…તો ગુજરાતમાં ‘મારી હેલ્મેટ ઉતારો રાજ..’ જેવી ફિલ્મો પણ બને!
જૂના જમાનામાં મોટાભાગના લોકો નવા જન્મમાં મહારાજા અથવા મહારાણી થવાનું ઇચ્છતા હતા. એ જમાનાની અતિશય ભોળી સ્ત્રીઓ નવા જન્મમાં સ્ત્રીને બદલે પુરુષ થવાની ઇચ્છા રાખવાને પણ અપરાધ અથવા શરમજનક માનતી હતી, તેથી સ્ત્રીઓ મહારાણી થવાની ઇચ્છા રાખતી પરંતુ મહારાજા થવાની મંછા રાખતી નહોતી.
કાળક્રમે રજવાડાં ગયાં. મુગટવાળાના બદલે ટોપાવાળા અંગ્રેજોનું રાજ આવ્યું. ટોપાવાળા ગયા પછી ટોપીવાળા આવ્યા. આજે લોકો ટોપી પહેરવાને બદલે અન્યને ટોપી પહેરાવવામાં માને છે. હવે ઉઘાડા માથાવાળાનું રાજ આવ્યું. અત્યારે ર019માં લોકો નવા જન્મમાં આ નવા જમાનાના મહારાજા એટલે કે નેતા થવાનું ચાહે છે. જે લોકો નવા જન્મમાં નેતાજી થવા ઇચ્છતા નથી એ મોટા ઉદ્યોગપતિ, જાણીતા ડોક્ટર, વ્યસ્ત વકીલ કે ઇજનેર થવા માગે છે.
અમને કોઇ પૂછે કે તમારે નવા જન્મમાં શું થવું છે તો એક ક્ષણનો વિલંબ કર્યા વગર અમારો જવાબ હશે કે નવા અવતારમાં અમારે ટ્રાફિક પોલીસ થવું છે. કોણ જાણે કેમ પણ નાનપણથી જ અમને ટ્રાફિક પોલીસનું અગમ્ય આકર્ષણ રહ્યું છે. અમે મગજ ન હોવા છતાં ખૂબ વિચાર કર્યો ત્યારે અમને ટ્રાફિક પોલીસ અને ભગવાન શ્રીકૃષ્ણમાં ગજબનું સામ્ય જોવા મળ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ મુગટ પહેરતા એના બદલે ટ્રાફિક પોલીસ હેલ્મેટ અથવા પોલીસ ટોપી પહેરે છે.
અમને એવું લાગે છે કે, ભગવાને હેલ્મેટ ખાસ ટ્રાફિક પોલીસના હિતાર્થે જ બનાવી છે. એ લોકો તો હેલ્મેટ પહેરે છે પરંતુ વાહનચાલકોને પણ પરાણે પહેરાવે છે. વાહનચાલક હેલ્મેટ વગર પ્રવાસ ન કરે એ જોવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે, છતાં મોટાભાગના પોલીસ સવારે પ્રાર્થના કરે ત્યારે ઉપરવાળાને કહે છે કે, આજે વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળે એવું કરજે પ્રભુ. કોઇ ચાલક ઉઘાડા માથે નીકળે તો પોલીસ મનોમન રાજી થાય છે. તળપદી ભાષામાં એક કહેવત છે કે, પોદળો પડે તો ચપટી ધૂળ લઇને જાય એમ પોલીસ પકડે તો પચીસ-પચાસ લઇને જતા હોય છે. અમારી પાડોશમાં એક ટપુકાકા નામના સદ્ગૃહસ્થ રહે છે. ટપુકાકાને આખા માથામાં એકપણ બાલ નથી. એમને કોઇ પૂછે કે આપને બાલબચ્ચાં કેટલાં છે, તો એ કાયમ કહે છે કે, બચ્ચાં છે પરંતુ બાલ નથી. ટપુકાકા કોઇને આ પ્રમાણે જવાબ આપે ત્યારે મને કાયમ એક હિન્દી હાસ્યકવિની અછાંદસ રચના યાદ આવે છે :
‘એક ગંજેકે સરપે દો હી બાલ બચે, એક બાલને દૂસરે બાલ સે કહા : કયૂં ન હમ શાદી કર લે ઔર ઢેર સારે બાલ પૈદા કર લે. તબ દૂસરે બાલને કહા : ભારતમેં બાલવિવાહ કરના મના હૈ!’
એમાં ગુજરાતમાં હેલ્મેટનો કાયદો આવ્યો. ટપુકાકાએ કાયદામાંથી ફાયદાને શોધી કાઢ્યો. એમણે આખું માથું કાળુ રંગી નાખ્યું અને માથાના પાછળના ભાગે આઇએસઆઇનું સ્ટિકાર ચોંટાડી દીધું. ટપુકાકાએ માથે હેલ્મેટ પહેરી હોય એવું જ લાગે એટલે ટ્રાફિક પોલીસ ટપુકાકાને જુએ છતાં ક્યારેય સિસોટી મારવાની હિંમત કરી શકતા નહોતા.
મારો મિત્ર અંબાલાલ હેલ્મેટ તો ખરીદી લાવ્યો પરંતુ એણે હેલ્મેટમાં બે કાણાં પાડયાં. આગળના ભાગે નાનું કાણું પાડયું અને હેલ્મેટના પાછળના ભાગે મોટું કાણું પાડ્યું. અમે આમ કરવાનું કારણ પૂછ્યું, તો બોલ્યો કે આગળના ભાગે નાનું કાણું એટલે પાડ્યું કે હેલ્મેટ પહેરી હોય તો પણ બીડી પી શકાય અને પાછળના ભાગે મોટું કાણું એટલે પાડ્યું કે એ હેલ્મેટ તારી ભાભી પહેરે તો અંબોડો બહાર કાઢી શકાય. અમે કહ્યું કે, એ સારું કર્યું. અંબોડો બહાર નીકળે તો મોબાઇલ ટાવર પકડી શકાય.
અમને ટ્રાફિક પોલીસ થવું ગમે પરંતુ એની બીક પણ બહુ લાગે. જેવો હેલ્મેટનો કાયદો આવ્યો કે અમે પોતાની માલિકીની હેલ્મેટ વસાવી લીધી. અમારા માથે ટપુકાકા જેવી સફાચટ ટાલ નથી કે માથું રંગી નાખીએ તો ચાલી જાય. મને હેલ્મેટ પહેરવી મનથી ન ગમે, પરંતુ તન તૂટવાની અને ધન લૂંટવાની બીકને લીધે પહેરી રાખતો હતો. અમુક દિવસ પછી મેં મારો સ્વતંત્ર આઇડીયા શોધી કાઢ્યો. હું સ્કૂટર ઉપર મારી પાછળ મારા શ્રીમતીજીને બેસાડીને નીકળતો. એમના ખોળામાં બાળકને બદલે હેલ્મેટ આપી રાખતો. જેવો કોઇ ટ્રાફિક પોલીસ દેખાય એટલે હું ચાલુ સ્કૂટરે જ મારા શ્રીમતીજીને હુકમ કરતો કે ઓઢાડી દો. મારા શ્રીમતીજી મારા આદેશની રાહ જોઇને જ બેસી રહેતા. જેવો મારો ઓર્ડર છૂટે એટલે એ પોતાના ખોળામાં રહેલી હેલ્મેટ ધડ કરતી મારા મગજ વગરના માથા ઉપર ઢાંકી આપતા હતા. પેલો ટ્રાફિક પોલીસ જે મારું દૂરદર્શન કરતો હોય તે વિચારમાં પડી જતો હતો. પોલીસને થતું કે આ માણસ દૂરથી તો હેલ્મેટ વગરનો દેખાતો હતો અને નજીક આવ્યો ત્યારે એના માથે હેલ્મેટ ક્યાંથી આવી ગઇ હશે?
ટ્રાફિક પોલીસને કોઇ ઉઘાડા માથાવાળો ચાલક દેખાય એટલે એ પ્રસન્ન થઇ જાય. કારણ એવા ચાલક પોલીસને ઘર ચલાવવામાં મોટી મદદ કરી જતા હોય છે. એમ પણ કહી શકાય કે હેલ્મેટ વગરનો ચાલક ટ્રાફિક પોલીસનો ઘરચાલક સાબિત થતો હોય છે. હું ટ્રાફિક પોલીસને મામા બનાવવામાં બરાબર સફળ થતો હતો. પરંતુ એક સરખા દિવસ કોઇના સુખના જાતા નથી. કિસ્મત કો મંજૂર યહીં થા લબ પે મેરે ફરિયાદ રહે. એક દિવસ હું અને શ્રીમતીજી અમારી આદત મુજબ સ્કૂટરયાત્રા ઉપર નીકળી પડયા. અચાનક મારી નજર ટ્રાફિક સિગ્નલ પાસે ચોકમાં ઊભેલા ટ્રાફિક પોલીસ ઉપર પડી.
મેં ગભરાટમાં આદેશ કર્યો કે ઓઢાડી દો. મારા શ્રીમતીજી તે દિવસે વિચારમગ્ન હશે કે કેમ પરંતુ એમણે નાનકડી ભૂલ કરી નાખી. એમણે ઉતાવળમાં હેલ્મેટ અવળી ઢાંકી દીધી. હેલ્મેટનો પારદર્શક ગ્લાસ મારા માથાની પાછળના ભાગમાં ગયો અને મારી આંખ સાથે સમગ્ર ચહેરો હેલ્મેટથી ઢંકાઇ ગયો. અમે ત્રણે ટ્રાફિક પોલીસ સાથે જ અથડાયા. અમે ત્રણે એટલે હું, પત્ની અને મારું સ્કૂટર. ત્યાર બાદ હું ભાનમાં આવ્યો ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલમાં સૂતો હતો. અનેક હેલ્મેટ ખરીદી શકાય તેટલું હોસ્5િટલનું બિલ ચૂકવીને હું ડિસ્ચાર્જ થયો ત્યારે હેલ્મેટનો કાયદો પણ ઘણો ઢીલો થઇ ગયો હતો. હેલ્મેટનો કાયદો જતો રહે પછી મારા પાડોશી ટપુકાકા કાચકાગળ લઇને બેસે છે. એ ધીમેધીમે દોઢ દિવસ સુધી સેન્ડપેપર ઘસે ત્યારે એમના માથેથી હેલ્મેટ ઉતરે છે. જો હેલ્મેટનો કાયદો વધુ દિવસો સુધી સ્ટ્રોંગ રહે તો ગુજરાતમાં ‘મારી હેલ્મેટ ઉતારો રાજ…’ જેવી ફિલ્મો પણ બને એવી ઉજળી શક્યતા દેખાય છે.
વહાલા વાચકમિત્રો, આપણે ટ્રાફિક પોલીસ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેના સામ્યની ચર્ચા કરતા હતા અને હેલ્મેટ નામના નવા વિષયમાં સરી પડયા. જો કે, ભગવાન શ્રીકૃષ્ણને પણ આ પ્રકારની ટેવ હતી એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જોઇ શકાય છે. જો ઉપરવાળો જગદીશ દીર્ઘસૂત્રી થઇ શકે તો આ નીચેવાળા જગદીશની તો કોઇ હેસિયત નથી.
ભગવાન શ્રીકૃષ્ણ મુગટ પહેરતા અને ટ્રાફિક પોલીસ ટોપો પહેરે છે. ભગવાન કેડે કંદોરો બાંધતા અને ટ્રાફિક પોલીસ પટ્ટો બાંધે છે. ભગવાન વાંસળી વગાડતા હતા, જ્યારે પોલીસ વ્હીસલ વગાડે છે. ચોથું સામ્ય સૌને ગમે એવું છે. ભગવાન શ્રીકૃષ્ણ ચાર રસ્તાના ચોકમાં ઊભા રહીને દાણ માગતા હતા અને ટ્રાફિક પોલીસ પણ એ રીતે જ દાણ માગે છે. ‘હા…રે દાણ માગે પોલીડો દાણ માગે…’ એવું પ્રતિકાવ્ય પણ કોઇ કવિએ રચવું જોઇએ. જે રીતે અનેક ગોપીઓ અને ગોવાળિયા વચ્ચે કાન ઊભો રહેતો એમ ટ્રાફિક પોલીસ પણ અને વાહનચાલિકાઓ અને વાહનચાલકો વચ્ચે અડીખમ ઊભો હોય છે.
થોડાં દિવસો પહેલાં મેં એક ઇન્ટેલિજન્ટ ટ્રાફિક પોલીસ જોયો. જે બહુ ઓછા જોવા મળે છે. મારા એક પરમમિત્ર એવા એસ.પી.ને મેં એકવાર પૂછ્યું હતું કે, સામાન્ય નાગરિક કોઇ ગુનો કરે તો એને સજા કરવા માટે પોલીસ છે. પરંતુ પોલીસને સજા કરવાની હોય ત્યારે તમે શું કરો છો? એ એસ.પી. પોતે ખૂબ સારા કવિ અને વ્યંગકાર છે. એમણે તરત જ કહ્યું કે, પોલીસને સજા કરવી હોય ત્યારે જ્યાં કવિ સંમેલન ચાલતું હોય ત્યાં ફરજ ઉપર ઊભા રાખી દઉં છું.
હું રેડ સિગ્નલ હોવાથી ચોકમાં સૌની સાથે ઊભો હતો. હું વધુ પડતો ધૂની હોવાથી થયું એવું કે ગ્રીન સિગ્નલ થયું અને સૌ જતાં રહ્યાં, છતાં હું સ્કૂટર ઉપર એકલો બેઠો હતો. ટ્રાફિક પોલીસે મને જોયો. એણે મને જે વાક્ય કહ્યું એ સાંભળીને હું ટ્રાફિક પોલીસની સેન્સ ઓફ હ્યુમર ઉપર આફ્રિન થઇ ગયો. એ હળવેકથી મારી પાસે આવ્યો. બાદ મારા ખભા ઉપર હાથ મુકી એટલું જ બોલ્યો : ‘તમારે જવું હોય તો જતા રહેજો. હવે વધુ લીલી થવાની નથી. વધારે બેઠા તો લાલ થશે, લીલી નહીં થાય.’ હું એટલો રાજી થયો કે મેં એ ટ્રાફિક પોલીસ સાથે સેલ્ફી લીધી. જે રીતે તમામ સંતો સજ્જન હોતા નથી, તમામ નાગરિકો દેશપ્રેમી હોતા નથી તેમ તમામ ટ્રાફિક પોલીસ ભ્રષ્ટાચારી હોતા નથી. ગુજરાતમાં ઉનાળામાં 48 ડિગ્રી ગરમી પડતી હોય ત્યારે બળબળતી બપોરે ટ્રાફિક કંટ્રોલરની ડ્યૂટી નિભાવવી કેટલી કઠિન છે એ સમજવું હોય તો ખરા તડકે માત્ર દસ મિનિટ ટ્રાફિક પોલીસ સાથે ઊભા રહીને સમજી શકો છો. કાયમ હસતા રહેશો…