ઉત્તર પ્રદેશની વારાણસી નગરી એક યા બીજી રીતે સતત ચર્ચામાં હોય છે. ક્યારેક મેળાને લઇને તો ક્યારેક આધ્યાત્મિકતાને લઇને. કાયમ સમાચારોમાં રહેતી આ નગરીમાં આમ તો અનેક આકર્ષણો છે. ગંગાની આરતીનો નાદ, શાંતરૂપે વહેતી નદી અને સવાર-સાંજ સૂર્ય પણ જળનું આચમન કરવા જાણે ધરતી પર આવતો હોય એવું દૃશ્ય કાયમ જોવા મળે. પરંતુ આ જ નજારો કોઇ કેન્વાસ પર તેના ઓરિજિન રંગમાં જોવા મળે તો એવું જ લાગે જાણે વારાણસી આબેહૂબ નજર સામે છે. રંગ, આકાર અને અદભૂત સ્ટ્રોકના તાલમેલથી વારાસણીને કંઇક અલગ નજરથી નિહાળનારા આવા એક કલાકાર છે અમદાવાદના સંવેદના વૈશ્ય.
આર્ટ અને આર્ટના અનેક ફોર્મેટ અંગે ફીલિંગ્સ સાથે વાત કરતાં સંવેદના કહે છે કે, મને આધ્યાત્મિક એન્વાયર્નમેન્ટ ખૂબ ગમે છે. તેથી એવું વિચાર્યું કે આ ફીલને દિલથી કંડારીને તેમાં રંગો કેમ ન ભરી શકાય? વર્ષ-ર011થી હું વર્ષમાં બેથી ત્રણ વખત વારાણસીની મુલાકાત લઉં છું. મારો અભ્યાસ અને મારા રૂટ જ આર્ટમાં છે. ફાઇન આર્ટ કર્યું પછી થોડાં સમય પૂરતું કોમર્શિયલ આર્ટ કર્યું. કંપનીમાં ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે કામ કર્યું. પછી સી.એન. કોલેજમાં જ્યારે આ જ વિષય પર અભ્યાસ શરૂ કર્યો ત્યારથી પેઇન્ટિંગ્સ તરફ ચિત્ત ચોંટ્યું. બસ અહીંથી આર્ટ રિલેટેડ સફરની શરૂઆત થઇ. જેમાં આજે અનેક કલરનું ક્રિએશન દેખાય છે.
કોઇપણ વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કરિયરમાંથી પોતાની લાઇફને એક રોયલ ટચ મળે. વોટ્સએપ પર ફરતો એક મેસેજ અહીં અસર કરે છે કે જ્યારે તમારી સાઇન ઓટોગ્રાફ બને ત્યારે સફળતાનું સ્ટેજ સાચું. બસ આવું જ કંઇક સ્વપ્ન સંવેદનાનું હતું. તે કહે છે કે, મને એવું હતું કે, કોઇ મારો ઓટોગ્રાફ લે, મારા પેઈન્ટિંગ લે. પરંતુ ડ્રીમને સિદ્ધ કરવા માટે સમસ્યાઓના પહાડ તો ચડવા જ પડે. પપ્પાની પ્રેરણા અને મજબૂત મનોબળથી આ પાર પડયું. હું એવું ઇચ્છતી કે મારી પણ એક ગેલેરી બનવી જોઇએ. અને એટલે જ પછી પેઈન્ટિંગ પર જ ધ્યાન આપ્યું.
હવે જ્યારે આ પેઇન્ટિંગ કામની શરૂઆત હતી ત્યારે એક સિનિયરે કહ્યું કે, ‘ફાડી નાખો આ બધા પેઇન્ટિંગ્સ…’ ત્યારે માનસિક ઠેસ નહીં પણ ઠોકર વાગી. જો કે તેના કારણે જ ટ્રાઇ અને આઇ (આંખ)ને વિષયમાં પરોવીને આજે એક આધ્યાત્મિક નગરી કેન્વાસ પર ઊતરી. પ્રથમ એક્ઝિબિશન હતું ત્યારે એ તમામ ચિત્રો બધાને ખૂબ ગમ્યાં. જ્યારે પણ કોઇ વ્યક્તિ તમારી ટીકા કરે ત્યારે તેમાંથી આગળ વધવા માટેનું ટોનિક મળતું હોય છે. પછી તો ઘણા બધા શો થયા. અમદાવાદ, મુંબઇ, ભોપાલ જેવા શહેરમાં કામને સ્થાન મળ્યું અને મને નામ મળ્યું. શરૂથી જ મને આધ્યાત્મિકતા આકર્ષિત કરી હતી. કારણ કે, હિન્દુ ધર્મમાં દરેક મંત્રની એક અસર હોય છે. જ્યારે ચિત્રમાં દરેક કલરનો એક ચોક્કસ ટોન હોય છે.
આર્ટ, રંગ અને આકાર એવી વસ્તુ છે જેમાં રસ હોય એટલે દરેક નજારામાં એક અલગ જ રંગો જોવા મળે. જેમ કવિને પ્રકૃતિ પરથી કલ્પનારસ સ્ફૂરે, સંગીતકારને ઝરણાંનો પણ અવાજ કાને અથડાય એમ ચિત્રકાર દરેક સીનમાં એની આંખે અનોખી વસ્તુને જુએ છે. સંવેદના કહે છે કે, જ્યારે કોલેજમાં હતી ત્યારે એક વિષય પર હું કામ કરતી. એ વખતે ચારધામની યાત્રાએ હતી. સિનિયરોએ પણ કહ્યું હતું કે, કંઇક ફીલ કરવું હોય તો વારાણસી જાવ. જ્યારે ત્યાં ગઇ ત્યારે શિયાળો હતો. વારાણસીના દરેક ઘાટની એક કહાની છે. તમે બોટમાં બેઠા હોવ ત્યારે તે દરેક ઘાટના નામ તે બોટચાલક બોલે અને તેનો ઇતિહાસ સમજાવે.
દરેક ધર્મનગરીના વાઇબ્રેશન જ અલગ હોય છે એ પછી હરિદ્વાર હોય, વૃંદાવન હોય કે વારાણસી. જે વસ્તુ ત્યાં નિહાળી તેને ડાયરીમાં ટપકાવી. પછી એક ફ્રેમ વિચારીને તેને કેન્વાસ પર ઉતારી. એ પણ લાલ અને ભગવા જેવા આધ્યાત્મિક રંગો સાથે. એક વાત ચોક્કસ છે કે, વારાણસીની આરતીના પડઘા સીધા શરીર જ નહીં, વ્યક્તિના આત્માને પણ અસર કરે છે. આમ વારાણસીના રંગો મારી નજરેથી કેન્વાસ અને અનેક ફ્રેમ પર ઊતર્યા. હું એવું કહીશ કે આ મારી કોઇ હોબી નથી, પરંતુ મારું પેશન છે. હવે ફિલ્મ ‘તારે ઝમીન’ પર યાદ કરો. એ ફિલ્મમાં એ બાળકને ચિલાચાલુ લાઇફમાં કોઇ રસ નથી.
રંગો અને લીટોડા કરીને ભીંત ચીતરતા છોકરાને એક સપોર્ટ મળે તો શું ન થઇ શકે. અરે ડ્રોઇંગ બુક શું કોઇપણ પ્રકાશનના પ્રથમ પાને સ્થાન મળી શકે. સંવેદના કહે છે, ‘આ ફિલ્મમાં મેં મને જોઇ. મેં પણ ઘણી દીવાલ પર ચિત્રો દોર્યા છે. જોકે, ફિલ્મમાં આમિર ખાનનો સપોર્ટ હતો, અહીં મારા પપ્પાનો સપોર્ટ હતો.’ સૌથી ખાસ વાત એ છે કે, તાજેતરમાં ગાંધીનગરમાં બનાવવામાં આવેલા નવા વિધાનસભા સંકુલમાં વારાણસીના તમામ ચિત્રો સંવેદનાના દોરેલા છે.