અજનબી પણ માણસ હોય

અજનબી પણ માણસ હોય

- in Navlika
1276
Comments Off on અજનબી પણ માણસ હોય
અજનબી

બિમલ રાવલ

આમ તો બસ રાત્રે અગિયાર વાગ્યાની હતી. પણ પછી ગામથી બસ સ્ટેન્ડ આવવા કોઇ વાહન ન મળે એટલે અલકા પુત્ર તપનને લઇને વહેલી બસ સ્ટેન્ડ પર આવી ગઇ હતી. હાઇવે પરનું બસ સ્ટેન્ડ હોવાથી ઉપરથી આવતી લાંબા રૂટની અમુક બસો અહીં થઇને જતી, બાકી તો લોકલ બસો જ આવતી-જતી. ઉતારુઓની થોડી ઘણી અવરજવર ચાલુ હતી. બસમાંથી ઉતરીને ઉતારુઓ હડી કાઢીને બહાર નીકળી જતાં ને આગળ જવા માટે પોતાના જોગ કોઇ વાહન શોધી લેતાં. તો વળી અમુક લોકો પગપાળા ઉપડી જતાં. વળી પાછી બીજી બસ આવતી ને એ જ સિલસિલો. અલકા એક બાંકડા પર બેઠાં-બેઠાં આ બધું નિહાળી રહી હતી. બસ આવતાં બધા દોડતા પણ, અલકા બેસી રહેતી હતી. કોઇએ તેને પૂછ્યું પણ ખરું. બેન, તમારે કેની પા જવાનું છે. આમ ને આમ બેહી રહેશો તો તમારી બસ જતી રહેશે. અલકાએ સ્મિત કરતાં કહ્યું, મારે તો સુરત જવાનું છે. ને સુરતની બસ રાત્રે અગિયાર વાગે આવશે. આ તો પછી ગામથી અહીં આવતાં કોઇ સાધન ન મળે એટલે વહેલી આવી ગઇ છું. પેલા પૂછનાર કાકા થોડી વાર તેની સામે જોઇ રહ્યા, પછી કહ્યું, ઓ..હો..! ઘણે લાંબે જવાનું છે. પણ દીકરી સાડા નવની છેલ્લી બસ જતી રહ્યા પછી બસ સ્ટેન્ડ પર ભાગ્યે જ કોઇ માનહ જોવા મળશે. અગિયાર વાગ્યા સુધી રાહ જોઇને તું કંટાળી જઇશ. અત્યાર સુધી બસ સ્ટેન્ડની ચહલપહલ જોઇને સમય પસાર કરતી અલકા એકદમ ચમકી ગઇ. તેને ખ્યાલ આવ્યો કે આ વિશે તો તેણે વિચાર સુધ્ધાં નહોતો કર્યો. હવે તેને થોડી ગભરામણ પણ થવા લાગી. તેની આંખ સામે રાતનો અંધકાર અને તે એકલી બસ સ્ટોપ પર બેઠી છે તેવું ચિત્ર ખડું થઇ ગયું. તેનું મન કંઇ-કેટલાય અજ્ઞાત ડરામણા વિચારોથી ઘેરાઇ ગયું. જેમ જેમ અંધકાર વધતો હતો તેમ બસ સ્ટેન્ડ પરની ચહલપહલ ઓછી થતી હતી.

અલકાએ ઘડિયાળમાં જોયું સાડા આઠ વાગવા આવ્યા હતા. હવે બસ સ્ટેન્ડ પર પોતે, તપન અને પેલા કાકા રહ્યા હતા. થોડી વાર થઇ ત્યાં એક છ ફૂટ લાંબો કદાવર માણસ બસ સ્ટેન્ડમાં દાખલ થયો. તેના હાથમાં એક મોટું પોટલું હતું. તે માણસ અલકા બેઠી હતી તે બાંકડા પાસે આવ્યો ને બાંકડા પર પોટલું મૂકી આમ તેમ જોવા લાગ્યો. તેનો વાન ઘઉંવર્ણો હતો. વાળ વાંકડિયા હતા. આમ કંઇ તે એવો બિહામણો નહોતો લાગતો, પણ કોણ જાણે કેમ અલકા આ અજનબીને જોઇને થોડી ડરી ગઇ હતી. થોડી વાર થઇ ત્યાં તે અજનબી માણસ અલકાને ઉદ્ેશીને બોલ્યો, બહેનજી! જરા સામાન કા ખયાલ રખના, મૈં અભી આયા. અલકા ડરેલી હતી. તેને કંઇ સૂઝ્યું નહીં. તેણે હકારમાં માથું ધૂણાવી દીધું. એ માણસ ત્યાંથી થોડે દૂર ઊભા ઊભા બીડી પી રહેલા પેલા કાકા પાસે ગયો. કંઇક વાત કરી અને બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયો. અલકાની ગભરામણ વધી ગઇ અને થયું આ અજનબી માણસ તો પોટલું મૂકીને જતો રહ્યો. અલકાનું મગજ ચકરાવે ચડી ગયું. તેણે પોટલા સામે જોયું. તેના શરીરમાં એક લખલખું પસાર થઇ ગયું. તેને મનમાં સવાલ થયો આ પોટલામાં શું હશે? બીજી જ ક્ષણે તે થથરી ગઇ કે આ માણસ કોઇ આતંકવાદી તો નહીં હોય ને! વાતાવરણમાં ઠંડક હોવા છતાં તેના કપાળે પરસેવો વળી ગયો. તે પેલા કાકાનો અવાજ સાંભળીને ને ઝબકી. કાકા કહી રહ્યા હતા, દીકરી! પેલો ભાઇ છે ને તે સાડા નવની છેલ્લી બસમાં જવાનો છે. ત્યાં સુધી તને સંગાથ રહેશે. કાકાની વાત પરથી અલકાને સહેજ શાંતિ વળી કે તે માણસ આતંકવાદી તો નહીં જ હોય, ને પાછો પણ આવશે ખરો. ત્યાં જ એક બસ દાખલ થઇ. બસની લાઇટથી આંખો અંજાઇ ગઇ. પેલા કાકા ‘ચાલ દીકરી મારી બસ આવી ગઇ’ આમ કહી હડી કાઢીને બસ તરફ દોડ્યા. કંડક્ટરે કાકાને ચબરખી આપી. કાકા ચબરખીને ઓફિસના જાળિયામાં નાખી બસમાં ચડી ગયા. હવે બસ સ્ટેન્ડ પર માત્ર અલકા, તપન અને પેલા અજનબીનું પોટલું રહ્યાં હતાં. અલકાને ડરના કારણે ધ્રૂજારી આવી ગઇ. તેણે આમ-તેમ નજર દોડાવી. બસ સ્ટેન્ડમાં લાઇટ હતી તે એક માત્ર ઉજાસ હતો, બાકી ચોતરફ અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. માણસોની ચહલપહલ ઓછી થવાથી હવે અલકાને પવનના સુસવાટા પણ ચોખ્ખા સંભળાતા હતા. તેને થયું કે પેલો અજનબી માણસ તેને કંઇ નુકસાન તો નહીં પહોંચાડે ને! તેના મગજમાં જાત-જાતના ખરાબ વિચારો આવવા માંડ્યા. ત્યાં જ તપન બોલ્યો, મમ્મી! ભૂખ લાગી છે ને તરસ પણ લાગી છે. સાત વરસના તપનનો અવાજ સાંભળી અલકા સહેજ ચમકી, પણ પછી તેના મનને એક વાતનું આશ્ર્વાસન મળ્યું કે તે એકલી નથી. ડૂબતો માણસ તણખલું પકડે તેમ અલકાને પણ ખબર હતી કે સાત વરસનો તપન તેને કોઇ મુસીબત આવી તો શું મદદ કરવાનો. પણ મનમાં એક વાતની શાંતિ થઇ કે કોઇ છે તેની સાથે. અલકાએ તેને પર્સમાંથી નાસ્તાનો ડબ્બો કાઢીને આપ્યો અને કહ્યું પાણી નાસ્તો કરીને પીજે. એક જ બોટલ છે, ને આખી રાત બસમાં કાઢવાની છે. તે આટલું બોલીને તેના કાને અવાજ અથડાયો. અરે બહેનજી! ક્યૂં બચ્ચે કો પાની કે લિયે મના કર રહી હો. યહાં બસ સ્ટેન્ડ કે બહાર એક છોટા સા ગલ્લા હૈ વહાં પાનીકી બોટલ મિલતી હૈ. અલકા તેને જોઇને એકદમ ચમકીને થોડી બઘવાઇ પણ ગઇ. પોતાની ગભરાહટ છૂપાવવાની કોશિશ સાથે તેણે કહ્યું નહીં ઇતના કાફી હૈ. પેલા માણસે થોડી વાર આમ-તેમ આંટા માર્યા પછી બાંકડા પર આવીને બેસી ગયો. તેની અને અલકાની વચ્ચે પેલું પોટલું પડ્યું હતું. વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઇ હતી. અલકાએ બેગમાંથી સ્વેટર કાઢી તપનને પહેરાવ્યું અને પછી પોતે પણ પહેરી લીધું. પેલા માણસે તપન સામે જોઇને પૂછ્યું, કહાં જા રહે હો આપ લોગ. તપને મમ્મી સામે જોયું. અલકાને થયું કે આને પોતે સુરત જાય છે તેવું નથી કહેવું. ત્યાં જ તપન બોલ્યો, સુરત. ઓ…હો..! સુરત. અલકાને તેની આંખોમાં અજીબ સા ભાવ દેખાયા. તેને લાગ્યું જાણે તે મનમાં કંઇક ગોઠવતો લાગે છે. ઘડિયાળમાં જોયું સાડા નવમાં પાંચ મિનિટની વાર હતી. તેને હવે ઇંતજાર હતો તો સાડા નવની બસનો. ક્યારે બસ આવે ને ક્યારે આ માણસ તેમાં બેસીને અહીંથી રવાના થઇ જાય. અંતે સાડા નવની બસ આવી. અલકાના આશ્ર્ચર્ય વચ્ચે પેલો માણસ ત્યાંથી હલ્યો પણ નહીં. કંડક્ટરે તેને ઇશારો કરી ચબરખી નાખવા કહ્યું. તે ઊભો થયો ચબરખી લીધી ને ઓફિસના જાળિયામાંથી અંદર નાખી દીધી. અલકાને થયું તેને યાદ અપાવે કે ભાઇ તારી બસ જાય છે. પણ તેણે એમ ન કર્યું. બસ ઘરઘરાટી કરતી ઉપડી ગઇ. બસના ધુમાડા અને એન્જિનના કારણે વાતાવરણમાં ક્ષણિક ગરમી વળી, પાછી ઠંડકમાં થીજી ગઇ. હવે અલકાને ખરેખર ગભરામણ થવા લાગી. તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. ઘરેથી નીકળતી વખતે કાકીએ કહ્યું હતું. રાતની બસમાં શું કામ જવું છે. સવારે પણ એક બસ ઉપરથી આવે છે, તેમાં જતી રહેજે, પણ અલકાને સવાર પડતાં જ સુરત પહોંચી જવું હતું. એટલે તે કાકીની સલાહ અવગણીને સાંજે જ ઘરેથી નીકળી ગઇ. પણ હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતો. અલકા તપનને સોડમાં લઇ પોતાનો ગભરાટ સંતાડવાની મથામણ કરી રહી હતી. પેલો માણસ તેને જોઇને થોડું મુસ્કુરાયો. પણ અલકાએ તેને કોઇ પ્રતિભાવ ન આપ્યો. વાતાવરણમાં સન્નાટો હતો. પવનના સૂસવાટા અને બહાર હાઇવે પરથી એકલ-દોકલ મોટરસાઇકલના અવાજ સિવાય ફક્ત અલકાના તેજ ચાલતા શ્ર્વાસોચ્છવાસનો અવાજ આવતો હતો. તપન અલકાના ખોળામાં માથું રાખીને સૂઇ ગયો હતો. અલકાએ ઘડિયાળમાં જોયું દસ વાગ્યા હતા. અલકાને ખાતરી થઇ ગઇ હતી કે આ અજનબી માણસે કંઇક ગરબડ કરવાના ઇરાદાથી જ સાડા નવની બસ જતી કરી છે. તે ઇશ્ર્વરને પ્રાર્થના કરી રહી હતી કે બસ આ એક કલાક હેમખેમ પસાર કરી દે. થોડો સમય પસાર થયો હશે ત્યાં પેલો માણસ અલકાની નજીક આવ્યો. અલકા સાવધ થઇ ગઇ. તેણે અલકાને કહ્યું મૈં થોડી દેર મેં આતા હૂં. અને તે બસ સ્ટેન્ડની બહાર નીકળ્યો. અલકાને વળી પાછા ખરાબ વિચારો આવવા માંડ્યા. તેને થયું નક્કી તેના સાથીદારોને બોલાવવા ગયો છે. એકવાર તો તેને વિચાર આવ્યો કે તપનને લઇને ત્યાંથી ભાગી જાય. નજીકના કોઇ ગામમાં આશરો લેવા જતી રહે. પણ તેને સુરત પહોંચવું પણ ખૂબ જરૂરી હતું. બપોરે ઓફિસની એક ખૂબ જ અગત્યની મીટિંગ એટેન્ડ કરવાની હતી. થોડી વાર થઇ ત્યાં પેલો માણસ બસ સ્ટેન્ડમાં દાખલ થયો. તેના હાથમાં એક પ્લાસ્ટિકનું ઝભલું હતું. તે બાંકડા પાસે આવ્યો ને અલકા સામે જોઇ સ્મિત કર્યું ને કહ્યું, બચ્ચા સો ગયા અચ્છા હૈ, થક ગયા હોગા. આટલું બોલી તે પાછો બાંકડા પર બેસી ગયો. અલકા ડર છૂપાવવાની મથામણમાં મૌન જ રહી. આમ ને આમ સમય પસાર થતો ગયો. અલકાને સમજાતું નહોતું કે તે માણસના મગજમાં શું ચાલી રહ્યું હતું. પેલો માણસ વારે વારે બસ સ્ટેન્ડના ગેટ તરફ જોતો હતો. અલકાને થયું નક્કી તેના કોઇ સાથીદારની રાહ જુએ છે.

બોઝિલ વાતાવરણને તોડવા પેલા માણસે કહ્યું બસ અભી દસ-પન્દ્રહ મિનિટ મેં આપકી બસ આ જાયેગી. અલકા અચંબિત થઇ ગઇ. તેણે ઘડિયાળમાં જોયું ને તેના મનમાં હાશકારાની નાની લહેરખી દોડી ગઇ, કે હાશ! પોણા અગિયાર વાગ્યા છે. થોડી જ વારમાં બસ આવશે અને તે આ ડરના ઓથારમાંથી મુક્ત થઇ જશે. બસની ઘરઘરાટીનો અવાજ આવ્યો. અલકાએ ફટાફટ તપનને ઉઠાડ્યો. સામાન લેવા જતી હતી ત્યાં પેલા માણસે બેગ લઇ લીધી ને તેને કહ્યું આપ બસ મેં બેઠ જાવ બેગ મેં દે દેતા હૂં. બસ જોઇને અલકામાં થોડી હિંમત આવી ગઇ. તેણે કંઇ વાંધો ન લીધો ને તપનને લઇને બસમાં ચડી ગઇ. પેલો માણસ બસમાં ચડ્યો. તેની બેગ ઉપર ખાનામાં ગોઠવી દીધી ને નીચે ઉતરવા લાગ્યો. કંડક્ટરે તેને પેલી ઓફિસમાં નાખવા ચબરખી પકડાવી દીધી. અચાનક તેણે કંઇક યાદ આવ્યું હોય તેમ કંડક્ટરને કહ્યું, સા’બ એક મિનિટ રોકના અને દોડતો બાંકડા પાસે ગયો. પેલું પોટલું ખોલ્યું. તેમાંથી કંઇ કાઢ્યું અને પેલી પ્લાસ્ટિકની થેલી લઇને બસમાં પરત આવ્યો. અલકા તરફ થેલી લંબાવતાં બોલ્યો, બહેનજી! યે રખીએ પાની કી બોટલ હૈ ઔર વેફર કા પેકેટ હૈ. બચ્ચે કે લીએ, ઔર યે. તેના હાથમાં શાલ હતી. અલકાએ કહ્યું યે ક્યા હૈ. તેણે કહ્યું બહેનજી! મેં ઘર-ઘર જાકર ગરમ કપડે બેચતા હૂં. ઠંડી જ્યાદા હૈ. શાલ આપકો રસ્તે મેં કામ લગેગી. અલકાનું મગજ સૂન્ન મારી ગયું. તેને થયું કે પોતે આ માણસ વિશે શું વિચારતી હતી ને આ તો…! પેલો માણસ તપનના ગાલ પર હળવી ટપલી મારી નીચે ઊતરી ગયો. કંડક્ટરે તેને પૂછ્યું, અરે ભાઇ! કેમ ઉતરો છો? હવે તો કોઇ બસ પણ નહીં આવે. જવાબમાં તેણે કહ્યું, સાહબજી હમારા બસ તો કબ કા ચલા ગયા. યહ તો બહેનજી અકેલી થી ઔર ગભરા રહી થી ઇસિલિયે હમ રૂક ગયા થા. અબ તો સુબહ કી બસ મેં હી ઘર જાઉંગા. કંડક્ટરે તેની એસટીયા અંદાજમાં ધડામ લઇને દરવાજો બંધ કર્યો ને અલકાનું સૂન્ન થઇ ગયેલું મગજ ચેતનવંતુ થયું. તે પોતાની જાત ઉપર શરમ અનુભવી રહી હતી. જે માણસ માટે તે આટલું ખરાબ વિચારતી હતી તે અજનબી માણસ હકીકતમાં તેને મદદ કરવા આખી રાત આવી ઠંડીમાં બસ સ્ટેન્ડમાં સૂઇ રહેશે અને સવારે પોતાના પરિવારને મળશે. તેની નજર એક અજનબી ભાઇએ આપેલી શાલ પર સ્થિર થઇ ગઇ. તપન શાલ ઓઢીને તેના ખોળામાં માથું નાખીને સૂઇ ગયો હતો.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય