સુગમ સંગીતનો ‘ગૌરાંગ’ સૂર આથમી ગયો

નરેશ અંતાણી  પદ્મશ્રી પુરસ્કૃત સંગીતકાર અવિનાશ વ્યાસના સુપુત્ર અને ગુજરાતી સુગમ સંગીતકાર ગૌરાંગ વ્યાસ ના નિધનથી ગુજરાતી સુગમ સંગીતનુ સ્વર જગત રાંક બન્યું છે. તેઓ 87 વર્ષના હતા. તેઓ ગુજરાતી ચલચિત્ર સંગીત, સુગમ સંગીત અને લોકસંગીતના  એક દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક કલાકાર હતા. પિતાના ભવ્ય વારસાને ગૌરાંગભાઈએ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે આગળ ધપાવ્યો હતો. ૨ સપ્ટેમ્બર …

નરેશ અંતાણી 

પદ્મશ્રી પુરસ્કૃત સંગીતકાર અવિનાશ વ્યાસના સુપુત્ર અને ગુજરાતી સુગમ સંગીતકાર ગૌરાંગ વ્યાસ ના નિધનથી ગુજરાતી સુગમ સંગીતનુ સ્વર જગત રાંક બન્યું છે. તેઓ 87 વર્ષના હતા.
તેઓ ગુજરાતી ચલચિત્ર સંગીત, સુગમ સંગીત અને લોકસંગીતના  એક દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક કલાકાર હતા. પિતાના ભવ્ય વારસાને ગૌરાંગભાઈએ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે આગળ ધપાવ્યો હતો. ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થતાં સંગીતક્ષેત્રે ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ગુજરાતી કાવ્ય-સંગીત અને ફિલ્મી સ્વરાંકનોમાં જેમણે દાયકાઓ સુધી પોતાની આગવી શૈલીથી રસિકોના હૃદય પર રાજ કર્યું, તેવા મૂર્ધન્ય સંગીતકાર ગૌરાંગ વ્યાસ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. પિતા અવિનાશ વ્યાસ પાસેથી વારસામાં મળેલા સંગીતના સંસ્કારોને  પોતાની મૌલિકતા અને આધુનિક દ્રષ્ટિથી તેમણે નવી જ ઊંચાઈ આપી હતી.
જીવન વૃતાંત અને સંગીત યાત્રા :
સંગીતમય વારસો: બાળપણથી જ ઘરના સંગીતમય વાતાવરણમાં ઉછરેલા ગૌરાંગભાઈ માત્ર પાંચ વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ વગાડતા થયા હતા.
શ્રુતિ સંસ્થાની સ્થાપના: ૧૯૬૧માં અમદાવાદ ખાતે તેમણે રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ સાથે મળીને ‘શ્રુતિ’ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો, જેણે સુગમ સંગીત અને વૃંદગાન ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો.
ચલચિત્ર સંગીતમાં પદાર્પણ: ‘લીલુડી ધરતી’ ફિલ્મથી સંગીત ક્ષેત્રે સહયોગી તરીકે શરૂઆત કર્યા બાદ ‘જેસલ તોરલ’ અને ‘ઉપર ગગન વિશાળ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ૧૯૭૬માં ‘લાખો ફુલાણી’ ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી, જેમાં પ્રફુલ્લ દવેના અવાજમાં ‘મણિયારો તે હળુ હળુ..’ ગીત ખૂબ લોકપ્રિય થયું.
૧૦૦થી વધુ ફિલ્મો અને અમર ગીતો: તેમણે ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું અને ૫૦૦થી વધુ ગીતોનું સ્વરાંકન કર્યું. ‘પારકી થાપણ’ ફિલ્મનું લતા મંગેશકરના કંઠે ગવાયેલું ગીત ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ આજે પણ દરેક ગુજરાતી ઘરનો ભાવુક ધબકાર છે.
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિ: કેતન મહેતાની બહુચર્ચિત ફિલ્મ ‘ભવની ભવાઈ’ માં તેમના સંગીત નિર્દેશનને આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના મળી હતી. લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર અને ભૂપિન્દર સિંહ જેવા દિગ્ગજ બોલિવૂડ ગાયકો પાસે તેમણે શ્રેષ્ઠ ગુજરાતી ગીતો ગવડાવ્યા.
સંગીત જગતને ન પૂરી સકાય તેવી ખોટ:-
ગૌરાંગ વ્યાસ માત્ર સંગીતકાર નહોતા, પણ ગીતના ભાવ અને કાવ્યની સંવેદનાને સંગીતના વાજિંત્રોમાં વણી લેનારા વિરલ ગુણીજન હતા. ગરબા, લોકસંગીત, ભજન અને નૃત્યનાટિકાઓમાં તેમના પ્રયોગો સ્વરાંકનની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ રહ્યા છે.
તેમનું ગમન એ ગુજરાતી સુગમ સંગીતના એક સુવર્ણ યુગનો અંત છે.
Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *