દક્ષ મિસ્ત્રી
હૌસલે હો બુલંદ, ઇરાદે હો નેક ઔર દિલ મેં હો સચ્ચી લગન,
જમીં તો જમીં, આપ કે કદમ ચૂમેગા તારોં ભરા ગગન..!!
ગુજરાતના પોલીસવડા તરીકે તાજેતરમાં જ એક બાહોશ મહિલા અધિકારીની પસંદગી કરવામાં આવી. જેમનામાં જોશ, નેક ઇરાદો અને ફરજ પ્રત્યેની સાચી લગન છે. અને એટલે જ કેવળ ધરતી નહીં આકાશ પણ એમના કદમ ચૂમવા તત્પર છે. એ મહિલા અધિકારી એટલે 198ર બેચના ગુજરાત કેડરના આઇપીએસ શ્રીમતી ગીથા જોહરી.
પ્રોબેશનરી અધિકારી તરીકે અમદાવાદમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું. ત્યારબાદ સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર જેવા અનેક જિલ્લાઓમાં એક કડક અને કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકેની છાપ ઊભી કરી.
વડોદરા પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલ તરીકેની એમની કારકિર્દી સફળ રહી હતી. નીડરતા અને સાહસિકતા જેમના લોહીમાં વણાયેલી છે એવાં ગીથા જોહરી જ્યારે ડીસીપી ઝોન-4 અમદાવાદ શહેરમાં જોડાયાં ત્યારે અમદાવાદની અંધારી આલમની ઊંઘ ઊડી ગઇ હતી.
દરિયાપુર વિસ્તાર એટલે કોમી તોફાનનું એક એવું સેન્ટર જ્યાં ગમે ત્યારે ભડકો થાય. એમાંય વળી અહીંની પોપટીયા વાડ એટલે દુર્ગમ ગઢ. દારૂની પોટલીઓ સપ્લાય કરનાર લતીફ અમદાવાદનો ડોન બની ગયો હતો. રાજકીય છત્રછાયા મળતાં એનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા આ ડોનને પકડવાની કોઇ પોલીસ અધિકારીમાં હિંમત નહોતી. નવી નિમણૂક, ઉકળતું લોહી અને યુનિફોર્મની તાકાતે પોપટીયા વાડની દુર્ગમ દીવાલોને ભેદી ડોન અબ્દુલ લતીફનો કાંઠલો પકડી જેલના સળિયા પાછળ ધકેલનાર કોઇ પુરુષ અધિકારી નહોતો પરંતુ એક મહિલા પોલીસ અધિકારી હતાં જેમનું નામ છે ગીથા જોહરી. આપણા ગુજરાતના પ્રથમ મહિલા પોલીસવડા.
પોતે મહિલા હોવા છતાં એક પોલીસ અધિકારી તરીકે કામ કરવામાં કોઇ મુશ્કેલી નડી નથી. જો કોઇ નાની મોટી સમસ્યાઓ જીવનમાં આવે તો યુનિફોર્મને કારણે એ પણ ઉકેલાઇ જતી.
ડોન લતીફને ઝબ્બે કરી સળિયા પાછળ ધકેલી દેનાર લેડી સિંઘમની સિદ્ધિ, એમની સફળતા આગળ ને આગળ વધવા લાગી. તેઓ જે કોઈ સ્થળના પોસ્ટિંગ પર રહ્યા ત્યાં બધે જ એક પોલીસ અધિકારી તરીકે એમની છબી સ્વસ્થ, શાંત, સત્યનિષ્ઠ અધિકારીની રહી. પણ અંધારી આલમ માટે એ રણચંડીકા તરીકે જાણીતાં બન્યાં. અસામાજિક તત્ત્વોમાં પોલીસનો ખૌફ હોવો જ જોઇએ. અધિકારી ચાહે સ્ત્રી હોય કે પુરુષ, ગીથા જોહરીએ આ સિદ્ધ કર્યું છે. ભારતના પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદી જેમના આદર્શ રહ્યાં છે એ ગીથા જોહરી ગુજરાતના પ્રથમ આઇપીએસ અધિકારી છે.
પિતા નેવલ ઓફિસર હતા. ઘરમાં પહેલેથી જ શિસ્તભર્યું વાતાવરણ. વળી આંખ સામે યુનિફોર્મ પહેરેલ પિતાથી યુનિફોર્મનું જબ્બર આકર્ષણ..! એટલે એમણે મનોમન નક્કી કર્યું કે હું પણ આ જ યુનિફોર્મ પહેરીશ. પણ અફસોસ કે એ સમયમાં આર્મીમાં મહિલાઓની ભરતી થતી ન હતી. દરમિયાન પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદીનું નામ સાંભળ્યું. બસ, એમને આદર્શ માની આઇપીએસ બનવાનો નિર્ધાર કર્યો અને આમ યુનિફોર્મ ધારણ કરવાનું સપનું સાકાર થયું.
ગીથા જોહરી માને છે કે માણસના જીવનમાં ઉતાર-ચઢાવ તો આવતા હોય છે પણ યુનિફોર્મ તમારામાં આત્મવિશ્ર્વાસ પેદા કરે છે. તોફાનો સામે, ઝંઝાવાતો સામે લડવાની હિંમત જગાડે છે અને વિજયશ્રી તમારા ચરણે પડે જ છે.
એક મહિલા તરીકે મહિલાઓ માટે વિશેષ આદર હોય એ સ્વાભાવિક છે. આજે સામાજિક ક્ષેત્રે વિકાસ અને શિક્ષણ સાથે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આજની મહિલાઓ પહેલાંની મહિલાઓ જેવી ભીરુ રહી નથી. એ સાચા અર્થમાં શક્તિનું રૂપ, હિંમત અને સ્વતંત્ર વિચારધારા સાથેની વિશિષ્ટ ઓળખાણ બની ગઈ છે. એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓને પોલીસ મથકે જતાં ડર લાગતો હતો. પણ એક મહિલા તરીકે એમણે પોલીસ મથકના વાતાવરણને સુમેળભર્યું, સ્નેહાળ તથા સૌહાર્દપૂર્ણ બનાવવાના પ્રયાસો કર્યા જેમાં તેઓ સફળ પણ થયા છે. આજે ગુજરાતની મહિલાઓ પોતાને થતા અન્યાયની ફરિયાદ કરવા અડધી રાતે પણ નીડરતાથી પોલીસ મથકે જઈ શકે છે. આવા બાહોશ, સૌહાર્દપૂર્ણ મહિલા પોલીસ વડા મળવાથી રાજ્યની મહિલાઓમાં અનેરી હિંમત કેળવાઈ છે અને સ્ત્રીઓને એક આધાર મળ્યો છે.
આમ તો ઉત્તર-દક્ષિણ કદી મળતા નથી પણ ઉત્તર-દક્ષિણનો સુભગ સમન્વય જોવો હોય તો એનું ઉત્તમ ઉદાહરણ છે ગીથા જોહરીનો પરિવાર. પોતે દક્ષિણ ભારતીય, પતિ અનિલ જોહરી આઇએફએસ રેન્ક વન અધિકારી છે જેઓે ઉત્તર ભારતીય છે. એમની બે દીકરીઓ મોટી રોબેટિક એન્જિનિયર તરીકે લંડનમાં છે. જ્યારે નાની દીકરી મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. દક્ષિણ ભારતીય નારી તરીકે રસોઈ બનાવવામાં તો નિપુણ હોય જ પણ ઉત્તર ભારતીય ભોજન સાસુ પાસેથી શીખ્યાં. આજે પણ પરિવારને પોતાના હાથે બનાવેલું સાઉથ ઇન્ડિયન ફૂડ હોંશે હોંશે જમાડે છે. સંયુક્ત પરિવારમાં માનતાં ગીથા જોહરી ઘરમાં એક સામાન્ય મહિલાની જેમ હોય છે. બાળકો માટે તેમના વ્હાલા મમ્મી, પતિની નજરોમાં પ્રેમાળ પત્ની, તથા સાસુ, સસરાને માટે હેતાળ પુત્રવધૂ સ્વરૂપે. સામાન્ય મહિલાની જેમ એમને પણ સૌંદર્ય પ્રસાધનો ગમે છે. અને એ અંગેની લેટેસ્ટ માહિતી પણ ધરાવે છે.
ગીથા જોહરીને ફુરસદની પળો માણવી પણ ગમે છે. વાંચનનો શોખ હોવા છતાં સમયના અભાવે પૂરો થઇ શકતો નથી. ઍડવેન્ચર્સની બાબતે જોઈએ તો ટ્રેકિંગનો તો જબરદસ્ત શોખ છે. નવરાશ મળતાં ટ્રેકિંગ માટે તેઓ નીકળી જાય છે. જ્યારે બેડમિન્ટનમાં તેઓ ઇન્ટરનેશનલ પ્લેયર રહી ચૂક્યાં છે. વર્ષમાં એકવાર વિદેશમાં કોઇ પણ સ્થળે પરિવાર સાથે વેકેશન માણવું ગમે છે. તણાવભરી નોકરીમાં આ પ્રવૃત્તિઓ એમના માટે મોટું રિલેક્સેશન બની રહે છે.
પોલીસના આધુનિકરણ માટે તેઓ સક્રિય છે. ફરિયાદીને મદદરૂપ થાય એ માટે એક ગ્રૂપ તૈયાર કરવાનું પણ તેઓ વિચારી રહ્યા છે. બહેનો વૉટ્સએપ, ફેસબુક, ઇ-મેલ જેવા માધ્યમો થકી પોતાના અધિકારોની માહિતી મેળવી શકે એવા પ્રયાસો એમણે હાથ ધર્યા છે. સુરક્ષા સેતુ, મોબાઇલ વાન, વુમન સેલ, મહિલા પોલીસ સ્ટેશન તથા એનજીઓ સાથેના સંપર્કો દ્વારા માહિતી આપવામાં આવે જ છે. તેઓ કહે છે કે મહિલાઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. પણ સાઇબર ક્રાઇમથી સાવધાની કેળવવી જોઇએ.
ઘરેલું હિંસા, છેડતી, બળાત્કાર, કિડનેપિંગ જેવા ગુનાઓથી બચવા મહિલાઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ જરૂર લેવી જોઇએ એ વાત પર તેઓ વિશેષ ભાર મૂકે છે. સ્ત્રી નાજુક જરૂર છે પણ નબળી નથી. વખત આવ્યે પરિવાર અને પોતાની રક્ષા કરવા માટે સેલ્ફ ડિફેન્સ જરૂરી છે. તેઓ દૃઢપણે માને છે કે જો શાળાના અભ્યાસક્રમમાં જ ડિફેન્સની તાલીમ આપવામાં આવે તો છોકરીઓમાં અભ્યાસની સાથે સાથે નીડરતા, સાહસિકતા અને પોતાની સુરક્ષા કરવાની ભાવના જાગૃત થશે. અને આ પ્રકારનો અભ્યાસક્રમ મહિલાઓ પ્રત્યે થતા અપરાધો પણ ઘટાડશે. એમણે એમની નોકરી દરમિયાન નિરીક્ષણ કર્યું કે મહિલાઓમાં ખાસ કરીને દારૂની હેરાફેરી અને નાની મોટી ચોરી જેવા ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. એની પાછળનું કારણ ગરીબી, નિરક્ષરતા અને પરિવારનું ભરણ-પોષણ કરવાની જવાબદારી મુખ્ય હોય છે. પણ ગુનો એ ગુનો છે. એને ચલાવી લેવાય નહીં, એટલે આવી મહિલાઓને ગુનાખોરીથી પાછી વાળી સમાજમાં પુન:સ્થાપિત કરવાના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી વિવિધ તાલીમ દ્વારા તેઓમાં વિશ્ર્વાસ પેદા કરી શકે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. જેથી આવી મહિલાઓ પોતાનું સામાજિક જીવન સરળ અને સુખી રીતે જીવી શકે.
આપણે ફિલ્મોમાં અને કેટલીક કાલ્પનિક વાર્તાઓમાં એક સ્ત્રીના બાહોશ કે સાહસિક વ્યક્તિત્વની કલ્પનાને તાદશ થતી જોઈએ છીએ. પણ વાસ્તવિક જીવનમાં એવું વ્યક્તિત્વ સામે આવે તો તે સમાજ આખા માટે એક આદર્શ બની જાય છે. ડીજીપી શ્રીમતી ગીથા જોહરી એ એક એવું જ વિશિષ્ટ વ્યક્તિત્વ છે જે આજની યુવા સ્ત્રીઓ માટે આદર્શ અને પ્રેરણારૂપ બની ચૂક્યું છે…!