– પરીક્ષિત જોશી
જ્યારે જ્યારે કોઇપણ રાજનેતા કે એમના અંગત સચિવનું કોઇ પુસ્તક બહાર આવે છે ત્યારે એમાં કંઇક ને કંઇક નવી બાબતોનો ઉલ્લેખ આવા મુદ્દાઓને ગરમાગરમ કરી મૂકે છે. આવા પ્રણય સંબંધોની વાતમાં લેખકોએ મહાત્મા ગાંધીને પણ છોડ્યા નથી. એમના પણ સ્ત્રી મિત્રો સાથેના સંબંધો નામે એક પુસ્તક થયું છે. જેમાં બાપુના જીવનકાળ દરમિયાન એમના સંપર્કમાં આવેલી નામી અનામી મહિલાઓ સાથેના ચર્ચાસ્પદ રહેલાં સંબંધોને જ મુખ્ય વિષય બનાવવામાં આવ્યો છે…
સંબંધ…એ શબ્દમાં જ એક બંધ છે. એક જોડાણ છે. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતી વખતે અમને શીખવવામાં આવતું કે બંધના અનેક પ્રકાર છે – ધાત્વિક બંધ, આણ્વિક બંધ, સહસંયોજક બંધ ઇત્યાદિ. પણ સૌ બંધમાં સૌથી મજબૂત અને સૌથી જબરજસ્ત બંધ એ સંબંધ.
સામાજિક સંરચનામાં તો એનું મહત્ત્વ છે જ પરંતુ જ્યારે એ વાત રાજકારણ કે રાજનીતિના પગથિયે પહોંચે છે ત્યારે એનું મહત્ત્વ અદકેરું બની જાય છે. એક રીતે જોવા જઇએ તો રાજકારણમાં સંબંધ એ સાપેક્ષ બાબત છે. એને પ્રવર્તમાન પરિસ્થિતિ સાથે સીધો સંબંધ હોય છે. રાજકારણમાં કશુંય શાશ્ર્વત નથી. ત્યાં વિચારધારાની દ્રષ્ટિએ પણ એકબીજાના વિરોધી ગણાતાં પક્ષો એક વિશેષ સમજૂતીના આધારે સંબંધની ધરી રચીને સરકારમાં ખુરશીઓ સરખે હિસ્સે શેર કરી શકે છે.
ભારતીય રાજનીતિમાં સંબંધને વિભિન્ન રીતે ઉજાગર કરતાં અનેકોનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. છેક આઝાદીકાળ પહેલાંથી જોવા જઇએ તો જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવતો હતો ત્યારે એના નેતાઓના સંબંધોની આંટીઘૂંટી તપાસવા જેવી છે.
એ ગાળાના નેતાઓમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને બાદ કરતાં લગભગ દરેક નેતાના કુટુંબીજનોએ પછીથી રાજનીતિને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને એટલું જ નહીં, પોતાના જે તે સ્થાનિક કે રાષ્ટ્રીય વિસ્તારમાં યેનકેન પ્રકારેણ આધિપત્ય જાળવી પણ રાખ્યું છે. જે બે નેતાઓને આપણે અપવાદ ગણ્યા એમના કુટુંબીઓએ આ ક્ષેત્રમાં આવવાનું લગભગ ટાળ્યું છે. જોકે ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના દીકરાઓમાંથી જેમના સંબંધ એ સમય ગાળાના અન્ય રાજનેતાઓના કુટુંબ સાથે થયાં એમની પરંપરામાં પછી વારસાગત રાજનીતિમાં પ્રવેશ ચાલુ રહ્યો હતો.
સંબંધોમાં સૌથી મજબૂત દોર ચાલ્યો હોય તો એ સર્વપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો. જોકે એમના પહેલાં એમના પિતાજી મોતીલાલ નહેરુ, પછી એ પોતે, પછી એમની દીકરી ઇન્દિરા, જમાઇ ફિરોજ, દોહિત્રો સંજય, રાજીવ, એમની પત્નીઓ મેનકા, સોનિયા અને હવે એમનાય સંતાનો પ્રિયંકા, રાહુલ અને વરુણ રાજનીતિમાં કેન્દ્ર સ્થાને છે. પાંચ પેઢી એટલે કે સરેરાશ વર્ષ ગણીએ તો પણ લગભગ 125 વર્ષથી ચાલતી આ કુટુંબની રાજકીય કારકિર્દીમાં દેશવિદેશના રંગ ભળ્યાં છે. અનેક ઝંઝાવાતો વચ્ચે પણ આ કુટુંબે ભારતીય રાજનીતિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે રાખ્યું છે. એ પણ સંબંધોની એક ઉપલબ્ધિ જ કહેવાય. એક જ કુટુંબમાં અનેકવિધ વિચારધારાઓ અને અનેકવિધ ધર્મસંપ્રદાયમાં માનનારાઓ ભેગાં થયાં છે. છતાં મૂળ કોંગ્રેસમાંથી છૂટી પડીને બનેલી કોંગ્રેસ (આઇ)નું નેતૃત્વ આ કુટુંબ પાસે અકબંધ રહ્યું છે, એની પાછળ પણ એમના આંતરિક અને કૌટુંબિક સંબંધો એક મજબૂત કારણ છે.
વળી જ્યારે રાજનેતાઓના પ્રણય સંબંધોની વાત નીકળે ત્યારે પંડિત જવાહરલાલ નહેરુના નામનો ઉલ્લેખ તો અંદર આવે જ. જોકે એ સમયથી શરૂ કરીને આજદિન સુધી કેટલાંક એવા રાજનેતાઓ છે જેમના પ્રણયસંબંધો અથવા તો જેને આપણે ઋજુ લાગણીઓ કહી શકીએ એ ચર્ચામાં રહી છે. કેટલાંકે તો પછી એ સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા પણ ખરાં અને પોતાનો નવો માર્ગ કંડાર્યો. પણ કેટલાંક સંબંધો કાળની ગર્તામાં હજુય એક રહસ્યની માફક છુપાયેલા રહ્યાં છે.
બાકી સામાન્ય રીતે એવું વલણ જોવા મળ્યું છે કે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ છો એકબીજાની કટ્ટર હરીફ હોય છતાં એમની પોતાની, સામાન્ય લોકો જે સંબંધોથી અજાણ છે એવી બાબતોને, ખુલ્લી પાડતાં નથી. જોકે, જ્યારે જ્યારે કોઇપણ રાજનેતા કે એમના અંગત સચિવનું કોઇ પુસ્તક બહાર આવે છે ત્યારે એમાં કંઇકને કંઇક નવી બાબતોનો ઉલ્લેખ આવા મુદ્દાઓને ગરમાગરમ કરી મૂકે છે. આવા પ્રણય સંબંધોની વાતમાં લેખકોએ મહાત્મા ગાંધીને પણ છોડ્યા નથી. એમના પણ સ્ત્રી મિત્રો સાથેના સંબંધો નામે એક પુસ્તક થયું છે. જેમાં બાપુના જીવનકાળ દરમિયાન એમના સંપર્કમાં આવેલી નામી અનામી મહિલાઓ સાથેના ચર્ચાસ્પદ રહેલાં સંબંધોને જ મુખ્ય વિષય બનાવવામાં આવ્યો છે. એ બધી મહિલાઓના નામોલ્લેખમાં ન પડીએ તોય જે રીતે એ પુસ્તકના વેચાણના આંકડા જણાયા છે એના આધારે એટલું તો ચોક્કસ કહી શકાય કે બાપુ વિશેની આ વધારાની માહિતીમાં લોકોને ઝાઝો રસ પડ્યો હતો. બાપુના બ્રહ્મચર્યના પ્રયોગો પણ સંબંધોના સંદર્ભે ચર્ચાનો વિષય બન્યો હતા.
આ બાબતે સૌથી ચર્ચાસ્પદ રહ્યા હોય તો નહેરુ-એડવિનાના સંબંધો. કેટલાંકે તો ત્યાં સુધી તારણ કાઢ્યું છે કે આ સંબંધને લીધે જ અખંડ હિન્દુસ્તાનના ભાગલા શક્ય બન્યાં અને લોર્ડ માઉન્ટબેટને આપેલા પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો. મજાની વાત તો એ છે કે જ્યારે આ વિશે ઇગ્લેન્ડમાં એક પુસ્તક પ્રકાશન થઈ રહ્યું હતું ત્યારે માઉન્ટબેટન ટ્રસ્ટે પંડિતજીએ એડવિનાને લખેલાં બધાં જ પત્રો પ્રકાશિત કરવાની અનુમતિ આપેલી. જોકે જ્યારે એડવિનાનું જીવનચરિત્ર લખનાર જેનેટ મોર્ગને આ પત્રોને પ્રકાશિત કરવા અનુમતિ માંગી ત્યારે એ શક્ય બન્યું ન હતું. બાકી, માઉન્ટબેટનના જીવનચરિત્રમાં પણ આ પ્રણયસંબંધોનો ઉલ્લેખ છે જ.
ફરી પાછા સંબંધના રાજમાર્ગ ઉપર આવીએ તો કદાચ ભારતીય રાજકારણના ઇતિહાસમાં સંબંધના બળે રાજનીતિ કરતો કોઇ એક જ પરિવાર ગણવો હોય તો એ મુલાયમસિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવના પરિવાર વચ્ચે સ્પર્ધા થઇ શકે. લાલુપ્રસાદના એક દીકરા તેજસ્વી યાદવને લીધે તો હમણાં બિહારની રાજનીતિમાં ઉથલપાથલ થઇ અને એનડીએ સાથે છેડો ફાડી ચૂકેલાં નીતિશકુમાર પાછા એનડીએમાં જોડાઇ ગયાં. માથાદીઠ ગણતરી કરવા જઇએ તો લાલુપ્રસાદના નવ સંતાનોમાંથી મોટાભાગના રાજનીતિમાં સક્રિય છે. તો બીજી તરફ મુલાયમસિંહનો લાંબો પહોળો પરિવાર પણ ઉત્તરપ્રદેશની રાજનીતિને પ્રભાવિત કરી રહ્યો છે. મુલાયમસિંહના પરિવારના 20 ઉપરાંત સભ્યો મહત્ત્વના રાજનૈતિક પદો ઉપર બેઠાં છે. એ જોતાં મુલાયમસિંહ ભારતમાં સૌથી વધુ રાજકીય સત્તા ભોગવનારા સભ્યોના કૌટુંબિક વડા તરીકેનો શ્રેય લઇ શકે એમ છે. મુલાયમસિંહ પોતે, એમનો મુખ્યમંત્રી દીકરો અખિલેશ યાદવ, એની પત્ની ડિમ્પલ યાદવ, ભાઇ શિવપાલ યાદવ, રામગોપાલ સિંહ, સંધ્યા યાદવ, અંશુલ યાદવ અને એની માતા પ્રેમલતા યાદવ, ધર્મેન્દ્ર યાદવ, ભત્રીજો તેજપ્રતાપ યાદવ, અક્ષય યાદવ, સરલા યાદવ, આદિત્ય યાદવ, અરવિંદ યાદવ, શીલા યાદવ જેવા નામ પ્રમુખ છે. બીજી રીતે જોવા જઇએ તો સમાજવાદી પાર્ટીમાં અગ્રહરોળના નેતાઓમાં મુલાયમસિંહે પોતાના ભાઇ-દીકરા-પૌત્ર, એમની પત્નીઓ, એમના સાસરિયાં સગાઓને સુપેરે ગોઠવી દીધા છે. કૌટુંબિક સંબંધોનો રાજનીતિમાં આટલો સારો અને સરળ ઉપયોગ કરનારા કદાચ મુલાયમસિંહ પહેલા સફળ રાજનેતા હશે, એ વાતમાં લગીરેય મિનમેખ નથી.
ગુજરાતમાં પણ ભાઇભત્રીજાવાદને બદલે જાતિવાદી સંબંધો રાજનીતિમાં સક્રિય હતાં. પરંતુ ન.મો.એ મુખ્યમંત્રીપદે આવ્યા પછી એ વાતને સાવ ભૂલાવી મૂકી હતી. રાષ્ટ્રીય રાજનીતિમાં ન.મો.ના પ્રવેશ પછી મહારાષ્ટ્ર જેવા માત્ર મરાઠા કેન્દ્રી રાજનૈતિક વિસ્તારમાં એમણે એક બિનમરાઠા મુખ્યમંત્રી આપ્યો છે. એવું દેશભરમાં અનેક ઠેકાણે થઇ રહ્યું છે. એ એક સારું ચિહ્ન છે.
ઇતિહાસકાર પેટ્રિક ફ્રેન્ચે વર્ષ 2012માં પોતાના પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે જો ભારતીય રાજનીતિમાં આ રીતે ભાઇ-ભત્રીજાવાદ ચાલ્યા કરશે તો આવનારા દિવસોમાં લોકસભાની 545માંથી મોટાભાગની બેઠકો ઉપર આ રાજનૈતિક કુટુંબોનું વર્ચસ્વ હશે. જોકે સદનસીબે એમ થવાને બદલે આ પ્રમાણ ઘટી રહ્યાંનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. ન્યૂયોર્કના રાજનીતિ વિજ્ઞાની કંચન ચંદ્રાના એક અભ્યાસ મુજબ છેલ્લી સંસદમાં આ સંખ્યા 29 ટકા હતી જે આ વખતની સંસદમાં 21 ટકા રહી છે. એટલું જ નહીં, ન.મો.એ પોતાની ટીમમાં આવા કુટુંબો સાથે સંબંધિત 24 ટકા મંત્રીઓ જ લીધા છે જ્યારે છેલ્લી સરકારમાં આવા મંત્રીઓનું પ્રમાણ 36 ટકા હતું. જોકે એક ચોંકાવનારી હકીકત એ પણ છે કે રાજ્યના મુખ્યમંત્રીઓમાં કુલ 28 ટકા મુખ્યમંત્રીઓ આવા રાજનૈતિક કુટુંબો સાથે સંબંધ ધરાવે છે.
બીબીસી નેટવર્કના એક અહેવાલ મુજબ નરેન્દ્ર મોદીની કેન્દ્રસ્થ સરકાર રચાયા પછી આ રાજકીય સંબંધોના સમીકરણો જરા બદલાયા છે. એટલે કે એક જ ઘર કે કુટુંબ કે પરિવારના રાજનેતાઓની સંખ્યા અને ઉપસ્થિતિ બેય ઘટી છે. આ મુદ્દે થયેલાં સર્વેક્ષણના આંકડા બતાવે છે કે આવા સંબંધો આધારિત સાંસદોનું પ્રમાણ બે ટકા અને સરકારમાં આવા મંત્રીઓનું પ્રમાણ 12 ટકા ઘટ્યું છે. જેના પ્રમુખ કારણમાં એક તો સોશિયલ મીડિયાને લીધે નાગરિકોમાં આવેલી જાગરુકતા અને બીજું ભારતીય જનતા પાર્ટીનો લગભગ બહુમતીથી થયેલો વિજય ગણાવવામાં આવ્યો છે. તેમ છતાં મહત્ત્વની વાત તો એ છે કે મિલન વૈષ્ણવ, દેવેશ કપૂર અને નીલાંજના સરકાર દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 46 ટકા ભારતીયોને આ ભાઇભત્રીજાવાદ સામે કોઇ વાંધો નથી.
સરવાળે જોવા જઇએ તો રાજનીતિમાં સંબંધનો બંધ એ સૌથી મજબૂત બંધ છે. આમ તો કોઇપણ ક્ષેત્રે આ સંબંધ જ સૌથી સબળું નેટવર્ક આપે છે. જોકે રાજનીતિ જરા લપસણું ક્ષેત્ર છે. છતાં જો સર્વોચ્ચ પદે રહેલાં રાજનેતાઓ દેશહિતમાં વિચાર કરે અને પછી એનું નક્કર અમલીકરણ કરે તો સંબંધના બંધ ઉપર આવી જતાં વારસાગત રાજનેતાઓ અટકે. સંબંધનો દુરુપયોગ થતો અટકે તો સંબંધની સુવાસ ખરાં અર્થમાં મહેકી ઊઠે. બાકી તો સંબંધમાં રાજનીતિ ચાલતી રહેશે અને રાજનીતિમાં સંબંધ.