મુશાયરો

મુશાયરો

- in Poems & Gazals
72
0

– સંકલન : ‘ મૌલિક ’

કાગળ લખું

શું લખું સરનામું ને હું શું પછી કાગળ લખું

શબ્દ સદ્ગત થૈ ગયા તો શું હવે આગળ લખું

 

ફૂલ સૌ કરતા રહ્યા લોહીનું પાણી રાતભર

ને સવારે નામ એનું હું પછી ઝાકળ લખું

 

આંતરીને મે સમયને રોકી લીધો છે અહીં

હું સમયની પીઠ પર ચોખ્ખા ક્ષણોના સળ લખું.

 

યાદ આવી કોઇની દે છે ટકોરા બારણે

લાવ હું એની પ્રતીક્ષાની અતૂટ સાંકળ લખું

 

જે ચહેરા છીનવાઇ ગયા છે મારી પાસથી

એ ચહેરાઓને નામે આંસુઓના જળ લખું.

 

દાદ દે ‘સર્જન’ ગઝલને મારી પૂરા જોશથી

પ્રેરણાના શબ્દે શબ્દો રોજ ભાતીગળ લખું.

 

 

– મહેબૂબ બોરસદી, બોરસદ

મો. 70435 પ027પ

 

 

દોડ્યાં કર્યું

માણસે ઇશ્ર્વર થવાની દોડમાં દોડ્યાં કર્યું,

ધીરે ધીરે ત્યારથી માણસપણું છોડ્યાં કર્યું

એ અમાવાસ્યાના હિસ્સાનું હતું ન્હોતી ખબર,

મેઘધનુષી આંખમાં જે આભને ખોડ્યાં કર્યું

રામ જેવા રામ ભરમાયા તો મારું શું ગજું,

મેં ય આભાસી હરણ પાછળ સદા દોડ્યાં કર્યું.

જાણું છું હું સત્યને પણ છે મતિ દુર્યોધની,

બિંબ મારા જોઇને દર્પણને મચકોડ્યાં કર્યું.

સાર છે બસ આ જગતને છોડવાની વાતનો,

ના હતું મારું કદા એ તત્વને છોડ્યાં કર્યું.

એક બે ડગલાં જરા ફંટાઇને ચાલ્યાં પછી

મન મનાવી લઉં છું જાણે વિશ્ર્વને મોડ્યાં કર્યું.

વેંતભર પણ હું અહમ મારો નમાવી ના શકયો

હરઘડી અસ્તિત્વને ‘સાહિલ’ મેં ઝંઝોડયાં કર્યું.

– સાહિલ, રાજકોટ

મો. 94ર87 90069

 

ગઝલમાં

હું વાવું વિચારો, લણી લો ગઝલમાં

હું આવું દરદ થઈ, રડી લો ગઝલમાં

બધાને બધું તો મળે ક્યાં જગતમાં

શબદની હવેલી ચણી લો ગઝલમાં

મને મારી રીતે જીવન જીવવું છે

ન બંધન, ન યાદો, લખી લો ગઝલમાં

હશે ભીંતને કાન ક્યાં ના કહું છું

મધુર લય હવે સાંભળી લો ગઝલમાં

નજરથી નજર તો મિલાવી પછી શું

ગઝલના સહારે, મળી લો ગઝલમાં

‘વિજય’ તો પ્રયત્નો વગર ક્યાંથી મળશે?

જીવનમંત્ર કાયમ ભણી લો ગઝલમાં

– વિજય રોહિત, વડોદરા

મો : 740 5656 870

 

શબ્દ કરે છે લટકાં

કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકાં,

મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકાં

થોડો અઘરો, થોડો જબરો, થોડો છે મનમૌજી

ખંજર બખ્તર સાથે રાખે જાણે મોટો ફૌજી

કદીક આવી વ્હાલ કરે ને કદીક આપે ઝટકાં

મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકાં

એક લસરકે ડૂમાં ડૂસકાં, હલ્લાં ગુલ્લાં ચિતરે,

એની પીંછીમાંથી રાધા-મોહન-મીરા નિતરે

ખિસ્સામાં રાખીને બેઠો નવ નવ રસના ચટકાં

મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકાં

ગીતોના વેશે આવીને લીલ્લું લીલ્લું મલકે,

છપ્પા, દોહા, ચોપાઇ, ભજનોમાં બેસી છલકે

ગઝલો વાટે વ્યક્ત કરી દે છાના છપનાં ખટકાં

મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકાં

– પારુલ એચ.ખખ્ખર, અમરેલી

મો. 94ર98 89366

 

ગઝલ પણ આવશે

હા ખબર લેવા, ગઝલ પણ આવશે,

કેમ છો? કહેવા, ગઝલ પણ આવશે.

માણસાઇ જો પડે, બીમાર તો-

આપવા સેવા, ગઝલ પણ આવશે.

હોય જો કપરો સમય, અજમાવજો,

યાતના સહેવા, ગઝલ પણ આવશે.

પ્યાસ જીવનની સદા મિટાવવા,

થઇ ઝરણ વહેવા, ગઝલ પણ આવશે.

ફેલશે ખુશ્બૂ મજાની ચોતરફ,

ફૂલ લઇ એવા, ગઝલ પણ આવશે.

જિંદગી સંગીતમય કરવા ખરે,

સૂર બની રહેવા ગઝલ પણ આવશે.

છે ફિકર ‘મનસુર’ કબરની ક્યાં હવે?

સાથ ત્યાં દેવા, ગઝલ પણ આવશે.

– મનસુર કુરેશી, ભાવનગર

મો. 96620 40649

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું