જો વિશ્ર્વયુદ્ધ થયું તો… સીરિયા બનશે કબ્રસ્તાન

જો વિશ્ર્વયુદ્ધ થયું તો… સીરિયા બનશે કબ્રસ્તાન

- in Cover Story
582
Comments Off on જો વિશ્ર્વયુદ્ધ થયું તો… સીરિયા બનશે કબ્રસ્તાન

 

એક તરફ ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ર્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે યુ.કે. અને ફ્રાન્સ સાથે મળીને સીરિયામાં મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવાની ધમકીને હકીકતમાં સાચી ઠેરવી છે.

જગત જમાદાર અમેરિકાનું વલણ
સીરિયાની અસદ સરકારે દોઉમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરી હતી એ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીરિયા પર કાર્યવાહીની ચેતવણી આપી હતી. જે સંદર્ભમાં એમણે રશિયાનાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક ટ્વિટ કર્યું હતું. યુએસ પ્રેસિડેન્ટે એકસ્ટ્રા ઓર્ડિનરી ટ્વિટમાં રશિયાને સીરિયામાં સ્ટ્રાઇક માટે તૈયાર રહેવાની ધમકીનાં સૂરમાં લખ્યું હતું કે, ‘પોતાના જ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતા ગેસ કિલિંગ એનિમલને તમારે સહયોગ ના આપવો જોઇએ.’ અમેરિકાને જગત જમાદાર એમને એમ જ કહેવાતું નથી. અંકલ સેમ પોતાની બીમારીનો ઇલાજ તો પોતાની રીતે જ કરે છે, પણ બીજાની બીમારીનો ઇલાજ પણ પોતે બતાવે કે અપનાવે એ રીતે કરવાનો આગ્રહ કહો કે દુરાગ્રહ કે હઠાગ્રહ રાખે છે અને એમ અમલ પણ કરે છે. ઈતિહાસનાં પાનેપાનાં એના સાક્ષી છે. જો કે, અહીં આ મુદ્દે અમેરિકાનાં ટ્વિટના વળતા જવાબમાં રશિયા તરફથી એમ કહેવાયું હતું કે સીરિયા તરફ આવતી યુએસની કોઇપણ મિસાઇલ અને તેની લોન્ચ સાઇટને ટાર્ગેટ કરી નષ્ટ કરી દેવામાં આવશે. આમ પણ, રશિયાની એસ-400 મિસાઇલને વિશ્ર્વની સૌથી પ્રચંડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. જે 400 કિ.મી.ની રેન્જમાં કોઇપણ
ફાયર જેટ્સ અને મિસાઇલ્સને શૂટ કરવામાં સક્ષમ છે.

સીરિયાને મિત્ર રશિયાનું રક્ષણ
સીરિયામાં થયેલા કેમિકલ હુમલા વિશે રશિયાએ કહ્યું કે, દોઉમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેકને વ્હાઇટ હેલ્મેટ્સ રેસ્કયૂ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યા હતા. રશિયાની સંસદ ક્રેમેલિનમાં જાહેર થયેલી વિગતો મુજબ રશિયન એક્સપર્ટ્સે આ ઘટના બાદ કેમિકલનાં સેમ્પલ લીધા હતા. જેમાં કોઇ પણ પ્રકારનાં ઝેરી તત્ત્વો મળી આવ્યા નથી.

પશ્ર્ચિમી દેશો ફરી એકજૂથ- ત્રીજા વિશ્ર્વયુદ્ધનો ખતરો :-
જ્યારે યુએસ ઓફિશિયલ્સે એનાથી વિપરિત જાહેરાત કરતાં કહ્યું હતું કે, તેઓની પાસે પુરાવા છે કે સરમુખત્યાર બશર અલ-અસદે જ નિર્દોષ લોકોની હત્યા કરી છે. યુએસ ઓફિશિયલ્સનાં જણાવ્યા અનુસાર તેઓએ આ કેમિકલ એરસ્ટ્રાઇક્સનાં મૃતકોનાં બ્લડ અને યુરિન સેમ્પલ તપાસ્યા છે. આ સેમ્પલમાં ક્લોરિન ગેસ અને સેરિન જેવા નર્વ એજન્ટ (એક પ્રકારનું કાતિલ ઝેર)નાં તત્ત્વો મળી આવ્યા છે. અમેરિકાની સાથે આ મુદ્ે ફ્રાન્સ અને યુ.કે. પણ સહમત છે. આમ પણ પશ્ર્ચિમી રાષ્ટ્રોનાં હિત એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલા રહ્યા છે. પહેલું હોય કે બીજું, બેય વિશ્ર્વયુદ્ધમાં કોઇપણ દેખીતા કારણો વગર પણ એમણે એકબીજાનાં નિર્ણયોને સાચા ઠેરવવા માટે હદ બહારનાં પગલાં લીધાં છે. અમેરિકી પ્રેસિડેન્ટનાં પગલાંને યોગ્ય ઠેરવતાં ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પશ્ર્ચિમ દેશો પાસે અસદ વિરુદ્ધ પુરાવાઓ હોવાની ખાતરી આપી હતી. બ્રિટિશ પીએમ થેરેસા મેએ કેબિનેટ સાથે બે કલાક સુધી મિટિંગ બાદ યુએસને સપોર્ટ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. બીજી તરફ સીરિયાનાં સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે. અસદ હાલ તેનાં નજીકનાં મિત્રો સાથે ઇરાન પહોંચી ગયો છે. અસદનાં ઠેકાણા વિશે કોઇને જાણકારી ના મળે તે માટે એમણે ફોનનો ઉપયોગ પણ સદંતર બંધ કરી દીધો છે.

યુદ્ધ ટાળવા રશિયાનાં વિષ્ટિપ્રયાસો
પરિસ્થિતિ જોઇને યુએસ એર અને નેવીએ ઇરાન વિરુદ્ધ યુદ્ધ માટે જે સ્ટ્રાઇક ફોર્સ તૈયાર કરી હતી તે હાલ સીરિયામાં ગોઠવી દીધી છે. તો રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને તુર્કી પ્રેસિડેન્ટ રિસેપ આર્ડોગન અને ઇઝરાયલનાં પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે. આ સિવાય પુતિને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ યુદ્ધની સ્ટ્રેટેજી અંગે ચર્ચા કરી છે. રશિયા સંભવિત યુદ્ધની શક્યતાઓને ટાળવાનાં ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે. સીરિયામાં થયેલા મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ અમેરિકા-બ્રિટન-ફ્રાન્સની આક્રમક કાર્યવાહી વિરુદ્ધ રશિયાએ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)ની તત્કાળ મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં રશિયાએ આ ત્રણેય દેશોને ઉપદ્રવી ગુંડાની સાથે સરખાવ્યા અને ઇન્ટરનેશનલ લૉનું ઉલ્લંઘન કર્યાનાં આરોપો લગાવ્યા હતા. ન્યૂયોર્કમાં મળેલી સિક્યોરિટી કાઉન્સિલની આ મિટિંગમાં રશિયન ડિપ્લોમેટ વસ્લી નેબેનિઝિયાએ મિસાઇલ એરસ્ટ્રાઇક્સને વખોડી હતી. રશિયાએ સીરિયામાં થયેલા કેમિકલ હુમલાનો આરોપ સીરિયાની સ્થાનિક વોલેન્ટિયર ગ્રૂપ વ્હાઇટ હેલમેટ્સ પર લગાવ્યો હતો. ઉપરાંત રશિયાએ યુએનએસસી મિટિંગમાં અમેરિકા અને અન્ય દેશોની ‘આક્રમક’ કાર્યવાહી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે એક ક્ષણમાં જ ફગાવી દેવામાં આવ્યો. યુએનએસસીમાં રશિયાનાં પ્રસ્તાવ પર થયેલી મિટિંગમાં અમેરિકા, યુ.કે., ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્વીડન, કુવૈત, પોલેન્ડ અને આઇવરી કોસ્ટે રશિયાનાં પ્રસ્તાવ વિરુદ્ધ વોટિંગ કર્યું. આ વોટિંગમાં રશિયાની સાથે માત્ર ચીન અને બોલિવિયા જ હતું.

વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ..
બશર-અલ અસદે બળવાખોરોનાં દોઉમા શહેર પર રાસાયણિક હુમલો કર્યા પછી અમેરિકા, યુ.કે. અને ફ્રાન્સે તેના પર મિસાઇલ હુમલો કર્યો એ ઘટનાને જસ્ટિફાઇ કરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મિસાઇલ હુમલો રાસાયણિક હથિયારોનાં સ્થળે કરવામાં આવ્યો છે. તેની સાથે તેમણે કહ્યું હતું કે, સીરિયા જ્યાં સુધી આ પ્રકારનાં રાસાયણિક હુમલા નહીં અટકાવે ત્યાં સુધી અમેરિકા આ હુમલા ચાલુ રાખશે. આ મુદ્દે કડક શબ્દોમાં જવાબ આપતાં રશિયાનાં અમેરિકા ખાતાનાં રાજદૂત એનાતોલી એન્ટોનોવે સીરિયા પરનાં આ હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, મોસ્કોની ચેતવણી ધ્યાનમાં લેવામાં આવી નથી તો સીરિયાએ પણ પોતાનો મિજાજ દર્શાવતાં જણાવ્યું હતું કે, તેમનું એરડિફેન્સ અમેરિકા-ફ્રેન્ચ-બ્રિટિશ હુમલાનો પ્રતિકાર કરશે. જો કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રીતે સીરિયા પર કરેલા આ હુમલાની કાર્યવાહીને નેટોએ (નોર્થ એટલેન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) ટેકો જાહેર કર્યો છે. નેટોનાં સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેબર્ગે એક નિવેદનમાં એવો આશાવાદ સેવ્યો હતો કે આ હુમલાથી ‘સીરિયાની સરકારની સીરિયાનાં લોકો પર વધુ રાસાયણિક હુમલા કરવાની ક્ષમતામાં ઘટાડો થશે.’

આમ પણ સીરિયામાં દોઉમા વિસ્તાર વિદ્રોહીનાં હાથમાં રહેલો છેલ્લો સૌથી મોટો વિસ્તાર છે. રશિયા અને વિદ્રોહી વચ્ચે થયેલા કરાર મુજબ વિદ્રોહીનાં મુખ્ય નેતાઓ હાલ શહેર છોડીને જતા રહ્યા છે. ર016માં અલેપ્પો છીનવી લેવાયું પછી આ રાષ્ટ્રપ્રમુખ અસદનાં સૈન્યની સૌથી મોટી સફળતા છે. જો કે, સફળતા મળ્યા પછી સરકારે સપ્તાહો સુધી આક્રમણ ચાલુ રાખ્યું હતું. જેમાં અંદાજિત 1600થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તો બીજી તરફ સીરિયાની સરકારી ન્યૂઝ એજન્સી સાનાએ લશ્કરી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ઇઝરાયલનાં એફ-1પ જેટ પ્લેન મારફત લેબનીઝ એરસ્પેસમાં મિસાઇલમારો કરવામાં આવ્યો હતો. એ વાતની પુષ્ટિ કરતાં ઇઝરાયલે પોતાનો મત સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, એ તેના કટ્ટર દુશ્મન ઇરાનને સીરિયામાં થાણા સ્થાપવા કે ત્યાંથી લશ્કરી કામકાજ કરવા દેશે નહીં. ઇરાન દ્વારા સીરિયામાં લશ્કરી થાણાં સ્થાપવાની બાબતને ઇઝરાયલ મોટું જોખમ ગણે એ સ્વાભાવિક પણ છે.
આ લખાઇ રહ્યું ત્યારે છેલ્લી સ્થિતિ

આખા વિશ્ર્વમાં અમેરિકાનાં 38 જેટલા લશ્કરી થાણાં છે. જેમાંનાં એક ડઝન જેટલા તો મધ્ય એશિયાનાં કતાર, કુવૈત, સાઉદી, ઇરાક અને ઇઝરાયલમાં છે. અમેરિકાની અમેરિકા બહાર સૌથી વધુ સૈન્યશક્તિનો જમાવડો કતારના અલ ઉદેદમાં છે. તો સીરિયામાં રશિયા તો પ્રત્યક્ષ ઉપસ્થિત છે. ત્યાં એમનું નૌસેનાનું થાણું પણ છે. એ સિવાય બ્રિટન, ફ્રાન્સ અને તુર્કીનાં પણ લશ્કરી થાણાં છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો આ આખા મામલા પાછળ રોનાલ્ડ રેગન અને ગોર્બેચોવેે કરેલી સંધિ ઉપરાંતનું શીતયુદ્ધ ફરી વકર્યું છે. મૂળે અમેરિકા અને રશિયાનાં શીતયુદ્ધને લીધે જ આ પરિસ્થિતિ નિર્માઇ છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે છેલ્લી સ્થિતિ એવી છે કે સીરિયાની સીમાઓ ઉપર વિશ્ર્વ સુપરપાવર દેશોનાં સૈન્યોનો ખડકલો થઇ રહ્યો છે. દરેકને આ મુદ્ો પોતાના ઘરનો લાગે છે. પરંતુ હકીકત કંઇક જુદી જ છે. કોઇકને પોતાનાં હથિયારનો બિઝનેસ વધારવો છે તો કોઇકને વૈશ્ર્વિક ધાક બનાવવી છે, તો કોઇકને પોતાનાં જૂના હિસાબ-કિતાબ ઠીકઠાક કરી લેવાની પડી છે. પરંતુ સંજોગોવશ જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થયું તો સ્વાભાવિક રીતે સીરિયા એ કબ્રસ્તાનમાં પલટાઇ જશે. કારણ કે, હવે જે શસ્ત્રોનો પ્રયોગ થાય છે એ સામાન્ય શસ્ત્રો નથી.
વિજ્ઞાનનો ઉપયોગ આપણે જાણે કે માત્ર વિનાશ માટે જ કર્યો હોય એવું એક વરવું ચિત્ર ઊભું થઇ રહ્યું છે. અત્યાર સુધી કહેવાતું રહ્યું હતું કે, ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે તો પાણી માટે થશે, પણ સમય અને સંજોગ જરા જુદી દિશા અને વિષય લઇ રહ્યા છે.

 

Facebook Comments

You may also like

ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિ. દ્વારા 14મા ‘પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડસ-2019’નું થયું ભવ્ય આયોજન

ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સમારોહનો દીપ પ્રાગટ્ય