કહેવાય છે કે જીવ અને ધ્વનિનું જોડાણ યુગોયુગોથી ચાલતું આવ્યું છે. પ્રકૃતિના તત્ત્વોથી લઇને પૃથ્વીના પેટાળમાં રહેલા દરેક જીવનો એક અવાજ હોય છે. સંગીત અને માનવીનું ટયૂનિંગ વરસોથી યથાવત્ છે. નાનું બાળક બેસૂરું રડે એમાં પણ અવાજ છે અને કોઇ કોયલકંઠ જેવા અવાજમાં ગાયન કરે ત્યારે તો કર્ણપ્રિય લાગે જ. આગળ વધતાં સમય અને અપડેટ થતી આધુનિકતાએ સંગીત ક્ષેત્રે પણ અસાધારણ પરિવર્તનો કર્યા. ખાસ કરીને વાદ્યો અને અવાજને વિશાળ વર્ગ સુધી એક જ સરખી તીવ્રતાથી પહોંચાડવું શક્ય બન્યું.
આમ તો સંગીતના દરેક વાદ્યોની એક સ્પેશિયાલિટી છે જેમ કે, વાંસળીના સૂર કી-બોર્ડમાંથી નીકળે પણ ઓરિજિનલ તો વાંસળીમાંથી જ સાંભળવાની મજા આવે. ડ્રમ, ઢોલક, ડ્રમસેટથી લઇને ડફલી સુધીનું આ મ્યુઝિકલ કોમ્બિનેશન તેની ચોક્કસ પેટન્ટમાં વાગે તો જ મન મોર બની થનગાટ કરે. પણ જ્યારે કોઇ પુરુષનું વાદ્ય કોઇ સ્ત્રી વગાડે ત્યારે દુનિયા ચોંકી ઊઠે. આવી જ અસાધારણ પણ ઓરિજિનલ અને અલ્ટિમેટ સફળતા મેળવી છે કલાકાર માના રાવલે, જે ગુજરાતના પ્રથમ બેઝ ગિટાર આર્ટિસ્ટ છે. સાથે સાથે સારા કમ્પોઝર, ગાયક અને કી-બોર્ડ આર્ટિસ્ટ છે. સંગીત સાથેના સ્વીટ સ્મરણોને વાગોળતાં તે ફીલિંગ્સની સાથે અનેક વાતો શેર કરે છે.
કહેવાય છે કે નાનપણમાં રોપેલું બીજ મોટું થતાં તે વટવૃક્ષ બને. માના કહે છે કે, મને નાનપણથી સંગીતમાં રસ હતો. મમ્મીનો એમાં પૂરતો સપોર્ટ. ત્રીજા ધોરણમાં હતી ત્યારે સંગીત શીખવાનું ચાલુ કર્યું. એ વખતે ગિફ્ટમાં મને હાર્મોનિયમ મળેલું. સૂરીલી યાત્રાના પ્રથમ સફરમાં વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલથી શરૂઆત કરી. એ સમયે ગીત ગાતી અને વગાડતી. જ્યારે ધો.1રમાં ખ્યાલ આવ્યો કે સમીર રાવલ (હાલ પતિ) ક્લાસીસ કરાવે છે. એટલે એ જોઇન કર્યા. એ પછી મારા બર્થ-ડે પર મને ભાઇએ ગિટાર ગિફ્ટ કર્યું. અહીંથી શરૂ થઇ ગિટારની ઓસ્સમ જર્ની. ગિટાર બાદ કી-બોર્ડ પર હાથ અજમાવ્યો. ધીમે ધીમે કરતાં માસ્ટરી આવી અને દરેક ટયૂન્સમાં ખબર પડવા લાગી.
વર્ષ 199રમાં સંગીત ટીચર તરીકેની ઓફર આવી. અહીંથી મારી રિયાઝ સાથેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઇ. પતિ સમીરનો સંગીત સાથે દરેક પર્ફોર્મન્સમાં સપોર્ટ મળ્યો. ઘણા બધા પર્ફોર્મન્સ અને સ્ટેજ પ્રોગ્રામ બાદ આ ર8 વર્ષની મ્યુઝિકલ લાઇફમાં આજે સારી સફળતા મળી છે. આ જ સૂરીલી અને સ્વરપ્રિય સફર સદાય ચાલતી રહે બસ… વર્ષ ર00ર બાદ સમીર સાથે જિંદગીના કાયમી ધોરણે સૂર મેચ થઇ ગયા. પછી બંનેનું મેન્ટલી કમ્પોઝિશન છેક ફિલ્મના મ્યુઝિક કમ્પોઝિશન સુધી લંબાયું. ગિટાર શીખવા પાછળ એવું હતું કે, મને નવા નવા વાદ્ય શીખવાનો શોખ. એમાંથી ગિટારની ટયૂન સાથે મેચ થતી ગઇ અને આ સફરે ગુજરાતની પ્રથમ બેઝ ગિટારિસ્ટનું ટેગ આપ્યું. હું કંઇક કરી શકીશ એ સમીરને પૂરો વિશ્ર્વાસ હતો.
પુરુષનું વાદ્ય કોઇ સ્ત્રી વગાડે તો જરૂર ચોંકી જવાય. ત્યારે આ ક્ષેત્રે પણ સફળતા મેળવનાર મહિલા છે માના રાવલ…
એક વખત ઇન્દોરમાં એક પ્રોગ્રામ હતો અને એમાં કોઇ બેઝ ગિટાર આર્ટિસ્ટ ન હતું. આ એ સમયની વાત છે જ્યારે ગિટાર આટલું પોપ્યુલર ન હતું. આ સમયે એક કોન્સેપ્ટ ક્લીયર હતો કે જે લીડ ગિટાર વગાડી શકે એ બેઝ વગાડી જ શકે. આમ બેઝ ગિટાર પર પહેલી વખત ડાયરેક્ટ પ્રોગ્રામમાં જ હાથ અજમાવ્યો. પછી દરરોજની પ્રેક્ટિસ અને રિયાઝે મને પરફેક્ટ બનાવી. રપ કિલોનું ગિટાર જ્યારે પ્રથમ વખત વગાડયું ત્યારે તેનો રોમાંચ જ અલગ હતો. આ પ્રોગ્રામમાં બોલિવૂડના કલાકાર અનુ કપૂર આવેલા અને તેમણે પૂછયું હતું કે, આપ બજા સકોગે? પછી તો બેઝ ગિટાર સાથે તાર સેટ થઇ ગયા અને લોકોને પણ ગમી ગયા.
સામાન્ય રીતે કી-બોર્ડ પર મોટાભાગે પુરુષો જ હોય છે પણ મેં સૌ પ્રથમ વખત 1997માં કી-બોર્ડ પ્લે કર્યું. પછી દરેક પ્રોગ્રામમાં જમાવટ થઇ ગઇ. તમારા આર્ટની સાથે લોકોની પસંદગીનું ખાસ ધ્યાન રાખવું પડે. આ પછી કમ્પોઝિશનમાં અનેક ક્રિએટિવિટી કરી. આલ્બમ પણ બનાવ્યા. પછી ગાયન અને વાદન બંનેમાં માઇલસ્ટોન જેવી યાત્રા થઇ ગઇ. મારો અવાજ ખાસ તો ઉષા ઉથુપને મેચ કરે છે. જ્યારે મેલ ઓરિએન્ટેડમાં કોઇ ફીમેલ સફળ થાય ત્યારે દુનિયા તેને કાયમ યાદ રાખે છે.
જે લોકો થોડું બેઝિક શીખીને ગૂગલનો સહારો લે છે એ સારું છે પણ સંગીતમાં ગૂગલને ગુરુ ન બનાવી શકાય. કારણ કે, તેને સાચા ખોટા સૂરની ખબર નથી. એ તમે જ્યાં ખોટા હશો ત્યાં તમને ટોકી નહીં શકે. આ કામ ગુરુ જ કરી શકે. સંગીતમાં ગુરુ હોવા અનિવાર્ય છે.
માય ફેવરિટ
પ્રિય પુસ્તક : કોઇ પણ. જેમાં કોઇ થ્રિલર સ્ટોરી હોય.
પ્રિય ફિલ્મ : સત્યજિત રેની મોટા ભાગની ફિલ્મ અને આમિર ખાનની થ્રી ઇડિયટ
મ્યુઝિક : આર.ડી. બર્મન, વિશાલ એન્ડ શેખર, શંકર અહેસાન લોય અને મારા પતિ સમીર રાવલના કમ્પોઝિશન
ગાયક : શંકર મહાદેવન, હેમંતકુમાર, યશુ- દાસ, ફતેહઅલી ખાન,, આબિદા પરવીન, લતાજી અને ઓસ્માન મીર.
પ્રિય પ્લેસ : કેરલ. ગમે ત્યારે ત્યાં જવાની મજા આવે અને બીજું શ્રીલંકા.
પ્રિય ડીશ : અમદાવાદના રાયપુરના ભજિયાં અને દાળવડાં.
ફ્રી ટાઇમ્સ : ગાર્ડનિંગ કરવું, નીડલવર્ક, ડ્રોઇંગ અને કાર્ડ બનાવવા.
ફેવરિટ ક્વોટ : મ્યુઝિક ઇઝ લાઇફ.
જિંગલ્સથી જાયન્ટ ફિલ્મ કમ્પોઝિશન સુધીની સફર
સંગીતના સૂર એક વખત વાદ્યમાંથી નીકળ્યા બાદ દૂર દૂર સુધી રેલાય છે એમ માનાના સૂર અને સ્વર તેમને છેક ફિલ્મ કમ્પોઝિશન સુધી લઇ ગયા. માના કહે છે કે, એક જિંગલ્સ મારે તૈયાર કરવાનું હતું. આ એક શરૂઆત હતી. કમ્પોઝ કરતાં આવડતું એટલે ખ્યાલ હતો કે હું કરી શકીશ. એ વર્ષ ર013માં નવી નવી ગુજરાતી અર્બન ફિલ્મોની શરૂઆત હતી. પછી ફિલ્મોમાં મ્યુઝિક કમ્પોઝિશન આપ્યું. ‘વિસ્કી ઇઝ રિસ્કી’ એ મારી પ્રથમ ફિલ્મ જેમાં કમ્પોઝિશન આપ્યું. પછી નવરી બજાર, મસ્તીખોર, પાસ-નાપાસ, સંબંધોની સોનોગ્રાફી, ઓલવેઇઝ સાથે, પ્રેમરંગ, એક્કો બાદશાહ રાણી, ઘર મારું મંદિર, રોશની જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. માત્ર ગુજરાતી જ નહીં, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. બલુન નામની એક ફિલ્મ આવી રહી છે, જેમાં મારું પ્રદાન છે. ‘આમ્હાલા પન ગર્લફ્રેન્ડ આહે’ મરાઠી ફિલ્મમાં પણ સંગીતમય ફાળો રહ્યો છે.
રિયાઝ કરો અને પ્રેક્ટિસ કરો
સંગીતમાં માત્ર થિયરી કામ નથી આવતી. પ્રેક્ટિકલ અને સાથે રિયાઝ પણ એટલો જ જરૂરી છે. આર્ટ એવો વિષય છે જેમાં ગુરુ હોવું જરૂરી છે. મેં સેપ્ટ યુનિવર્સિટીની પરીક્ષા આપેલી પણ અવાજનું આલિંગન અને સ્વર સાથેની સંવેદના એટલી તીવ્ર હતી કે બસ બધું ગમ્યા કરે.
: એવોર્ડ :
* ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ
* ઇન્ટરનેશનલ વુમન્સ-ડે એવોર્ડ
* ઉદગમ વુમન્સ અચિવર્સ
* થાઇ ગ્લેમર એવોર્ડ
* ડૉટર ઓફ ગુજરાત
* ગુજરાતની પ્રથમ મહિલા બેઝ ગિટારિસ્ટ (ટેગ)