પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ ડાંગનો નાયગ્રા વઘઈનો ‘ગીરાધોધ’

- મનોજ ખેંગાર ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત ‘ધૂંઆધાર વોટરફોલ’ની યાદ અપાવતો અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઈ)નો ‘ગીરાધોધ’, ખાસ કરીને ચોમાસામાં ડાંગ અને સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહે છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળીને અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી અહીં લગભગ ત્રણસો ફૂટના વિશાળ પટમાં શાંત અને …

– મનોજ ખેંગાર

ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત ‘ધૂંઆધાર વોટરફોલ’ની યાદ અપાવતો અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઈ)નો ‘ગીરાધોધ’, ખાસ કરીને ચોમાસામાં ડાંગ અને સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહે છે.

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળીને અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી અહીં લગભગ ત્રણસો ફૂટના વિશાળ પટમાં શાંત અને ધીરગંભીર સ્વરૂપે વહે છે. આ નદી જ્યારે અહીં કાળમીંઢ શિલાઓ પરથી લગભગ સો ફૂટ નીચે ખાબકે છે, ત્યારે અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ‘ધૂંઆધાર વોટરફોલ’ની યાદ અપાવી જાય છે.

ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જતાં જ હવા સાથે સો ફૂટની ઊંચાઈ પરથી નીચે ખાબકતા જળપ્રવાહમાંથી ઊડતી પાણીની બુંદો અને ધુમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે છે. અંબિકા નદીનું આ મનમોહક અને રમણીય દૃશ્ય જોવા, જાણવા અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.

પ્રકૃતિપ્રેમી પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે યાદગાર સંભારણું બની રહે તે માટે રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને પ્રકૃતિનો અનમોલ નજારો માણવાની સુગમતા ઊભી કરી છે. ‘ગીરાધોધ’ ખાતે ગત વર્ષોમાં રૂ. ૨.૧૫ કરોડના ખર્ચે ‘સોવેનિયર શોપ સંકુલ’ તૈયાર કરીને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે ‘અતિથિ દેવો ભવ’ની અહીંની ભાવનાને ઉજાગર કરવાની પણ રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે.

અહીં આવેલી ૩૨ જેટલી દુકાનો દ્વારા પર્યટકોને જરૂરી સુવિધાઓ મળી રહે, સ્થાનિક પરિવારોને રોજગારી મળે, અહીં આવતા હજારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ તેમજ ખાણીપીણીની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને ડાંગની ‘અતિથિ દેવો ભવ’ની સંસ્કૃતિ તથા સંસ્કારો ઉજાગર થઈ શકે તેવા અભિગમ સાથે દક્ષિણ ડાંગ વન વિભાગે ‘ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી’ને આ દુકાનોનું ઙ્કબ્લીક પ્રાઈવેટ ઙ્કાર્ટઙ્ગરશીઙ્ક (પી.પી.પી.) ધોરણે સંચાલન સોંપીને ૩૨ પરિવારોને સીધી રોજગારી પૂરી પાડી છે.

અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂક્યા છે અને પર્યટકોને ગીરાધોધ તેમજ નદીમાં ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમાં અહીં એક-બે નહીં, પરંતુ કુલ બાવીસ લોકો પોતાનો અમૂલ્ય જીવ ગુમાવી ચૂક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવવામાં આવી છે.

વન વિસ્તારમાં પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે. ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા પણ વન વિભાગે અપીલ કરી છે.

ડાંગના જુદા જુદા પર્યટન સ્થળોએથી તમે જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો, રમકડાં, શો-પીસ તેમજ નાગલી અને તેના ઉત્પાદનોની ખરીદી કરી શકો છો. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્ય કેળવી પોતાના વેપાર-ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચતમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે.

વઘઈના આ ‘ગીરાધોધ’ ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો, સુબિર તાલુકાના ગિરમાળ ગામનો ‘ગિરમાળ ધોધ’ પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. લગભગ ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો આ જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય બંને પ્રકારનો અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણા નદીનો ‘સી વ્યૂ’ પર્યટકોને પૂર્ણા સેન્ચુરીનો એરિયલ વ્યૂ પ્રદાન કરે છે.

આહવાના સીમાડે આવેલા ‘શિવ ઘાટ’ અને ‘યોગેશ્ર્વર ઘાટ’ના બે ટુરિસ્ટ-ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો પર પણ જાણે જળાભિષેક કરતા હોય તેવો અનુભવ કરાવે છે. મહાલ-બરડીપાડા રોડ ઉપર આવેલો ‘મહાલ વોટરફોલ’, ચનખલની સીમમાં આવેલો ‘બારદા ધોધ’, ડોન ગામનો ‘દ્રોણ ધોધ’, પાંડવા ગામનો ‘અંજની ધોધ’ તેમજ માયાદેવીનો ‘સ્ટેપ ધોધ’ ચોમાસાની ભીનીભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

ઊંચા-ઊંચા ડુંગરો પરથી નીચે ખીણમાં ખાબકતા શ્ર્વેત દુગ્ધધારા જેવા અનેક નામી-અનામી જળધોધો ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી એકલી અટૂલી અટવાતી શ્ર્વેત-શ્યામ વાદળડી અને તેની ધુમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. આવા માદક અને મનમોહક માહોલને માણવો હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ આપી રહ્યો છે.
વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા ખૂંદવાની ચાહ હોય તો આ બધી રાહ આસાન છે! બાકી તો ‘ડુંગરા દૂરથી રળિયામણા’ એમ માનીને ટેલિવિઝનના પડદે તેમજ અખબારો અને સામયિકોના પાનાં પર આ જળધોધોના આકર્ષક ફોટોગ્રાફ્સ જોઈને જ મન મનાવવું પડે! પ્રકૃતિના નજારાને મન ભરીને માણવાનું તો સૌને ઈજન છે જ; પરંતુ રોમાંચ અને ક્ષણિક આવેશના જોશમાં સેલ્ફી કે ફોટોગ્રાફીની ઘેલછામાં ક્યાંક અજુગતું ન બને, તે માટે સભાન રહેવું પણ એટલું જ જરૂરી છે.

Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *