સાંવલી બગલ

સાંવલી બગલ

- in Laughing Zone
692
Comments Off on સાંવલી બગલ

જ્યારે જ્યારે હું અવકાશ તરફ મંડાયેલી ડીશ એન્ટેના જોઉં છું ત્યારે ત્યારે મને સેલ્ફી લેતી વખતે અફાટ આકાશ તરફ તકાયેલી બગલ યાદ આવે છે. ડીશ એન્ટેના તો અવકાશી સેટેલાઇટ તરફથી આવતા સિગ્નલ ઝીલવા માટે ગોઠવવામાં આવે છે. જ્યારે બગલથી કોઇ સિગ્નલ ઝીલવાના હોતા નથી. એ માત્ર સેલ્ફી ઝડપવાની ક્રિયાની આડ પેદાશ છે. પણ એના લીધે આજદિન સુધી જે બગલો ગુમનામીના અંધકારમાં ગરક હતી એ હવે મુક્ત હવામાં શ્ર્વાસ લઇ રહી છે એ હકીકત છે.
સામાન્ય રીતે વસ્ત્રોના આવરણ નીચે રહેનારો આ વિસ્તાર ખૂલ્લામાં આવ્યો એના મૂળ કારણો તો ભૂગોળમાં આપેલા જ છે. પરીક્ષામાં પાંચ માર્કની ટૂંક નોંધ પૂછાય તો તમે લખી શકો કે ભારત સમશિતોષ્ણ કટિબંધમાં આવેલો પ્રદેશ છે. આપણે ત્યાં લગભગ આઠ નવ મહિના ગરમીનું સામ્રાજ્ય રહે છે. ઉપરાંત આજકાલ ડુડ ગણાતા લોકો બાયસેપ્સ બતાવવા માટે અને ક્ધયાઓ બોલ્ડ દેખાવા માટે બાંય વગરના કપડાં પહેરે છે. ક્ધયાઓમાં બાંય વગરની કુર્તિ, ટોપ અને બ્લાઉઝ પ્રચલિત છે. જ્યારે બાંય વગરના લેંઘા, પેન્ટ કે શર્ટની ફેશન હજી આવી નથી એટલે છોકરાઓ પણ બાંય વગરના ટીઝ કે પછી કેવળ ગંજી પહેરીને ફરી રહ્યા છે. એમાં ફ્રન્ટ કેમેરા સાથેના મોબાઇલનું આગમન થયું. પછી તો બગલોએ આકાશ ભણી મીટ માંડી છે, વગેરે… વગેરે…
આમ તો કોઇની પણ બગલ એ જે-તે વ્યક્તિનો અંગત વિસ્તાર છે. ખૂલ્લા પ્લોટના માલિકની જેમ એ વિસ્તારના માલિકને પણ એની સાથે મેઇન્ટેનન્સ સિવાય બીજી કોઇ લેવાદેવા હોતી નથી. પણ જેમ કોઇ વ્યક્તિ નેતા કે અભિનેતા બની જાય પછી એ જાહેર જીવનનો એક ભાગ બની જાય છે, એમ સેલ્ફી લેવા માટે હાથ ઊંચો કર્યા પછી બગલ એ જાહેર સ્થળનો ભાગ બની જાય છે. એટલે જ હવે વ્યક્તિએ પોતાની બગલ બાબતે ગંભીર થવાનો સમય આવ્યો છે. આજ દિવસ સુધી જ્યાં માત્ર સાબુ અને હાથ જ પહોંચી શકતા હતા એ વિસ્તાર હવે સમાજની નજર નીચે આવ્યો છે. અમારી તો માગણી છે કે સ્વચ્છ ભારત અભિયાનને આ સેલ્ફીબાજોની બગલ સુધી લંબાવવું જોઇએ. જાહેર સુખાકારી માટે પણ એ એટલું જ જરૂરી છે. સીધી વાત છે તમે મોલમાં મહાલવા ગયા હોવ તો આસપાસના લોકો પણ કંઇ ‘આપકી મહેકી હુઇ બગલ કી ખુશ્બૂ’ લેવા નથી આવ્યા હોતા.
અત્યાર સુધી તો શરીરના આ ભાગની દરકાર લેવા માટે ડિઓડરન્ટ સ્પ્રે અને લેસર ટ્રીટમેન્ટ સિવાય બીજી કોઇ પ્રોડક્ટ કે પ્રોસિજરનો વિકાસ થયો નથી. પણ હવે આ વિસ્તાર કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીના દાયરામાં આવી જ ગયો સમજો. બગલ સ્વરૂપે કોસ્મેટિક પ્રોડક્ટસ માટે એક આખું નવું ક્ષેત્ર ખૂલ્યું છે. શક્ય છે કે ટૂંક સમયમાં જ આપણને ટીવી ઉપર ‘બગલ કી ત્વચા કી નમી’, ‘કાંખ કે ગોરેપન કા રાઝ’ અને ‘અન્ડર આર્મ કી ત્વચા કી દેખભાલ’ને લગતા કાર્યક્રમો અને ટીવી કોમર્શિયલ્સ જોવા મળી શકે. બગલના કિટાણું માટે તો અત્યારે એ લોકો આપણી મેથી મારી જ રહ્યા છે પણ પછી ‘બદબુદાર બગલ’ને લઇને ડિપ્રેસનમાં આવી ગયેલા કોઇ જાડિયાને કહેતાં સાંભળશો કે ‘મૈં બહોત પરેશાન થા, મેરી હર સેલ્ફી મેં મૈં અકેલા હી હુઆ કરતા થા, જબ ભી મેં સેલ્ફી કે લિયે હાથ ઉપર કરતા થા તબ મેરે સબ દોસ્ત ભાગ જાતે થે. અબ મૈં ખુશ હું. ક્યોં કી અબ મેરે પાસ હૈ બગલ બહાર લોશન. સિર્ફ સાત દિન મેં બાગલીસ્તાનમેં બહાર!’ ‘ધૂપ સે બગલ કી સુરક્ષા’ બાબતે પણ આપણને સજાગ કરવામાં આવશે. સફેદ એપ્રન પહેરેલી મોડેલ આપણને તતડાવશે કે ‘ઉત્તરાયણના દિવસે આખો દિવસ તડકામાં સેલ્ફીઓ લઇ લઇને તમે તમારી બગલની શું હાલત કરો છો! તાપથી બચવા માટે માથા ઉપર કેપ અને આંખ ઉપર ગોગલ્સ પહેરો છો અને બગલ માટે કંઇ નહિ? અમારું બગલ વિલાસ ક્રીમ એક માની જેમ આપની બગલની સંભાળ લેશે અને એને બચાવશે અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી.’ એ લોકો સેલ્ફી સ્ટિક મેન્યુફેક્ચરર સાથે કોલાબોરેશન કરશે પછી તો સેલ્ફી સ્ટિક વડે ફોટો ક્લિક કરતી વખતે સ્ટિકના બીજા છેડેથી બગલ તરફ પરફયુમનો ફુવારો છૂટે એવા મોડેલ પણ બજારમાં આવશે.
બસ હવે કલ્પનાનું ગધેડું આટલે જ અટકાવીએ. આ બધું પુરાણ કરવાનું કારણ એટલું જ કે અત્યાર સુધી અગોચર રહેલા આ વિસ્તારોની જમીની હકીકત જોઇને અમે ચોંકી ઊઠયા છીએ. એટલે અમારી આજીજીભરી વિનંતી છે કે શરીરના આ અગત્યના
વિસ્તારને જો તમે સરકારી ખરાબાની જમીનની જેમ ટ્રીટ કરતાં હોવ તો પ્લીઝ, આખી બાંયના કપડાં પહેરવાનું રાખજો. કમસે કમ સેલ્ફી લેતી વખતે તો ખાસ. સમાજ માટે તમે આટલું તો કરી જ શકો.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય