સ્ત્રી-પુરુષનું સહજીવન: સંબંધોના સરવાળા ને બંધનોની બાદબાકી

સ્ત્રી-પુરુષનું સહજીવન: સંબંધોના સરવાળા ને બંધનોની બાદબાકી

- in Other Articles
2268
Comments Off on સ્ત્રી-પુરુષનું સહજીવન: સંબંધોના સરવાળા ને બંધનોની બાદબાકી
Female and man's symbiosis: subtracting the bonds of relationships

– ઇલિયાસ શેખ

સ્ત્રી-પુરુષ વચ્ચે જ્યારે પ્રેમ-સંબંધ હોય છે ત્યારે એમાં સમર્પણ અને સાંનિધ્ય હોય છે. આ જ સંબંધ જ્યારે લગ્નમાં પરિણમે છે ત્યારે સમર્પણનું સ્થાન આધિપત્ય અને સાંનિધ્યનું સ્થાન જવાબદારી લઇ લે છે. હજી ગઇકાલ સુધી ચમેલીના બાગમાં, એકમેકના હાથમાં આંગળા ગૂંથીને જન્મોજનમ સાથે રહેવાના સપના નિહાળતા અને આ જન્મમાં કદી ના છોડવાના કોલ આપતા બે યુવાન હૈયાઓ લગ્નના છ મહિનામાં જ એકબીજાથી ધરાઇ જાય છે. આમ, સંબંધોની પરિભાષા બદલાતી જ રહે છે…

જ્યાં સંબંધ હોય છે ત્યાં મુક્તિનો અહેસાસ હોય છે. જ્યાં બંધન હોય છે ત્યાં બંધિયારપણું ને ગૂંગળામણ હોય છે. સંબંધો માનવી પોતે આપબળે વ્યક્તિગત આવડતથી કેળવે છે, જ્યારે બંધનો માનવી ઉપર સામાજિક રીતિ-રિવાજ અને પરંપરાને કારણે થોપવામાં આવે છે. સંબંધમાં કાર્યશીલ રહેવા માટે માનવીની અંદરથી ઉમળકો ઊઠે છે. જ્યારે બંધનમાં માનવીએ બાહ્ય દબાણથી વશ બનીને કામ કરવું પડે છે. પ્રેમ એ એક સંબંધનું નામ છે. જ્યારે લગ્ન એ એક બંધનનું નામ છે. એટલે જ એમ કહેવામાં આવે છે કે પ્રેમ થઇ જાય છે અને લગ્ન કરવામાં આવે છે. સંબંધ, બંધન, પ્રેમ અને લગ્ન જેવા શબ્દો જે રીતે અલગ અલગ અર્થછાયાઓ ધરાવે છે. એ જ રીતે આ શબ્દો સ્ત્રી-પુરુષ સંબંધો ને બંધનો ઉપર પણ એ એનો પ્રભાવ પાડે છે. હું તો રમૂજમાં ઘણીવાર કહેતો હોઉં છું કે, ‘જે સગા છે એ વ્હાલા નથી અને જે વ્હાલા છે એ સગા નથી!’

સ્ત્રી-પુરુષ વચ્ચે જ્યારે પ્રેમ-સંબંધ હોય છે ત્યારે એમાં સમર્પણ અને સાંનિધ્ય હોય છે. આ જ સંબંધ જ્યારે લગ્નમાં પરિણમે છે ત્યારે સમર્પણનું સ્થાન આધિપત્ય અને સાંનિધ્યનું સ્થાન જવાબદારી લઇ લે છે. હજી ગઇકાલ સુધી ચમેલીના બાગમાં, એકમેકના હાથમાં આંગળા ગૂંથીને જન્મોજનમ સાથે રહેવાના સપના નિહાળતા અને આ જન્મમાં કદી ના છોડવાના કોલ આપતા બે યુવાન હૈયાઓ લગ્નના છ મહિનામાં જ એકબીજાથી ધરાઇ જાય છે. એટલું જ નહીં, પણ એકબીજાની પ્રશંસા કરવાને બદલે એ બેય જાણે કે ‘એક બીજા’ની કરવા માંડે છે! બે પ્રેમીઓ જ્યારે પ્રેમસંબંધમાંથી લગ્નગ્રંથિના બંધનમાં બંધાય છે ત્યારે પ્રેમનું સુગંધિત તળાવ કેમ ગંધાય છે? સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોમાં આવું કેમ થાય છે? શું સ્ત્રી-પુરુષ જ્યારે પતિ-પત્ની બની જાય છે ત્યારે એમાં 247ના સહવાસને કારણે કડવાશ આવી જાય છે? કે પછી પ્રેમી-પ્રેમિકા તરીકે એકમેકને પામી લીધા પછી એ બેય વચ્ચે પતિ-પત્ની તરીકે ‘માપવા’ની હોડ ચાલે છે? હજી ગઇકાલ સુધી આંખમાં અંજાયેલા કોડ, આજે ભારેખમ લોડ બનીને હૈયાને કેમ ભરી દે છે? એ વિચારવા જેવો પ્રશ્ર્ન છે.

લગ્ન એ એક સામાજિક સંસ્થા છે જ્યારે પ્રેમ એ એક ચૈતસિક અવસ્થા છે. બે ‘મળેલા જીવ’ વચ્ચે સમાજની નહીં પણ ‘સમજ’ની અને ‘સહજ’ની જરૂરિયાત હોય છે. પણ સમાજ પોતાના હેતુઓ, પોતાની સંસ્થા, પોતાના નીતિનિયમો અને પોતાના રીતિરિવાજો, પોતાની પરંપરાને અકબંધ ને સાબૂત રાખવા યુગો-યુગોથી ‘બે મળેલા’ સ્વાવલંબી જીવ વચ્ચે પરાવલંબી જળોની માફક સંબંધો ઉપર બંધનોની જાળ ફેલાવતા જ જાય છે. સમાજમાં લગ્ન સંસ્થા એ માત્ર વારસાહક્કની વ્યવસ્થા જ નથી. પણ લગ્ન સંસ્થા એ ચતુરાઇ અને ગણતરીપૂર્વક અમલ આવેલી એક વ્યવસ્થા છે કે જેથી પોતાના વર્ણના સંતાનો એ જ વર્ણમાં કાયમ રહે અને એ રીતે વર્ણ-વ્યવસ્થા ટકી રહે. લગ્ન સંસ્થા એ વર્ણ-વ્યવસ્થા ટકાવી રાખવા માટેનો સામાજિક ડંડો અને હથકંડો છે. એનાથી વિશેષ કશું નથી.

સ્ત્રી-પુરુષના સંબંધોને નજીકથી સમજવા હોય તો સ્ત્રી અને પુરુષની મનોસ્થિતિને સમજવી પડે. દરેક સ્ત્રીના સમગ્ર જીવનકાળમાં ત્રણ પુરુષો આવતાં હોય છે. સ્ત્રી જ્યારે માદા તરીકે જન્મે અને ઉંમરલાયક બને ત્યાં સુધી એના જીવનમાં એના પિતા એનો પ્રથમ પુરુષ હોય છે. સ્ત્રીની આંખ સતત એના પિતા જેવા દેખાતા, એના પિતા જેવી પ્રકૃતિ ધરાવતા પુરુષને શોધે છે. પ્રેમી કે પતિ એ સ્ત્રીના જીવનમાં આવેલો બીજો પુરુષ હોય છે જેમાં સ્ત્રીને પિતાની પ્રતિછાયાની પ્રાપ્તિ ન થતાં એ હતાશ થઇ જાય છે. છેવટે એ માતૃત્વ ધારણ કરીને પુત્રમાં પોતાના પિતા અને પતિ બંનેને શોધે છે. આમ, સ્ત્રીના મનને સમજવા માટે એના મનમાં રહેલા ફાધર ફિગર, પિતૃ-પ્રતીકને સમજવાની જરૂર છે. એ જ રીતે પુરુષના જીવનકાળમાં પણ સ્ત્રીઓ આવતી હોય છે. પુરુષના જીવનમાં સૌથી પહેલી સ્ત્રી જે આવે છે એ એની મા હોય છે. પુરુષ પણ જ્યારે ઉંમરલાયક થાય ત્યારે પોતાની પ્રેમિકા કે પત્નીમાં એની માની પ્રતિછાયા શોધનો હોય છે. પણ જે રીતે સ્ત્રીને એના પ્રેમી કે પતિમાં એના પિતાની પ્રતિછાયા પ્રાપ્ત નથી થતી. એ જ રીતે પુરુષને પણ એની પ્રેમિકા કે પત્નીમાં એની માતાની પ્રતિછાયા પ્રાપ્ત નથી થતી. અંતે હતાશ થઇને પછી પુરુષ પિતૃત્વ ધારણ કરે છે એને સંતાન તરીકે એક દીકરીને પ્રાપ્ત કરીને એમાંથી પોતાની માની પ્રતિછાયાને પામવા મથે છે. આમ, આ સંદર્ભના ત્રણ વર્તુળો, થ્રી ફ્રેમ્સ ઓફ રેફરન્સ જો સમજાઇ જાય તો દામ્પત્ય જીવન ખુશખુશાલ બની જાય.

સંદર્ભના આ ત્રણ વર્તુળો ઉપરાંત પણ સ્ત્રી-પુરુષ વચ્ચે બીજા અનેક બુનિયાદી તફાવતો છે. સ્ત્રી-પુરુષના સંબંધોને સમજવા માટે એને ધ્યાને લેવા પણ એટલા જ આવશ્યક છે. જેમ કે, સરેરાશ પુરુષને માત્ર બે જ આંખો હોય છે અને એ બેય આંખો માત્ર સીધી લીટીમાં આગળ તરફ જ જોવા ટેવાયેલી હોય છે. જ્યારે સ્ત્રીને બે નહીં, પણ ચાર આંખો હોય છે! સ્ત્રી એની આગળની બે આંખથી પળવારમાં આગળ, ઉપર-નીચે-આજુબાજુ બધે જ કાતર મારીને જોઇ લેતી હોય છે. એટલે જ કવિઓએ સ્ત્રીની નજરને તીરછી નજરવાલી કહી છે. આટલું જ નહીં, પણ સ્ત્રીને આગળની સાથે સાથે પાછળ પણ બે આંખ હોય છે. આ પાછળની બે આંખ દૃશ્યને જોઇ નથી શકતી પણ સૂંઘી શકે છે.આ વાતની ખાતરી કરવી હોય તો ક્યારેક બસ કે ટ્રેનમાં તમારી આગળ ઊભેલી કે બેઠેલી સ્ત્રીની પીઠને સતત તાકવાનો મનોયત્ન કરજો! એટલે થોડી જ વારમાં આગળ મોઢું કરીને ઊભેલી છણકો કરીને તરત પાછળ ફરીને તમારી સામું આંખની કટારી મારશે!

પુરુષને જોવું ગમતું હોય છે અને સ્ત્રીને દેખાડવું. ફેશન, સૌંદર્ય-પ્રસાધનો, આભૂષણોનું અસ્તિત્વ એટલા માટે જ ટકી રહ્યું છે કે વિશ્ર્વની દરેક સ્ત્રીને એ છે એના કરતાં વધારે સુંદર, વધારે મોહક અને વધારે આકર્ષક દેખાવું છે. સરેરાશ સ્ત્રી એવું ઇચ્છતી હોય છે કે પુરુષ એના રૂપ-શ્રૃંગારને રસપૂર્વક નિહાળે. પુરુષને જેમ સ્ત્રીને ટગરટગર જોવું ગમે છે એમ સ્ત્રીને પણ પુરુષને જોવો ગમતો હોય છે. પુરુષના કપાળ અને ગાલ ઉપરના ઘાવવાળો ચહેરો, પાતળી કે ઘાટી મૂછો, બે દિવસની દાઢી, છાતી પરના ગૂંચળું વળેલા વાળ અને ખાસ તો શૂન્યમાં તાકતી પુરુષની આંખ, આ બધું સ્ત્રીને પણ મન ભરીને અનિમેષ જોવું હોય છે. પણ પુરુષને જેવી ખબર પડે કે કોઇ સ્ત્રી એને એકીટશે તાકી રહી છે. એટલે તરત જ એ વળતો પ્રહાર કરતો એને જ તાકે છે!

પુરુષને એની સ્ત્રી નિત સવારે એકદમ અલગ, નવી, તરોતાજા અને પાછલી રાતે હતી એના કરતાં તદ્દન ભિન્ન, જુદી, નોખી અને અનોખી હોય તો ગમે છે. એટલે જ નારીએ એની હેર-સ્ટાઇલ, એના વસ્ત્રો, એના ચહેરાના હાવભાવ સતત બદલતા રાખવા પડે છે. પુરુષને જાણે કે એક સ્ત્રીમાંથી એક હજાર સ્ત્રીને પામી લેવાનો અભરખો હોય એમ એ સ્ત્રીને નિરંતર ફેશન-શો કરાવતો રહે છે. પોતાના પુરુષનું એની તરફ આકર્ષણ કાયમ ટકી રહે એ માટે સ્ત્રીને પણ સતત આ બદલાવનો, નિત નવા દેખાવાનો પડકાર ઝીલવો પડે છે. આ તો પુરુષની વાત થઇ. પણ સ્ત્રીને કેવો પુરુષ જોઇએ? તો આપણે જોઇ શકીએ કે સ્ત્રીને નિત સવારે અદ્લોઅદ્દલ, ડીટો-ટુ-ડીટો, એક તરણાભાર પણ બદલાયા વગરનો, ગઇ કાલે રાતે હતો એવો જ પુરુષ નિત સવારે જોઇએ! પાછલી રાત કરતાં સવારે પુરુષ લગીર પણ બદલાયેલો સ્ત્રીને લાગે કે સ્ત્રીની પ્રેમની લંકામાં શંકાનાં પંખા તેજ રફતારથી ફરવા લાગે! વિચારવાયુમાં એ ચામાં મોરસને બદલે મીઠું નાખી દે! ભાખરીમાં મોણ નાખતાં જ ભૂલી જાય. અને પછી સવાર-સવારમાં ચકમક ઝરે. સ્ત્રી-પુરુષ કે પતિ-પત્ની વચ્ચે આવી ચકમક ક્યારેક ઝરતી હોય તો રીસામણાં-મનામણાંના અવસર સાંપડતા હોવાથી બેય વચ્ચે પ્રેમ પ્રગાઢ બને. પણ આવી ચકમકની આવૃત્તિ જો રોજિંદી વૃત્તિ અને પ્રવૃત્તિ બની જાય તો પછી એ ચકમકમાંથી ઝરતા તણખા બંનેને દઝાડે. આ દાઝમાંથી પછી સ્ત્રી અને પુરુષ એની આઝાદી શોધે. પતિ-પત્ની એટલે લગ્નની બેડીઓમાં જકડાયેલા યુગોથી મુક્તિની ખેવના કરતાં સ્ત્રી અને પુરુષ યુગલો. લગ્નને કદાચ એટલે જ લાકડાનો લાડું કહ્યો છે. તો પણ સમાજના એક એકમ તરીકે લગ્નસંસ્થા એ કુટુંબ વ્યવસ્થા અને સંતાન ઉછેર માટેની એક અનિવાર્ય અને અગત્યની સંસ્થા છે, એમાં બેમત નથી.

પ્રેમપંચ : પ્રેમિકા એટલે એવી સ્ત્રી કે જેની સાથે એક સમયે કાં તો પ્રેમ થઇ શકે અને કાં તો નફરત. જ્યારે પત્ની એટલે એવી સ્ત્રી કે જેની સાથે એક જ સમયે પ્રેમ અને નફરત બંને એક સાથે કરી શકાય…!

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019