દિવાળી : બોનસથી બોણી સુધીનું પર્વ

દિવાળી : બોનસથી બોણી સુધીનું પર્વ

- in Cover Story
398
Comments Off on દિવાળી : બોનસથી બોણી સુધીનું પર્વ

આપણે એ ગુજરાતીઓ છીએ જે નવરાત્રિથી બેસતા વર્ષ સુધીમાં આખા વર્ષનું કમાઇ લેતા હોઇએ છીએ..અને દિલથી પર્વની ઉજવણી કરીએ છીએ. કહેવત છે કે ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે!’ આ કહેવતમાં એક અર્થ એવો પણ નીકળે છે કે મામાને ત્યાં દીવો બળે છે તેથી સાચી દિવાળી મામાના ઘરે જ છે…!
અંકિત ત્રિવેદી

વિશ્ર્વ પર વસતો પ્રત્યેક જણ ‘ઉત્સવપ્રિય માણસ’ છે. જાતિ, ધર્મ, ભેદ, સંબંધો બધાના લીધે કારણસર અથવા કારણ વિના એ ઉત્સવો ઉજવે છે. ‘ઉત્સવ’ શબ્દ પછી કશું જ નથી ગુજરાતીઓ માટે! પ્રસંગ, ઉજાણીથી શરૂ થયેલી વાત પ્રસંગનો ઉત્સવ અને ઉજાણીના ઉત્સવમાં જ છે. એમાંય આપણે ગુજરાતીઓ ઉજવવાની બાબતમાં વધારે આગળ નીકળી ગયા છીએ! પાર્ટીમાં સામેલ થવું એ આપણા માટે સહજ છે! ગુજરાતીઓની એક વિશેષતા મને બહુ જ ગમે છે. આપણે બધા અઠવાડિયું-દસ દિવસ થાક ઉતારવા માટે બહારગામ જઇએ અને ઘરે આવીને ત્રણ-ચાર દિવસ બહારગામ જવાનો થાક ઉતારીએ છીએ! થાક ઉતારવાનો પણ આપણને થાક લાગે છે! આ પ્રજાના સ્વભાવમાં ભલમનસાઇ છે, જેને લોકો આળસમાં ખપાવે છે. ઘણાં કહે છે કે ગુજરાતી ચાંદ ઉપર જશે તો બે રોકેટ લઇને જશે. એકમાં એ પોતે હશે અને બીજામાં ખાખરા, થેપલા, અથાણું હશે! મને લાગે છે કે ગુજરાતી કોઇ દિવસ ચાંદ પાર જવાના પૈસા બગાડે જ નહીં! અને એ પણ વળી પોતાને માટે? આ જરા વધારે પડતું ન કહેવાય? એ તો સૌથી પહેલાં ચાંદ પર ગયેલા નીલ આર્મસ્ટ્રોન્ગથી લઇને છેલ્લી શોધ સુધીની ડીવીડી ઘર આખાની સાથે પોતાના ટીવી સેટ પર જુએ! (ઉજવણીનું નવું બહાનું એના ખિસ્સામાં જ હોય!) ઘર આખાને સાથે ન લઇ જવાય ત્યાં એકલા કેવી રીતે જવાય? એમ કહીને પોતે પોતાના ઘરનો કેટલો ખ્યાલ રાખે છે એની ચર્ચા કરે. આપણે એ ગુજરાતીઓ છે જે નવરાત્રિથી બેસતા વર્ષ સુધીમાં આખા વર્ષનું કમાઇ લેતા હોઇએ છીએ. અને પછી આરોગ્ય પ્રમાણે ખોરાક લેવાનું વચન આપીને ‘જીભ’ પાસે ‘ઓવરટાઇમ’ કરાવીએ છીએ. ગુજરાતીઓને ભગવાને ખૂબીથી નહીં, બખૂબીથી બનાવ્યા છે.

પહેલાં પત્ની પિયરમાં જઇને દિવાળી ઉજવતી. વળી આપણે ત્યાં કહેવત પણ આવી કે ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે!’ આ કહેવતમાં એક અર્થ એવો પણ નીકળે છે કે મામાને ત્યાં દીવો બળે છે. તેથી સાચી દિવાળી મામાના ઘરે જ છે! હવે ‘મામા’નો અર્થ જ બદલાઇ ગયો છે. ‘મામા’ તો આપણે ‘બનાવીએ’ છીએ. અથવા ‘મામા’ રસ્તા પર ઊભા ઊભા ‘તોડ’ કરે છે. (કહેવત એ રીતે સાચી ઠરે છે કે સાચી દિવાળી ત્યાં જ છે!) હવે પિયરને પીપળેથી પારેવડું નથી આવતું! ‘સાળો’ દિવાળી કરવા પારેવડાંના (પતિના) ઘરે આવે છે. પિયરથી આવેલી કોઇ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનો સહજ સ્વીકાર જ કરવાનો! સાળાથી સેફ્ટીપિન સુધીની આ વાત છે. દિવાળી એમ જ થોડી ઉજવાય છે?
બીજામાંથી આનંદ લેતાં આપણી પ્રજાને સારી રીતે આવડે છે. એટલે જ એ મીઠાઇઓમાં પૈસા વધારે અને ફટાકડા ફોડવામાં ઓછા પૈસા ખર્ચે છે. બીજો ફટાકડા ફોડે ત્યારે એ ફૂટતા ફટાકડા જોવાનો આનંદ શાંતિથી લે છે. શરીરને મહેનત અને ખિસ્સાને શ્રમ પડે એના કરતાં આંખોને આનંદ આવે એવું જોવાનું એને વધારે ગમે છે. ફટાકડાથી એટલે જ એ દૂર રહે છે અને બીજાને ફટાકડા ફોડવા માટે ઉશ્કેરે છે.

ગુજરાતીઓ ગુજરાત બહારના કોઇ દેશમાં મળે ત્યારે ગુજરાત આખાનો ભાર એની સલાહો આપવાની વૃત્તિને કારણે જ હળવો થયો છે એવું બીજા પ્રદેશો-દેશોને જતાડે! સામેવાળી વ્યક્તિ પણ એને સાંભળે ત્યાં સુધી ‘ભ્રમ’માં જ રાખે છે. છૂટા પડયા પછી ગુજરાતીઓ તદ્દન જુદી જ વ્યક્તિ આગળ પોતાની ડંફાસોનું હૃદય ખોલે છે. ‘એક ઘા અને બે કટકા’ની ભૂમિ છે ગુજરાત! એ વાતે વાતે ખોટું ના લગાડે. સાચ્ચું જ લગાડે. એટલે જ એક સાથે થતા સોદામાં એને વધારે ફાયદો થાય છે.

આપણી ગુજરાતી પ્રજા હસતી-રમતી પ્રજા છે. એની એક આંખમાં આંસુ છે અને બીજી આંખમાં હાસ્ય છે. અથાણાંની જેમ પોતાની જાતને આથીને આખું વર્ષ સાચવતી અને એ જ રીતે જિંદગી પસાર કરતી પ્રજા છે. ઘરમાં આવવાના મહેમાનો માટે એ એક જ ડિશમાં મઠિયાં, સુંવાળી, ઘુઘરા, મીઠાઇ બધી જ વાનગીઓ મૂકે છે અને પછી પોતે જ એમાંથી વધારે ખાય છે. આ જ કારણે પત્નીનો ગુસ્સો પણ સહન કરી લે છે. અલગ અલગ સ્વાદને એક સાથે ચાખીને પેટ ભરવાનો કસબ ગુજરાતીઓમાં વિશેષ છે. વાનગી અને દીવાનગી તેમનો સાચો પ્રચાર છે. ગુજરાતીઓમાં રમૂજવૃત્તિ ભારોભાર છે. ગુજરાતી મનમાં મૂંઝાય પરંતુ બહાર તો બીજાને મૂંઝવે! ભલેને સામેવાળો પણ ગુજરાતી જ હોય! ગુજરાતીને એરપોર્ટ કે ટ્રેનમાં તમે ક્યારેય ઉદાસ નહીં જુઓ. એ ઊલટાનું ન આવડતી અંગ્રેજીમાં તમારી સાથે તમને જ ક્ષોભમાં મૂકી શકે છે. ગુજરાતીઓ કોઇપણ ભાષા બોલે એ હંમેશાં ગુજરાતી જ લાગે છે. આપણે જેવા છીએ એવા ગુજરાતી છીએ એ જ મોટી વાત છે. ગુજરાતીની દિવાળી એટલે ‘ટોડલે બેઠા મોરના કલશોર’ની દિવાળી. ‘ગોરસ’ આપવા વહેલી સવારે હવે કોઇ નથી આવતું, છાપાવાળા જ આપી જાય છે! ગુજરાતીઓ વર્ષમાં બે વાર મંદિરે અચૂક જાય છે.. એક પોતાના જન્મદિને અને બીજું બેસતા વર્ષે. પ્રત્યેક બેસતા વર્ષને ગુજરાતી સ્વજનની જેમ આવકારે છે. કારણ કે, પ્રત્યેક બેસતું વર્ષ પછીના વર્ષે ખસીને નવા વર્ષને આવકારવા જગ્યા ખાલી કરી આપે છે. બોલો, આનાથી ભાગ્યશાળી પ્રજા બીજી કઇ હોય? બોનસથી બોણી સુધીનું આ પર્વ સૌને ફળે એવી ‘ઓફબીટ’ શુભેચ્છાઓ…

મસ્ત રહેઈેં… સ્વસ્થ રહેશે…
શરીર, હૃદય ને મન…
સૌને નૂતન વર્ષાભિનંદન…

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019