માનસિક વિકલાંગ સંતાનને ઉછેરી રહેલ એક માતા પૂજાનો સફળ ‘પ્રયાસ’

માનસિક વિકલાંગ સંતાનને ઉછેરી રહેલ એક માતા પૂજાનો સફળ ‘પ્રયાસ’

- in Shakti, Uncategorized
77
0

-વિજય રોહિત ……………………………………………………………….

માનસિક વિકલાંગ સંતાનને ઉછેરવું એ કેટલી મોટી ચેલેન્જ છે એ તો જેને ત્યાં આવું સંતાન હોય એને જ ખબર પડે. પૂજા પટેલને પણ મેન્ટલી રિટાર્ડેડ સંતાન હતું છતાં તેણે હિંમત હારી નહીં. બલ્કે ‘પ્રયાસ’ નામની સંસ્થા દ્વારા આવા સ્પેશિયલ બાળકોનો ઉછેર કરવાનું શરૂ કર્યું. આજે 130 બાળકો તેમાં જોડાયા
છે. પૂજાનું જીવન અને નિષ્ઠા જ આ બાળકોના ચહેરા
પરની ખુશી છે…

“દેખો ઈન્હેં યે હૈં ઔંસ કી બુંદે,
પત્તો કી ગોદ મેં આસમાં સે કૂદે
ખો ન જાયે યે તારે જમીં પર…
સ્પેશિયલ કિડ્ઝ પર આમીરખાનની આવેલી ‘તારે જમીં પર’ ફિલ્મે માનવીય સંવેદનાઓને ઝંકૃત કરી દીધી હતી. આપણાં સમાજમાં આવા ઘણાં બાળકો જોવા મળે છે જે જન્મજાત ક્ષતિઓ સાથે અસ્તિત્વ ધરાવે છે પરંતુ તેમની સ્થિતિ અત્યંત દયાજનક છે. ઓટિઝમ જેવી જટીલ બીમારી કે જન્મથી જ ખામી ધરાવતા બાળકોનો ઉછેર કરવો એ ખૂબ મોટી ચેલેન્જ છે. આવી જ કાંઈક ઘટના રાજકોટની પૂજા પટેલ સાથે થઈ છે. પૂજાનો એકનો એક પુત્ર સ્પેશિયલ ચાઈલ્ડ છે પણ તેણે હિંમત હાર્યા વગર જે રીતે છોકરાનો ઉછેર કર્યો છે તે કાબિલેતારીફ છે, અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયક છે.

પૂજાની કહાની પણ સામાન્ય ક્ધયાની જેમ જ 2004માં લગ્ન સાથે શરૂ થઈ. તેના લગ્ન જ્ઞાતિના જ યુવક સાથે રાજસ્થાન થયા હતા. 20 ઓક્ટબર, 2005માં તેણે બાળકને જન્મ આપ્યો. દરેક માતાની જેમ તેણે પણ રમતાં રમતાં બાળક મોટું થઈ જશે એમ માની તેનો ઉછેર લાડપ્યારથી કરવા માંડ્યો. લગભગ છ મહિના જેવો સમયગાળો થયો ત્યારે પૂજાને કાંઈક અમંગળના અણસાર મળ્યા. બન્યું એમ કે પૂજાની ભત્રીજી કરતાં વાસુ છ મહિના મોટો હતો પણ તેની ભત્રીજીએ છ મહિનાનું બાળક જે મુવમેન્ટ કરે, રિસ્પોન્સ કરે એ તમામ કરવા માંડી હતી. જ્યારે વાસુ ઘણીવાર કોઈપણ રિસ્પોન્સ આપતો ન હતો એ પૂજાના ધ્યાનમાં આવ્યું હતું. તેણે એ પણ માર્ક કર્યું કે તેની ઉંમરના બાળક જેવું એનું વર્તન ન હતું. જોકે એ સમયમાં બહુ ગણકાર્યું નહીં પણ પછી એને ચિંતા થવા લાગી. જયપુરમાં તેણે એક ડોક્ટરને બતાવ્યું તો તેમણે વાસુની સોનોગ્રાફી, એમઆરઆઈ કરાવ્યું અને એપીલેક્સ દવા પીવડાવવાનો કોર્સ શરૂ થયો. તે સમયે પૂજાને એ પણ ખ્યાલ ન હતો કે આ દવા શાની છે. મગજની બીમારી અથવા ખેંચની દવા તેના બાળકને તે પીવડાવી રહી હતી. તેણે જોયું કે તેની ઉંમરના બાળકો સાત-આઠ મહિનામાં બોલતાં-ચાલતાં થઈ ગયા પણ વાસુ હજી બોલતો ન હતો. એકવાર ત્યાં ડોક્ટર્સની ટીમ આવી ત્યારે એ વાસુને લઈને બતાવવા ગઈ. ડોક્ટરોએ તેને તપાસી પૂજાને કહ્યું કે તારું બાળક માનસિક બીમાર (મેન્ટલી રિટાર્ડેડ) છે અને કદાચ હવે કાયમ આવું જ રહેશે. પૂજા આ સાંભળીને ધ્રુજી ગઈ, તેને ક્ષણભર તો શું કરવું, શું ના કરવું એ સમજ ના પડી. પૂજા પર નિરાશાના વાદળ ઘેરાઈ ગયા. આ વેદના પૂજાથી સહન ના થઈ અને તેણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું. એક દિવસ ઘરમાં જ્યારે કોઈ ન હતું ત્યારે પંખે લટકી જવા માટે ઓઢણી બાંધીને તમામ તૈયારી કરી લીધી હતી ત્યાં અચાનક ફોન રણક્યો. તેણે ફોન ઉપાડ્યો તો સામે ડો. સીતારમનનો ફોન હતો તેમણે પૂજાને કહ્યું તું આપઘાત કરતાં પહેલાં એકવાર મને મળવા આવી જા, પછી તારે જે કરવું હોય તેની છૂટ છે. તેમણે મને આપઘાતમાંથી ઉગારી. હું તેમના ક્લિનિક પર મળવા ગઈ તો કહ્યું કે તું તારા બાળકને મૂકીને જા અને જે કરવું હોય તે કર, તને સ્વતંત્રતા છે. પૂજાએ કહ્યું, ‘ડોક્ટર સાહેબ હું મારા બાળક માટે તો જીવું છું.’ ડોક્ટર સાહેબે કહ્યું, ‘ગીતા વાંચી છે ? બધું ઉપરવાળાના હાથમાં છે. તેં તારા બાળક માટે શું કર્યું છે ?’ પૂજા વિચારમાં પડી ગઈ. તેણે બાળકનો સારી રીતે ઉછેર અને ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન મુંબઈ ખાતે હિન્દુજા હોસ્પિટલમાં તેની દવા ચાલતી હતી. વાસુને લઈને પૂજાની મમ્મી નીચે ઉતરી રહી હતી ત્યારે તેને આંચકી આવી. કોઈ સજ્જને એ જોયું અને તેમને સલાહ આપી કે અહીં કબૂતરખાનામાં આયુર્વેદિક મેડિસિન્સ અને તેલ મળે છે એ સારવાર કરાવી જુઓ. ફાયદો થશે. એ તેલની કિંમત 27,000 હતી જેમાં ઘણી કિંમતી ઔષધીઓ આવે છે. પૂજાએ આ ટ્રીટમેન્ટ કરાવી અને વાસુને ખરેખર ફાયદો થયો. અલબત્ત, બીજા બાળકોએ પણ આ સારવાર કરાવી પણ ફાયદો થયો ન હતો.

પૂજાના જીવનમાં બીજો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે વાસુને તે સ્કૂલમાં એડિમટ કરવા ગઈ. સ્કૂલે તેને નોર્મલ બાળક સાથે ભણાવવાની ના પાડી દીધી.. પૂજા ફરી એકવાર હચમચી ગઈ. તેને થયું કે તેનું બાળક ક્યાં જશે ? બીજી બે-ત્રણ સ્કૂલમાં પણ આ જ બન્યું. આખરે પૂજાએ સ્પેશિયલ બાળકોની સ્કૂલ ‘ઉમંગ’માં એડમિશન લીધું. ત્યાં પૂજા સ્વયંસેવક પણ બની અને બી.એડનો અભ્યાસ પણ કર્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે આવી સ્કૂલ હું પોતે જ કેમ ના શરૂ કરું અને તે રાજકોટ પરત આવી અને પોતાના મિશન પર લાગી ગઈ. અહીં તેને ભાસ્કર પારેખ અને હરેશ વિઠ્ઠલાણી નામના બે સજ્જનોનો સહકાર મળ્યો જેમના બાળકો પણ માનસિક અસ્વસ્થ હતા અને તેમના દ્વારા સ્પેશિયલ ચાઈલ્ડ માટે સ્થાપેલ સંસ્થા ‘પ્રયાસ’માં જોડાઈ. ત્યારબાદ તેમાં વાઈસ પ્રેસિડન્ટ બની. માત્ર ત્રણ બાળકો સાથે શરૂ થયેલ આ સ્કૂલમાં આજે 130 બાળકો જોડાયેલા છે. પૂજાએ આવા બાળકને સરકારી સહાય મળે તે માટે પણ રાજ્ય સ્તરે રજૂઆત કરી. આણંદ એસપી યુનિ.માં સ્પેશિયલ બાળકોના શિક્ષણ માટેનો બી.એડ કોર્સ થાય છે જેની ફી 80 હજાર જેટલી છે. પૂજાએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી અને કોર્સની ફી 40 હજાર ઓછી કરવામાં આવી. પૂજાનું એક જ સપનું છે કે હું જ્યારે નહીં હોઉં ત્યારે આ બાળકોનું શું થશે ? તે માટે જ તે એક રેસિડેન્સિયલ સંકુલ બનાવવા ઈચ્છે છે. પૂજા હિંમત હારી નથી. તે કહે છે સારા કાર્યની ઈચ્છા હોય તો ગમે ત્યારે અનુકૂળતા થઈ જ જશે. તે ભવિષ્યમાં આવા 2000 સ્પેશિયલ બાળકોની મા બનવાનું સપનું જોવે છે.
પૂજાની હિંમત, સાહસિકતા અને ધૈર્યને સો સો સલામ કરવી પડે. અનેક એવોર્ડ દ્વારા તેનું સન્માન થયું છે. સરકાર તરફથી પણ તેની પ્રશસ્તિ થઈ છે ત્યારે પૂજાની કર્મનિષ્ઠાને ફીલિંગ્સ પરિવાર તરફથી પણ વંદન.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું