ઓવર ટુરિઝમ… ભીડમાં ભગવાન અને  હિલ સ્ટેશન પર ઠંડક ગાયબ.!

સંજય થોરાત ‘સ્વજન’ ‘અતિ સર્વત્ર વર્જયેત્’ - કોઈપણ બાબતનો અતિરેક નુકસાનકારક બની શકે છે. તમને બધાને અનુભવ હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં આપણે કોઈ પ્રખ્યાત મંદિરે દર્શન કરવા જતા તો ભગવાન સામે શાંતિથી બેસીને દર્શન કરી શકતા. કોઈ પર્યટન સ્થળે જતા તો ત્યાં આરામથી હરીફરી શકતા હતા. અત્યારે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. ‘અતિ …

 
સંજય થોરાત ‘સ્વજન’
‘અતિ સર્વત્ર વર્જયેત્’ – કોઈપણ બાબતનો અતિરેક નુકસાનકારક બની શકે છે. તમને બધાને અનુભવ હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં આપણે કોઈ પ્રખ્યાત મંદિરે દર્શન કરવા જતા તો ભગવાન સામે શાંતિથી બેસીને દર્શન કરી શકતા. કોઈ પર્યટન સ્થળે જતા તો ત્યાં આરામથી હરીફરી શકતા હતા. અત્યારે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. ‘અતિ સર્વત્ર વર્જયેત્’ એટલે કે દરેક બાબતનો અતિરેક નુકસાનકારક છે. આ વાત આજે ભારતના પ્રવાસન ક્ષેત્ર માટે પણ એટલી જ સાચી સાબિત થઈ રહી છે. એક સમયે પ્રવાસનને માત્ર વિકાસ અને રોજગારીનું સાધન માનવામાં આવતું હતું, પરંતુ હવે વધતી જતી પ્રવાસીઓની સંખ્યાએ એક નવા પડકારને જન્મ આપ્યો છે. એને કહેવાય છે  ‘ઓવર-ટુરિઝમ’
 
 ભારત વિશ્વના સૌથી સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસો ધરાવતા દેશોમાંનો એક છે. હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી, રણથી લઈને વરસાદી જંગલો સુધી અને હજારો વર્ષ જૂના મંદિરો, કિલ્લાઓ, સ્મારકો તેમજ આધ્યાત્મિક સ્થળોનું વૈવિધ્ય વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. 
 
આપણે છેલ્લા દાયકામાં દેશના પ્રવાસન ક્ષેત્રે ઝડપથી વિકાસ કર્યો છે. નવો એક્સપ્રેસ-વે, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો, હવાઈ સેવાઓનું વિસ્તરણ, ઓનલાઈન બુકિંગ, હોમ-સ્ટેની વધતી લોકપ્રિયતા, લોકોની આવકમાં વધારો તથા સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે આજે પ્રવાસ કરવો પહેલાં કરતાં ઘણો સરળ બની ગયો છે. પરિણામે પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે.
 
 પ્રવાસનનો વિકાસ દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે, પરંતુ જ્યારે કોઈ પણ સ્થળ તેની ક્ષમતા કરતાં અનેકગણા વધુ પ્રવાસીઓનું સ્વાગત કરવા મજબૂર બને ત્યારે સમસ્યાઓ શરૂ થાય છે. આવી સ્થિતિને જ ‘ઓવર-ટુરિઝમ’ કહેવામાં આવે છે. એટલે કે, કોઈ સ્થળ પર એટલા બધા પ્રવાસીઓ એકસાથે પહોંચે કે સ્થાનિક સુવિધાઓ, પર્યાવરણ, ઐતિહાસિક વારસો અને ત્યાં રહેતા લોકોનું સામાન્ય જીવન સુધ્ધાં પ્રભાવિત થવા લાગે.
 
લોકો ઓવર-ટુરિઝમને માત્ર ભીડ તરીકે જુએ છે, રસ્તાઓ પર ટ્રાફિક જામ, પાર્કિંગની સમસ્યા, પાણી અને વીજળી પર વધતો ભાર, કચરાના ઢગલા, ગટરની વ્યવસ્થામાં ખામી, અવાજ અને વાયુ પ્રદૂષણ, કુદરતી સંપત્તિનું નુકસાન અને સ્થાનિક સંસ્કૃતિ પર પડતી અસર આ બધું મળીને એક એવું ઓવર-ટુરિઝમનું ચિત્ર ઊભું કરે છે. જ્યાં ફક્ત સમસ્યાઓ જ હોય છે.
 
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્થિતિ અનેક લોકપ્રિય સ્થળોએ જોવા મળી છે. ઉત્તરાખંડમાં યોજાતી ચારધામ યાત્રા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા કરે છે. આ ધાર્મિક યાત્રા ભારતીયોની આસ્થાનું પ્રતિક છે, પરંતુ એકસાથે હજારો લોકોના આગમનથી પર્વતીય રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. હોટલો ભરાઈ જાય છે, પાર્કિંગ માટે જગ્યા રહેતી નથી, આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ આવે છે. વરસાદી મોસમ દરમિયાન ભૂસ્ખલન અથવા અચાનક પૂર જેવી પરિસ્થિતિ રાહત અને બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી દે છે.
 
ગત વર્ષે યોજાયેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. વિશ્વનો આ સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે. આટલા મોટા આયોજન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિશાળ વ્યવસ્થાઓ ઊભી કરી હતી, છતાં ભીડનું સંચાલન, ટ્રાફિક, સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને સુરક્ષા માટેના સતત પડકારો સામે આવ્યાં હતા. જે બતાવે છે કે ભવિષ્યમાં ભારતે મોટા ધાર્મિક કાર્યક્રમો માટે વધુ વૈજ્ઞાનિક આયોજન અપનાવવું પડશે.
 
હિમાચલ પ્રદેશનું મનાલી, શિમલા, ઉત્તરાખંડનું મસૂરી, નૈનિતાલ અને જમ્મુ-કાશ્મીરનું ગુલમર્ગ તથા સોનમર્ગ જેવા હિલ સ્ટેશનોમાં રજાઓ દરમિયાન હજારો વાહનો એકસાથે પહોંચે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયો લોકોને તરત જ તે સ્થળોની મુલાકાત લેવા પ્રેરિત કરે છે. પરિણામે નાનાં શહેરોમાં ટ્રાફિક કલાકો સુધી અટકી જાય છે. સ્થાનિક લોકો માટે હોસ્પિટલ પહોંચવું, શાળાએ જવું કે રોજિંદા કામ માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો પણ આ સમસ્યાથી બચી શક્યા નથી. ગોવામાં દર વર્ષે લાખો દેશી અને વિદેશી પ્રવાસીઓ આવે છે. પ્રવાસન ત્યાંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, પરંતુ વધુ પડતી ભીડને કારણે દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકનો કચરો, અવાજ પ્રદૂષણ, ગેરકાયદેસર બાંધકામ અને દરિયાઈ પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પણ વધતા ટ્રાફિક અને વધતી મિલકતની કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરે છે.
 
આપણા આધ્યાત્મિક શહેરો વારાણસી, ઋષિકેશ, હરિદ્વાર, તિરુપતિ, શિર્ડી અને વૈષ્ણોદેવીમાં પણ તહેવારો અને રજાઓ દરમિયાન અતિશય ભીડ જોવા મળે છે. કેટલીકવાર દર્શન માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, દ્વારકા કે સોમનાથ મંદિર અને ગિર જંગલ સફારીની હાલત પણ અમુક દિવસોમાં આવી જ હોય છે. નદીકિનારાઓ પર કચરાનું પ્રમાણ વધે છે અને સ્વચ્છતા જાળવવી સ્થાનિક તંત્ર માટે પડકારરૂપ બને છે.
 
ભારતના પ્રખ્યાત ઐતિહાસિક સ્થળો પણ ઓવર-ટુરિઝમની અસર અનુભવી રહ્યા છે. તાજમહેલ, જયપુરના કિલ્લાઓ, હંપી, ખજૂરાહો, કુતુબમિનાર અને અજંતા-ઈલોરા જેવી વિશ્ર્વવિખ્યાત જગ્યાઓ પર રોજ હજારો લોકોની અવરજવર થાય છે. 
 
નિષ્ણાતો માને છે કે સતત વધતી માનવ અવરજવરથી ઐતિહાસિક સ્મારકોના પથ્થરો, દીવાલો અને આસપાસના પર્યાવરણ પર લાંબા ગાળે વિપરિત અસર પડી શકે છે.
 
 
ઓવર-ટુરિઝમ પાછળ માત્ર પ્રવાસીઓ જવાબદાર નથી. સોશિયલ મીડિયાનો પણ તેમાં મોટો ફાળો છે. કોઈ અજાણ્યું સ્થળ એક વાયરલ વીડિયો કે ફિલ્મના કારણે અચાનક લોકપ્રિય બની જાય છે અને થોડાક જ દિવસોમાં હજારો લોકો ત્યાં પહોંચી જાય છે. ઘણી વખત ત્યાં પાર્કિંગ, શૌચાલય, કચરાની વ્યવસ્થા કે સુરક્ષા માટે પૂરતી સુવિધાઓ પણ હોતી નથી. બીજી તરફ, અનિયોજિત બાંધકામ, પર્યાવરણના નિયમોની અવગણના અને પ્રવાસનના દબાણને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું આયોજન ન થવું પણ એટલું જ જવાબદાર છે. 
 
વિશ્વના અનેક દેશોએ આ સમસ્યાનો સામનો કરવા માટે નવી નીતિઓ અપનાવી છે. ઈટાલીના વેનિસમાં દિવસ દરમિયાન આવતા કેટલાક પ્રવાસીઓ માટે પ્રવેશ ફી લાગુ કરવામાં આવી છે. માચુ પિચ્ચુમાં દરરોજ મર્યાદિત સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવે છે. સ્પેનના બાર્સેલોનામાં ટૂંકા ગાળાના ભાડાના મકાનો અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ ઉદાહરણો દર્શાવે છે કે જો સમયસર યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે તો ઓવર ટુરિઝમને નિયંત્રિત કરી શકાય.
 
ભારત માટે પણ હવે આ દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે. દરેક લોકપ્રિય સ્થળ માટે તેની કેરિંગ કેપેસિટી વૈજ્ઞાનિક રીતે નક્કી કરવી જોઈએ. એક દિવસમાં અથવા એક સમયે કેટલા પ્રવાસીઓ સુરક્ષિત રીતે આવી શકે તેની મર્યાદા નક્કી કરવાથી ભીડને નિયંત્રિત કરી શકાય. ઓનલાઈન પૂર્વ નોંધણી, સમય આધારિત પ્રવેશ, પાર્કિંગનું ડિજિટલ સંચાલન અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાથી પણ મોટી રાહત મળી શકે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને ‘અક્ષરધામ મંદિર’ છે. 
 
સરકાર ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પ્રવાસન ઉદ્યોગની પણ મહત્વપૂર્ણ જવાબદારી બને છે. કચરાના વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા, જાહેર શૌચાલય, પીવાના પાણીની પૂરતી સુવિધા, વરસાદી પાણીના સંચય, પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ અને પર્યાવરણમૈત્રી પરિવહન જેવી વ્યવસ્થાઓ પ્રવાસનને વધુ ટકાઉ બનાવી શકે છે. સ્થાનિક સમુદાયને પણ પ્રવાસન આયોજનમાં ભાગીદાર બનાવવાથી વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી શકાય.
 
સામાપક્ષે પ્રવાસીઓની જવાબદારી પણ ઓછી નથી. કુદરતી સ્થળોએ પ્લાસ્ટિક કચરો ન ફેંકવો, વૃક્ષો અથવા સ્મારકો પર નામ ન લખવા, સ્થાનિક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો આદર રાખવો, અવાજ પ્રદૂષણ ટાળવું અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવું – આ બધું જવાબદાર પ્રવાસનનો મહત્વનો ભાગ છે. દરેક પ્રવાસીએ યાદ રાખવું જોઈએ કે આપણે જે સ્થળે પ્રવાસમાં જઈએ છીએ તે કોઈનું ઘર પણ છે. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછા જાણીતા પ્રવાસન સ્થળોના વિકાસ પર પણ ભાર મૂકી રહી છે. જો પ્રવાસીઓ માત્ર થોડાક લોકપ્રિય સ્થળોએ જ કેન્દ્રિત રહેવાને બદલે નવા સ્થળોની મુલાકાત લે તો ભીડનું વિતરણ થશે અને સ્થાનિક અર્થતંત્રને પણ નવા અવસર મળશે. આ અભિગમ ઓવર-ટુરિઝમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
 
પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે જો આજે યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં અનેક લોકપ્રિય સ્થળો પોતાનું કુદરતી સૌંદર્ય ગુમાવી શકે છે. ગ્લેશિયરોનું ઓગળવું, જંગલોમાં વધતી માનવ દખલ, નદીઓનું પ્રદૂષણ અને જૈવ વૈવિધ્યને થતું નુકસાન માત્ર પ્રવાસનનો પ્રશ્ર્ન નથી, પરંતુ આવનારી પેઢીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. પ્રવાસનનો હેતુ માત્ર ફોટા પાડવાનો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાનો નથી. પ્રવાસન એ છે જે આપણને નવા સ્થળો, નવી સંસ્કૃતિઓ અને પ્રકૃતિ સાથે જોડે છે. જો આપણે પ્રવાસનને જવાબદારી સાથે નહીં અપનાવીએ તો આજે જે સ્થળો આપણને મોહિત કરે છે, તે આવતીકાલે પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી શકે છે.
 
ભારત પાસે વિશ્વને આકર્ષે તેવી અસાધારણ કુદરતી અને સાંસ્કૃતિક સંપત્તિ છે. તેને જાળવી રાખવી માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક પ્રવાસી, સ્થાનિક નાગરિક અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામની સામૂહિક ફરજ છે. પ્રવાસનો આનંદ ત્યારે જ સાચો ગણાય, જ્યારે પ્રવાસી આનંદ લઈને પાછો ફરે અને પ્રકૃતિ, સંસ્કૃતિ તથા સ્થાનિક સમાજ પર તેનો ભાર નહીં, પરંતુ સકારાત્મક છાપ છોડી જાય. ‘ઓવર-ટુરિઝમ’ને રોકવા જવાબદાર પ્રવાસનની સંસ્કૃતિ વિકસાવવી એ આજના સમયની સૌથી મોટી માંગ છે.
Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *