આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને !
ઔદ્યોગિકરણ અને કોંક્રીટના જંગલો તરફ આંધળી દોટનું પરિણામ…..
પાણીની ગંભીર સમસ્યાની પીડા
દેશના નીતિ આયોગે 2018માં જારી કરેલા વોટર ઇન્ડેક્ષમાં પાણીની
જરૂરિયાત વિષે ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું છે કે ભારતમાં 600 મિલિયન લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરે છે. દેશના લગભગ ત્રણ ચતુર્થાંશ ઘરોમાં પીવાનું પાણી નથી. લગભગ 70% પાણી દૂષિત થયા છે. પાણીના ગુણવત્તા સૂચકાંકમાં 122 દેશોમાં ભારત 120મા ક્રમે છે.
દ.આફ્રિકાના રૂડા રૂપાળા શહેર કેપટાઉનથી લઇ અને બેંગલુરુ (સિલિકોન સિટી) ની દયનીય હાલતે આવનારા સમયના ડરામણાં ચિત્રને આકાર આપ્યો છે. પાણીના પ્રશ્ર્નની આ ગંભીરતા વચ્ચે થોડા દિવસ પહેલાં Time Magazineમાં છપાયેલા દ.આફ્રિકાના ક્રિકેટ માટેના જાણીતા મેદાન કેપટાઉનના સમાચાર યાદ આવી ગયા.
1 ફેબુ્રઆરીએ કેપટાઉનમાં નવા પાણીના નિયંત્રણોની જાહેરાત કર્યા પછી હવે વ્યક્તિ દીઠ ફક્ત 13 ગેલન પાણીનો જ ઉપયોગ કરી શકાય છે. વર્તમાન અનુમાનો
મુજબ કેપટાઉનમાં થોડાક મહિનાઓમાં પાણીનો પુરવઠો સમાપ્ત થઈ જશે. દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે આવેલું ચાલીસ લાખની વસતિ ધરાવતું દરિયાકાંઠાનું આ સ્વર્ગ જેવુંં આધુનિક મુખ્ય શહેર સંપૂર્ણપણે વિશ્ર્વનુંં પ્રથમ શુષ્ક શહેર બનવાની સ્થિતિમાં છે. આજે વિશ્ર્વભરમાં લાખો લોકો પાણીની પૂરતી ઍકસેસ વિના જીવે છે. પરંતુ કેપટાઉન એક સમૃદ્ધ વૈશ્ર્વિક પ્રવાસન સ્થળ છે. દક્ષિણ આફ્રિકાના જીડીપીમાં તેનું યોગદાન 9.9% છે. આ મહાનગરમાં કરોડો ડોલરની બીચ ફ્રન્ટ ઇમારતો, કલા સંગ્રહાલયો અને વિશ્ર્વની ટોચની 50 રેસ્ટોરાંમાંથી બે અહીં છે.
કેપટાઉન પાણી વગર સુકાઈ રહ્યું છે. હાઇ-એન્ડ કાફે ડિશ ધોવા માટે કાગળના કપ અને પ્લેટનો ઉપયોગ કરતા થયા છે. વિશ્ર્લેષકોનો અંદાજ છે કે પાણીની કટોકટીથી ખેતીમાં લગભગ 300,000 નોકરીઓ અને સેવા, હોસ્પિટાલિટી અને ખાદ્ય ક્ષેત્રોમાં હજારો નોકરીઓ જશે. જો કર્મચારીઓને પાણીની બોટલ લેવા માટે લાઇનમાં ઉભા રહેવા કામમાંથી સમય કાઢવો પડશે તો તેની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડશે. આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિ આપણા દેશમાં પણ ઝળુંબી રહી છે.
આંધળું ઔદ્યોગિકરણ અને માળખાકીય વિકાસની દોડમાં સિલિકોન સિટી ગણાતા બેંગલુરુમાં પણ પાણીની કટોકટી અંકુશ બહાર જઇ રહી છે. મહાનગરોમાં રિયલ એસ્ટેટના મોંફાટ વિકાસના કારણે પર્યાવરણનું દુશ્મન એવું કોંક્રીટીકરણ થઇ રહ્યું છે. વરસાદને ખેંચી લાવતાં વૃક્ષો અને હરિયાળીનો નાશ થઇ રહ્યો છે.
બેંગલુરુ શહેર શા માટે પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે અને આ મુદ્દાને ઉકેલવા માટે શું કરી શકાય તે વિશે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ
સાયન્સ, બેંગલુરુુ ના પ્રોફેસર ડો. ટી વી રામચંદ્રે જણાવ્યું કે બેંગલુરુની પાણીની 40 ટકા જરૂરિયાતો ભૂગર્ભ જળમાંથી આવે છે અને 60 ટકા કાવેરીમાંથી આવે છે. કાવેરી તટપ્રદેશે સમયાંતરે વન નાબૂદી અને આબોહવામાં ફેરફારને કારણે પાણીને જાળવી રાખવાની ક્ષમતા ગુમાવી દીધી છે, જેમાં વરસાદની અનિયમિતતાએ તેને વધુ જટિલ બનાવી છે. છેલ્લાં પાંચ દાયકાઓમાં કાવેરી તટ પ્રદેશે 45 ટકા વનોનું આવરણ ગુમાવ્યું છે,અને આજે આ પ્રદેશમાં માત્ર 18 ટકા જ વન આવરણ છે, જેના કારણે આ વર્ષે કાવેરી બેસિનમાં પાણીની અછત સર્જાઈ છે.
ભૂગર્ભ જળ ત્યારે જ ઉપલબ્ધ બને જયારે તેને રિચાર્જિંગ થવાની મોકળાશ મળે. અને ભૂગર્ભ જળના રિચાર્જિંગ માટે જમીનનાં સ્તર ચારણી જેવાં છિદ્રાળ હોવાં અનિવાર્ય છે. જે જમીન ઉપર ઝાડ પાનનું આવરણ હરિયાળું અને તળાવો હોય ત્યારે તેની આસપાસનો લેન્ડસ્કેપ છિદ્રોવાળો હોય છે. બેંગલુરુનો લેન્ડસ્કેપ વર્ષોથી ધરમૂળથી બદલાઈ ગયો છે. આ અગાઉ બેંગલુરુમાં 1,452 જળાશયો અને 80 ટકા ગ્રીન કવર હતું. જે આજે ચિંતાજનક રીતે ઘટીને લગભગ 193 જળાશયો છે અને 4 ટકાથી ઓછું ગ્રીન કવર છે.
દેશના નીતિ આયોગે 2018માં જારી કરેલા વોટર ઇન્ડેક્ષમાં પાણીની જરૂરિયાત વિષે ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું છે કે ભારતમાં 600 મિલિયન લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરે છે. દેશના લગભગ ત્રણ ચતુર્થાંશ ઘરોમાં પીવાનું પાણી નથી. લગભગ 70% પાણી દૂષિત થયા છે. પાણીના ગુણવત્તા સૂચકાંકમાં 122 દેશોમાં ભારત 120મા ક્રમે છે.
ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર વખતે વરસાદી પાણીના સંચય માટે જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરદાર પટેલ જળસંચય યોજનાએ એક આંદોલન જેવો જાગૃતિનો જુવાળ ઉભો કર્યો હતો. આ યોજના હેઠળ સૌરાષ્ટ્રના ગામે ગામ હયાત તળાવો ઊંડા ઉતારી અને તેની મરામત સહિતની કામગીરી કરીને વરસાદી પાણીનો અદભૂત સંચય કરતાં સૌરાષ્ટ્રમાં જળસ્તર નોંધપાત્ર રીતે ઉપર આવ્યા હતા. તેનો સીધો ફાયદો ખેડૂતો અને આમ પ્રજાને થયો હતો.
ગુજરાતના અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જે રીતે બાંધકામ પ્રવૃત્તિનો વિકાસ થઇ રહ્યો છે અને તેમાં વપરાતા પાણીના કારણે ઊંડા જઇ રહેલા ભૂગર્ભ જળ આવનારા દિવસોમાં એક ગંભીર ચિંતાનું કારણ બનશે. એક તરફ ઉત્તરોત્તર વરસાદના પ્રમાણમાં ઘટાડો અને બીજી તરફ પાણીના બેફામ ઉપયોગની વચ્ચે સરકારે આગોતરા આયોજનો હાથ ધરવાની તાતી જરૂરિયાત છે નહીંતર ગુજરાતની હાલત પણ બેંગલોર જેવી થશે.
રિલાયન્સ, અદાણી જેવા મહારથી ઉદ્યોગોએ અપનાવેલા પાણીના વૈકલ્પિક ઉપાયોને વૈશ્ર્વિક સ્વતંત્ર એજન્સીઓએ પ્રમાણિત કર્યાં છે.
ભારતના રિલાયન્સ, ટાટા, બજાજ, અદાણી જેવા ઔદ્યોગિક જૂથો દ્વારા પોતાના ઉદ્યોગોનીે પાણીની જરૂરિયાત માટે સાઇટના સ્થળે વોટર ડીસેલિનેશન પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની સુવિધાઓનું નિર્માણ કરી પોતાના માટે પાણીની વ્યવસ્થા ઉભી કરી છે તેની સાથે આસપાસના વિસ્તારોમાં જળ સંચય માટે જરૂરી સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવી છે.
ભારતમાં થર્મલ કોલ, પવન, સૌર, પવન-હાઇડ્રોજન કમ્બાઇન્ડ હાઇબી્રડ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરતી દુનિયાની ઊર્જા પેદા કરતી કંપનીઓ પૈકીની ભારતના અગ્રણી અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જીના દેશના તામિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા પ્લાન્ટની પાણીની જરૂરિયાત માટે પોતાની તમામ સાઇટ્સ પર વરસાદી પાણીના રિચાર્જ અને સંગ્રહ માટે શોષ ખાડાઓ અને તળાવોનું નિર્માણ જેવા વરસાદી જળ સંચયની વ્યવસ્થા કરી છે. અદાણીના પાણી વયવસ્થાપનના પગલાંની ઇન્ડિપેન્ડન્ટ ગ્લોબલ એસ્યોરન્સ એજન્સી, ઉગટ દ્વારા કરવામાં આવેલી વિગતવાર સમીક્ષામાં અદાણી એનર્જી ખરી ઉતરતાં તેને “વોટર પોઝિટિવ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. આ સમીક્ષા દરમિયાન કંપનીએ પાણીના વપરાશ કરતાં પાણીનો સંચય વધારે કર્યો હોવાનું જણાયું હતું.