બુલંદ ભારતના નિર્માણમાં  ધર્મ અને આધ્યાત્મિકતાની ભૂમિકા

ભારત માત્ર એક ભૌગોલિક ભૂખંડ કે રાજકીય અસ્તિત્વ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિનો સૌથી પ્રાચીન, જીવંત અને અખંડ ચેતનાનો પ્રવાહ છે. વિશ્ર્વના શ્રેષ્ઠ વિચારકો અને વિદ્વાનોએ ભારતને 'Motherland of our race' (માનવતાની જનની) અને 'Cultural Millionaire' એટલે કે સંસ્કૃતિનો કુબેર કહ્યો છે. ‘અસતો મા સદ્ગમય્, તમસો મા જ્યોતિર્ગમય’ના ઉદ્ઘોષથી માનવજાતને સત્યનો રાહ ચીંધનારી આ પવિત્ર …

 
ભારત માત્ર એક ભૌગોલિક ભૂખંડ કે રાજકીય અસ્તિત્વ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિનો સૌથી પ્રાચીન, જીવંત અને અખંડ ચેતનાનો પ્રવાહ છે. વિશ્ર્વના શ્રેષ્ઠ વિચારકો અને વિદ્વાનોએ ભારતને ‘Motherland of our race’ (માનવતાની જનની) અને ‘Cultural Millionaire’ એટલે કે સંસ્કૃતિનો કુબેર કહ્યો છે. ‘અસતો મા સદ્ગમય્, તમસો મા જ્યોતિર્ગમય’ના ઉદ્ઘોષથી માનવજાતને સત્યનો રાહ ચીંધનારી આ પવિત્ર ભૂમિનો આત્મા તેની કેવળ આર્થિક સમૃદ્ધિ નથી, પણ તેનો ધર્મ અને આધ્યાત્મિકતા છે. સ્વામી વિવેકાનંદજીએ યુગ-આહ્વાન કરતા કહ્યું હતું કે, ‘ધર્મ અને આધ્યાત્મિકતા એ ભારતનો પ્રાણ છે.’
 
આજે જ્યારે ભારત 21મી સદીમાં વિશ્ર્વની અટારીએ ઊભા રહીને એક ‘બુલંદ ભારત’ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણી સમક્ષ સૌથી મોટો પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે, ‘વિકાસની સાચી વ્યાખ્યા શું?’ શું માત્ર ગગનચુંબી ઈમારતો, બુલેટ ટ્રેન, ઝડપી ટેકનોલોજી કે આંકડાકીય જીડીપી (GDP) એ જ સાચો વિકાસ છે? ના! સાચો વિકાસ એ છે જ્યાં ભૌતિક સમૃદ્ધિની સાથે દેશના દરેક નાગરિકના જીવનમાં શાંતિ, સુરક્ષા, નીતિમત્તાનું સાચું સુખ હોય.
 
માનવજાતે બુદ્ધિ, વિજ્ઞાન અને તકનીકના બળે અકલ્પનીય પ્રગતિ કરી છે, પરંતુ કેવળ બૌદ્ધિક અને ભૌતિક વિકાસ ક્યારેય સ્થિર રહી શકતો નથી. ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. ચાર્લ્સ સ્ટેઈનમેટ્ઝે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, ‘21મી સદીમાં એક દિવસ જગતને ભાન થશે કે કેવળ ભૌતિક વસ્તુઓ સાચું સુખ આપી શકતી નથી; ત્યારે વિજ્ઞાનીઓ તેમની પ્રયોગશાળાઓ છોડીને ભગવદ્-અભ્યાસ અને પ્રાર્થનાખંડો તરફ વળશે.’ 
 
બુદ્ધિ માણસને ક્ષમતા આપી શકે છે, પણ તે ક્ષમતાનો ઉપયોગ સમાજના વિકાસ માટે કરવો કે વિનાશ માટે – તે વિવેક માત્ર આધ્યાત્મિકતા જ આપે છે. આધ્યાત્મિકતા વગરનો બૌદ્ધિક વિકાસ અસ્થિર છે, જે ચાલાકી અને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. જ્યારે આ જ વિકાસ આધ્યાત્મિકતાના પાયા પર થાય છે ત્યારે ચરિત્રમાં શુદ્ધિ આવે છે, સદાચાર વધે છે અને પરિવારોમાં પ્રેમ તથા ત્યાગની ભાવના પુનર્જિવિત થાય છે.
આપણા રાષ્ટ્રના સાચા અને સર્વાંગી ઘડતરમાં આધ્યાત્મિકતા કેટલી અનિવાર્ય છે તેનો એક સુવર્ણ પ્રસંગ આપણી સમક્ષ છે. 30 જૂન, 2001ના રોજ ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ સાથે મુલાકાત કરી. ડૉ. કલામે દેશને વિકસિત બનાવવા માટે પાંચ મુખ્ય ક્ષેત્રો રજૂ કર્યા – શિક્ષણ અને આરોગ્ય, કૃષિ, માહિતી અને પ્રત્યાયન (IT), માળખાકીય સુવિધાઓ (Infrastructure) અને મહત્વપૂર્ણ ટેકનોલોજી. પરંતુ આ યોજના મૂકતાની સાથે જ કલામસાહેબના મનમાં એક મોટી મૂંઝવણ હતી. તેમણે પૂછ્યું, ‘સ્વામીજી! આ યોજના ગમે તેટલી સારી હોય, પણ તેને સાકાર કરવા માટે મૂલ્યનિષ્ઠ અને ચારિત્ર્યવાન નાગરિકો કઈ રીતે તૈયાર કરવા?’
 
ત્યારે પ્રમુખ સ્વામીજી મહારાજે હસીને અત્યંત ગહન માર્ગદર્શન આપતાં કહ્યું: “તમે તારવેલા પાંચ ક્ષેત્રોમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો – ‘ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા થકી લોકોનો વિકાસ.
 
પ્રમુખ સ્વામીજી મહારાજે સમજાવ્યું કે, ભગવાનમાં શ્રદ્ધા એ ‘માસ્ટર કી’ છે. ડૉ. કલામે આ વાતને શિરોધાર્ય ગણીને પોતાના પુસ્તક ‘ઈગ્નાઈટેડ માઈન્ડ્સ’માં આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે માણસના મનમાં એ શ્રદ્ધા જાગે છે કે ઈશ્ર્વર સર્વત્ર બિરાજમાન છે અને મને અખંડ જોઈ રહ્યા છે, ત્યારે તેને સીસીટીવી કે પોલીસના ડરની જરૂર નથી રહેતી; તેનું અંત:કરણ જ તેને પાપ કે લાંચ લેતાં રોકે છે.
 
આધ્યાત્મિકતા નાગરિકોના અંતરને તો શુદ્ધ કરે જ છે, સાથોસાથ રાષ્ટ્ર પર આવતી વિકરાળ આપત્તિઓ અને સંકટોમાં તેમને અદ્ભૂત ધૈર્ય, આંતરિક શાંતિ અને માનસિક સમતુલા પણ આપે છે. 2001ના કચ્છ ભૂકંપ સમયે આંતરરાષ્ટ્રીય બચાવ જૂથના પ્રમુખ કોપ ડગ્લાસે (અમેરિકન) આશ્ર્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘આવા ભયાનક વિનાશ વચ્ચે પણ ભારતના સામાન્ય માનવીના ચહેરા પર જે શાંતિ અને સ્વસ્થતા છે, તે તેમની પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ફિલોસોફીની દેન છે.’
વાસ્તવિક આધ્યાત્મિકતા કેવળ પૂજા-પ્રાર્થના પૂરતી સીમિત ન રહેતાં, સમાજના પાયામાં નીતિમત્તાનું સિંચન કરીને આખા ગામનું જીવન બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. પાટણ જિલ્લાનું સુણસર ગામ એક સમયે ચોરી અને ગુનાખોરી માટે કુખ્યાત હતું, જ્યાં પૂજ્ય રવિશંકર મહારાજ જેવા લોકસેવકના પણ ચંપલ ચોરાઈ ગયા હતા. BAPS ના સમર્પિત કાર્યકર ડૉ. પૃથુભાઈ દેસાઈએ પ્રમુખ સ્વામી મહારાજના આદર્શોથી પ્રેરાઈને સંતોના માધ્યમથી ગામમાં નૈતિક પરિવર્તનનો પાયો નાખ્યો. કડક વિરોધ વચ્ચે પણ સંતોના સંપર્કથી માથાભારે તત્ત્વો અને ભારે વ્યસનીઓના હૃદય પરિવર્તિત થયા. ગામમાંથી વ્યસન અને ગુનાખોરી નાબૂદ થયાં, ભક્તિ અને સમૃદ્ધિ આવ્યાં, આમ અસલામતીનું કેન્દ્ર બનેલું ગામ સજ્જનતાનું પ્રતીક બન્યું.
 
આ જ આધ્યાત્મિક મૂલ્યોનું વિરાટ સ્વરૂપ BAPS બાળપ્રવૃત્તિ વિભાગના વ્યસનમુક્તિ અભિયાનોમાં (સન 2000, 2007, 2022) પણ આકાર પામ્યું. પ્રમુખ સ્વામીજી મહારાજ અને મહંત સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ અભિયાનોમાં 49,000થી વધુ બાળકોની સેનાએ 43.82 લાખ લોકો સુધી પહોંચી 13.42 લાખથી વધુ લોકોને આજીવન વ્યસનમુક્ત કર્યા. આનાથી સમાજની વર્ષે 3.44 અબજથી વધુ રકમની આર્થિક બરબાદી અટકી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ રાષ્ટ્રપતિ ભવનમાં આ બાળકોનું બહુમાન કરી બિરદાવ્યા હતા.
 
કોઈપણ રાષ્ટ્રનું અંતિમ લક્ષ્ય તો પ્રજા સુખી થાય, નાગરિકો શાંતિપૂર્ણ જીવન જીવે તે જ છે. આજે દુનિયામાં સૌથી વધુ યુવાધન (આશરે 75 કરોડથી વધુ) ભારત પાસે છે. જો આ યુવાધન યોગ્ય દિશા વિનાનું હોય તો રાષ્ટ્ર માટે જોખમ બને છે, પણ જો તેને સંસ્કાર મળે તો તે રાષ્ટ્ર માટે વરદાન બને છે. પ્રમુખ સ્વામીજી મહારાજ જેવા સામર્થ્યવાન સંતોએ બાળપણથી જ લાખો યુવાનોમાં વ્યસનમુક્તિ, માતા-પિતાનો આદર અને સત્ય-ઈમાનદારીના સંસ્કારો વાવ્યા છે. આજે એ સંસ્કારી યુવાપેઢી દેશ-વિદેશમાં સક્ષમ એન્જિનિયર, ડોક્ટર, વૈજ્ઞાનિક કે ઉદ્યોગપતિ બનીને પ્રામાણિકતાથી રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે.
 
આમ, બુલંદ ભારતનું નિર્માણ ત્યારે જ સાર્થક થાય જ્યારે ધર્મ અને આધ્યાત્મિકતા આપણા દૈનિક વ્યવહારમાં પૂર્ણપણે વણાઈ જાય. જ્યારે એક સરકારી કર્મચારી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે, એક વેપારી ભેળસેળ વગર વ્યાપાર કરે, એક ડોક્ટર દર્દીમાં ઈશ્ર્વર જોઈને સેવા કરે અને એક વિદ્યાર્થી દેશભક્તિથી વિદ્યાભ્યાસ કરે – ત્યારે તે સાચો ધર્મ બનતો હોય છે. 
 
વિજ્ઞાન આપણને સુવિધાઓ આપશે, પરંતુ આધ્યાત્મિકતા આપણને તે સુવિધાઓનો માનવતાના કલ્યાણ માટે ઉપયોગ કરવાની સાચી સૂઝ આપશે. મહંતસ્વામી મહારાજ આ વિષયમાં સમજાવે છે કે, ‘બાહ્ય સાધનો કે ટેક્નોલોજી માત્ર હેલ્પિંગ હેન્ડ્સ છે. પરંતુ જીવનનો સાચો પાયો ભગવાનમાં શ્રદ્ધા અને ચારિત્ર્યની શુદ્ધિ છે. તેનાથી જ સાચો વિકાસ અને પ્રગતિ થઈ શકે છે.’
આમ ધર્મ અને આધ્યાત્મિકતા એ ભારતીય રાષ્ટ્રજીવનની અસલ કરોડરજ્જુ છે. એક બુલંદ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ ત્યારે જ શક્ય બનશે જ્યારે તેની ભીંતો નૈતિકતા, સેવા, સદાચાર અને આધ્યાત્મિક મૂલ્યો પર ચણાયેલી હોય. આપણે માત્ર આર્થિક કે તકનીકી રીતે આગળ નથી વધવું, પણ આપણા ચરિત્ર અને સંસ્કારોથી પણ મહાન બનવું છે. જ્યારે ભારતના 140 કરોડ નાગરિકો પોતાના જીવનમાં પ્રામાણિકતા અને આધ્યાત્મિક મૂલ્યોને સર્વોપરી માનીને ચાલશે, ત્યારે ભારતને એક શ્રેષ્ઠ, સામર્થ્યવાન અને ’બુલંદ ભારત’ બનતાં કોઈ રોકી શકશે નહીં.
 
‘સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિદ્દુ:ખમાપ્નુયાત્’
 
સૌ સુખી થાય, સૌ નિરોગી રહે, સૌનું કલ્યાણ થાય અને કોઈ દુ:ખી ન રહે – એ જ ભારતીય આધ્યાત્મિકતાનો પરમ સંદેશ છે.
Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *