પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયસિંહાસન પર અખંડ બિરાજમાન નાથદ્વારાના રંગીલા શ્રીનાથજી 

 ચિત્ર સૌજન્ય: શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત (સચિત્ર)પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં સેવાતું ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ એટલે શ્રીનાથજી શ્રીગોવર્ધનનાથજી. શ્રીવલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીએ (ઈ.સ. 1478-1531) શુદ્ધાદ્વૈત ભક્તિમાર્ગ ‘પુષ્ટિમાર્ગ’ની સ્થાપના કરી અને તેમના પરમ આરાધ્ય શ્રીનાથજી, એટલે કે શ્રીગોવર્ધનનાથજી શ્રીગિરિરાજધરણને અભીષ્ટદેવ તરીકે સ્થાપ્યા. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ખૂબ જ વ્યાપક છે. આ સ્વરૂપનો પણ અલૌકિક અને દિવ્ય ઈતિહાસ છે. અત્રે જાણવું …

 
ચિત્ર સૌજન્ય: શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત (સચિત્ર)
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં સેવાતું ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ એટલે શ્રીનાથજી શ્રીગોવર્ધનનાથજી. શ્રીવલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીએ (ઈ.સ. 1478-1531) શુદ્ધાદ્વૈત ભક્તિમાર્ગ ‘પુષ્ટિમાર્ગ’ની સ્થાપના કરી અને તેમના પરમ આરાધ્ય શ્રીનાથજી, એટલે કે શ્રીગોવર્ધનનાથજી શ્રીગિરિરાજધરણને અભીષ્ટદેવ તરીકે સ્થાપ્યા. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ખૂબ જ વ્યાપક છે. આ સ્વરૂપનો પણ અલૌકિક અને દિવ્ય ઈતિહાસ છે. અત્રે જાણવું જરૂરી છે કે પુષ્ટિમાર્ગમાં ‘મૂર્તિ’ને બદલે ‘સ્વરૂપ’ શબ્દ વપરાય છે, કારણ કે પુષ્ટિમાર્ગમાં તેને સાક્ષાત્ પ્રગટ સ્વરૂપ માનવામાં આવે છે. હવે આપણે રંગીલા શ્રીનાથજીના ઈતિહાસમાં ડોકિયું કરીએ.
 
વાત છે વિક્રમ સંવત 1466 (ઈ.સ. 1409)ના શ્રાવણ સુદ પંચમીના દિવસની. પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ શ્રી ગોવર્ધન પર્વત, એટલે કે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીની ઊર્ધ્વ ભુજાના દર્શન કર્યા. આવું કૌતુક તેણે અગાઉ ક્યારેય જોયું નહોતું. તે તરત જ બીજા વ્રજવાસીઓને બોલાવી લાવ્યો. સૌએ ઊર્ધ્વ ભુજાના દર્શન કરીને આશ્ર્ચર્ય અનુભવ્યું. એમાંના એક વૃદ્ધ વ્રજવાસીએ સૌને સમજાવ્યું કે સારસ્વત કલ્પમાં જ્યારે ઈન્દ્રના કોપરૂપ મુશળધાર વરસાદથી સર્જાયેલા પ્રલયમાંથી સૌને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે સાત દિવસ સુધી જે ભુજા પર શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા, એ જ આ ભુજા છે. એ દેવ સ્વયં ફરીથી પ્રગટ થયા છે.
 
       જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે પ્રગટ ન થાય, ત્યાં સુધી આપણે આ ભુજાનું પૂજન કરી તેને ભોગ ધરાવીશું.
 
સૌને આ વાત ગળે ઊતરી ગઈ. સૌએ ભેગા મળીને દૂધથી એ ભુજાનો અભિષેક કર્યો. ધીમે ધીમે ભુજાનો મહિમા વધવા લાગ્યો. જે કોઈ ભક્ત ભુજાની માનતા રાખતો, તેની માનતા તરત જ સિદ્ધ થતી. આ રીતે ઊર્ધ્વ ભુજાના પૂજનનો પ્રચાર વિક્રમ સંવત 1535 (ઈ.સ. 1478) સુધી, એટલે કે સતત 69 વર્ષ સુધી ચાલ્યો.
 
ત્યારબાદ ફરી એક યાદગાર પ્રસંગ આવ્યો. ગિરિરાજજીની તળેટીમાં જમુનાવતા ગામ આવેલું હતું. ત્યાં ધર્મદાસ નામના ગોરવા ક્ષત્રિય રહેતા હતા. તેમની પાસે આશરે 400 ગાયો હતી. તળેટીમાં જ બીજું ગામ આન્યોર હતું, જેના મુખી સદુ પાંડે હતા. તેમની પાસે લગભગ 1,000 ગાયો હતી. એ ગાયોમાં એક ગાયનું નામ ‘ઘૂમર’ હતું.
 
ઘૂમરને એવી ટેવ પડી ગઈ હતી કે દરરોજ સાંજે વગડામાં ચરીને ઘરે પાછી ફરતી વખતે તે ગિરિરાજજી ઉપર ચઢી જતી. ત્યાં એક શિલા પાસે થોડી વાર ઊભી રહેતી અને પછી પોતાના વાડામાં જતી રહેતી. આવું સતત છ મહિના સુધી ચાલ્યું.
 
એક વખત ધર્મદાસની ગાય ખોવાઈ ગઈ, જેનું નામ પણ ‘ઘૂમર’ હતું. સાંજે ગાય પાછી ન ફરતાં ધર્મદાસ ચિંતિત થયા. તેમણે પોતાના ભત્રીજા કુંભનાને બોલાવ્યો અને કહ્યું, ‘કુંભના, મેરે સાથ ચલ, ઘૂમર ગાય વાપસ નહીં આઈ.’
 
કાકા-ભત્રીજા ગાયની શોધમાં નીકળ્યા. તેમણે જોયું કે ઘૂમર ગાય એક શિલા પાસે ઊભી છે અને તેના આંચળમાંથી દૂધની ધારા વહી રહી છે. આ દૃશ્ય જોઈ બંને આશ્ર્ચર્યચકિત થઈ ગયા. તેમણે ગાયને હંકારવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ગાય એક ડગલું પણ ખસી નહીં.
 
ત્યારે જ બંનેને એક દિવ્ય અવાજ સંભળાયો: ધર્મદાસ! આ તમારી ઘૂમર ગાય શ્રી નંદબાબાની ગાયોના કુળની છે. તમારું ગામ દૂર હોવાથી તેને અહીં આવતાં સમય લાગે છે, તેથી તમે તેને આન્યોરના સદુ પાંડેના વાડામાં મૂકી આવો. અત્યાર સુધી સદુ પાંડેની ઘૂમર ગાય મને દૂધ પીવડાવવા આવતી હતી, પરંતુ હવે તે વસૂકી ગઈ છે. તેથી તમારી ઘૂમર મને દૂધ પીવડાવવા આવે છે. સદુ પાંડેની હજારો ગાયોમાં આ ગાય ભળી જશે અને કોઈને તેની જાણ પણ નહીં થાય.
 
આટલું સાંભળીને કાકા-ભત્રીજા ચાલવા લાગ્યા, ત્યાં ફરી રૂપાની ઘંટડી જેવો મધુર અવાજ સંભળાયો: કુંભના! તું દરરોજ મારી પાસે ખેલવા આવજે. હું તારી રાહ જોઈશ. પછી બંને કાકા-ભત્રીજાએ શિલાની પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કર્યા અને ઘૂમર ગાયને લઈને નીચે આવ્યા. તેઓ સીધા સદુ પાંડેના વાડામાં પહોંચ્યા. પોતાની ઘૂમર ગાય સદુ પાંડેનાં હવાલે કરતાં તેમણે કહ્યું કે, ‘આ ગાય અમને તમારા રસ્તે મળી છે, તેથી તમે તેને રાખો. સદુ પાંડેએ પણ તેને પોતાની ઘૂમર ગાય સમજીને વાડામાં બાંધી દીધી.’
 
ત્યારથી આ ગાય દરરોજ ગિરિરાજજી ઉપર જઈ, તે શિલા પાસે પહોંચીને શિલામાં રહેલા દેવને દૂધ પીવડાવવા લાગી.
ધીમે ધીમે વાત આખા ગિરિરાજજીમાં ફેલાઈ ગઈ કે એક ગાય શિલા પર દૂધ પીવડાવે છે. ગામના મુખી સદુ પાંડે અન્ય અનુભવી વ્રજવાસીઓને લઈને એ શિલા પાસે ગયા. સૌ વ્રજવાસીઓએ બળપૂર્વક એ શિલાને ખસેડી. જોયું તો શિલા નીચે સાતેક વર્ષનો શ્યામવર્ણ ધરાવતો એક બાળક રમી રહ્યો હતો. સદુ પાંડેએ પૂછ્યું, ‘તું કોણ છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો, ‘હું ગિરિરાજ પર્વતનો દેવતા છું અને દેવદમન મારું નામ છે.’
 
સદુ પાંડેએ ફરી પૂછ્યું, ‘તું બહાર કેમ નથી નીકળતો?’ તેના જવાબમાં બાળક બોલ્યો, ‘એ માટે હજી થોડાં વર્ષોની વાર છે. આજે તમે મારા મુખના દર્શન કર્યા છે એ પૂરતું છે. મને વિભૂતિ આવીને પ્રગટ ન કરે ત્યાં સુધી તમે મને દરરોજ દૂધ, દહીં અને માખણ આરોગાવજો. સાથે તમારી નાની દીકરી નરોને પણ મોકલજો. હું તેની સાથે રમીશ.’
 
ત્યારબાદ સૌ આનંદભેર નીચે ઉતર્યા. એ પાવન દિવસ વિક્રમ સંવત 1535 (ઈ.સ. 1478)ની ચૈત્ર સુદ એકાદશીનો હતો. એ જ દિવસે ચંપારણ્ય (છત્તીસગઢ)માં પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું અગ્નિકુંડમાં પ્રાગટ્ય થયું હતું. ગિરિરાજજીમાં જે સ્વરૂપ પ્રગટ્યું તે ‘સેવ્ય’ બન્યું અને ચંપારણ્યમાં જે પ્રગટ્યા તે ‘આચાર્ય’ બન્યા.
 
પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ માધવેન્દ્ર યતિ (પૂરી) નામના વિદ્વાન સંન્યાસી પાસે અભ્યાસ કર્યો હતો. ગુરુ માધવેન્દ્ર યતિ પોતાના વિદ્યાર્થી શ્રી વલ્લભાચાર્યજીને ઈશ્ર્વરસ્વરૂપ માનતા હતા. તેમણે આગાહી કરી હતી કે તેઓ દિગ્વિજય કરીને જગદગુરુ બનશે. વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી શ્રી વલ્લભાચાર્યજી સ્વગૃહે પરત ફર્યા અને ગુરુ માધવેન્દ્ર યતિએ પોતાનો આશ્રમ સમેટીને વ્રજ તરફ પ્રયાણ કર્યું.
વ્રજમાં ભ્રમણ કરતાં કરતાં તેઓ શ્રી ગિરિરાજજી પાસે આવ્યા અને આન્યોરમાં સદુ પાંડેને મળ્યા. ત્યાં શ્રીનાથજીના મુખારવિંદની વાત નીકળી. ગુરુ માધવેન્દ્ર યતિ પણ વ્રજવાસીઓ સાથે એ મુખારવિંદના દર્શને નીકળ્યા. શિલા નીચે બિરાજતા શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરીને તેમણે પરમસુખની અનુભૂતિ કરી. ગુરુ માધવેન્દ્ર યતિએ સૂકી સામગ્રીથી ભોગ તૈયાર કરીને શ્રીનાથજીના મુખારવિંદને અર્પણ કર્યો. ત્યારે શ્રીનાથજીએ કહ્યું, ‘તમારો શિષ્ય આવશે, મને બહાર કાઢશે અને જાતે ભોગ ધરાવશે; ત્યારબાદ જ હું અન્ન ગ્રહણ કરીશ. ત્યાં સુધી હું માત્ર દૂધ જ ગ્રહણ કરીશ.’ ત્યારબાદ ગુરુ માધવેન્દ્ર યતિ તળેટીમાં જ એક ઝૂંપડું બનાવીને રહેવા લાગ્યા.
 
આ તરફ વિક્રમ સંવત 1549 (ઈ.સ. 1492)ના ફાગણ સુદ એકાદશીના દિવસે આજ્ઞા થઈ કે, ‘અમે શ્રી ગોવર્ધનધર સ્વરૂપે ગિરિરાજની કંદરામાં બિરાજીએ છીએ. તમે વ્રજમાં પધારીને અમને પ્રગટ કરો અને અમારી સેવાનો ક્રમ સ્થાપિત કરો.’
 
લગભગ પાંચ મહિના પછી શ્રી વલ્લભાચાર્યજી શ્રાવણ માસના શુક્લ પક્ષની બારસના દિવસે સંધ્યા સમયે સદુ પાંડેના ઘરના ઓટલા પર આવીને બિરાજ્યા. એટલામાં જ મધુર સ્વર સંભળાયો, ‘નરો, મારુ દૂધ લાવો.’ ત્યારે નરોએ જવાબ આપ્યો, ‘મહેમાનો આવ્યા છે. તેમની આગતા-સ્વાગતા કરીને દૂધ લાવીશ.’ પરંતુ શ્રીનાથજીએ ફરી કહ્યું, ‘પહેલા મને દૂધ આપી જા.’ નરોએ શ્રી વલ્લભાચાર્યજીને કહ્યું, ‘પર્વતના દેવને દૂધ પીવડાવીને હું તરત જ આવું છું.’ નરો પાછી આવી ત્યારે શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું, ‘એ કટોરામાં જે દૂધ બચ્યું હોય તે મને આપી દે.’ ત્યારબાદ તેમણે એ કટોરામાં રહેલું વધેલું દૂધ પ્રસાદરૂપે ગ્રહણ કર્યું.
 
બીજે દિવસે, એટલે કે વિક્રમ સંવત 1549 (ઈ.સ. 1492)ના ફાગણ સુદ તેરસના દિવસે, શ્રીનાથજીને ગિરિકંદરામાંથી બહાર કાઢીને પાટ પર બિરાજમાન કરવામાં આવ્યા. ત્યારબાદ શ્રી વલ્લભાચાર્યજીએ પૂછ્યું, ‘તમારામાંથી સેવા કરવા કોણ તૈયાર છે?’
 
ત્યારે બધા વ્રજવાસીઓએ જવાબ આપ્યો, અમે તો ગાયો ચરાવનારા અને ખેતી કરનારા લોકો છીએ. અમારાથી સેવા નહીં થાય. પછી શ્રી વલ્લભાચાર્યજીએ રામદાસ ચૌહાણને બોલાવીને શ્રીનાથજીની સેવાની જવાબદારી સોંપી. શ્રીનાથજી નાની ઝૂંપડીમાં બિરાજમાન થયા અને નિયમિત સેવા-પ્રકારનો પ્રારંભ થયો.
ત્રણ વર્ષ પછી, એટલે કે વિક્રમ સંવત 1552માં, મુસ્લિમ બાદશાહની ફોજ શ્રી ગિરિરાજજી પર આક્રમણ કરવા માટે આગળ વધી રહી હતી. તે સમયે શ્રીનાથજીને ‘ટોંડના ઘના’ (જતીપુરાથી ગુલાલકુંડ થઈને જવાય છે) ખાતે પધરાવવામાં આવ્યા. મુસ્લિમ બાદશાહની સેના પરત ફરી ગયા પછી શ્રીનાથજી ફરીથી ગિરિરાજજી પર આવેલા પોતાના ઝૂંપડીરૂપ મંદિરમાં પધાર્યા.
 
વિક્રમ સંવત 1556ના ચૈત્ર સુદ બીજના દિવસે અંબાલા (હરિયાણા)ના પૂરણમલ ક્ષત્રિયને સ્વપ્નમાં વિશાળ મંદિર બનાવવાની આજ્ઞા થઈ. પૂરણમલ આન્યોર આવીને શ્રી વલ્લભાચાર્યજીને મળ્યા અને તેમને પ્રાપ્ત થયેલી આજ્ઞાની સમગ્ર વાત જણાવી.
 
શ્રીનાથજીની ઈચ્છા અનુસાર ગિરિરાજજી ઉપર શિખરબંધ, ધજા અને કળશવાળું મંદિર તૈયાર કરવામાં આવ્યું. અનેક પ્રકારની સગવડો ધરાવતું વિશાળ મંદિર કળશ, ચક્ર અને ધ્વજા સાથે પૂર્ણ થતાં વિ.સં. 1576 (ઈ.સ. 1519)ના વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયાના શુભ દિવસે શ્રીનાથજીને અત્યંત ધામધૂમ અને વૈદિક વિધિપૂર્વક નવા મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા.
 
શ્રીનાથજીની સેવામાં કીર્તનકારો, વાદકો, અધિકારીજી, મુખીયાજી વગેરેનો ઉમેરો થતો ગયો, તેમ ગાયોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. આ ગાયોની સંભાળ માટે ગુલાલકુંડના રસ્તે વિશાળ ગૌશાળા બંધાવવામાં આવી. 47 વર્ષ પછી, વિ.સં. 1623ના મહા વદ સાતમના દિવસે, મથુરાના સતઘરામાં શ્રીનાથજીને પધરાવવામાં આવ્યા. લગભગ ત્રણ મહિના સતઘરામાં બિરાજ્યા બાદ તેઓ ફરી ગિરિરાજજી પરત પધાર્યા.
 
વિ.સં. 1723 (ઈ.સ. 1666)ની આસપાસ ધર્મઝનૂની મોગલ બાદશાહોના ત્રાસથી મંદિરો તૂટવા લાગ્યાં અને ફરજિયાત ધર્માંતરણનું પ્રમાણ વધવા લાગ્યું. વૃંદાવન અને મથુરાનાં અનેક પ્રસિદ્ધ મંદિરોનો ઔરંગઝેબ નાશ કરી ચૂક્યો હતો. આવા સંજોગોમાં વિ.સં. 1725 (ઈ.સ. 1668)ની શરદ પૂનમના દિવસે શ્રીનાથજી રથમાં બિરાજીને ગિરિરાજજીથી રવાના થયા.
રાત્રિના પ્રવાસ દરમિયાન ‘બુઢા બાબુ’ (મહાદેવજી) મશાલ લઈને શ્રીનાથજીના રથની આગળ-આગળ ચાલતા હતા. પોતાના નાથની આ દિવ્ય લીલામાં સહભાગી થવાનું સૌભાગ્ય મહાદેવજીને કેટલી તપશ્ર્ચર્યા પછી પ્રાપ્ત થયું હશે! મુકામ કરતાં કરતાં રથ મેવાડ તરફ આગળ વધ્યો.
 
શ્રીનાથજીના રથનો મેવાડમાં પ્રવેશ થતાં જ ઉદયપુરના મહારાણા રાજસિંહજી ઉદયપુરથી આવી પહોંચ્યા અને માર્ગમાં જ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને શ્રીનાથજીના દર્શન કર્યા. તેમણે એક હજાર સુવર્ણ મુદ્રાઓ ભેટરૂપે અર્પણ કરી. શ્રીનાથજીના મેવાડ પધારતા પહેલાં શ્રી દ્વારકાધીશજી અને શ્રી બાળકૃષ્ણજી વ્રજ છોડીને મેવાડમાં પધારી ચૂક્યા હતા, જ્યારે શ્રી વિઠ્ઠલનાથજી સિંહાડની બાજુમાં આવેલા ગામમાં બિરાજમાન હતા.
શ્રીનાથજીનો રથ સિંહાડ (હાલનું નાથદ્વારા) ખાતે આવીને અટકી ગયો. રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું. અનેક પ્રયત્નો અને ઉપાયો કરવા છતાં પૈડું બહાર ન નીકળ્યું. ત્યારબાદ શ્રીનાથજીએ અહીં જ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી. આ આજ્ઞા અનુસાર મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું.
 
અંતે વિ.સં. 1728 (ઈ.સ. 1671)ના મહા વદ સાતમના દિવસે શ્રીનાથજી નવા મંદિરમાં બિરાજમાન થયા. વ્રજમાંથી પ્રસ્થાન કર્યા પછી બે વર્ષ અને ચાર મહિના સુધી શ્રીનાથજી રથમાં બિરાજ્યા હતા. શ્રીનાથજી સાથે આવેલા ‘બુઢા બાબુ’ (મહાદેવજી) આજે પણ શ્રીનાથજીના મંદિરની બહાર બિરાજમાન છે.
 
આ જ મંદિર આજે નાથદ્વારા તરીકે પ્રસિદ્ધ છે. છેલ્લા 355 વર્ષથી નાથદ્વારામાં શ્રીનાથજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીને અસંખ્ય વૈષ્ણવોને કૃપા અને દર્શનનો લાભ આપી રહ્યા છે.
 
શ્રીનાથજી મંદિરના રોચક તથ્યો
રાજસ્થાનના નાથદ્વારામાં આવેલું શ્રીનાથજી મંદિર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું સર્વોચ્ચ આસ્થાધામ છે. વિશ્ર્વભરમાં કરોડો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા આ મંદિરમાં અનેક એવી વિશેષતાઓ છે, જે તેને અન્ય મંદિરો કરતાં અલગ અને અનોખું બનાવે છે. આવો જાણીએ શ્રીનાથજી મંદિર સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો વિશે.
કૃષ્ણ જન્મોત્સવે 21 તોપોની સલામી
શ્રીનાથજીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે બરાબર 12 વાગ્યે 21 તોપોની સલામી આપવામાં આવે છે. મંદિર પરિસરમાં બ્યુગલ અને બેન્ડના નાદ સાથે ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે.

 

બાળસ્વરૂપે બિરાજમાન શ્રીનાથજી
શ્રીનાથજીની પ્રતિમા ભગવાન કૃષ્ણના એ દિવ્ય સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેમણે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. કાળા આરસના પથ્થરમાંથી નિર્મિત આ પ્રતિમામાં ડાબો હાથ ઊંચો ઉઠેલો છે અને જમણો હાથ કમર પર ટકાવેલો છે. પ્રતિમા સાથે સિંહ, ગાયો, પોપટ અને મોરનાં શિલ્પો પણ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે ત્રણ ઋષિઓનાં ચિત્રો તેની શોભા વધારે છે.
 
દિવસમાં આઠ વખત થાય છે સેવા-પૂજા
પુષ્ટિમાર્ગના આરાધ્ય દેવ તરીકે શ્રીનાથજીની સેવા વિશેષ મહત્વ ધરાવે છે. શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત આ સંપ્રદાયમાં ભગવાનને જીવંત બાળક માનીને તેમની સેવા કરવામાં આવે છે. તેથી અહીં દિવસ દરમિયાન આઠ અલગ-અલગ દર્શન અને સેવા-પૂજાની પરંપરા છે. આ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
શ્રીનાથજીની દાઢી પર જડાયેલો હીરો
શ્રીનાથજીના હોઠની નીચે આવેલી દાઢી પર એક કિંમતી હીરો જડાયેલો છે. લોકવાયકા અનુસાર આ હીરો મુઘલ શાસક ઔરંગઝેબની માતાએ ભેટરૂપે અર્પણ કર્યો હતો. આ પ્રસંગ સાથે જોડાયેલી અનેક લોકકથાઓ આજે પણ ભક્તોમાં પ્રચલિત છે
 
મંદિરની સંપત્તિ પર મંદિરનો જ અધિકાર
ઈ.સ. 1934માં ઉદયપુર રાજ્યના શાસકે આદેશ જાહેર કરીને મંદિર સાથે સંકળાયેલી તમામ મિલકતો મંદિરની માલિકીની ગણાવી હતી. તે સમયે તિલકાયત મહારાજને મંદિરના સંરક્ષક, ટ્રસ્ટી અને વ્યવસ્થાપક તરીકે માન્યતા આપવામાં આવી હતી. મંદિરની સેંકડો સંપત્તિઓનું યોગ્ય સંચાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
 
પિછવાઈ કળાનું વિશ્ર્વવિખ્યાત કેન્દ્ર
નાથદ્વારા પિછવાઈ કળા માટે વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ છે. મંદિરની દીવાલો અને શણગારમાં જોવા મળતી આ વિશિષ્ટ ચિત્રકલા ભગવાન શ્રીનાથજીના વિવિધ ઉત્સવો, ઋતુઓ અને લીલાઓનું સુંદર નિરૂપણ કરે છે. કપડા, કાગળ અને કુદરતી રંગોના ઉપયોગથી તૈયાર થતી પિછવાઈ કૃતિઓ ભારતીય કલાસંસ્કૃતિની અમૂલ્ય ધરોહર ગણાય છે.
 
મંદિરને દાનમાં મળ્યાં છે 30 ગામો
પરંપરાગત માન્યતાઓ અનુસાર મંદિરને વિવિધ રાજવીઓ દ્વારા આશરે 30 ગામો દાનરૂપે મળ્યા હતા. અહીં દરરોજ વિશાળ પ્રમાણમાં ભોગ તૈયાર થાય છે અને ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવે છે. શ્રીનાથજીને છપ્પન ભોગ ધરાવવાની પરંપરા પણ વિશેષ લોકપ્રિય છે
 
દેશના સમૃદ્ધ મંદિરોમાં સ્થાન
નાથદ્વારાનું શ્રીનાથજી મંદિર ભારતના સૌથી સમૃદ્ધ અને પ્રભાવશાળી મંદિરોમાંનું એક માનવામાં આવે છે. પુષ્ટિમાર્ગનું મુખ્ય પીઠસ્થાન હોવાના કારણે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. આ મંદિરની ગણના દેશના અગ્રણી ધાર્મિક કેન્દ્રોમાં થાય છે.
 
ભગવાનને અર્પણ થાય છે રમકડાં
શ્રીનાથજીને બાલકૃષ્ણ સ્વરૂપે પૂજવામાં આવતા હોવાથી ભક્તો અહીં રમકડાં પણ અર્પણ કરે છે. ઘણા ભક્તો ચાંદીમાંથી બનાવેલી ગાયો, પશુઓ અને ગૌચરના પ્રતિકરૂપે નાનાં ઉપહારો પણ ચઢાવે છે. ભગવાન પ્રત્યેની આ નિર્દોષ ભાવના મંદિરની અનોખી પરંપરાને ઉજાગર કરે છે.
 
શ્રીનાથદ્વારાની યાત્રાનું વિશેષ મહાત્મ્ય
વૈષ્ણવ પરંપરામાં શ્રીનાથદ્વારાની યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ભારતના પ્રખ્યાત વૈષ્ણવ તીર્થોના દર્શન બાદ જો ભક્ત શ્રીનાથજીના દર્શન કરે તો તેની યાત્રા પૂર્ણ અને ફળદાયી બને છે.
 
શ્રદ્ધા અને સંસ્કૃતિનું અનોખું સંગમ
શ્રીનાથજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તિ, કલા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર છે. અહીંની સેવાપદ્ધતિ, ઉત્સવો, પિછવાઈ કળા અને અવિરત ભક્તિભાવ કરોડો શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષે છે. નાથદ્વારાનું આ પવિત્ર ધામ આજે પણ પુષ્ટિમાર્ગની વૈભવી પરંપરાને જીવંત રાખીને વિશ્ર્વભરના ભક્તો માટે આસ્થાનું અનન્ય પ્રતીક બની રહ્યું છે.
Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *