પરખ ભટ્ટ
દરેક સમુદાય પાસે પોતાનો અલાયદો ધાર્મિક ગ્રંથ છે, જેમાં જીવનને સુચારુ તેમજ નીતિ-ધર્મ સાથે જીવવાના
સંદેશ આપવામાં આવ્યા છે. આ સંદેશાઓને શક્ય એટલા સરળ અને રસપ્રદ રીતે કહેવા જરૂરી છે. અત્રે એવા
દસ સ્પિરિચ્યુઅલ લીડર્સ વિશે વાત કરીએ, જેમણે ધર્મ સાથે મિત્રતા બાંધી વિશ્ર્વને એનો પરિચય કરાવ્યો છે…
‘ઇશા ફાઉન્ડેશન’ના સ્થાપક અને ભારતના સ્ટાઇલિશ મોડર્ન ગુરુમાં જેમની ગણના થાય છે એવા જગ્ગી વાસુદેવનો જન્મ મૂળ તો કર્ણાટકના મૈસુરમાં 3 સપ્ટેમ્બર, 19પ7ના રોજ થયો હતો. જગદીશ વાસુદેવને હાલ આપણે સદ્ગુરુ તરીકે ઓળખીએ છીએ. નાનપણથી યોગ-અધ્યાત્મનો પૂરેપૂરો અભ્યાસ એટલે મોટા થઇને પણ કુદરત અને પ્રકૃતિના ખોળે બેસીને પ્રવાસો સાથે તાદાત્મ્ય જળવાયેલું રહ્યું. ર3 સપ્ટેમ્બર, 198રનો બપોરનો સમય…જગ્ગી વાસુદેવને ‘ચામુંડી’ ટેકરી પર લગભગ સાડા ચાર કલાક સુધી કોઇક અલૌકિક પ્રકારની શક્તિનો અહેસાસ થયો. તેમને પોતાનું જીવન અધ્યાત્મ માટે સમર્પિત કરી દેવું જોઇએ એવી ભાવના થઇ આવી! 199રની સાલમાં સદ્ગુરુએ ‘ઇશા ફાઉન્ડેશન’ નામના નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. જેમાં વિવિધ પ્રકારની યોગક્રિયાનો અભ્યાસ કરાવવામાં આવે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, આજદિન સુધીમાં તેમણે કોઇ પ્રકારના ધર્મગ્રંથો, ગીતા, કુરઆન, બાઇબલ, વેદ-પુરાણનું અધ્યયન નથી કર્યું! આજે ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં તેમની સ્પિરિચ્યુઅલ લીડરશિપ હેઠળ કરોડો ભક્તો ધર્મ પ્રત્યેની આસ્થામાં તરબોળ થઇ રહ્યા છે.
ભારતની સાથોસાથ અમેરિકામાં પણ પોતાની ઓશોવાણી થકી એટલા જ લોકપ્રિય થયા છે એ આચાર્ય રજનીશ, જીવનભર ઘણા બધા વિવાદોની વચ્ચે ઘેરાયેલા રહ્યા છે! કેટલાકે એમને સ્પિરિચ્યુઅલ ગુરુ કહ્યા, તો કેટલાકે સેક્સ ગુરુ! મધ્યપ્રદેશના એક નાનકડા ગામડામાં પરિવારના અગિયારમા સંતાન તરીકે જન્મેલા ઓશો ધાર્મિક બાબતો અંગે ઘણી જ કટ્ટર વિચારધારા ધરાવતા હતા. તેમનું બાળપણનું નામ ચંદ્રમોહન! ઓશોવાણીમાં તેમણે બહુ બધી વખત તમામ ધર્મો વિશે થોડી અલગ રીતે નોન-ઓર્થોડોક્સ સ્ટાઇલમાં વાતો કરી છે, જેના લીધે તેમનો વિરોધ કરનારાઓની સંખ્યાનો કોઇ તોટો નહોતો. તેમની વાણીમાં એવા પ્રકારનો જાદુ હતો કે ઇચ્છા હોવા છતાં પણ તેમના વિરોધીઓને દલીલ કરવા માટેના મુદ્દા નહોતા મળી શકતા. થોડા સમય પહેલાં જ નેટફ્લિક્સે ઓશોના જીવન પર ‘વાઇલ્ડ વાઇલ્ડ ક્ધટ્રી’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ રીલિઝ કરી છે. તેમના ઓરિજિનલ વીડિયો અને ભક્તગણના ઇન્ટરવ્યૂ થકી સીરિઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પૂરવાર થઇ છે.
સન 1910માં સ્વામી યુક્તેશ્ર્વર ગીરી પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યા બાદ શ્રી પરમહંસ યોગાનંદ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતા અમેરિકનોને યોગ શીખવવાના શરૂ કર્યા. અમેરિકામાં યોગ-કલ્ચર શરૂ કરનારા પાયારૂપ ગુરુની યાદીમાં તેમનું નામ આજે પણ મોખરે છે. ‘ફાધર ઓફ યોગ’ (યોગ-પિતા)ના હુલામણા નામે જાણીતા શ્રી પરમહંસ ગાનંદના પુસ્તક ‘ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’નો સમાવેશ ર0મી સદીના સૌથી મહત્ત્વના 100 આધ્યાત્મિક પુસ્તકોમાં થાય છે! મૃત્યુના થોડાં દિવસ અગાઉ એમને પોતાના દેહાવસાનનો પૂર્વાભાસ થઇ ચૂકયો હતો. આથી 7 માર્ચ, 19પરના રોજ તેમણે જાતે જ મહાસમાધિ લઇને નશ્ર્વરદેહનો સદાયને માટે ત્યાગ કર્યો!
સ્વામી વિવેકાનંદ…આ વિભૂતિ વિશે આમ તો કશું કહેવા જેવું છે જ નહીં. સમગ્ર વિશ્ર્વ એમના તેજોમય વ્યક્તિત્વથી બહુ જ સારી રીતે પરિચિત છે. 19મી અને ર0મી સદીમાં ભારતીયોના દિલમાં રાષ્ટ્રવાદ ગાવવા પાછળ તેમનો ફાળો ઘણો અગત્યનો રહ્યો. 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગો વિશ્ર્વ ધર્મ પરિષદ ખાતે તેમણે આપેલી સ્પીચના પડઘા હજુ સુધી પશ્ર્ચિમી જગતમાં સંભળાતા રહ્યા છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં અતૂટ વિશ્ર્વાસ ધરાવનારા સ્વામી વિવેકાનંદનું સૌથી નોટેબલ વર્ક-કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ છે. ભગવદ્ગીતા, વેદ-પુરાણ અને ઉપનિષદના પ્રખર જ્ઞાતા એવા સ્વામી વિવેકાનંદની યાદીમાં આજે પણ આપણો દેશ દર વર્ષે 12મી જાન્યુઆરીએ ‘નેશનલ યૂથ-ડે’ની ઉજવણી કરે છે.
ઘાટ્ટા મરુન અને ચળકતા પીળા રંગનો પારંપરિક પોશાક પહેરતા બૌદ્ધ તિબેટિયન સાધુની વાત નીકળે ત્યારે દલાઇ લામાનો ઉલ્લેખ એમાં સૌ પ્રથમ કરવો પડે. એમનું મૂળ નામ તેન્ઝિન ગ્યાત્સો! 1935માં જન્મેલા દલાઇ લામાની ઉંમર જિંદગીના આઠ દાયકા પૂરી કરી ચૂકી છે. ફક્ત સ્પિરિચ્યુઅલી જ નહીં, પરંતુ રાજકારણ અને મીડિયા ક્ષેત્રે પણ તેમનું નામ સતત ગૂંજતું રહે છે. તેઓ 1989ની સાલમાં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ જીતી ચૂક્યા છે. પોતાને ‘દલાઇ લામા’નો 13મો અવતાર માનતા તેન્ઝિન ગ્યાત્સોએ ઘણી વખત ઇન્ટરવ્યૂમાં એમના હવે
પછીના આખરી ‘દલાઇ લામા’ અવતાર વિશે આશંકા વ્યક્ત કરી છે.
રોમન કેથલિક ચર્ચના ર66મા પોપની ગાદી પર બિરાજમાન પોપ ફ્રાન્સિસ, અમેરિકાના પહેલા નોન-યુરોપિયન પોપ છે! આર્જેન્ટિના ખાતે જન્મેલા જોર્જ મારિયો બર્ગોગ્લિયો ઉર્ફે પોપ ફ્રાન્સિસે અભ્યાસકાળ દરમિયાન કેમિકલ ટેક્નિશિયન તરીકે પણ કામ કર્યું છે. પાદરી બનવા પ્રત્યેનો તેમનો પોતાનો ઉત્સાહ એમને ધીરે ધીરે અધ્યાત્મના માર્ગે દોરી ગયો. 81 વર્ષના પોપ ફ્રાન્સિસે હોમોસેક્સ્યુઆલિટીની તરફેણમાં પોતાનો મત આપ્યો છે.
યુનાઇટેડ કિંગ્ડમ (યુ.કે.)માંથી ઉચ્ચ ડિગ્રી મેળવીને અધ્યાત્મ સાથે નાતો જોડનારા શ્રી ઓરોબિંદો હાલ તો આપણી વચ્ચે મોજૂદ નથી. એમનું આખું નામ હતું આોરોબિંદો ઘોષ! સિવિલ સર્વન્ટ તરીકે ‘મહારાજા ઓફ સ્ટેટ ઓફ બરોડા’ને ત્યાં સેવા આપી ચૂકેલા શ્રી ઓરોબિંદો બ્રિટિશકાળ દરમિયાન અંગ્રેજોના શાસન વિરુદ્ધમાં ઘણાં પ્રવૃત્ત રહ્યા. એ વખતે જ તેમનું નામ યોગિક-સ્પિરિચ્યુઅલ ગુરુ તરીકે ઊભરી રહ્યું હતું. એપ્રિલ, 1910માં કોઇને કહ્યા વગર તેઓ પોંડિચેરી શિફ્ટ થઇ ગયા. જેથી એક નવી આધ્યાત્મિક જિંદગીનો પ્રારંભ કરી શકાય. સાહિત્ય
અને શાંતિવાહક એમ બંને કેટેગરી માટે એમને નોબેલ પ્રાઇઝ નોમિનેશન મળ્યું હતું. ‘શ્રી ઓરોબિંદો આશ્રમ’ સ્થાપ્યા બાદ 19પ0માં તેમનું દેહાવસાન થયું હતું.
ફક્ત સાત વર્ષની ઉંમરથી પૂજાપાઠમાં લીન થઇ ચૂકેલા શ્રી શાંતિલાલ મોટા થઇને ઇશ્ર્વરભક્તિમાં સમર્પિત થઇ ગયા. 18 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજની ઇચ્છાથી તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી આધ્યાત્મિકતાના પંથ પર પ્રયાણ કર્યું. માનવ અવતારે જીવી ગયેલા ઇશ્ર્વરની વાત છે આ ! 1100થી વધુ મંદિરોનું નિર્માણ, દેશ-વિદેશના કુલ 17,000 ગામો-શહેરોમાં પ્રવાસ, 7,60,000 કરતાં પણ વધુ પત્રોનો લેખિત જવાબ, 8,10,000થી વધુ લોકો સાથે રૂબરૂ થનાર એકમાત્ર સંત એટલે મીનારાયણ સંપ્રદાયના વિશ્ર્વવંદનીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. સ્વામીનારાયણ સંપ્રદાયની કીર્તિ-પતાકાને વિશ્ર્વભરમાં ફેલાવવામાં તેમનો પ્રમુખ ફાળો છે..
ફક્ત 17 વર્ષની કાચી ઉંમરે વૈદિક લિટરેચરમાં ડિગ્રી હાંસલ કરી ચૂકેલા શ્રી શ્રી રવિશંકર મહારાજે ચાર વર્ષની ઉંમરે પોતાના માતા-પિતા સાથે બેસીને ધ્યાન-પ્રાણાયામ કરવાનું શરૂ કરી દીધું હતું! 198રની સાલમાં ‘આર્ટ ઓફ લિવિંગ’ની સ્થાપના કર્યા બાદ તેનો સૌ પ્રથમ પ્રયોગ યુરોપ, સ્વિત્ઝર્લેન્ડ ખાતે કરવામાં આવ્યો. 80ના દાયકાના અંતિમ ચરણમાં તેમણે ‘સુદર્શન ક્રિયા’ વડે શ્ર્વાસોચ્છવાસ પર નિયંત્રણ લાવવા વિશેનું જ્ઞાન પૂરું પાડયું. 1પરથી વધુ દેશોમાં આર્ટ ઓફ લિવિંગની વિવિધ શાખાઓ ખોલ્યા બાદ ‘ફોર્બ્સ ઇન્ડિયા ર009’ના સૌથી પાવરફૂલ લોકોની યાદીમાં તેમને પાંચમું સ્થાન મળ્યું છે. તદઉપરાંત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો તરફથી અગણિત સન્માનપત્રો અને એવોર્ડ્સ તો ખરા જ! ગૌરવપ્રદ વાત એ છે કે, અમેરિકન નાસા વૈજ્ઞાનિકોને ‘આર્ટ ઓફ લિવિંગ’નો કોર્સ તેમની ટ્રેનિંગ-પ્રોગ્રામ અંતર્ગત ભણાવવામાં આવે છે.
જન્મ સમયે ચહેરા પર અલૌકિક મલકાટ સાથે જેમણે સૃષ્ટિમાં પ્રવેશ કર્યો એવા માતા અમૃતાનંદમયી વિશે એવું કહેવામાં આવે છે કે જન્મતાંવેંત જ તેમને સૃષ્ટિની ક્ષણભંગૂરતાનો અહેસાસ થઇ જવાને કારણે તેઓ રડ્યાં નહોતાં! બાળપણમાં સુધામણિના હુલામણા નામે જાણીતા માતા અમૃતાનંદમયીને પુખ્ત વય સુધીમાં પોતાની અંદર જગત માતાનો વાસ હોવાની પ્રતીતિ થઇ આવી. પોતાના ભક્તોને આશીર્વાદ આપવાની તેમની રીત અન્યો કરતાં ઘણી અલગ છે. તેઓશ્રી એમની શરણે આવેલા ભક્તજનને ગળાસરીખો ચાંપીને એને મમતાસભર આલિંગન આપે છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્ર્વના કુલ 3 કરોડ 30 લાખ કરતાં પણ વધુ ભક્તજનોએ માતા અમૃતાનંદમયી પાસેથી આલિંગન મેળવી મમતા અને વ્હાલનો અનુભવ કર્યો છે.