશ માટે બજેટ ફાળવવામાં આવે તો પાણી પહેલાં પાળ બાંધી ગણાય. ખેર, ગુજરાત સરકાર દુષ્કાળ જેવી સ્થિતિમાં જાગી એટલું ઘણું છે. જોકે હવે કુદરત પણ વહેલી જાગે અને વહેલો વરસાદ થાય તો જ પાણીની વિકટ સમસ્યા ટળે તેમ છે. તેના સિવાય હવે બીજો કોઇ રસ્તો નથી. એમાંય જો મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં ઓછો વરસાદ પડ્યો તો ગુજરાતનું આવી બને તેમ છે. કારણકે બીજા જળસ્રોતો ભલે હોય પણ નર્મદા 70 ટકા પ્રજાને પાણી આપે છે. 160 કોર્પોરેશન અને 8 હજાર ગામડાંઓ નર્મદા ઉપર આધારિત છે. નર્મદાનું પાણી જૂન સુધી જ મળે એમ છે. આપણે ત્યાં 15 જુલાઇ સુધી પાણીની આવશ્યકતા વધારે રહે છે. વહેલો વરસાદ પડે તો પણ પાણીની જરૂર જુલાઇ સુધી હોય જ છે. જો મોડું થાય તો મુશ્કેલીમાં વધારો પણ થશે.
નર્મદા અંગે ચિંતાજનક વાત કરીએ. નર્મદા જ્યાંથી શરૂ થાય છે તે મ.પ્ર.ના અમરકંટકના ડુંગરાઓથી ગુજરાતમાં પૂરી થાય ત્યાં સુધીનો વિસ્તાર 1048 કિલોમીટરનો છે. હવે આસપાસનાં વિસ્તારો સૂકાં થતા જાય છે. જંગલોનાં થતા સતત નાશ, બોક્સાઇટ મેળવવા માટે થતું માઇનિંગ, બિનખેતી, બાંધકામો અને પાણીના પ્રદૂષણને લીધે હવે નર્મદા સુધી પાણી પહોંચાડતા સ્રોતો ધીરે ધીરે ઘટતા જાય છે. અગાઉ સાત સ્રોેતને લીધે નર્મદામાં પાણી આવતું હતું પણ હવે તે ધીરે ધીરે શોષાતા જાય છે જેના કારણે નર્મદામાં આવતું પાણી ઓછું થતું જાય છે. એમાંય મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ પડે તો શું હાલત થાય તે હવે સમજી શકાય તેવું છે.

ચોમાસુ સરેરાશ વરસાદ લાવશે એવી હવામાન ખાતાની આગાહી છતાં હવે સ્થિતિ જુગાર જેવી થઇ ગઇ છે. ગુજરાતની જનતા જો અને તો વચ્ચે પાણી મુદ્દે આવી ગઇ છે. હવે કદાચ જુલાઇ સુધી તો જમીનનાં તળનાં પાણી સિવાય કોઇ સ્રોત મળે તેમ નથી. જમીનનાં તળનાં પાણી ઘણાં ઉંડે ઉતરી ગયા છે અને ઉતરતા જાય છે.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ગુજરાતનાં ઉત્તર અને મધ્ય ભાગમાં એક અભ્યાસ આદરવામાં આવ્યો હતો. એમાં એવું તથ્ય બહાર આવ્યું છે કે, 1974 પછી દરેક દાયકામાં ભૂગર્ભ જળનું સ્તર 20 મીટર જેટલું નીચે જઇ રહ્યું છે. અભ્યાસકર્તાઓએ એ પણ નોંધ્યું છે કે, ઘણાં વિસ્તારોમાં જમીનમાંથી નીકળતા જળને વધુ પડતું કાઢવામાં આવ્યું છે. કેટલાક બોર કે કૂવા તો એવા છે કે જ્યાં વર્ષોથી પાણી સિંચી લેવામાં આવે છે, પરિણામે હવે નવી પેઢી માટે આ સ્રોતો ખલાસ થઇ ગયા છે. આવી સ્થિતિ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં વધુ જોવા મળી છે.
સમુદ્રનાં પાણીને મીઠું બનાવીને પ્રજાને વાપરવા માટેનાં ડિસેલીનેશન પ્લાન્ટને પ્રોત્સાહન આપવાની સરકારે જાહેરાત કરી છે. પણ એ સમય માગી લે તેવું કામ છે. વળી, આ રીતે પાણીનો જથ્થો પણ ખૂબ ઓછો મળશે. કદાચ માત્ર પીવાના ઉપયોગમાં જ લઇ શકાય એટલું પાણી મળે તેવું ય બને. પાણીની સમસ્યાનો ઉકેલ એકમાત્ર છે કે સરકારે વધુ સંખ્યામાં અને શક્ય હોય ત્યાં નવા ડેમોનું બાંધકામ કરવું જોઇએ. એનાથી જમીનનાં તળ તો સાજા થશે જ, સાથોસાથ સ્થાનિક લોકોની જરૂરિયાત જેટલું પાણી પણ ડેમમાં વરસાદને લીધે સંગ્રહાઇ જશે. નર્મદા નદી ઉપરનો આધાર પણ ઘટી જશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય બીજી ઘણી સંસ્થાઓએ કલ્પસર પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની પાણી સમસ્યા માટે જીવાદોરી સમો ગણાવ્યો છે. કલ્પસર એવો પ્રોજેક્ટ છે કે જે ખંભાતનાં અખાતમાં વહી જતું સાબરમતી, મહી, ધાદર અને નર્મદા જેવી નદીઓનું અને વરસાદનું પાણી રોકી રાખવાનો ઉદ્દેશ ધરાવે છે. અખાતનાં પૂર્વ અને પશ્ર્ચિમ તરફ જોડતો એક ડેમ અખાત નજીક બનાવવાનો પ્રોજેક્ટ છે. રોકાયેલું આ પાણી સૌરાષ્ટ્રમાં વાળી શકાય તેમ છે. ડો. અનિલ કાણે કે જે આ પ્રોજેક્ટનાં ડિઝાઇનર છે. તેઓ 1980થી સતત કલ્પસર સાકાર થાય તે માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ કોઇ સરકારોએ આ પ્રોજેક્ટને યેનકેન પ્રકારે સાકાર થાય તેમાં રસ લીધો નથી. 2018ના વર્ષમાં આખા પ્રોજેક્ટનું ખર્ચ 90 હજાર કરોડ જેટલું થાય છે. જો સરકાર આજે આ પ્રોજેક્ટને મંજૂર કરીને કામકાજ શરૂ કરાવે તો પણ સાકાર થતાં એક દાયકો લાગી જાય તેમ છે. સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કલ્પસર યોજના બહુ જ મહત્વની છે. કલ્પસરને કારણે ચોખ્ખું પાણી તો મળશે જ એ ઉપરાંત દક્ષિણ ગુજરાત સાથે ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે અને મત્સ્ય ઉદ્યોગ પણ વધુ વિકસે તેમ છે. સરકાર કોઇપણ હોય આ પ્રકારનાં પ્રોજેક્ટ ઝડપથી આગળ નહી વધારાય તો મુશ્કેલીમાં જબરજસ્ત વધારો થવાનો એ નક્કી છે.

વોટર એઇડનાં એક અહેવાલ પ્રમાણે ભારતમાં 1.3 અબજની વસ્તી સામે 1630 લાખ લોકોને પીવાનું ચોખ્ખું પાણી ઘર પાસે કે ઘરમાં મળતું નથી. આવું તો દુનિયાનાં કોઇ દેશમાં બનતું નથી. વધતી જતી વસ્તી, કૃષિ અને ઉદ્યોગોની વધતી જતી માગ અને પાણી પુરવઠાનાં સપ્લાયનું અત્યંત નબળું મેનેજમેન્ટ જમીનમાં જળના સ્તરને સતત ઘટાડતું જઇ રહ્યું છે. આ દિશામાં હવે પાણીદાર પ્રયાસો ન થાય તો આવનારા વર્ષો પાણી વિનાના હશે. આપણે ત્યાં દુબઇ કે ઇઝરાયેલ જેવી સિસ્ટમ પણ નથી કે જેનાથી આપણે પાણીને રિસાઇકલ કરીને વાપરી શકીએ. આપણી સરકારો પાણીની વ્યવસ્થા કરે તો પણ દેશની જાગૃત જનતા તરીકે આપણી પણ ઘણી ફરજો છે. પાણીનો બચાવ અને બગાડ થતો રોકીને આપણે દેશ સેવામાં આપણું એક જરૂરી યોગદાન આપવું જ રહ્યું.

પાણીનું પ્રદૂષણ પણ અછત સર્જે છે
ભારતમાં એક તરફ પીવાના પાણીની અછત છે ને બીજી તરફ પાણીનું પ્રદૂષણ પણ ખૂબ ઉંચા સ્તરે છે. પાણીને દુષિત થવાના અનેક કારણો છે. પાણી દુષિત થવાને કારણે પણ વપરાશમાં આવી શકતું નથી. સરવાળે પાણી હોવા છતાં તંગીનો સામનો કરવાનો આવે છે.
શહેરીકરણ:-
પાછલા બે ત્રણ દાયકાઓથી શહેરીકરણ વધ્યુ છે. શહેરીકરણને લીધે પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ સામે આવી છે. પાણીનો પુરવઠો પુરો પાડવો, વેસ્ટ વોટરનું ઉત્પાદન, વોટર ટ્રીટમેન્ટ અને પાણીનો નાશ. આ બધી પ્રક્રિયાઓને લીધે પાણી પ્રદૂષિત તો થાય જ છે. જળરાશિ પણ ઘટે છે. ઘણા શહેરો અને નાના ગામો તળાવો કે નદીઓને કિનારે છે. ત્યાં વેસ્ટ વૉટર અને બગાડ અટકાવવાની કોઇ વ્યવસ્થા જ નથી. શહેરોમાં નળ વાટે પાણી આવે છે. ઉદ્યોગો પણ વાપરે છે. ખરાબ પાણી પાછું નદીમાં જાય છે. શહેરોનો વિસ્તાર નજીકનાં ગામડાંઓ સુધી ફેલાઇ ગયો છે. શહેરોની ઘણીબધી ગંદકી ગામના તળાવ કે નદી સુધી પહોંચે છે અને પાણીનો વ્યય થાય છે.
પ્રદુષિત કે વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરવામાં આપણે ઘણા પાછળ છીએ. જેટલું પણ વેસ્ટ વૉટર દેશમાં નીકળે છે તે ફરી ઉપયોગમાં લેવાતું નથી એટલે ચોખ્ખી નદીઓમાં વહી જાય છે અને સરવાળે નદીઓ પણ બગડે છે.
ઉદ્યોગો :-
ભારતની મોટાભાગની નદીઓ અને તળાવો ઉદ્યોગોના વેસ્ટ દ્વારા સૌથી વધારે પ્રમાણમાં દુષિત થાય છે. ઉદ્યોગોમાંથી ઝેરી કલર કેમીકલ અને પાણી છોડવામાં આવે છે તે નદી-તળાવો કે ડેમમાં ભળે છે. ઉદ્યોગો 83,048 એમએલડી વેસ્ટ વૉટરનું ઉત્પાદન કરે છે. એમાંથી 66,700 એમએલડી કુલીંગ વૉટર થર્મલ પ્લાન્ટ ઉત્પાદિત કરે છે. થર્મર પાવરનાં બોઇલર અને એશના તળાવો પાણીને નુક્સાન કરે છે. એન્જીનિયરીંગ ઉદ્યોગો પણ ભારતમાં સૌથી વધુ પાણી બગાડનારા ક્ષેત્રોમાં આવે છે. એ ઉપરાંત ઇલેક્ટ્રોપ્લેટીંગથી પણ પાણી દુષિત થાય છે. પેપર મિલો, સ્ટીલ પ્લાન્ટ, ટેક્સટાઇલ, ડિસ્ટીલરી, ખાતર પ્લાન્ટો અને ખાંડ ઉત્પાદકો પાણી દુષિત કરે છે.
ઘણા મોટાં ઉદ્યોગો કે કંપની વેસ્ટ વોટરનો નાશ કરી રહ્યા છીએ કે રિસાયકલ કરી રહ્યા છીએ તેવો દાવો કરતા હોય છે પરંતુ તેના પ્લાન્ટ ઘણા કિસ્સાઓમાં કામકાજ કરતા જ હોતા નથી. નાના અને લઘુ ઉદ્યોગો પણ પાણી દુષિત કરવામાં પોતાનો સહયોગ આપે છે. 30 લાખ જેટલા નાના અને કોટેજ ઉદ્યોગો ભારતમાં છે. બધા કોઇને કોઇ રીતે પાણીને વાપરવાલાયક છોડતા નથી.
કૃષિ ક્ષેત્ર:
ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડનો જથ્થો નજીકના પાણીમાં વહી જાય છે અને બગાડ થાય છે. ચોમાસું શરું થાય અને ભારે વરસાદ આવી જાય ત્યારે મોટાંભાગે ખૂલ્લામાં પડેલા પેસ્ટીસાઇડ કે ફર્ટિલાઇઝરનો જથ્થો ઓગળીને પાણીમાં ભળી જાય છે. તે આસપાસના નદી કે તળાવોમાં જતો રહે છે. આવું પંજાબ અને હરિયાણામાં ઘણીવાર બને છે. યમુના નદી આ કારણે દુષિત થઇ રહી છે. ખેતીમાં આપણે ત્યાં વહેતું પાણી પીવડાવવાનો પ્રવાહ છે. એમાં ય ઘણી વખત ફર્ટીલાઇઝર, પેસ્ટીસાઇડ, કેમીકલ અને નિંદામણ ભળે છે છેલ્લે તે નદીઓમાં વહી જાય છે. ખેડૂતોએ જરૂર પૂરતો જ ડોઝ કેમિકલ કે ફર્ટિલાઇઝરનો આપવો જોઇએ.
નદીઓ ઉપરની કેનાલ:
ભારતીય નદીઓ ખાસ કરીને હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પૂરતું પાણી હોય છે. ધસમસતી નીકળતી નદીઓ જ્યારે સપાટ મેદાનમાં હોય છે ત્યારે ત્યાં દુષિત થાય છે. ત્યાંથી કેનાલો બનાવવામાં આવી હોય છે. કેનાલો આપણે ત્યાં પ્રદૂષિત કરવામાં આવે છે આવી કેનાલોનું પાણી નદીમાં ભળીને આગળ જાય છે. યમુના નદીની વાત કરીએ તો હરિયાણાનાં તાજેવાલા સુધી હવે યમુના નદી પહોંચતી નથી. કારણકે ત્યાં ઇસ્ટ યમુના કેનાલ અને વેસ્ટ યમુના કેનાલ દ્વારા જ બધુ પાણી સિંચાઇ માટે ખેંચી લેવામાં આવેલું છે. ગંગા પણ આ રીતે કેનાલોને કારણે આગળ વધતી અટકી ગઇ છે. દિલ્હી અને કાનપુર સુધી અગાઉ ગંગાનું પાણી પહોંચતું. હવે સામાન્ય નદી જેટલું ય માંડ પહોંચે છે. ગંગા અને યમુના બન્ને નદીઓ આપણે ત્યાં ખૂબ જ પ્રદૂષિત થઇ ચૂકી છે. દેશની સૌથી મોટી નદીઓની આ હાલત છે તો નાની નદીઓની શું દશા થાય.
ધાર્મિક માન્યતાઓ તેમજ કેટલાક સામાજિક કારણો :
ધાર્મિક માન્યતાઓ અને સામાજીક ફરજોને કારણે પણ નદીઓ બગડે છે. મરેલા પશુ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ પાણીમાં પધરાવી દેવામાં આવે છે. મૃત માનવશરીરનો અગ્નિદાહ પણ નદી કિનારે કે તેના કિનારે બનાવવામાં આવેલા સ્મશાનમાં કરવામાં આવે છે. અર્ધબળેલા દેહો કે તેનો બળેલો કચરો નદીમાં ભળે છે અને દુષિત થાય છે. અસ્થિ વિસર્જન કે ધાર્મિક વિધિઓ પછી બચેલા નાળિયર, ફૂલ કે અબિલ-ગુલાલ જેવી વસ્તુઓ પણ આપણે ત્યાં નદીઓમાં વહાવી દેવાની સૂચના આપવામાં આવે છે. આ બધી કામગીરી કરોડોની વસ્તી દ્વારા થાય છે એટલે પાણી ખૂબ દુષિત થાય છે. નદીઓમાં સમૂહ સ્નાન પાણી તો બગાડે છે પણ આરોગ્ય-પર્યાવરણીય દ્રષ્ટિએ પણ સારી સ્થિતિ નથી. પાણીમાં ડૂબકી લગાવીને પાપ ધોવાની પ્રક્રિયા પણ પાણી દુષિત કરે છે. કારણકે મોટાં તહેવારોમાં કરોડો લોકો આવી ડૂબકીઓ લગાવે છે.

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019