નિ:સ્વાર્થ સ્નેહ…

નિ:સ્વાર્થ સ્નેહ…

- in I K Vijaliwala
367
Comments Off on નિ:સ્વાર્થ સ્નેહ…

એક મોટા શહેરનાં ફૂટપાથ પર એક વૃદ્ધા ફળોની લારી લઇને ઊભી રહેતી. આખા દિવસમાં જે કાંઇ ફળો વેચાય એમાંથી એનું ગુજરાન ચાલતું. સાવ એકલે પંડે રહેતાં માડીની જરૂરિયાતો સાવ ઓછી હતી. એટલે જે કાંઇ મળે એમાંથી એમનું પૂરું થઇ જતું.

એ જ શહેરમાં રહેતો એક યુવાન ઓફિસર અને એની પત્ની માડીનાં કાયમી ગ્રાહક હતાં. રોજ સવારે એ લોકો માડી પાસેથી સંતરાં ખરીદતાં. સંતરાં જોખાવી લીધા પછી એ યુવાન પોતે ખરીદેલ સંતરામાંથી એક સંતરું કાઢતો. એને છોલીને એક ચીર(કટકો) ચાખ્યા પછી એ બોલતો, ‘માડી! આ ચાખો તો! મને આ સંતરું બરાબર મીઠું હોય એવું નથી લાગતું.’

માડી સંતરું ચાખતાં અને કહેતાં, ‘ના બાબુ! આ તો એકદમ મીઠું છે. તમને કેમ એ ખાટું લાગ્યું?‘
‘એમ? તો તો બાકીનાં બધાં સંતરાં મીઠાં જ હશે!’ એટલું કહી, પેલો ઓફિસર છોલેલું સંતરું ત્યાં જ છોડીને આગળ વધી જતો.
માડીની બાજુમાં ઊભી રહેતી એક શાકવાળી બાઇ અને પેલા ઓફિસરની પત્ની આ ખેલ રોજ જોતાં.
એક દિવસ એ ઓફિસરની પત્નીએ પૂછ્યું, ‘આપણે જાણીએ જ છીએ કે એ માડી હંમેશાં મીઠાં સંતરાં જ રાખે છે અને આપે છે, તો પણ તમે આ રોજ રોજ ચાખવાનું અને મોઢું બગાડવાનું નાટક શું કામ કરો છો?’ પેલા યુવાને જરાક હસીને જવાબ આપ્યો, ‘અરે પાગલ! માડી તો આપણને ખૂબ મીઠાં સંતરાં જ ખવડાવે છે. પણ તેં જોયું? એ પોતે ક્યારેય સંતરાં ખાતાં નથી. આ ચાખવાના બહાને હું આપણા સંતરામાંથી રોજ એક સંતરું એને ખવડાવી દઉં છું. આમ પણ એ મારી બાની ઉંમરનાં છે. એમને ખવડાવીને મને ગામડે બેઠેલી મારી બાને ખવડાવ્યું હોય એટલો આનંદ થાય છે!’ એની પત્નીને પ્રથમ વખત આ નાટકનો અર્થ સમજાયો હતો.

આ તરફ માડીની બાજુમાં ઊભી રહેતી પેલી શાકવાળી બાઇએ પણ એક દિવસ માડીને પૂછી જ લીધું, ‘માડી! પેલો માણસ રોજ સંતરાં ખરીદતી વખતે સંતરાં ચાખવાની કચકચ કરે છે. રોજ એકાદ સંતરું છોલાવે પણ છે. બધાને ખબર છે કે તમારાં સંતરાં મીઠાં જ હોય છે. તો પણ એ આ મીઠું નથી અને આ સંતરું બરાબર નથી એવું નાટક કરતો હોય છે. તો પણ એને સંભળાવી દેવાને બદલે હું કાયમ જોઉં છું કે તમે એને જોખતી વખતે વધારે સંતરાં જ આપી દો છો. એની વાતોમાં તમને ખ્યાલ પણ નથી રહેતો કે સંતરાં વધારે જોખાઇ જાય છે. એવું શું કામ કરો છો?’ માડી હસ્યાં. પછી બોલ્યાં, ‘બહેન! તેં જોયું છે કે એ માણસ હંમેશાં પોતાના ખરીદેલા સંતરામાંથી જ એક કાઢીને છોલાવે છે? એનું આ આખું નાટક સંતરાં ચાખવા માટેનું નહીં, પણ મને એ ખવડાવવા માટેનું હોય છે. એને એવું છે કે મને આ વાતની ખબર નથી પડતી. મને પણ એ આવું કરે ત્યારે મારો સગો દીકરો મને ખવડાવતો હોય એવું લાગે છે. એ પછી મારાથી થોડાંક સંતરાં વધારે જ અપાઇ જાય છે. મારા જેવી ગરીબ ડોશી માટે એનો ભાવ જોઇને ત્રાજવાનું પલડું વધારે નમી જ જાય છે!’ એટલું બોલીને માજીએ સાડલાના છેડાથી આંખો લૂછી. શાકવાળી બાઇની આંખો પણ ક્યાં કોરી હતી?

****

જીવનની આવી નાની નાની હૂંફાળી ઘટનાઓમાં જ પ્રેમ એના નિર્મળ સ્વરૂપે વહેતો હશે એવું નથી લાગતું?

Facebook Comments

You may also like

Feelings Annual issue 2018