ગુરુત્વાકર્ષણ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર ન્યૂટન નહીં બ્રહ્મગુપ્ત હતા! હવે પાઠયપુસ્તક બદલવાનો સમય પાકી ગયો છે. ‘પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા કે જેમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને વૈજ્ઞાનિક ગ્રંથોનો સમાવેશ થાય છે, તેમાં અનેક એવાં તત્ત્વો જોવા મળે છે, જે આધુનિક વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોના મૂળ ધરાવે છે. આનો અર્થ એવો નથી કે આધુનિક વૈજ્ઞાનિકોએ કોઈ નવી …
વેદોથી વિજ્ઞાન સુધી ભારતના જ્ઞાનની અનોખી યાત્રા

ગુરુત્વાકર્ષણ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર ન્યૂટન નહીં બ્રહ્મગુપ્ત હતા! હવે પાઠયપુસ્તક બદલવાનો સમય પાકી ગયો છે. ‘પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા કે જેમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને વૈજ્ઞાનિક ગ્રંથોનો સમાવેશ થાય છે, તેમાં અનેક એવાં તત્ત્વો જોવા મળે છે, જે આધુનિક વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોના મૂળ ધરાવે છે.
આનો અર્થ એવો નથી કે આધુનિક વૈજ્ઞાનિકોએ કોઈ નવી શોધ કરી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે પશ્ર્ચિમે આ વિચારોને પ્રયોગાત્મક અને ગણિતીય રીતે સ્પષ્ટ કરીને વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બનાવ્યા. બીજી તરફ, પ્રાચીન ભારતીય જ્ઞાનમાં આ વિચારો ઘણીવાર તત્ત્વજ્ઞાન, દર્શન અથવા કાવ્યાત્મક ભાષામાં વ્યક્ત થયેલા હતા, જેના કારણે તે આધુનિક વૈજ્ઞાનિક માળખામાં તરત જ ઓળખાઈ શકયા નહીં. સમય જતાં, ગુલામીની માનસિકતા અને પશ્ચિમી શિક્ષણ પદ્ધતિના પ્રભાવને કારણે, આપણું ધ્યાન પોતાના જ જ્ઞાન વારસાથી હટીને પશ્ચિમ તરફ વધુ કેન્દ્રિત થયું. પરિણામે, પ્રાચીન ભારતીય યોગદાન સામાન્ય જનમાનસમાં અજાણ રહ્યું છે.’
ભારતીય સિનેમાઘરોમાં તારીખ 21 જુલાઈ 2023ના રોજ ક્રિસ્ટોફર નોલનની પ્રદર્શિત થયેલી ‘ઓપનહાઈમર’ ફિલ્મ જે.રોબર્ટ ઓપનહાઈમરને સમગ્ર વિશ્વના ‘પરમાણુ બોમ્બ’ના જનક તરીકે ઓળખે છે. ઓપનહાઈમરની ભૂમિકા ભજવનાર કિલિયન મર્ફી, ફલોરેન્સ પુગ સાથેની એક અંગત પળોમાં ‘ભગવદ્ગીતા’ની કેટલીક પંક્તિઓ બોલતા દેખાડવામાં આવ્યા છે. આ દ્દશ્યને કારણે ભારતમાં આ ફિલ્મ વિવાદાસ્પદ અને ચર્ચિત બની હતી. આ દ્દશ્યને છોડીને તો સામાન્ય લોકોના મનમાં એક વાત સ્પષ્ટ થઈ કે રોબર્ટ ઓપનહાઈમર ભારતીય દર્શનના પ્રશંસક અને અનુયાયી હતા! યહૂદી રોબર્ટ ઓપનહાઈમર મૂળ અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને સંશોધક હતા. તેઓ ધર્મથી યહૂદી હતા. આજની જેમ તે સમયે પણ જર્મન યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનો અભ્યાસ અને અધ્યાપન થતું હતું, તેથી ઓપન હાઈમરને તેમના અભ્યાસ દરમિયાન ભારતીય દર્શન, તત્વજ્ઞાન અને પ્રાચીન ગ્રંથોમાં રસ ઊભો થયો.
પછી જયારે તેઓ અમેરિકા ખાતે કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેઈમાં પ્રોફેસર બન્યા ત્યારે તેમણે સંસ્કૃતના પ્રોફેસર આર્થર રાઈડરની મદદથી અનેક પ્રાચીન ભારતીય ગ્રંથોનો અભ્યાસ કર્યો. ખાસ કરીને તેમને ભગવદ્ ગીતા પ્રત્યે વિશેષ રસ હતો. તેમનું માનવું હતું કે, ભગવદ્ ગીતા વિશ્વની કોઈપણ ભાષામાં લખાયેલું સૌથી મધુર અને ગહન તત્વજ્ઞાનનું ગીત છે.
લોસ અલામોસના બ્રેડબરી સાયન્સ મ્યુઝિયમમાં, જે યુ.એસ. નેશનલ સિકયુરિટી રિસર્ચ સેન્ટર છે, ત્યાં ઓપનહાઈમરની બે વ્યક્તિગત વસ્તુઓ રાખવામાં આવી છે. એક ખુરશી, જેના પર બેસીને તેમણે પરમાણુ વિખંડન પર કામ કર્યું હતું અને બીજી ભગવદ્ગીતાની તે નકલ, જેના પ્રથમ પૃષ્ઠ પર તેમણે પોતાના હસ્તાક્ષર કર્યા છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પરમાણુ બોમ્બ બનાવવામાં વ્યસ્ત હતું. એ માટે એપ્રિલ 1943માં લોસ અલામોસમાં પ્રયોગશાળા શરૂ થઈ, જેના વડા તરીકે ઓપનહાઈમરની નિમણૂક થઈ. નજીકમાં આવેલ અલામોગોર્ડો ખાતે એક પરમાણુ પરીક્ષણ થવાનું હતું. યુદ્ધ અંતિમ ચરણમાં હતું ત્યારે 16 જુલાઈ, 1945ના રોજ સવારે 5:29 વાગ્યે ઓપનહાઈમરે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું, જેને તેમણે ‘ટ્રિનિટી ટેસ્ટ’ નામ આપ્યું.
આ પરીક્ષણ અત્યંત પ્રભાવશાળી અને ભયંકર અનુભવ કરાવનારું હતું. રણપ્રદેશમાં થયેલા આ વિસ્ફોટથી અતિ તેજસ્વી પ્રકાશ અને ભયંકર ઊર્જા ઉત્પન્ન થઈ. આ દ્દશ્ય જોઈને ઓપનહાઈમરને ભગવદ્ગીતાના અગિયારમા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો બારમો શ્લોક યાદ આવ્યો; વિવી સૂર્યસહસ્ત્રસ્ય મવેધુ પવૃત્થિતા! यदि भा: सर्द्दशी सा स्याध्दासस्तस्य महात्मा॥ આનો અર્થ એવો છે કે ‘આકાશમાં આવા હજારો સૂર્યો એકસાથે ઉગે તો પણ, તે બધાનો પ્રકાશ ભગવાનના દિવ્ય તેજસ્વી સ્વરૂપની બરાબરી કરી શકતો નથી.’ તે જ રીતે વિસ્ફોટ બાદની તે વિનાશકારી સ્થિતિ જોઈને તેમને એ જ અધ્યાયનો 32મો શ્ર્લોક પણ યાદ આવ્યો એવી એમની નોંધ મળે છે.
આમ, ઓપનહાઈમર માત્ર વૈજ્ઞાનિક નહોતાં, પરંતુ ભારતીય તત્વજ્ઞાનથી પણ ઊંડા પ્રભાવિત હતા. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રના ઘણા પશ્ચિમી વૈજ્ઞાનિકો સંસ્કૃત ગ્રંથો તરફ આકર્ષાયા હતા, કારણ કે આ પ્રાચીન ગ્રંથોમાં ભૌતિકશાસ્ત્રના અસંખ્ય મૂળભૂત સિદ્ધાંતો પહેલાથી જ સમજાવાયેલા છે. આગળ ‘ઈલાસ્ટિસિટી શિક્ષણ સર્ફિંગ સ્થિતિસ્થાપકતા’ ગુણધર્મના ઉદાહરણમાં પણ એ જ ભણાવવામાં આવે છે કે, તેની શોધ રોબર્ટ હૂકે ઈ.સ. 1660માં કરી અને 1667માં સિદ્ધાંતરૂપે રજૂ કરી, જે ‘હૂકનો નિયમ’ તરીકે ઓળખાય છે. પરંતુ તે પહેલાં દસમી સદીમાં બંગાળના હુગલી જિલ્લાના ‘ભૂરીશ્રેષ્ઠ’ ગામના રહેવાસી શ્રીધરાચાર્યએ ‘ન્યાય કંદલી’માં લખ્યું કે, वर्तमान: स्थितिस्थापक: स्वाश्रयमन्यथा कथामवनामितं यथावत् स्थापयति पूर्ववद्दजु: रोति। અહીં ‘સ્થિતિ સ્થાપક’ એટલે ‘ઈલાસ્ટિસિટી’ અર્થાત, પદાર્થ પર બાહ્ય બળ લાગવાથી આકાર બદલાય તો ફરી તેની મૂળ સ્થિતિમાં આવવાની ક્ષમતા! તે જ રીતે ગુરુત્વાકર્ષણ અંગે પણ ન્યુટનથી હજારો વર્ષ પહેલાં પ્રશ્નોપનિષદના ભાષ્યમાં આદિ શંકરાચાર્ય લખે છે કે, દેવતા તરીકે મૂર્તિમંત્ર પૃથ્વી, માનવમાં રહેતી ‘અપાન’ નામની મહત્વપૂર્ણ ઊર્જાને આકર્ષે છે. તે તેના પર નિયંત્રણ રાખે છે. તે તેને સ્થિર રાખે છે. ‘જો પૃથ્વીમાં આ ગુણ ન હોત, તો માનવ શરીર તેના વજનને કારણે કાં તો જમીન પર તૂટી પડત અથવા આકાશમાં મુકતપણે વહી જાત.’ 628માં, બ્રહ્મગુપ્તે સ્પષ્ટપણે કહ્યું હતું કે‘પૃથ્વી ગુરુત્વાકર્ષણમ..’ આમ, ગુરુત્વાકર્ષણ શબ્દનો ઉપયોગ કરનાર બ્રહ્મગુપ્ત પ્રથમ વ્યક્તિ હતા. તેમણે લખ્યું : ‘ઉલ્કા પૃથ્વી પર પડે છે કારણ કે પૃથ્વીનો સ્વભાવ વસ્તુઓને આકર્ષવાનો છે.’ વધુમાં, તેમના ગ્રંથ બ્રહ્મસ્કુટ સિદ્ધાંતમાં તેઓ લખે છે : ‘બધી ભારે વસ્તુઓ પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાય છે.’
પૃથ્વીનો સ્વભાવ વસ્તુઓને આકર્ષવાનો અને પોતાની તરફ ખેંચવાનો છે. ત્યારબાદ લગભગ 400 વર્ષ પછી. ભાસ્કરાચાર્યએ, તેમના ગ્રંથ ‘સિદ્ધાંત શિરોમણી’ના ‘ભુવનકોષ’ વિભાગના ‘ગોલાધ્યાય’ પ્રકરણની અંદર છઠ્ઠા શ્લોકમાં લખ્યું : ‘પૃથ્વી આકર્ષણની શક્તિ ધરાવે છે. આ શક્તિના બળ પર, તે ભારે વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે; અને આ જ કારણસર વસ્તુઓ જમીન પર પડે છે.’ બીજા શબ્દોમાં કહીએ તો, હજારો વર્ષોથી, આપણા પૂર્વજો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિશે સૌથી સ્પષ્ટ શબ્દોમાં સતત બોલતા અને લખતા આવ્યા છે. છતાં, પશ્ચિમી માનસિકતાના ગુલામ બનીને, આજે પણ બાળકોને શીખવવામાં આવે છે કે, ‘ગુરૂત્વાકર્ષણની શોધ ન્યૂટન દ્વારા કરવામાં આવી હતી!’ આપણને શાળામાં ભણાવ્યું કે, 1543માં, પોલિશ વૈજ્ઞાનિક કોપરનિકસે સૌપ્રથમ શોધ કરી હતી કે ‘સૂર્ય બ્રહ્માંડનું કેન્દ્ર છે, અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.’
આધુનિક વિજ્ઞાન આને એક ક્રાંતિકારી અને ઐતિહાસિક શોધ ગણાવે છે કારણ કે આ પહેલા, પશ્ચિમ વિશ્વ, બાઈબલના શિક્ષણનું પાલન કરીને, માનતું હતું કે ‘પૃથ્વી સપાટ છે.’ વધુમાં, એવું પણ માનવામાં આવતું હતું કે, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. જોકે, આના હજારો વર્ષ પહેલાં, આપણા પૂર્વજો સંપૂર્ણ સ્પષ્ટતા સાથે કહેતા હતા કે પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, લગભગ અઢી હજાર વર્ષ પહેલાંના વિષ્ણુ પુરાણના બીજા ભાગના આઠમા અધ્યાયના 15મા શ્લોકમાં કહે છે કે, ‘સત્ય એ છે કે સૂર્ય ન તો ઉગે છે કે ન તો અસ્ત થાય છે. તે એક જ જગ્યાએ સ્થિર રહે છે.’ એ જ રીતે, પ્રાચીન યજુર્વેદના આરણ્યક વિભાગમાં, આઠમા અનુવાકના ત્રીજા વિભાગમાં કહેવામાં આવ્યું છે. સૂર્ય તેના કિરણોની મદદથી પૃથ્વીને બધી બાજુઓથી બંધાયેલા રાખે છે. આવાં અસંખ્ય ઉદાહરણો છે.
એક તરફ આધુનિક વિજ્ઞાનની પ્રયોગશીલતા અને ચોકસાઈને સ્વીકારીએ, તો બીજી તરફ આપણા પ્રાચીન જ્ઞાનના મૂળભૂત વિચારોને પણ ઓળખી અને વર્ગખંડમાં તથા સમાજમાં તેમની યોગ્ય રીતે વ્યાખ્યા કરીએ. જેથી કરીને માત્ર ઈતિહાસનું પુનર્મૂલ્યાંકન નહીં થાય, પરંતુ નવી પેઢીને વધુ સમૃદ્ધ અને આત્મવિશ્ર્વાસપૂર્ણ દ્દષ્ટિકોણ પણ મળશે. આવો અભિગમ આપણને ગર્વ સાથે વૈજ્ઞાનિક તર્કશક્તિ તરફ પણ દોરી જાય છે, જે કોઈપણ પ્રગતિશીલ સમાજ માટે અનિવાર્ય છે.







