બરફ ગોળો

બરફ ગોળો

- in Entertainment, Laughing Zone
710
Comments Off on બરફ ગોળો

‘બધિર’ અમદાવાદી

આજકાલ છોકરીઓ સેલ્ફી લેતી વખતે હોઠથી પાઉટ બનાવતી હોય છે. નાયિકાની આ અદાને કવિઓએ હજી સુધી એમની કવિતાઓમાં વણી નથી એટલે સર્ટિફાઇડ અદા તો ન ગણાય, પણ ફેસબુક ઉપર આવા ફોટાને હજાર દોઢ હજાર લાઇક્સ તો આસાનીથી મળી જતાં હોય છે. અહીં વાત પાઉટની છે. પાઉટ એટલે સામે કોઇ હોય નહિ પણ નાના બચ્ચાને બકી ભરવા જતાં હોવ એમ હોઠ લંબાવી અને એ અવસ્થામાં જ સેલ્ફી લેવાની. મૂળભૂત રીતે આ ક્રિયા ગોળાચૂસ મુદ્રા કહેવાય. જેમને બરફના ગોળા ખાવાનો શોખ હશે એમને ખબર જ હશે. મોલ્ડના બે ફાડિયા વચ્ચે રૂનાં પોલ જેવું બરફનું છીણ દાબી અને એમાં સળી ખોસીને નાની ગદા કે ઘૂઘરા જેવો આકાર આપ્યો હોય; ઉપર ઓરેન્જ, કાલાખટ્ટા કે રોઝનું શરબત રેડીને રસ નીતરતો ગોળો પેશ કરવામાં આવે અને એને ચૂસવાની તલબમાં હોઠ લાંબા થાય એને પાઉટ કહેવાય.

જો કે, બરફ ગોળો ખાતી વખતે સેલ્ફીની જેમ આંખો ત્રાંસી કરીને કેડ પર હાથ મૂકીને વળવાનું હોતું નથી. બીજું ગોળો ખાવામાં બંને હાથને ધંધે લગાડવાના હોય છે. એક હાથે સળી પકડીને ગોળો ચૂસતી વખતે બીજો હાથ શાયર લોકો ‘આદાબ’ કહેતા હોય એ મુદ્રામાં ગોળાની બરોબર નીચે રાખવો ફરજિયાત છે. સાથે નજર પણ આડીઅવળી કર્યા વગર ગોળા ઉપર સ્થિર હોવી જોઇશે નહિ તો ચૂસતાં પહેલાં ગોળો ડફ્ફ દઇને નીચે પડશે અને સળીને બકી ભરવાનો વારો આવશે.

ગોળો ખાતી વખતે સળી હાથમાં રહી જાય અને ગોળો ડફાક દઇને નીચે પડી જાય એ અધૂરી કેળવણીની નિશાની છે. આ ગાંધી બાપુએ નહિ પણ બધિરદાસ બાપુએ કહ્યું છે. આપણે ત્યાં ગોળા ખાવા બાબતે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવતી નથી એટલે જેમ પડતા આખડતા સાઇકલ ચલાવતાં શીખી જવાય છે એમ જ બે ચાર વાર અડધા કાર્યક્રમે ગોળા ડફકી જાય અને બાકીનાં લોકોને ગોળા ચૂસવાનો લ્હાવો લેતાં જોઇ રહેવાનો વારો આવે એટલે નીચે હાથ રાખવાનું આપોઆપ આવડી જાય છે. હવે તો ગોળા સાથે ડીશ પણ આપવામાં આવે છે અને પબ્લિક બેશરમ થઇને પાણીપુરીનાં પાણીની જેમ ડીશ મોઢે માંડીને ગોળામાંથી ટપકેલું શરબત પણ પી જાય છે. એટલું જ નહિ, પણ મોબાઇલની જેમ ગોળાને શરબતથી ટોપ-અપ પણ કરાવે છે.

ગોળા ખાવામાં કોઇ સ્ટાઇલ પ્રચલિત નથી. હઉ હઉના ઉજમ પ્રમાણે મચી પડતાં હોય છે. કવિ લોકો ફૂલમાંથી રસ ચૂસતા ભમરાની જેમ ગોળાનો આસ્વાદ લેતાં હોય છે. ભમરાની જેમ જરીક અમથો રસ ચૂસીને ફૂલની આસપાસ મંડરાવાની સ્ટાઇલ મારવા જતાં ઘણા કવિઓ એમનો ગોળો ગુમાવી ચૂક્યા છે પણ દેશી પદ્ધતિ એમને મંજૂર નથી. ગોળાનો માલિક સળી સુધીનો બરફ ખાવાનો અઘાટ હક ભોગવતો હોઇ ભમરાની જેમ એક ફૂલથી બીજા ફૂલ એટલે કે એક ગોળાથી બીજા ગોળા ભ્રમણ કરવાના કવિના અભરખા પણ અધૂરા રહે છે. શાયર લોકો ગોળાને હોઠે લગાડતા પહેલાં માશુકાની પરવાનગી માગતાં હોય એમ ‘છૂ લેને દો નાજુક હોંઠો કો…’ કહીને પરવાનગી માગતાં હોય તો નવાઇ નહીં. અઠંગ ગોળા ચૂસકો ચલમનો કશ ખેંચતાં ગિરનારી બાવાની જેમ આંખો મીંચીને એક જ ખેંચમાં ગોળામાંનું બધું જ શરબત ખેંચી લેતાં હોય છે. એ લોકો ખેંચવાનું ચાલુ કરે એ સાથે જ ગોળાવાળો બાટલો ઉઠાવીને એમનો ગોળો રીફીલ કરવાની તૈયારી આદરી દેતો હોય છે. જે ગર્લ્સ સૂરસા રાક્ષસીની જેમ મોઢું પહોળું કરીને પાણીપુરી મોંમાં પધરાવતી હોય છે એ જ ગર્લ્સ ગોળો ખાતી વખતે જૂની હિરોઇન પ્રિયા રાજવંશની જેમ મર્યાદિત પ્રમાણમાં હોઠ ખોલીને ગોળાને ન્યાય આપતી હોય છે.

ડિશમાં બરફના છીણનો ઢગલો કરીને એની ઉપર શરબત નાખીને આપવાની શરૂઆત લગભગ તો જેમના હાથ ગોળો પકડવા માટે સ્થિર ન રહેતા હોય એવા બાળકો અને વૃદ્ધો માટે થઇ હોવાનું ‘મિલન ડિશ ગોળા’વાળો અમારો રામસિંગ કહે છે. એ જે હોય તે પણ આ ડિશ પ્રથાએ પાછળનાં વર્ષોમાં ગોળા ક્ષેત્રે ક્રાંતિ આણી છે એમાં બેમત નથી. અગાઉ સળીવાળા ગોળા પર વેરિએશન તરીકે માત્ર સંચળ મિશ્રિત મસાલો જ નાખવામાં આવતો પણ પછી હરીફાઇમાં જે અખતરાઓ શરૂ થયા છે એમાં ગોળાવાળાઓએ ટેબલ-ખુરશી અને બાંકડા નાખવાનું જ બાકી રાખ્યું છે! મસાલા પછી કોપરાનું છીણ આવ્યું. કાઠિયાવાડીઓ તકમરિયા (બાવચીનાબી) શોધી લાવ્યા. કોકે ટૂટીફ્રુટી ઠપકારવાનું ચાલુ કર્યું. પછી તો સ્કીમ્ડ મિલ્કનો ઉપયોગ શરૂ થયો. ટોપિંગમાં ડ્રાયફ્રુટ માવા રબડીનો અભિષેક થયો. કેન્ડી સ્ટિકને ખોટું ન લાગે એ માટે એને વિસા મળ્યો.

આજે હાલત એ છે કે ગોળાને રજવાડી બનાવવાની લ્હાયમાં ભૂરાઓ કોથમીર-મરચાં અને ખજૂર-આમલીની ચટણી નાખીને ખવડાવવાનું ચાલુ કરે એનો ડર છે. અમે તો માત્ર બરફ અને શરબતવાળા જેનેરિક ગોળાના આશિક છીએ.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય