વાયરો અર્બન ફિલ્મોનો પણ દેશી ગીતો હિટ, કલાકાર સુપર હિટ

વાયરો અર્બન ફિલ્મોનો પણ દેશી ગીતો હિટ, કલાકાર સુપર હિટ

- in Bollywood, Cover Story, Dhollywood, Entertainment, Feature Article
8467
Comments Off on વાયરો અર્બન ફિલ્મોનો પણ દેશી ગીતો હિટ, કલાકાર સુપર હિટ

ગુજરાતમાં લગનસિઝન પૂરબહારમાં ખીલી છે અને આ દરમિયાન જો તમે પણ કોઈ લગ્નમાં મહાલવાનો લ્હાવો લીધો હશે તો ટીમલી સોંગ્સ પરના ગ્રૂપ ડાન્સથી અજાણ નહીં જ હોવ. હા, દેશી ગીતો એટલે કે ટીમલીના ગીતોની લોકપ્રિયતા એટલી હદે છે કે તેણે અર્બન કે રૂરલના સીમાડા મીટાવી દીધા છે. શહેરમાં વસતા ધનિક, વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી કોઈના લગ્ન હોય કે સાવ અંતરિયાળ ગામમાં લગ્ન થતું હોય પણ ડીજે પર ટીમલીની ધમાલ હવે સર્વત્ર એકસરખી જોવા મળે છે. લગ્નમાં આગલા દિવસે મહેંદી અને ગરબા-ડાન્સની ટ્રેડિશન કોમન થઈ ગઈ છે. આ સેલિબ્રેશનમાં ગરબા તો થાય છે જ પણ લોકો અસલી મજા તો ટિમલીના ડાન્સ પર લૂંટે છે. ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ટિમલીના ગીત પર જે રીતે સ્ટેપ બાય સ્ટેપ ગ્રૂપ ડાન્સ પરફોર્મ થાય છે એ જોનાર અને રમનાર દરેકને મજા આવે તેવું હોય છે.

આ ટ્રેન્ડ છેલ્લાં 2-3 વર્ષથી શરૂ થયો છે. તમને યાદ હોય તો કાકા બાપાના પોરિયા, સનેડો લાલ લાલ સનેડો, ભાઈ ભાઈ વગેરે ગીતોથી લગ્ન હોય કે મહેફિલ પણ જ્યાં સુધી આ ગીતો પર ડાન્સ ના થાય ત્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય એવી પ્રથા શરૂ થઈ છે, એટલું જ નહીં આ ગીતો હવે ગરબા ગ્રાઉન્ડ સુધી પણ પહોંચી ગયા છે.

છેલ્લાં એક-બે વર્ષથી અર્બન ગુજરાતી ફિલ્મોનો વાયરો ફૂંકાયો છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે કોઈ ગીત હજી સુધી લોકહૈયે નથી ચઢ્યું. એની સરખામણીએ રૂરલ ફિલ્મો અને રૂરલ આલ્બમોનો અંદાજ ખૂબ નિરાળો છે. અવનવાં ડ્રેસ સાથે અલગ જ પ્રકારનો ડાન્સ અને લોકબોલીના શબ્દો આવાં આલબમોનો ટ્રેડમાર્ક હોય છે. જોકે મુખ્ય બાબત આ ગીતોના શબ્દો છે. લોકજીવનમાં આવતા કાર્યો, સંબંધોને લોકબોલીમાં વણી લઈ શબ્દોની એવી જુગલબંદી રચાય છે કે ગ્રામ્ય પ્રજાને આ ગીત તેમનું પોતાનું લાગે છે, અંગત લાગે છે અને એટલા માટે જ તેઓ આ પ્રકારના ગીતો પસંદ કરે છે. વળી, દરેક સિઝન, માહોલ, પ્રસંગ અને સંબંધને અનુલક્ષીને ગીતો જોવા મળે છે. ગુજરાતમાં લગ્નનો માહોલ હોય ત્યારે લગ્નગીત કમ ફટાણા ટાઈપના ગીતો ખૂબ પોપ્યુલર થાય છે. ગ્રામ્ય ક્ષેત્રમાં આજે પણ એટલા માટે જ લગ્ન તેમજ ટીમલી, ગફૂલી અને દેશી ગીતોના આલબમ ખૂબ વેચાય છે. આ બહુ મોટી વાત છે કારણકે મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે જ્યાં ગીતો મફતમાં મળી જતાં હોય ત્યારે આલબમ સામાન્ય રીતે હવે વેચાતા નથી એવી ફરિયાદ આપણે કાયમ સાંભળતા હોઈએ છે. આમ છતાં આ બધાં જ કલાકારોના આલબમ નિયમિત બહાર પડે છે અને એટલા જ પ્રમાણમાં વેચાય પણ છે. કેટલાક લોકો આવાં ગીતોની ગુણવત્તા વિશે નાકનું ટીચકું ચઢાવતાં હોય છે અને કેટલેક અંશે સાચી પણ છે છતાં નગ્ન સત્ય એ પણ છે કે ગ્રામ્ય ચાહકો તેના કલાકારો અને સંગીતને અર્બન પબ્લિકથી વધુ વફાદાર હોય છે અને આ આલબમોના વેચાણના આંકડા તે વાતને અનુમોદન કરે છે. જોકે સંગીત એ સંગીત છે, ચાહે અર્બન હોય કે રૂરલ જે તમારા આત્માને મોજ કરાવે એ ખરું સંગીત.

દેશી અને ટીમલી પ્રકારના ગીતોની ડિમાન્ડના કારણે એક અલગ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી ઊભી થઈ છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કેટલાંય નવા મ્યૂઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો ખૂલ્યાં છે. અનેક કલાકારોનું ભાગ્ય ખૂલી ગયું છે. વિક્રમ ઠાકોર, કમલેશ બારોટ, કિંજલ દવે, રાકેશ બારોટ, કવિતા દાસ, અમી પ્રજાપતી, અમીત પટેલ, જિજ્ઞેશ કવિરાજ, રણજીત નાડિયા, મયૂર નાડિયા, પ્રવિણ લૂની, અજય વાઘેશ્ર્વરી વગેરે જેવા અનેક કલાકારો છે જે દરેકના નામ અહીં લખવાં શક્ય નથી પણ આ કલાકારોના આલબમ, કાર્યક્રમો લોકપ્રિય થયા છે.

આલબમની જ વાત શા માટે કરવી જોઈએ, રૂરલ ફિલ્મો પણ એટલી જ સુપરહીટ જાય છે. ઉ. ગુજરાત, પંચમહાલ, આણંદ-નડિયાદ, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ સહિતના કેટલાક વિસ્તારમાં આ ફિલ્મો અને સંગીત ધૂમ ચાલે છે. અહીંના લોકો આ ગીત-સંગીત પર મન મૂકીને નાચે છે, મોજ કરે છે. ચાલો આપણે પણ આવા કેટલાક મોજ કરાવી દે તેવા ગીતો સાથે ગ્રામ્યજીવનનો સંગીતમય લ્હાવો માણીએ…

મારા વીરા વિરલ તને ગાડી લઈ દઉં,

મારા નોનચક વીરા તને લાડી લઈ દઉં..

તારી લાડલીને ફરવા ઓડી ગાડી દઈ દઉં…

તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં…

બેનીના બાપુ તો લગનીયાં લઈ આવે રે.

હાં રે હા…શેમરડું લઈ આવો..

વેવાઈ તારો છોકરો તો કોલેજ ભણવા જાય

બાબા નગારા વાગે સે…

બેની તમારા મામાને તેડાવ્યા,

મોસાળા લઈ આવ્યા, સોપારી સવા લાખની….

મને અમદાવાદી સૂપડું બહું ગમે છે,

હું તો આજે લાવું, કાલે લાવું એમ થાય સે…

ધમાલ મચાવી રહેલા દેશી ગીતો….

1) ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ

2) ગોગો ગોગો મારો

2) મેં તો વલીયારી વવડાવી રે છમ છમ થાય

3) મને અમદાવાદી સૂપડુ બહુ ગમે છે

4) આંબલિયાની ડાળે પેલું ગૂટૂર ગૂટૂર બોલે રે..

5) મેલડી તારા મઢડે

6) દિલો કી તુ રાની પ્રેમ ની દીવાની રે…અરે હાય રે હાય રે..

7) શેમરડાનું સોટું તો લ્હેરી ઝોલા ખાય રે, હા રે હા

8) ફાગવેલ ગામે કોના ચાલે રાજ જોવા જઈએ રે

9) મિસકોલના માર છોરી, મેસેજ ના કર છોરી

10) પેલી ગામડાની છોકરી મોબાઈલ લાવી

10) બાજરીના ખેતરમાં તીતીઘોડો રમીએ

11) લવરના ટેન્શનમાં મેં તો લાલ બોટલ પીધું છે

12) જો બકા તકલીફ તો રેવાની…

13) નહીં ચાલે પ00ની નોટ, નહીં ચાલે 1000ની નોટ

14) હેંડ આરાસુર રેલગાડી, મને અંબેમાની યાદ આવી

‘ચાર ચાર બંગડી’ ફેમ

કિંજલ દવેની સંગીતસફર

ડીજે જોનડિયો, ડીજે લગનીયા અને હવે ‘ચાર ચાર બંગડી’ આલ્બમથી જેણે ધૂમ મચાવી છે એ કિંજલ દવે ફીલિંગ્સ સાથે શૅર કરે છે તેમની સૂરીલી સંગીતમય સફરને….

 

‘મને અપેક્ષા ન હતી કે ‘ચાર ચાર બંગડી’ આલ્બમ આટલું પોપ્યુલર થશે પણ આનંદ છે કે લોકોને ખૂબ ગમ્યું, એક કલાકારને એથી વિશેષ શું જોઈએ. જોકે આ પહેલાના મારા આલબમો પણ હીટ થયા છે પણ એમાં રૂરલનો મોટો ફાળો હતો જ્યારે આ આલ્બમે અર્બનમાં પણ એટલી જ પોપ્યુલારિટી મેળવી છે. જાણીતા શહેરોમાં પણ લગ્નો અને કાર્યક્રમોમાં આ ગીત ધૂમ મચાવે છે એ મારા માટે આનંદની વાત છે.

મારી સંગીતસફર આમ તો બાળપણથી જ શરૂ થઈ ગઈ હતી. મારા પિતા લલિતભાઈ દવે અને તેમના મિત્ર મનુભાઈ રબારી સાથે મળીને નાના-મોટા કાર્યક્રમો કરતાં. હું પણ ત્યારે તેમની સાથે જતી અને કાર્યક્રમમાં એકાદ ગીત ગાતી. જોકે ત્યારબાદ ધીમે ધીમે ક્યારે આખો કાર્યક્રમ કરવા લાગી એ ખબર જ ના પડી.

મેં સંગીતની કોઈ તાલીમ નથી લીધી. આમ છતાં હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે જ પહેલીવાર સ્ટુડિયોમાં ‘માંડવો’ કેસેટ માટે વિદાય ગીત ‘મહિયર મેલીને બેનબા સાસરીયે ચાલ્યા’ ગાયું હતું. ત્યારબાદ ઘણો સમય બ્રેક રહ્યો અને ત્રણેક વર્ષ પૂર્વે મારું પ્રથમ આલ્બમ ‘ડીજે ધૂમ મસ્તી’ આવ્યું હતું. એ સમયે અમે ઘરના ખર્ચે રૂા.15000માં આલ્બમ બનાવ્યું હતું. ત્યારબાદ સરસ્વતી સ્ટુડિયોમાંથી આવેલ મારા આલ્બમ ડીજે જોનડિયોને ચાહકોએ ખૂબ પસંદ કર્યું અને મારી આગવી ઓળખ બની. ડીજે જોનડીયોના ત્યારબાદ ત્રણ પાર્ટ રજૂ થયા. એ પછી ડીજે લગનીયાં, રણકાર વગેરે પણ સુપરહીટ નીવડ્યા અને હવે ‘ચાર ચાર બંગડી’ આ બધા જ આલબમોને સંગીતપ્રેમીઓએ માણ્યા છે, વખાણ્યા છે. મારા નિયમિત લાઈવ પ્રોગ્રામ, ડાયરા, ગરબાના કાર્યક્રમ પણ થાય છે. અત્યારસુધી લગભગ 100 આલબમ થઈ ચૂક્યા છે. આ આલ્બમોમાં ‘ચાર ચાર બંગડી, જોવા દે જો મને લાડકડો લાડલો, મારા વીરાની ગાડી ઓડી રે હો રાજ.. દુનિયા મારી કોઈ સગી નથી, કોઈ નહતું ત્યારે મારી ચેહર હતી, હોઢણી મારી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વગેરે સૌથી પ્રસિધ્ધ ગીતો રહ્યાં છે. કેટલાક આલબમોમાં અભિનય પણ કર્યો છે અને ટૂંક સમયમાં ગુજરાતી મૂવીમાં લીડ એકટ્રેસ તરીકે જોવા મળીશ. ભવિષ્યમાં બોલિવૂડમાં એક્ટ્રેસ અને પ્લેબેક સિંગર તરીકે મારી ઓળખ બનાવવાનું ડ્રીમ છે.’

હજી આ વર્ષે માર્ચમાં બારમા ધોરણની પરીક્ષા આપનાર કિંજલને ઘણા કલાકારો, ટી-સિરિઝ સહિત અનેક સંસ્થાઓ તરફથી રોજ અભિનંદન મળી રહ્યાં છે, અમદાવાદમાં ઓડી ગાડીના ડીલર્સ દ્વારા સન્માન થઈ રહ્યું છે ત્યારે ફીલિંગ્સ પણ તેમને વધુ સફળતા માટે શુભકામના પાઠવે છે.

તારી મારી જોડીઅનેકાકા બાપાના પોરિયાફેમ

કમલેશ બારોટ

એવું કહેવાય છે કે ચારણ બારોટના દીકરા રડે તો પણ સૂરમાં રડે અને ચારણ સમાજમાંથી આવતાં કમલેશ બારોટનું નામ ટીમલી ગીતોના ચાહકો માટે જરાય અજાણ્યું નથી. ‘ટીમલી કિંગ’ તરીકે ખ્યાતનામ કમલેશ બારોટે ટૂંકાગાળામાં લોકપ્રિયતા મેળવી છે. તેમની કારકિર્દીની શરૂઆત મહાકાળીના મોરલા આલબમથી થઈ હતી. ત્યારબાદ દશામા, મહાકાળી, ભાથીજી મહારાજ પર ઘણી કેસેટો બનાવી અને ગાયક તરીકે ચાહકોની નજરમાં આવ્યા. જોકે તેમને ખરી ઓળખ મળી સૂરમંદિરથી, જ્યાં તેમના ધાર્મિક આલબમ ‘ભાવે ભજી લો સીતારામ’ અને ત્યારબાદ ટીમલી, ગફૂલી આલબમ ‘તારી મારી જોડી’ અને ‘કોન્ડલીયો’ આવ્યું. આ બંને ટીમલી આલબમ સુપરડુપર હીટ થયા એટલું જ નહીં પણ ટીમલીને ગુજરાત સહિત વિદેશમાં પણ પોપ્યુલર કરી. ત્યારબાદ કમલેશ બારોટે પાછું વળીને જોયું નથી. બે વર્ષ પૂર્વે જ ‘છોરી મીસકોલ ના માર’ આલબમે જબરજસ્ત લોકપ્રિયતા હાંસલ કરી. આ આલબમના ગીતોને તેમના ચાહકોએ કોલર ટ્યૂન બનાવી, તો ગરબા, ડીજે ડાન્સ પાર્ટીમાં પણ આ ગીતો હજી ધમાલ મચાવી રહ્યાં છે.

જોકે કમલેશ બારોટ ફક્ત ટીમલી ગીતો કે બેવફાના આલબમો જ કરે છે એવું નથી પણ તેઓ ડાયરો, ભજન-સંતવાણી, લોકગીતો, કબીરવાણી, સાંઈગીતો વગેરે પણ કરે છે. મંદિરના લાભાર્થે થતાં કાર્યક્રમોમાં તેમને વધુ આનંદ આવે છે. કમલેશ બારોટે ક્યાંય સંગીતની તાલીમ લીધી નથી છતાં કુદરતી બક્ષિસે તેમને સિદ્ધિ અપાવી છે. અત્યારસુધી 16 વર્ષની કારકિર્દીમાં લગભગ એક હજાર આલબમ તેમના બહાર પડી ચૂક્યા છે. ગત વર્ષે જ તેમણે કીર્તિદાન ગઢવી સાથે કેનેડાની ટૂર કરી હતી. ત્યાં પણ તેમના શો હાઉસફૂલ થઈ ગયા હતા. આ ઉપરાંત તેમણે પંદરેક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે જેમાં મુખ્ય કાન્તાડી-શાન્તાડી, તારી ને મારી જોડી, હાલ રૂપલીને પૈણવા, તુજને પોકારે મારી પ્રીત, રાધા તને લવ કરું કે બે વિઘા ઘંઉ કરું… વગેરે છે. આ બધી ફિલ્મોને તેમના ચાહકોએ માણી છે અને સક્સેસફૂલ બનાવી છે. તેમનું સપનું છે કે તેમના પોતાના ચારણ સમાજમાં ગાવું છે. આગામી સમયમાં ‘હે ચારણ’ નામે તેઓ આલબમ પણ બનાવવા માંગે છે.

ધૂમ મચાવી રહેલ ગોગો આલબમ ફેમ

પ્રવિણ લુણી

હાલ લગ્નસિઝન જામી છે ત્યારે ‘ગોગો ગોગો મારો’ આ ગીત તમે ડીજે-ટીમલી મ્યૂઝિક ડાન્સ વખતે જરૂર સાંભળ્યું હશે. આ ગીતથી જેમણે રાતોરાત લોકપ્રિયતા મેળવી છે એ રબારી પ્રવિણ લુણી મૂળ નાંદોદ તાલુકામાંથી આવે છે અને હાલ વડોદરામાં સ્થાયી છે. બાળપણથી જ તેમને સંગીતમાં રસ હોવાથી ભજન, ડાયરા, સંતવાણી કાર્યક્રમો સાંભળવા જતાં અને ત્યારથી જ કાર્યક્રમોમાં ગાવાની શરૂઆત કરી હતી. પ્રવિણભાઈ ફીલિંગ્સને માહિતી આપતા કહે છે, ‘ગોગો ગીતનો મતલબ છે ગોગા મહારાજ એટલે કે નાગદેવતા, જે ગામની રક્ષા કરે છે એટલે ગોમધણી છે અને અમે રબારી છીએ જેથી રબારી કેમ રાખે ના ટણી એવા શબ્દો આ ગીતના છે. આ ગીત બળદેવસિંહ ચૌહાણ સાથે મળીને લખ્યું છે.’ અત્યાર સુધી તેમના પંદર આલબમ બહાર પડ્યા છે જેમાંથી મહામાયા મેલડી, મેલડી માએ માયા લગાડી, ચેહરમાનું રજવાડું, ગોગો મારો ગોગો, લાલ કોટર, ડીજેના તાલે રમાડે મિ. કટારીયા (ગોગો ભાગ-2) લોકપ્રિય થયા છે. ચરોતર સહિત ગુજરાતના વિવિધ પંથકોમાં તેમના નિયમિત કાર્યક્રમો યોજાય છે. આગામી સમયમાં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું અને સંગીતક્ષેત્રે નામના મેળવવાનું તેમનું સ્વપ્ન છે.

ચાર ચાર બંગડી, દાદીમા મારી રોજ કહેતાતાના સર્જક

મનુ રબારી

માણીએ તેમની સફળ કારકિર્દીને તેમના શબ્દોમાં

“હું અને મારો મિત્ર જોગાજી ઠાકોર પાટણ ખાતે સાથે હીરા ઘસવાનું કામ કરતાં હતા. ત્યાંથી હું અમદાવાદ આવ્યો. મારા મિત્ર જોગાજી ઠાકોર જેઓ સારું ગાતા હતા એટલે તેમણે મને અમદાવાદમાં કોઈ કેસેટ કંપનીમાં ગાવાની તક મળે તો જોજે એમ કહી રાખેલું. આથી એક કેસેટ કંપનીમાં તેમના માટે વાત કરી અને તેમને ગાવા માટે બોલાવ્યા. આ દરમિયાન ત્યાં ગીત લખવાનું અને એડિટીંગ ચાલું હતું અને મારાથી ભૂલથી બોલાઈ ગયું કે આવું હું પણ લખી શકું છું. હું મણિરાજ બારોટનો પહેલેથી આશિક હતો એટલે મે તેમને લખીને બતાવ્યું તો તેઓ ખૂશ થઈ ગયા અને મારી ગીતકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ.

2006માં ફિલ્મ ‘મેના-પોપટ’માં મણિરાજ બારોટના માર્ગદર્શન હેઠળ ગીતો લખવાની તક મળી ત્યારબાદ ‘દુખડા હરો દશામા’માં ગીતો લખ્યા અને ત્યારથી મારી કારકિર્દી ચાલી નીકળી. 2008માં રાકેશ બારોટનું પ્રેમનું જાદુમંતર ટાઈટલ સોંગ હિટ થયું હતું અને તેના પરથી પિક્ચર પણ બનાવ્યું હતું. આ આલબમ અને ફિલ્મ બંનેમાં મેં સોંગ્સ લખ્યા હતા. આ ઉપરાંત સાજણ મારી લાખોમાં એક, પ્રીત ઉપર ઘા કરી છેતર્યો મને, એક વાદળી બુશર્ટવાળી છોકરી રૂપાળી વગેરે સોએક ગીત સુપરહીટ થયા છે. દસ વર્ષના ગાળામાં લગભગ 4000થી વધારે ગીતો લખ્યા છે, દસ થી 12 ફિલ્મો માટે લખ્યું છે, 400 આલ્બમ કર્યા છે.

ચાર ચાર બંગડીવાળા ગીતની પ્રેરણા મને યુટ્યૂબ પર ‘હીરા મોતી ભરેલી માલગાડી લઈ દઉં’થી મળી હતી. ત્યારબાદ બે ગીત આ પ્રકારના કર્યા જેમાં પહેલું હતું ચાર ચાર બંગડીવાળી ઓડી લાવનારી, મલાતજની મેલડીએ માયા લગાડી અને બીજું કિંજલ દવેના જોનડિયો આલબમનું મારા વીરાની ગાડી ઓડી રે હો રાજ…લેવા જાઉં લાડકડી રે હો રાજ.. આ બંનેને ભેગું કર્યું એટલે ચાર ચાર બંગડીવાળું ગીત થયું. આ ગીતમાં મારા દીકરા વિરલે અભિનય કર્યો છે.

જનક પટેલ, સૂરમંદિર

જેમાં ગુજરાતીપણાની ફ્લેવર છે અને જે ગીત-સંગીતને મોટાભાગના ગુજરાતીઓ માણવાનું પસંદ કરે છે તે જ અમે થોડાક ફેરફાર સાથે નવીન અંદાજમાં રજૂ કરીએ છે. અમો કાકા બાપાના, કોંડલિયો વગેરે જેવા ટીમલી ગીતોના આલબમો જે લોકિપ્રય થયા તેની શરૂઆત પણ અમારાથી જ થઈ હતી. અમારા અત્યાર સુધી લગભગ 1200-1400 આલબમો રજૂ થઈ ચૂકયા છે અને મોટાભાગના હીટ છે એનું કારણ જ એ છે કે અમે માસને ધ્યાનમાં રાખીને આલબમ બનાવીએ છે.

મયૂર નાડીયા, સંગીતકાર

કોઈ પણ કમ્પોઝર ગીત બનાવતાં હોય ત્યારે ખ્યાલ નથી હોતો કે આટલું બધું આ ગીત પોપ્યુલર થશે પણ અમે અમારી રીતે મહેનત કરીને સારું બનાવવાની કોશિષ કરતાં હોઈએ છે. કેટલાંક ગીતમાં ખૂબ ખર્ચા કરીએ છતાં હીટ નથી થતાં જ્યારે કેટલાક ગીત દર્શકોને એમ જ ગમી જાય અને હીટ થઈ જાય છે. કાંઈક નવું આપવાની અમે કોશિષ કરી છે અને ડીજે ગીતોના માહોલમાં એક નવો ચીલો ચાતર્યો છે. યુ-ટ્યુબ પર બે કરોડ વ્યૂઅર્સ અને લગ્નોમાં ડીજે પર વગાડે છે, ડાન્સ કરે છે તે જોઈ સાંભળી આનંદ થાય છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો