યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ

યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ

- in Cover Story
619
Comments Off on યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ

યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે
બાબા રામદેવ

બાબા રામદેવ યોગ દ્વારા સ્વસ્થ ભારત બનાવવામાં અને પતંજલિ દ્વારા સ્વદેશી પ્રોડક્ટના માધ્યમથી દેશમાં ક્રાંતિ લાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યાં છે. દેશ-વિદેશમાં યોગને લોકપ્રિય બનાવવામાં બાબા રામદેવનું યોગદાન અદ્વિતીય છે. તેઓનું મિશન છે કે ભારતનો દરેક નાગરિક યોગ કરે, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે અને સ્વસ્થ રહે. યોગદિવસના ઉપલક્ષમાં બાબા રામદેવ ઘણા મુદ્દાઓ પર તેમની લાક્ષણિક શૈલીમાં ખૂલીને વાત કરે છે….

પ્રશ્ર્ન : આપે દોઢ દસકામાં ભારતમાં યોગને રિવોલ્યુનાઈઝ કર્યું છે. જેથી આજે સમગ્ર ભારત યોગા કરવા પ્રત્યે જાગૃત બન્યું છે. નરેન્દ્ર મોદીએ 2014માં યોગનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને વિશ્ર્વના 177 દેશોએ સ્વીકાર્યો હતો. જેના પરિણામે 2015થી યોગ વિશ્ર્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ચાર વર્ષમાં યોગ સંદર્ભે આપને શું ફરક લાગે છે?
બાબા રામદેવ : ભારતના ઋષિ-મુનિઓની વિરાસત કે વારસો કહો એ ‘યોગ’ લગભગ બસો કરોડ વર્ષોથી આપણે ત્યાં અસ્તિત્વમાં છે. યુએનમાં પણ 21 જૂન યોગ દિવસનો પ્રસ્તાવ સ્વીકાર થયો એનું કારણ એ છે કે વિશ્ર્વમાં તમામ લોકોને સારી તંદુરસ્તી, ખુશી, શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે. યોગથી બહેતર કોઈ સારો વિકલ્પ નથી અને તેમાં ખર્ચ બિલકુલ નથી. લાભ અગણિત છે અને એટલા સરળ છે કે બાળકથી લઈને વૃદ્ધ સુધી યોગ કરી શકે છે. જ્યારે પ્રધાનમંત્રી બધાની સાથે યોગ કરે છે ત્યારે સૌને ગૌરવની લાગણી થાય છે. પહેલાં એ ગ્રંથો કે ગુફાઓ અને ગ્લેમરમાં છૂપાયેલ હતો અને રાજકીય શાસન તરફથી એને સ્વીકૃતિ મળતી ન હતી. અત્યારે દુનિયામાં જે વાતાવરણ છે તે યોગ માટે સૌથી બેસ્ટ છે.

પ્રશ્ર્ન : યોગ કોને કહેવાય ? યોગ અંગે આપનું શું માનવું છે ?
બાબા રામદેવ : જુઓ યોગ શું છે ? ઈચ એન્ડ એવરી બ્રેથ ઈઝ યોગા, ઈચ એન્ડ એવરી એક્શન ઈઝ યોગા. સમતા યોગ છે, કુશલતા યોગ છે, ભીતરની શાંતિ અને બહારનો પુરુષાર્થ યોગ છે. યોગ એ સેલ્ફ રિયલાઇઝેશનથી કલેક્ટિવ રિયલાઈઝેશન, સેલ્ફ હિલિંગથી લઈને કલેક્ટિવ હિલિંગ, સેલ્ફ ડિસિપ્લિનથી લઈને કલેક્ટિવ ડિસિપ્લિન, એટલે કે જીવનમાં સંયમ, સદાચારથી લઈ સદાચરણ છે. જ્યાં સુધી એક્શનની વાત છે તો યોગ ઈન નોલેજ , યોગ ઈન એક્શન, યોગ ઈન ફેથ એટલે કે જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ અષ્ટાંગયોગ..

પ્રશ્ર્ન : આપ ચાલવાની કસરત કરો, જિમ કરી લો, શું એ જરૂરી છે કે તંદુરસ્ત રહેવા માટે ફક્ત યોગ જ કરો ?
બાબા રામદેવ : જુઓ, ચાલવું એ એક સામાન્ય કસરત છે, દોડવું એક એગ્રેસિવ એક્સરસાઈઝ છે. તરવું, જિમમાં જવું વગેરે ફિઝિકલ ફિટ રહેવા માટેની એક્સરસાઈઝ છે. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તમે અડધો કલાક સુધી એ એક્સરસાઈઝ કરો અને તેમાં પરસેવો બહાર નીકળી જવો જોઈએ. આ એક સામાન્ય વ્યૂ છે. આ પછી આવે છે બોડી, માઈન્ડ, થોટસ, ઈમોશન્સ, એક્શન્સના બેલેન્સ.. ડિગ્નિટીની વાત કરીએ તો ડિવાઈન નોલેજ અને ડિવાઈન લાઈફ એ યોગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે એ અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ. યોગ ફક્ત શરીર માટે જ નથી, આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્ત્વ ખાલી શરીર નથી, શરીરથી મજબૂત તો સાંઢ પણ હોય છે, હાથી પણ ખૂબ તાકાતવર હોય છે. યોગ એ ફક્ત શક્તિની સાધના નથી. યોગની યાત્રા એ શક્તિની સાધના, જ્ઞાનની સાધના, દિવ્યતાની સાધના, પવિત્રતાની સાધના છે. યોગની સાધનાથી મનુષ્ય નરમાંથી નારાયણ અને જીવમાંથી બ્રહ્મ બની જાય છે.

પ્રશ્ર્ન : હાલમાં ફિટનેસ ચેલેન્જ વીડિયો ટ્રેન્ડમાં છે. આપ સોશિયલ મીડિયા પર એક્ટિવ છો, ત્યારે આપ કોઈને ચેલેન્જ આપવાનું પસંદ કરશો ?
બાબા રામદેવ : મેં લાઈવ રણબીરસિંઘને ચેલેન્જ આપી હતી પણ એ ત્યાં જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યો હતો. ચેલેન્જમાં ઘણીવાર અહંકાર છલકાઈ આવે છે પણ આ ચેલેન્જ પ્રોત્સાહન આપે એ પ્રકારની છે. મને લાગે છે કે રણબીરસિંઘ, અક્ષયકુમાર, સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી આ લોકોને ફિટ માનવામાં આવે છે. હું એક મિનિટમાં 8 વાર સૂર્ય નમસ્કાર કરું છું અને સો વાર પુશ અપ્સ કરું છું. આપ આ રેકોર્ડ તોડી શકો છો? અથવા હું યંગસ્ટર્સ સહિત તમામ સેલિબ્રિટિઝને ફિટનેસ ચેલેન્જ માટે ઊલટા એટલે કે હાથથી ચાલીને બતાવવાની ચેલેન્જ આપું છું.

પ્રશ્ર્ન : દરેક વ્યક્તિ ફિટ થઈ શકે છે, તમામ મુદ્દે તમારી સલાહ આપો છો. 2019 નજીક છે ત્યારે કોંગ્રેસ અને ભાજપને તમે શું સલાહ આપશો ?
બાબા રામદેવ : બંને પક્ષોમાં યોગપૂર્વક યુદ્ધ થાય. રાજનીતિમાં રુલિંગ પાર્ટી જેટલું જ સ્ટ્રોંગ વિપક્ષનું હોવું જરૂરી છે અને ત્યારે જ લોકોને ન્યાય મળે છે. ક્રિકેટની મેચમાં જેમ રસાકસી થાય છે તેમ લોકસભા 2019ની ચૂંટણીમાં પણ ચરમ ઉત્કર્ષ જોવા માંગુ છું.

પ્રશ્ર્ન : આપે દુનિયાને યોગ શીખવવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિના કેન્દ્રમાં પણ આપ આવી ગયા છો. કેટલાકનું એવું પણ કહેવું છે કે યોગ તો કેવળ બહાનું છે, બાબા તો આંતરપ્રિન્યોર બની ચૂક્યા છે ત્યારે આ અંગે આપની શું પ્રતિક્રિયા હોય છે ?
બાબા રામદેવ : મને લાગે છે કે યોગ અને ઉદ્યોગમાં કોઈ ફરક છે જ નહીં, યોગપૂર્વક ઉદ્યોગ કરો. આપણે એક તરફ કહીએ છે કે ભારતને પરમ વૈભવશાળી બનાવવું છે, આર્થિક મહાશક્તિ બનાવવું છે, સ્પિરિચ્યુલ વર્લ્ડ પોલિટિકલ પાવર બનાવવું છે. દરેક ક્ષેત્રમાં ભારતને શક્તિશાળી બનાવવું હોય તો અર્થ (ધન) વગર તો બધું જ નકામું છે. અર્થથી જ સાર્થકતા આવે છે અને અમારું ધન તો પરમાર્થ માટે જ છે. લોકો ચાહે જે કહે, એક સંન્યાસીના નાતે, એક યોગી-કર્મયોગીના નાતે, હું શાસ્ત્રની પરિભાષા પ્રમાણે યોગી છું અને આચરણ-વ્યવહારથી યોગી છું. મને કોઈ પોલિટિકલ પાર્ટી પાસેથી યોગી હોવાનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી.

પ્રશ્ર્ન : આપના ઉ.પ્ર.ના ગ્રેટર નોઈડાના મેગા ફૂડ પાર્ક અંગે થોડો વિવાદ થયો હતો. એના વિશે કાંઈક ટિપ્પણી…
બાબા રામદેવ : આમાં કોઈ વિવાદ ન હતો. અમે વિચારીએ છે કે સમૃદ્ધિ માટે નવા રસ્તાઓ ખૂલવા જોઈએ. જુઓ, ભારતમાં ફૂડ પ્રોસેસિંગમાં ન તો ટાટા છે, ના અંબાણી છે કે ના બિરલા છે, તો ફૂડ પ્રોસેસિંગ કોણ કરશે? હું ખેડૂતનો દીકરો છું, આચાર્ય બાલકૃષ્ણ ખેડૂતના પુત્ર છે. અમે ગરીબીમાં જીવ્યા છીએ. ગરીબીને ખૂબ નજીકથી જોઈ છે અને મોદીજી સહિત અનેક નેતાઓ ગરીબીમાં જીવ્યા છે. અમે ઈચ્છીએ છે કે ગરીબ પણ અમીર બને. આજે અમે લગભગ બે લાખ લોકોને રોજગાર આપ્યો છે. એક કરોડથી વધારે ખેડૂતોને અમારી સાથે જોડ્યા છે. અમારું સપનું છે પાંચ લાખ યુવાઓને રોજગાર આપવાનું, પાંચ કરોડથી વધારે ખેડૂતોને અમારી સાથે જોડવાનું. હિન્દુસ્તાનમાં પહેલો ફૂડ પ્રોસેસિંગ પાર્ક પતંજલિએ બનાવ્યો છે અને હવે વિશ્ર્વનો સૌથી મોટો ફૂડ પ્રોસેસિંગ પાર્ક થઈ ગયો છે. યોગ, આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા અને પતંજલિ રિસર્ચ સેન્ટર વૈદિક અનુસંધાનનું, દુનિયાનું સૌથી મોટું એવું આ પહેલું રિસર્ચ સેન્ટર બનાવ્યું છે. આ અમારી આત્મપ્રશંસાની વાત નથી કરતો પણ હિન્દુસ્તાન કેવી રીતે આગળ વધી શકે એનો એક રસ્તો બતાવ્યો છે. આ રસ્તે અમે કાર્ય કરતાં રહીશું અને ભારત માતા પ્રતિ અમારી જે ફરજ છે, અને ઋણ છે તે ચૂકવીશું.

પ્રશ્ર્ન : આપ સામાજિક મુદ્દા પર આપના અભિપ્રાય આપો છો. સંત સમાજનું પણ પ્રતિનિધિત્વ કરો છો. સાધુ-સન્યાસી વિશે આપ શું માનો છો ?
બાબા રામદેવ : અમે અત્યારસુધીમાં 92 સન્યાસી આપ્યા છે. જે આત્મવિદ છે, વેદવિદ્ છે. જેઓએ દર્શન, વ્યાકરણ, વેદ, શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એ પણ ખાલી એક વર્ગવિશેષથી નહીં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, દલિત, શૂદ્ર, આદિવાસી, વનવાસી પરિવારોમાંથી આવે છે. સંન્યાસની એક નૂતન પરિભાષા અને વ્યવહારિક સ્વરૂપ આપ્યું છે. સંન્યાસ બધા માટે છે, વેદ બધા માટે છે, યોગ બધા માટે છે, ભારત બધા માટે છે. આપણે ઋષિ-મુનિઓના સંતાન છે. આપણે એકસમાન છે. જાતિઓના નામે, પુરુષ-સ્ત્રીના નામે સમાજમાંથી ભેદભાવ ખતમ કર્યો છે. મહિલાઓને યજ્ઞોપવિત આપવામાં નહોતી આવતી, એમને વેદ ભણવાનો અધિકાર ન હતો. એમને પણ અમે વેદ ભણાવ્યા. આપણે બધા એક જ ઈશ્ર્વરના સંતાન અને સૌ સમાન છીએ. કેટલીય પાર્ટીઓમાં કે સંસ્થાઓમાં પરિવારવાદ છે, જાતિવાદ છે, ભેદભાવ છે, અમારી સંસ્થા પતંજલિમાં આવો કોઈ વાદ નથી.

પ્રશ્ર્ન : સાધુ-સંત સમાજને માર્ગ ચીંધે છે પણ હાલમાં સાધુ-સમાજને લઈને જે ઘટનાઓ બની છે તેનાથી સાધુ-સંતને લોકો સંશયની નજરે જોવા લાગ્યા છે. આપના માટે આ ચિંતાનો વિષય નથી?
બાબા રામદેવ : આપે પૂછ્યું છે એટલે ખૂબ સાવચેતીથી જવાબ આપું છું. જુઓ, મુદ્ો કોઈ પણ સાધુનો હોય પરંતુ આ દરેક પાછળ જર, જમીન અને જોરુ આ ત્રણ જ હોય છે એ સમજી લેવું જરૂરી છે. આપણા પૂર્વજોએ કહ્યું છે કે સાધુ-સન્યાસીએ આ ત્રણ પાછળ દોડવું ના જોઈએ. આજે અમે હજારો કરોડનું સ્વદેશીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે પણ પોતાના માટે એક રૂપિયાની દોલત ભેગી નથી કરી. આજ સુધી કરોડો લોકોને મળ્યા છીએ, અનેક કાર્યક્રમો કર્યા છે પણ આ ધરતી પર કોઈ મા-બહેન કે બેટી કહી નહીં શકે કે તેમને ખોટી નજરે જોયા છે. બાબા રામદેવ વિરુદ્ધ કોઈ આરોપ નહીં લગાવી શકે એનું કારણ છે હું ક્યારેય કોઈને એકાંતમાં મળતો જ નથી. તમારે કેટલાક નિયમો બનાવવા પડે છે. સમૃદ્ધિ, અર્થ એ સેવા, પરમાર્થ માટે છે. સાધુએ અંત:પૂર્વક નિર્ભય હોવું જોઈએ અને એ ત્યારે જ શક્ય છે જ્યારે મનમાં કોઈ પાપ ના હોય. માનવીય દુર્બળતાઓથી પાર પડવા માટેનું સામર્થ્ય પણ યોગમાં જ છે. અમે કાળાધન, ભ્રષ્ટાચાર વિરુદ્ધ પૂરા હિન્દુસ્તાનમાં ઝુંબેશ ઉપાડી છે, એ અંદરથી સાફ હોવાના કારણે જ થઈ શક્યું છે. હું ઝૂંપડીમાં રહું છું, એસીનો પ્રયોગ નથી કરતો, દડી બિછાવીને સૂઈ જાઉં છું. આ કોઈ દેખાડો નથી પણ સાધુએ પોતાની સાધુતા ક્યારેય છોડવી ના જોઈએ. ચાહે એ આસમાનની ઊંચાઈએ ઉડે પણ પોતાના પગ ધરતી પર હોવા જોઈએ. કહેવાનો મતલબ એ છે કે દરેક આવી દુર્ઘટના પર જર, જમીન અને જોરુ હોય છે. હું માનું છું કે આવી એકપણ ઘટના ન બનવી જોઈએ. આના લીધે ભારત અને આપણી સંસ્કૃતિ બદનામ થાય છે.

પ્રશ્ર્ન : ભારત તો યોગમય છે જ પણ મોદીજી એને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ ગયા. ભારતની આ ગ્લોબલ, સાંસ્કૃતિક ભેટ- યોગ અંગે મોદીજીના યોગદાન વિશે આપ શું કહેશો ?
બાબા રામદેવ : કોઈ એક સત્યને જન આંદોલનનું સ્વરૂપ આપવું, રાજકીય માન્યતા, ગૌરવ અપાવવાનું કામ રાજનેતાઓનું છે. નરેન્દ્ર મોદીએ યુએનમાં યોગને વૈશ્ર્વિક માન્યતા અપાવી જેમાં 177 દેશોનું સમર્થન હતું. મોદીજી કટ્ટર રાષ્ટ્રવાદી, હિન્દુત્ત્વવાદી છે. મોદીજીએ તેમની હાર્ડકોર ઈમેજમાંથી યોગ દ્વારા એમની સોફ્ટકોર અને સ્પિરિચ્યુઅલ ઈમેજ ઊભી કરી છે. મોદીજી ધર્મથી પાર, એક સેક્યુલર, સાયન્ટિફિક હિન્દુત્ત્વની સ્પિરિટ લઈને આવ્યા છે એટલે મોદીજી પૂરા વિશ્ર્વમાં ભારતીયતા, ભારતીય રાજનીતિના સ્વચ્છ નેતૃત્ત્વ સાથે વૈશ્ર્વિક લીડર તરીકે બહાર આવ્યા છે જેને પૂરી દુનિયા માન આપે છે. પહેલીવાર એવું બન્યું છે કે, અમેરિકા, રશિયા કે ચીનના રાષ્ટ્રપતિ હોય, મોદીજીને તેમના દેશમાં આવકારવા કે વિદાય કરવા એરપોર્ટ પર તેઓ સ્વયં આવે છે, જે પહેલાં એમના વિદેશમંત્રી આવતાં હતા. આ ફરક આવ્યો છે. ભારતની સવા સો કરોડ જનતા માટે આ ગૌરવ અને સ્વાભિમાનની વાત છે.

પ્રશ્ર્ન : હાલમાં ફિટનેસને લઈને ઘણી જાગૃતિ આવી રહી છે ત્યારે વધુ લોકો ‘ફિટ ઈન્ડિયા’ના કેમ્પેઈનમાં જોડાય એ માટે કેવી રીતે પ્રેરણા આપશો ?
બાબા રામદેવ : જુઓ, ધર્મ-સંપ્રદાય કોઈ પણ હોય, એ અલગ પૂજા પદ્ધતિ છે. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ દરેકની અલગ પૂજા પદ્ધતિ છે. ધર્મ કોઈ પણ હોય પણ પૂર્વજ તો અમારા એક જ છે. આ આપણા પૂર્વજની વિદ્યા છે, વારસો છે. હું દરેક ધર્મ, પથ-સંપ્રદાયનું સન્માન કરું છું. તમે નમાજ અદા કરો, ચર્ચ જાઓ, ગુરુદ્વારા જાઓ, કોઈપણ ધાર્મિક રીતિ-રિવાજ માનતા હોવ, કોઈ મહાપુરુષને માનતા હોવ એને અનુસરો.. પણ યોગ તો સ્વસ્થ રહેવાનો અકસીર ઉપાય છે. દા.ત. જ્યારે સૂર્ય નમસ્કાર સાથે મંત્ર જોડી દેવાય છે ત્યારે અન્ય લોકો ડરી જાય છે. તમે કોઈપણ મંત્ર વિના પણ સૂર્ય નમસ્કાર કરી શકો છો. તમારે ઓમ પણ બોલવાની જરૂર નથી, આમ તો, ઓમ કોઈ દેવી-દેવતા નથી પણ એક ડિવાઈન સાઉન્ડ છે પણ જો તમને એ બોલવામાં કોઈ ડરાવતું હોય તો આપ મૌન રહીને પણ યોગ, પ્રાણાયમ, ધ્યાન કરી શકો છો. તમે જોઈ શકશો કે યોગથી એક એક વ્યક્તિને પરમકૃપાળુ ઈશ્ર્વરે મહામાનવ બનવાની જે શક્તિ આપી છે એ અંદરથી આપોઆપ સ્ફૂરિત થાય છે. આજે કરોડો રૂપિયા વ્યસન, નશા અને બીમારીમાં સારવાર માટે ખર્ચ થાય છે ત્યારે યોગ એ દવામુક્તિ, રોગમુક્તિ, નશામુક્તિ અને નફરતમુક્તિનું અભિયાન છે. યોગ એ ફ્કત ફિઝિકલ એક્સરસાઈઝ નથી, ખાલી મેડિટેશન નથી, યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે. ફક્ત 21 જૂન જ નહીં, યોગ જીવનશૈલી બની જવી જોઈએ. યોગને તમારા જીવનની રોજિંદી પ્રવૃતિ બનાવવાથી તમે કાયમ સ્વસ્થ રહી શકો છો.

પ્રશ્ર્ન : આજે લોકો પાસે સમય નથી ત્યારે યોગ 365 દિવસ કરવા ક્યારે, કેવી રીતે સમય કાઢવો એ અંગે આપ કોઈ ટિપ્સ આપશો?
બાબા રામદેવ : જુઓ, 24 કલાકમાંથી 6 કલાકની ઊંઘ, આઠથી બાર કલાક કામના બાદ કરો તો પણ અડધો કલાક યોગ માટે સમય ફાળવી શકાય છે. યોગથી 8 થી 12 કલાક સારી રીતે કામ કરવાની તાકાત આવે છે. મારા જેવા તો 16 કલાક કામ કરે છે. હિમોગ્લોબિન ઓછું નહીં થાય, બીપી-સુગર-વેઈટ બેલેન્સમાં રહેશે. બોડી, માઈન્ડ, થોટ, ઈમોશન્સ પરફેક્ટ રહેશે. તમે જ્યાં સમય મળે ત્યાં યોગ કરી શકો છો. ઊભા રહીને તાડાસન કરી શકો છો, કોણાસન, પાદ હસ્તાસન, અર્ધચક્રાસન કરી શકો છો. સૌથી મોટો લાભ યોગમાં પ્રાણાયમથી થાય છે જે આપ ક્યાંય પણ બેઠા બેઠા કરી શકો છો. કપાલભાતિ, પ્રાણાયામ, ભ્રામરી ગમે ત્યાં કરી શકાય છે. યોગ યુનિવર્સલ છે. આજે દેશમાં પાંચ કરોડથી વધારે લોકો યોગ કરવા માંડ્યા છે. 20-25 કરોડ લોકો ક્યારેક ક્યારેક યોગ કરે છે. સો કરોડથી વધારે લોકો કપાલભાતિ અને અનુલોમ-વિલોમ સમજીને કરે છે. હવે આ અનુષ્ઠાન આગળ ધપાવવાનું છે. મારું ભારત સ્વસ્થ બને, સફળ- સમૃદ્ધ બને, બધાના જીવનમાં હેલ્થ, હેપિનેસ, પ્રોસ્પેરિટી, પીસ આવે.. અને યોગ એવું માધ્યમ છે એમાં કાંઈ ખર્ચ નથી કરવાનો, વગર પૈસાનો આ ઈન્શ્યોરન્સ છે, ફ્રી ફોર ઓલ, હેલ્થ ફોર ઓલ. યોગ ફ્કત યોગ દિવસ માટે જ નહીં કાયમ કરો અને સ્વસ્થ અને તંદુરસ્ત રહો એવી સૌને શુભેચ્છા.
(સૌજન્ય : ઝી હિન્દુસ્તાન)

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019