સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ

સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ

- in Cover Story
675
Comments Off on સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ

સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર
ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ

ચરોતર પ્રદેશમાં નદી છે, દરિયો છે પણ ડુંગર નથી. ચરોતર એ પ્રકૃતિ અને વ્યક્તિનો સર્વોત્તમ સંગમ છે. ચરોતરની ચડતીના ચાર મૂળ છે. જમીન, દરિયો, દૂધ અને પાણી. તેની ભૂમિમાં એક ખુમારી છે, અન્યાય સામે લડી લેવાની. તો ધર્મ અને અધ્યાત્મને પણ કાયમ પોષતી રહી છે ચરોતરની આ ભૂમિ…ચરોતર વિરાટ છે, વિશેષ છે…

ચરોતર…અક્ષર તો ચાર જ. પણ એનો મહિમા અને મહત્તા, વ્યાપ અને વિશેષ તો ચારવેદ જેવા અને જેટલા. સામાન્ય સમજ પ્રમાણે ચરોતર એટલે ભૂભાગ, વાત્રકથી મહિસાગર વચ્ચેનો પ્રદેશ, જૂનો ખેડા અને આણંદ જિલ્લો. પરંતુ ચરોતર એ જમીનનો ટુકડો કે ભૂગોળમાં દર્શાવાય એ નકશો નથી. ચરોતરના વિવિધ અર્થો અને અનુબંધો તો અનેક રચાયા છે, સમજાવાયા છે, શોધાયા છે પણ એ દરેકમાં કંઇ ને કંઇ તો બાકી રહી જાય, છૂટી જાય જે ચરોતર અંગે હોય, ચરોતરનું અવિભાજ્ય હોય.

ચરોતર ખુદથી ખુદા કે ભૂથી ભગવાન સુધીનું બધું જ છે. ખુદ, ખુદ્દારી, ખુમારી, સાહસ, દરિયાદિલી, દબંગાઇ, વિપ્લવી, સરદારી, સાહસ, બહારવટાઇ, માણસાઇ, ખેતી, દૂધ, પશુ, પાણી, નદી, સમુદ્ર ધિંગાણાં, ધર્મ, સાહિત્ય, સદભાવ, સમથળ, રસાળ ઓહો… હો… હો… હજુ તો કેટકેટલું બાકી રહ્યું. પણ આટલું ય અભરે ભર્યું હોય એ પ્રદેશને શું કહેવું? કદાચ બીજું કોઇ બહુ સારું નામ જડયું નહીં એટલે ‘ચરોતર’ કહ્યું હશે.

ચરોતરમાંનો ‘ચર’ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. ચરેવૈતી…ચરેવૈતી, ‘ચરાતી ચરતો ભગ’ એમ સંસ્કૃત સુભાષિત કહે છે. આ પ્રદેશનો વૈભવ ચારુતરીઓના ચર સ્વભાવને કારણે છે. ચરોતર એ ચાલતો પ્રદેશ છે. ચાલવું એટલે ઉદ્યમ, સાહસ, નવું કરવાની નેમ, વિસ્તરવાની ટેવ. વેઠવાની નહીં, વેંઢારવાની નહીં, ચરોતર એટલે સચરાચર.
ચરોતરે દરિયો ખેડ્યો, દેશાવર ખેડ્યાં. જોઇતું જડે નહીં ત્યાં સુધી ચાલતા રહ્યાં, તેટલે સુધી ખોદતા અને ખેડતા રહ્યા. જ્યાં જે હતું તેનું તળિયું તાગ્યું. જમીન રસકસદાર હતી તો ખેતી એવી કરી કે પાક નહીં વૈભવ ઊગ્યો. પશુધન હતું તે એવું પાળ્યું કે દૂધ જાણે ચાંદી થઇને રેલાયું. પરદેશની શકયતાઓ પારખી દેશાટન કર્યું ને આખી દુનિયામાં ફેલાયું. ત્યાં શાખ, સમૃદ્ધિ અને સમાજ સ્થાપ્યાં. તમે કયા ચરોતરની વાત માંડો. વાત્રક-મહિસાગર વચ્ચેના, અમેરિકામાંના, આફ્રિકામાંના, યુરોપમાંના કે…? ચરોતર નવખંડ વ્યાપ્ત છે અને છે ત્યાં બે પાંદડે નહીં ચાર પાંદડે છે. જ્યાં બીજા એક-બે ગણું મેળવે ત્યાં જગતભરમાં ચરોતર ચાર ગણું ઊભું કરે છે. ચરોતર ચારતર (Four Plus)પણ છે.

વૈશ્ર્ચિક ચરોતરનું મૂળ પણ આ સમથળ, રસાળ અને પાણીદાર જમીનમાં છે. ચરોતર પ્રદેશમાં નદી છે, દરિયો છે પણ ડુંગર નથી. ચરોતર એ પ્રકૃતિ અને વ્યક્તિનો સર્વોત્તમ સંગમ છે. ચરોતરની ચડતીના ચાર મૂળ છે. જમીન, દરિયો, દૂધ અને પાણી. ખેતપેદાશ, દૂધ ઉત્5ાદનો, અગાઉ દરિયા માર્ગે વેપાર અને પછી દરિયા માર્ગે દેશાવરનું ખેડાણ. ચરોતર-વાસીઓ સાહસ અને ઉદ્યમ લઇને ગયા છે, ને સમૃદ્ધિ લઇને આવ્યા છે. ચરોતર કોઇ મોટી ઔદ્યોગિક ગતિવિધિ ધરાવતો પ્રદેશ નથી. ચરોતરની લાક્ષણિકતા ગણવી હોય તો ઉત્પાદકતા કરતાં એ પેદાશ પર નિર્ભર છે. ચરોતરમાં કોઇ મહાકાય કારખાનાં નથી. કોઇ વિરાટ ઔદ્યોગિક વસાહતો ય નથી. પણ તેની પેદાશ ક્ષમતા અસાધારણ છે.
ચરોતર પ્રદેશ પાટીદારોનો પર્યાય છે. જો કે ચરોતરમાં મુખ્ય વસતી પાટીદારો અને ક્ષત્રિયોની છે. એમાં મોટો ભાગ લગભગ પ0-60 ટકા જેવો ક્ષત્રિયોનો છે. પટેલો 30થી 3પ ટકા પણ ચરોતરને આકાર અને અવકાશ આપ્યો છે પાટીદારોએ. ઇતિહાસના એક મત મુજબ પાટીદારો હર્ષવર્ધનની ગુર્જર રાજવટના ગુર્જરો છે. ચરોતરના પાટીદારોમાં કોઇ અજબ વિશેષતા છે. 19ર8માં મુંબઇ સરકારે હિન્દુ જ્ઞાતિઓના ઉત્તમ, મધ્યમ અને પછાત એવા વર્ગો પાડેલા. (આ ઉપક્રમ નિંદનીય ગણાય) એમાં ચરોતરના લેઉવા પટેલોને ઉત્તમ જ્ઞાતિમાં ગણેલા. કહેવાય છે કે પીપળાવના વસનદાસે પટેલ શબ્દ પ્રચલિત કર્યો. અકબરના દરબારમાં નવરત્નો પૈકી એક વસોના અજુ પટેલ હતા.

ચરોતરમાં વસતા પાટીદારો ગુજરાતમાં 1000 વર્ષ પહેલાં આવ્યાનું મનાય છે. સિદ્ધરાજ જયસિંહે ક્ધનોજ રાજ્યના ખેતીકુશળ 1800 કુટુંબોને (જે ગુર્જર હતા) ગુજરાતની ખેતી વિકસાવવા તેડયા તે પૈકીના કેટલાક કાળાંતરે ચરોતર પ્રદેશમાં આવીને સ્થિર થયા ને ખેતીને વિકસાવી. ચરોતરની ખેતી બેનમૂન ગણાય છે. એ કરામત પાટીદારોની છે. ચરોતર પ્રદેશ વેપાર વણજ અને દરિયાવટ માટે તો પ્રસિદ્ધ હતો જ. ખંભાતનું બંદર હિન્દુસ્તાનની જાહોજલાલીનું બારું હતું. અગિયારમી સદીથી ખંભાત બંદરનો ડંકો દુનિયાભરમાં વાગતો હતો. 16મી, 17મી સદીમાં તો ખંભાત આખા ભારતની ઓળખ બની રહ્યું હતું. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ (પહેલા)એ બાદશાહ અકબરને લખેલા પત્રમાં સંબોધન King of Cambe (ખંભાતના રાજા) એમ લખ્યું છે. પાટીદારોની એક ખાસિયત છે નવી ઊભી થતી તકને પારખી લેવી અને પકડી લેવી. મુસ્લિમ શાસનકાળમાં સુબાઓના કારણે આંતરિક ખટપટો વધી પડી ત્યારે મહેસૂલ ઉઘરાવવા માટે ઇજારા અપાવા માંડયા. આ નવી વ્યવસ્થામાં પાટીદારોએ માથું નાખી એ ઇજારા હસ્તગત કર્યા. એમાંથી નરવાદાર, દેસાઇ અને અમીન કહેવાયા.

ચરોતરના પાટીદારોમાં વિપ્લવી ગરબડદાસ મુખીથી સરદાર પટેલ સુધીના નામોનો પાર નથી. ઘણાં પ્રસિદ્ધ છે આ નામો. પણ ગુમનામીમાં ગરી ગયેલા એક સપૂત છે નરસિંહભાઇ પટેલ. આઝાદી માટે હિંસક લડતથી ગાંધી ચળવળ સુધી નરસિંહભાઇ પટેલ ફરી વળ્યા હતા. નરસિંહભાઇ અને મોહનલાલ પંડયાએ બોમ્બ બનાવવાની રીતોના પુસ્તક પ્રગટ કરેલા. મોહનલાલ પંડયાએ તો નવસારી પાસે જંગલમાં છાપખાનું નાખેલું. નરસિંહભાઇ પાછળથી ગાંધીજીના માર્ગે ચાલ્યા. તેઓ ઊંડા અભ્યાસી હતા. ‘લગ્નપ્રપંચ’ નામનું તેમનું સ્ત્રીઓ અંગેનું પુસ્તક જોઇ ગાંધીજીએ તેમને ‘સ્ત્રીઓના વકીલ’ કહ્યા હતા.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠી જગપ્રસિદ્ધ છે, પણ તેમને આઝાદીની ચળવળ સાથે પરોક્ષ નાતો હતો તે ઓછા જાણે છે. 190રમાં અમદાવાદમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળવાનું હતું તે સંદર્ભે નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના ઘરે આગેવાનોની એક સભા મળેલી અને કોંગ્રેસ અધિવેશનમાં જવું તેવું ઠરાવાયેલું.
મોતીભાઇ અમીન ઉફરા ચાલનારા પાટીદાર નીકળ્યા. ધંધો-વ્યવસાય કે કમાણી કરવાને બદલે તેમણે સમાજ કોળવવાનું તાકયું. તેમણે ‘પેટલાદ બોર્ડિંગ’ સ્થાપી. કરુણાશંકર માસ્તર સાથે ચરોતરની સામાજિક વ્યવસ્થાના સુધારને પ્રાધાન્ય આપ્યું. મોતીભાઇએ ‘ચરોતર યુવક મંડળ’ સ્થાપ્યું. સામાજિક કુરિવાજો સામે આ મંડળે મોટી લડત આપી. આ વખતે ભારતમાં બંગભંગની ચળવળ પૂરબહારમાં હતી. ચરોતરમાં મોતીભાઇ અમીન સહિતના 3પનું જૂથ જે ‘The Thirty Five’ તરીકે ઓળખાતું એ સક્રિય હતું. સરદાર સાહેબ આ જૂથમાં હતા.

ચરોતરની ભૂમિમાં એક વિશેષ ખુમારી છે, અન્યાય સામે લડી લેવાની. ગાંધીજી ચંપારણમાં સત્યાગ્રહ કરી રહ્યા હતા તે જ ગાળામાં ખેડા સત્યાગ્રહ ચરોતરમાં આરંભાયો. આઝાદીની લડતનો આ તિખારો હતો. આ લડતના હુતાશનમાંથી જ સરદાર પ્રગટ્યા ને ગાંધીના બાહુ બન્યા. આ જ ગાળામાં ચરોતરી રવિશંકર મહારાજ પણ કોળી ઊઠયા. લડાયકતા અને જુસ્સો આ પ્રદેશની ઓળખ છે પણ આક્રમકતા નહીં.

ચરોતર ભૂમિ ધર્મ અને અધ્યાત્મને કાયમ પોષતી રહી છે. કોઇ એક જ પ્રદેશમાં એક સાથે આટલા બધા સંપ્રદાયોની હયાતી હોય એવું ચરોતરમાં જ શકય છે. સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી વડતાલ છે તો એના બધા જ મોટા ફાંટા થયા તે પણ ચરોતરમાં મુખ્યધામ ધરાવે છે. અક્ષર પુરુષોત્તમ સંસ્થાન, બોચાસણ, જશભાઇ સાહેબનું અનુપમ મિશન, હરિપ્રસાદસ્વામી (સોખડા)ને વિસ્તરવાનું ફલક મળ્યું ચરોતરમાં જ. સંતરામ મહારાજે પણ મુકામ કર્યો ચરોતરે જ. ભાથીજી મહારાજનું પરાક્રમ અને તેમની પૂજા પણ ચરોતરે. સતકૈવલ સંપ્રદાય, રવિ ભાણ સાહેબની ગાદી (કહાનવાડી), ભાણ સાહેબ (કીમલોડ), મહાતમરામજી મહારાજની ગાદી (સીમરડા) અને ભક્ત બોડાણા દ્વારકેથી તેડી લાવ્યા તે રણછોડરાય પણ ચરોતરમાં બિરાજ્યા.

ચરોતરની આંતરરાષ્ટ્રીય ઓળખ સ્થપાઇ દૂધથી. ચરોતરમાં ખેતી સાથે પશુપાલન પ્રારંભથી જ રહ્યું છે. ચરોતરમાં કહેવત છે કે ‘જેને ઘેર કાળી(ભેંસ) એને રોજ દિવાળી’. ડેરી ઉદ્યોગ નો’તો ત્યારે પણ ચરોતરમાં દૂધ ઉત્પાદન મોટા પાયે થતું હતું. એકલા મહેમદાવાદથી 1પ લાખ કિલો ઘી બહાર જતું હતું. માવાના સેંકડો તાવડા હતા. યુરોપની ઔદ્યોગિક ક્રાંતિએ ચરોતરની હવા પણ બદલી. યુરોપમાં ડેરી ઉદ્યોગ ધમધમવા લાગ્યો. દૂધમાંથી ક્રીમ છૂટું પાડતા ‘ક્રીમ સેપરેટર’ મશીનો ભારત આવ્યા. મુંબઇવાસી નારના એક સાહસિકે નારમાં ક્રીમ સેપરેટર મશીનથી કામ ચાલુ કર્યું. સામરખામાં એક મહારાષ્ટ્રીયન સખારામે ક્રીમ સેપરેટનું કારખાનું નાખ્યું. બ્રિટનની એક્સપ્રેસ ડેરીના મિ. સ્ટેફર્ડે ઉત્તરસંડામાં સ્ટેફર્ડ કં.ના નામે ડેરી સ્થાપી. એ સાથે જ ચરોતરમાં ડેરી ઉદ્યોગનો પ્રારંભ થયો. આ વખતે ક્રીમ કાઢી નાખ્યા પછી જે દૂધ બચતું તે સેપરેટ દૂધ કહેવાતું ને તે ખાવાલાયક નો’તું ગણાતું. આ દૂધ ફેંકી દેવાતું હતું ત્યાં 1911માં મિ. કોલર નામના એક જર્મન તજજ્ઞે આ સેપરેટ દૂધમાંથી કેસીન બનાવવાનું શરૂ કર્યું. ડેરી ઉદ્યોગને એક નવો આયામ મળ્યો. આ પછી ચરોતરમાં ડેરી ઉદ્યોગ વિકસતો ગયો. તે પછી પ્રવેશ થયો…પોલસન મોડલ ડેરીનો. 19ર9માં પારસી પેસ્તનજી એદલજીએ આણંદમાં પોલસન સ્થાપી. આ ડેરી જ અમૂલના ઉદ્ભવનું કારણ બની. પોલસનની લોકપ્રિયતા અને વપરાશ એટલા બધા હતા કે માખણના પર્યાય તરીકે પોલસન શબ્દ વપરાતો. આ પોલસન ડેરીના એકાધિકાર અને ખેડૂતોના થતા શોષણને જોઇ સરદાર પટેલે એની સામે સહકારી ડેરી સ્થાપવા આણંદના ત્રિભોવનદાસ સહિતના આગેવાનોને પ્રેર્યા. એમાંથી અમૂલ સ્થપાઇ. દલાયા અને કુરિયન આવ્યા. પછીનો ઇતિહાસ સર્વવિદિત છે. આજે અમૂલ(ફેડરેશન) રૂા.33000 કરોડનો દૂધ અને તેની પેદાશોનો વેપાર કરે છે. આખી દુનિયામાં આણંદની શ્ર્વેતક્રાંતિ પ્રસિદ્ધ છે.

ચરોતર પાસે હરિયાળી ક્રાંતિની પણ એટલી જ તકો છે. ચરોતર અત્યારે તમાકુ, કેળાં અને શાકભાજીના પાકો પુષ્કળ પેદા કરે છે. પરંતુ એ બધું પેદાશ તરીકે, કાચામાલ તરીકે વેચાઇ જાય છે. તમાકુના ઉત્પાદન (નિકોટીન વ.) કે કેળાના ઉત્પાદન માટેની કોઇ ઉદ્યોગ વ્યવસ્થા ચરોતરમાં નથી. આ પાકોનું મૂલ્ય ઉમેરણ (Value Edition) કરતી ઉદ્યોગ વ્યવસ્થા માટે ચરોતરમાં મોટી તકો છે. સાહસ અને તકનો સમયસર ઉપયોગ એ આ ભૂમિની ખાસિયત છે તેથી આ ક્ષેત્ર પણ જલદી ખેડાશે.
ચરોતરને ચાર-છ પાનાં તો નહીં પણ ચાર-છ પુસ્તકોમાં પણ પૂરેપૂરું ન આલેખી શકાય. ચરોતર વિરાટ છે, વિશેષ છે, વૈશ્ર્વિક છે. ચરોતર કોઇ બિંદુ નથી. ચરોતર કોઇ પ્રદેશ નથી. ચરોતર એક બહુમુખી, બહુઆયામી, બહુ વિસ્તારી વ્યક્તિત્વ છે, વિભૂતિ છે. એની અનુભૂતિ જ થઇ શકે.

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019