પિતાવિહોણી દીકરીઓ પર વ્હાલનો દરિયો વરસાવતાં સુરતના મહેશ સવાણી

પિતાવિહોણી દીકરીઓ પર વ્હાલનો દરિયો વરસાવતાં સુરતના મહેશ સવાણી

- in Cover Story
99
0

– વિજય રોહિત ……………………………………………………………….

દર વર્ષે પિતાવિહોણી દીકરીઓના ક્ધયાદાન કરી વિવાહ કરાવનાર સુરતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર મહેશભાઈ સવાણી માનવતાના પૂજારી છે. શૈક્ષણિક-મેડિકલ અને સામાજિક બાબતો સાથે સંકળાયેલ પી.પી. સવાણી ગ્રૂપ અનેક ચેરિટેબલ પ્રવૃતિઓ દ્વારા ખરેખર ઉમદા કાર્ય કરી રહ્યું છે.

તાજેતરમાં જ નાતાલ પર લગભગ તમામ પ્રેસ-મીડિયામાં પ્રકાશિત થયેલ એક તસવીરે તે દિવસની સવારને સલૂણી બનાવી દીધી હતી. રાતના અંધકારમાં રોશનીમાં ઝળહળતી 251 ક્ધયાઓનાં મોયરાંની એ તસવીરે માનવતાની હૂંફ પ્રગટાવી હતી. સમૂહલગ્નો તો નિયમિતપણે હવે યોજાતાં રહે છે પરંતુ સુરત ખાતે સવાણી પરિવાર દ્વારા આયોજિત આ લગ્નોત્સવની વિશિષ્ટતા એ હતી કે આ 251 ક્ધયાઓ પિતાવિહોણી હતી અને મહેશભાઈ સવાણીએ સવાયા પિતા બનીને ધામધૂમથી તેઓના વિવાહ કરાવી ક્ધયાદાન કર્યું હતું. સુરતમાં અબરામા ગામે ચૈતન્ય વિદ્યાસંકુલ પાસેના વિશાળ શામિયાણામાં ફૂલોથી મઘમઘતાં મોયરાં, એક જ જગ્યાએ યોજાતાં મંડપમૂહુર્ત, તેમજ હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી વિધી સાથે સંપન્ન થયેલ આ લગ્નોત્સવ ખરેખર યાદગાર બન્યો છે. છેલ્લાં છ વર્ષથી મહેશભાઈ સવાણી દ્વારા આ નવતર ઉપક્રમ શરૂ થયો છે. કોઈપણ ધર્મ, જ્ઞાતિ કે જાતિની પિતા વિહોણી ક્ધયાઓના સવાયા પિતા મહેશભાઈ સવાણી અને તેમની પ્રવૃતિઓ ખરેખર જાણીને પ્રેરણા મેળવવા જેવી છે.
મહેશભાઈ મૂળ સૌરાષ્ટ્રના અને પાલિતાણા નજીક આવેલ રાણપરડા એ તેમનું વતન. તેમના પિતા વલ્લભભાઈ સવાણી સુરતમાં મોટું નામ. તેઓ વલ્લભ ટોપી તરીકે ઓળખાય છે. વલ્લભભાઈને મળો તો જરાય લાગે નહીં કે આ માણસ કેટલો ઊંચા ગજાનો અને કેટલો ધનવાન છે. સાવ સરળ સ્વભાવ, સાદાં કપડાં અને સાદગી જેમના વ્યક્તિત્વ સાથે વણાઈ ગઈ છે એવા વલ્લભભાઈના સંસ્કાર તેમના સંતાનોમાં ઉતર્યા છે. સફેદ લેંઘો-ઝભ્ભો અને ટોપીમાં સજ્જ વલ્લભભાઈનો આ પહેરવેશ તેમના સગાં ભાઈના નિધન થયા બાદ કાયમી ઓળખાણ બની ગયો છે. ગત વર્ષે વલ્લભભાઈ સાથે રૂબરૂ મુલાકાત થઈ હતી ત્યારે તેમણે બિઝનેસમાં મેળવેલ સફળતા અને પારિવારિક સંઘર્ષની વાતો પણ જાણવા મળી હતી. વલ્લભભાઈ પોતાના વતન રાણપરડાથી લગભગ 70ના દાયકામાં સુરત આવ્યા અને રત્ન કલાકાર તરીકે કામગીરી શરૂ કરી. શરૂઆત તેમણે કરી ત્યારબાદ તેમના ભાઈઓ પણ જોડાતાં ગયા. બાદ હીરાની એક નાની ફેક્ટરી ખરીદી અને ડાયમંડની માફક ઘસાઈને ઉજ્જવળ સફળતા મેળવી. વલ્લભભાઈની મહેનત, નિષ્ઠા અને પ્રામાણિકતા રંગ લાવી અને આજે તેઓ સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિ અને શૈક્ષણિક સંસ્થાઓના માલિક છે.

વલ્લભભાઈની ઓળખને હવે તેમનો પરિવાર આગળ ધપાવી રહ્યો છે. તેમના ત્રણ દીકરા મહેશભાઈ, રાજેશભાઈ, રમેશભાઈ અને દીકરી હંસાબેન મળીને પિતાના સત્કાર્યોની સુવાસ ચોતરફ ફેલાવી રહ્યાં છે. મહેશભાઈએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને પિતાના ડાયમંડ બિઝનેસમાં ઝંપલાવ્યું. મહેશભાઈ આ વિશે વાત કરતાં કહે છે કે, ‘ડાયમંડના બિઝનેસમાં ખૂબ આંટીઘૂંટી છે ત્યારે મેં મુંબઈ ઓફિસથી માર્કેટિંગથી શરૂઆત કરી. લગભગ દસેક વર્ષ આ કામ કર્યા બાદ ડાયમંડના હોમટાઉન ગણાતા બેલ્જિયમના એન્ટવર્પ ખાતે કામ શરૂ કર્યું.’ અહીં ડાયમંડના બિઝનેસના ચળકાટ પાછળની ખરી સમસ્યાઓનો તેમને સામનો કરવો પડ્યો પરંતુ તેઓ અસલી હીરાની જેમ સફાઈદાર, ચમકદાર થઈને બહાર આવ્યા. આ અનુભવે તેમને ઘણું શીખવ્યું. 2007માં તેઓ બેલ્જિયમ છોડીને ભારત આવ્યા અને સુરતમાં પિતાના વ્યવસાય સાથે જોડાઈ ગયા. સુરતમાં તેઓ ડાયમંડના બિઝનેસની સાથે સાથે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીનું કામ પણ કરતાં હતા. મહેશભાઈ વ્યવસાયે સિવિલ એન્જિનિયર હોવાથી ખૂબ ઝડપથી આ ક્ષેત્રમાં પણ સફળતાની ક્ષિતિજો આંબવા માંડ્યા. પિતા વિહોણી દીકરીઓના વિવાહ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એનો સંદર્ભ આપતાં મહેશભાઈ કહે છે, ‘અમારા કુટુંબમાં મોટા બાપાના દીકરા ઈશ્ર્વરભાઈ સવાણી પણ ડાયમંડના બિઝનેસમાં સક્રિય હતા. એમની બે દીકરીઓ મિતુલા અને અમૃતાના લગ્ન નક્કી થયાં હતા. લગ્નના એક સપ્તાહ પૂર્વે જ દાગીનાની ખરીદી દરમિયાન એક જ્વેલરી શોપમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. આ અમારા કુટુંબ માટે અને બંને દીકરીઓ માટે ખૂબ દુ:ખની ઘડી હતી. મહેશભાઈને સંતાનમાં દીકરી નથી ત્યારે ભગવાને જ નિમિત્ત બનાવી આ દીકરીઓના પિતા બનવાનો અવસર આપ્યો હોય તેવું અનુભવ્યું. તેમણે બંને દીકરીઓ અને પરિવાર સાથે વાતચીત કરી અને તેમનું ક્ધયાદાન કરવાનો નિર્ણય કર્યો. મહેશભાઈ એ સમય યાદ કરતાં કહે છે, ‘જ્યારે મિતુલા અને અમૃતાનું ક્ધયાદાન કર્યું ત્યારે અદ્ભુત શાંતિનો અનુભવ થયો હતો. ત્યારબાદ એ જ ઘડીએ મેં નક્કી કર્યું કે પિતા ગુમાવી ચુકેલી આવી કેટલીય યુવતીઓ હશે અને તેમના ઘરના મોભી જ્યારે અચાનક મૃત્યુ પામે ત્યારે તેમની સ્થિતિ કેવી થતી હશે એ સમજી શકાય છે આથી જ આવી પિતાવિહોણી ક્ધયાઓનું ક્ધયાદાન કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં આ ફક્ત પરિવાર પૂરતું વિચાર્યું હતું પણ પછી એ વિચારને સૌએ વધાવ્યો અને આગળ આગળ એ વિચાર વટવૃક્ષ બનીને આજે અનેક પિતાવિહોણી ક્ધયાઓની શીતળ છાયા આપી રહ્યો છે.’મહેશભાઈ વાત આગળ ધપાવતાં કહે છે, ‘મારે સંતાનમાં બે પુત્રો મિતુલ અને મોહિત છે. દીકરી નથી એટલે મનમાં નક્કી કરી દીધું હતું કે મારે દીકરીના બાપ બનવું છે. પહેલાં દત્તક લેવાનો વિચાર હતો પરંતુ એ અમુક કારણસર માંડી વાળ્યો પણ ત્યારથી જ હું 1000 દીકરીઓનો બાપ બનીશ એ નિર્ણય લઈ લીધો હતો. પરિવારથી શરૂ થયેલ આ પ્રથાને આગળ ધપાવતાં 2012માં પાંચ પિતાવિહોણી દીકરીઓના ક્ધયાદાન કરવાનો પ્રારંભ થયો જે આજે 2000ના આંકડાથી પણ વધારે છે.’ તેમણે ધારેલ આંકડાથી પણ વધારે ક્ધયાઓના તેઓ પિતા છે.
સમૂહમાં યોજાતાં આ લગ્નોત્સવ પણ વીવીઆઈપી સરભરાથી સજ્જ હોય છે. સમારોહની ભવ્યતા અને આમંત્રિત મહાનુભાવોની યાદી જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જવાય. એવું નથી કે મહેશભાઈ ફક્ત આવી ક્ધયાઓના વિવાહ કરાવીને છૂટા થઈ જાય છે. મહેશભાઈ લગ્ન પછીના તમામ રીતિ-રિવાજો, દીકરીની પ્રથમ પ્રસૂતિ ખર્ચ સહિત તમામ વ્યવસ્થાનો ખ્યાલ રાખે છે. લગ્નપ્રસંગે પણ કરિયાવરમાં દીકરીઓને એક સગાં પિતા કરતાં પણ વધુ મોંઘુ કરિયાવર આપે છે. મહેશભાઈનો તેમની દીકરીઓ માટે અપાર પ્રેમ છે એટલે જ તેમને પારેવડી કહે છે. તેમના આ સત્કાર્યને અનેક ભાગ્યશાળીઓનો સાથ મળી રહ્યો છે. હવે તેમની સાથે સુરતના અગ્રણી બિઝનેસમેન બટુકભાઈ મોવલીયા પણ જોડાયા છે.

મહેશભાઈ આવી પિતાવિહોણી ક્ધયાઓના વિવાહ સિવાય પણ અનેક ચેરિટેબલ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. તેમની આ પ્રવૃતિઓનું લિસ્ટ જોઈને ઘણીવાર થાય કે એક માણસ આટઆટલું કાર્ય કેવી રીતે કરી શકે ? તેઓ શિક્ષણ સાથે પણ સંકળાયેલા છે અને પી.પી. સવાણી ગ્રૂપ ઓફ સ્કૂલ અને પી.પી. સવાણી યુનિ. પણ ચલાવે છે. અહીંયા પણ આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ તેમણે જાહેર કરી છે. તો અન્ય દાતાઓને સહયોગ સાથે ચાલતી પી.પી. સવાણી હોસ્પિટલમાં પણ સેવા-સારવારનો યજ્ઞ ચાલી રહ્યો છે. કામરેજ પાસે આંબોલી ગામ નજીક તેમણે જનનીધામ એચઆઈવી-ગ્રસ્ત દીકરીઓ માટે બનાવ્યું છે. સમાજમાંથી તિરસ્કૃત થયેલ આવી દીકરીઓને દત્તક લઈ તેમની તમામ જવાબદારી સવાણી પરિવાર સહર્ષ નિભાવે છે. જનનીધામ એ ખરા અર્થમાં આવી દીકરીઓ માટે સ્વર્ગ બન્યું છે. ભવિષ્યમાં અહીં એચઆઈવી ગ્રસ્ત દીકરાઓ માટે પણ વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.
મહેશભાઈના પિતા વલ્લભભાઈના જન્મદિનને નિમિત્ત બનાવી આર્થિક રીતે નબળાં દીકરાં-દીકરીઓની કોલેજ સુધીની ફી પણ ભરી આપવામાં આવે છે. સુરતમાં લગભગ 8500 જેટલા બાળકો આવો લાભ લે છે. એ જ રીતે તેમના માતા અંજવાળીબેનને નિમિત્ત બનાવીને વિધવા કે ત્યક્તા મહિલાને પણ મેડિકલ-સર્જરી સહાય નિ:શુલ્ક આપવામાં આવે છે. આવી સહાય રાશિ મેળવનાર પરિવાર પણ 8000થી વધુ છે. અનાથ બાળકોને દત્તક લઈ તેમને વિદ્યાભ્યાસ પણ આ પરિવાર કરાવે છે. શહીદના પરિવારને પણ આર્થિક સંકડામણનો ભોગ બનવું ન પડે તે હેતસુર ઉરી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પરિવારને આર્થિક સહાય કરી સન્માનિત કર્યા હતા. મહેશભાઈને અનેક માન-સન્માન મળ્યાં છે, ગત વર્ષે ફીલિંગ્સે પણ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ દ્વારા તેમનું સન્માન કર્યું હતું. તેમના પરિવારમાં પિતા વલ્લભભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, પત્ની ભાવનાબેન તથા બંને દીકરા મિતુલ અને મોહિતનો ખૂબ સહયોગ છે. મહેશભાઈને કુદરતે દીકરી નથી આપી પણ આજે એ હજારો વ્હાલસોયી દીકરીઓના લાડલા પિતા છે અને દરેક દીકરીઓ તેમના પિતૃપ્રેમથી અભિભૂત છે.

જ્યારે મિતુલા અને અમૃતાનું ક્ધયાદાન કર્યું ત્યારે અદ્ભુત શાંતિનો અનુભવ થયો હતો. ત્યારબાદ એ જ ઘડીએ મેં પિતા ગુમાવી ચુકેલી આવી ક્ધયાઓના ક્ધયાદાન કરવાનો નિર્ણય કર્યો હતો. – મહેશભાઈ સવાણી ઉદ્યોગપતિ, દાનવીર.

 

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું