ગુજરાતમાં ફૂટબોલને પ્રોત્સાહનની જરૂર

પરિમલ નથવાણી સાંસદ શ્રી - રાજ્ય સભા, પ્રેસિડેન્ટ - ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન, ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ   ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઈન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબોલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્ર્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઈન્ડિયન સુપર લીગ (આઈ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ …

પરિમલ નથવાણી
સાંસદ શ્રી – રાજ્ય સભા,
પ્રેસિડેન્ટ – ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન,
ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ
 
ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઈન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબોલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્ર્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઈન્ડિયન સુપર લીગ (આઈ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઈ.એફ.એફ.)ના પ્રયત્નોએ દેશમાં આ રમતના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમ છતાં, ગુજરાત જેવા રાજ્યોમાં ફૂટબોલને હજુ પણ જરૂરી પ્રોત્સાહન મળવાનું બાકી છે.
 
ગુજરાત ઉદ્યોગસાહસિકો અને વૈશ્વિક વિચારધારાવાળા લોકોની ધરતી છે. તે તેના ઉદ્યોગસાહસિક સ્વભાવ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને સશક્ત રમતગમત સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસ.એ.જી.), કેટલીક ફૂટબોલ ક્લબો અને અકેડેમીઓ તથા થોડા ઉદ્યોગસાહસિકોના ધરખમ પ્રયત્નો છતાં રાજ્યમાં ફૂટબોલ હજુ પણ પાછળ છે. ક્રિકેટની જેમ ફૂટબોલ પણ વૈશ્ર્વિક સ્તરે અબજો ડોલરનો ઉદ્યોગ છે. રાજ્યમાં ફૂટબોલ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂર છે. આથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મેડિસિન અને ટૂરિઝમ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઉભી થઈ શકે છે.
 
ગ્રાસરૂટ સ્તરે ફૂટબોલને વ્યવસ્થિત રીતે વિકસાવવાની જરૂર છે. ગુજરાતની શાળાઓ અને કોલેજો ઘણીવાર ક્રિકેટને પ્રાથમિકતા આપે છે, જેના કારણે ફૂટબોલ માટે માળખાકીય સુવિધાઓ અને કોચિંગનો અભાવ રહે છે. સુવ્યવસ્થિત આંતર-શાળા લીગ, પ્રમાણિત કોચિંગ પ્રોગ્રામ અને સરળતાથી ઉપલબ્ધ મેદાનો ફૂટબોલમાં ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારી શકે છે. જી.એસ.એફ.એ. દ્વારા આ દિશામાં પગલાં લેવાયાં છે, પરંતુ તેની વ્યાપકતા અને સાતત્ય વધારવાની જરૂર છે.
 
અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરી કેન્દ્રોમાં રિક્રિએશનલ ફૂટબોલ સંસ્કૃતિમાં વધારો જોવા મળ્યો છે-ટર્ફ ગ્રાઉન્ડ્સ, એમેચ્યોર લીગ્સ અને વીકએન્ડ ટુર્નામેન્ટ્સ. આ સકારાત્મક સંકેત છે. પરંતુ ગ્રાસરૂટથી વ્યાવસાયિક સ્તર સુધીનો સ્પષ્ટ માર્ગ ન હોવાને કારણે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ અજાણ્યા રહી જાય છે.
 
ગુજરાતમાં રાષ્ટ્રીય ફૂટબોલ સર્કિટમાં મજબૂત હાજરીનો અભાવ છે, જે યુવા ખેલાડીઓ માટે પ્રેરણા અને ઓળખ બંનેને મર્યાદિત કરે છે.
 
ફૂટબોલ ક્ષેત્રે રોકાણ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. કોર્પોરેટ સ્પોન્સરશિપ્સ અને પબ્લિક-પ્રાઈવેટ ભાગીદારી પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. જેમ ગુજરાતના ઉદ્યોગોએ ઔદ્યોગિક વિકાસને ગતિ આપી છે, તેમ તેઓ જી.એસ.એફ.એ.ના માળખામાં વિવિધ વય જૂથો માટે પુરુષો અને મહિલાઓના ટુર્નામેન્ટ્સને સ્પોન્સર કરીને રમતના વિકાસમાં યોગદાન આપી શકે છે. આથી રાજ્ય સ્તરની ટીમો અને ક્લબોને રાષ્ટ્રીય સ્તરે નિયમિત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે અને પ્રતિભાઓ તેમજ ચાહકો બન્નેને તેનો લાભ મળશે.
 
તે જ રીતે, ચાહક સંસ્કૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ફૂટબોલ ચાહક સમુદાયની ઊર્જા પર જીવંત રહે છે. સ્થાનિક ક્લબોને પ્રોત્સાહન આપવું, શહેર આધારિત લીગ મેચોનું આયોજન કરવું અને એક્ઝિબિશન મેચો યોજવી-આ બધાથી મજબૂત ચાહકવર્ગ વિકસાવી શકાય છે. અંગ્રેજી પ્રીમિયર લીગ જેવી વૈશ્ર્વિક લીગના પ્રસારણ દ્વારા યુવાનોમાં રસ વધે છે. પડકાર એ છે કે આ સુષુપ્ત દર્શકોને સક્રિય ભાગીદારીમાં પરિવર્તિત કરવા.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારનો ટેકો અને સહકાર પ્રેરક બળ તરીકે કામ કરી શકે છે. ફૂટબોલ મેદાનો માટે જમીન ફાળવતી નીતિઓ, શિક્ષણમાં રમતગમતનો સમાવેશ અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતી નીતિઓ વિકાસને તેજ કરી શકે છે. ફૂટબોલ માત્ર રમત નથી; તે ફિટનેસ, શિસ્ત, ટીમવર્ક અને સામાજિક એકતાનું સાધન છે.
 
ગુજરાત પાસે યુવા શક્તિ, સંસાધનો અને મહત્ત્વાકાંક્ષા બધું જ છે. હવે તેને દિશા અને પ્રતિબદ્ધતાની જરૂર છે. સંસ્થાઓ, ઉદ્યોગો અને સમુદાયોના સંયુક્ત પ્રયત્નોથી ગુજરાતમાં ફૂટબોલ એક ગૌણ પ્રવૃત્તિમાંથી મુખ્ય પ્રવાહની રમતમાં પરિવર્તિત થઈ શકે છે. તક હકીકતમાં છે, હવે તે તક ઝડપવાનું કાર્ય કરવાની જરૂર છે.
 
 
ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહ્યાં છે અને હ્રદયમાં ધબકી રહ્યાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋ તુમાં મેં ગિરની છટા જોઈ છે – વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર ઈકો સિસ્ટમનો જાણે હું એક અભિન્ન હિસ્સો બની ગયો છું. જેટલી વાર જાઉં તેટલી વાર નવી તાજગી, નવી ઊર્જા અનુભવું છું. જઈને પાછો આવું ત્યાં તો ફરી જવાની તાલાવેલી થાય છે. ગિર જાણે મારી રાહ જોઈ રહ્યું હોય, મને બોલાવતું હોય તેવું લાગ્યા કરતું હોય છે. એટલે તો મેં ગિર વિષેની મારી એક કોફી ટેબલ બુકનું નામ ‘કોલ ઑફ ધ ગિર’ રાખ્યું નહીં હોય ને! ગિર અને સિંહો વિષે મારા મનોજગતના ભાવો અને અનભૂતિનું વર્ણન કરવા શબ્દો જાણે ઓછા પડતા હોય તેમ લાગે છે.
 
પહેલીવાર લગભગ 1987માં સાસણમાં જ્યારે મેં પગ મૂક્યો હતો, ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા 200ની આસપાસ હતી. તે સમયે સાસણ અને ગિરનાં અન્ય ગામડાં જંગલનો જ એક ભાગ હોય એવું લાગતું હતું. નાનાં, રળિયામણાં અને પરમ શાંતિનો અનુભવ કરાવનાર ગામો હતાં. દરેક સિંહનું દર્શન આહલાદક લાગતું હતું. દરેક સિંહબાળ નવી આશા જન્માવતું હતું.
 
આજે જ્યારે બૃહદ ગિરના વિશાળ ભૂ-ભાગમાં સિંહો વિચરતા થયા છે, ત્યારે ગર્વની સાથે સંતોષની લાગણી થાય છે. 891 એ કોઈ નાની સંખ્યા નથી. માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્ર્વિક ધોરણે પણ વન્યજીવ સંરક્ષણની આ સૌથી સફળ ગૌરવગાથા છે.  માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સતત તથા સક્રિય માર્ગદર્શનનું આ પરિણામ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અલબત્ત, એટલો જ શ્રેય વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સિંહપ્રેમી નિષ્ણાતો, પશુચિકિત્સકો, સ્થાનિક ગ્રામજનો અને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક નિષ્ઠાવાન લોકોની અથાગ કામગીરીને ફાળે પણ જાય છે.
Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *