આપના જન્મસ્થળ, બાળપણ અને અભ્યાસ વિશે જણાવશો?
ઉષા ઉપાધ્યાય : મારો જન્મ ભાવનગરમાં 7 જૂન, 1956માં થયો હતો. પિતા ઘનશ્યામભાઈ ત્રિવેદી જીઈબીમાં એન્જિનિયર અને આઝાદીની લડતના લડવૈયા હતા. માતા કોકિલાબેન ત્રિવેદી વાંચનના શોખીન જેથી ઘરમાંથી જ સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ભાવનગરની મહિલા કોલેજમાંથી બી.એ. ગુજરાતી-હિન્દી વિષય સાથે અને એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ પૂર્ણ કર્યો જ્યારે પીએચ.ડીની ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિ.માંથી પ્રાપ્ત કરી.
આપની લખવાની શરૂઆત કેવી રીતે થઈ ? પ્રથમ કૃતિ ક્યાં અને કયારે છપાઈ હતી ?
મને પુસ્તક વાંચવાનો ખૂબ શોખ હતો અને ઘરમાં મમ્મીના કારણે સાહિત્યપ્રેરક વાતાવરણ અને પુસ્તકપ્રીતિ થઈ ગઈ હતી. મારા સર્જનમાં કવિતા એ મુખ્ય છે. વાર્તા, વિવેચન વગેરે પણ કરું છું પરંતુ કવિતા મારો પ્રથમ પ્રેમ છે. કોઈ સુંદર પ્રાકૃતિક દૃશ્ય જોઉં કે કોઈ હૃદય હચમચાવે તેવી ઘટનાની સંવેદના મન-મષ્તિષ્કમાં હિલોળા લેતી હોય ત્યારે એ સ્વાભાવિકપણે શબ્દરૂપ ધારણ કરીને મારી કવિતામાં અવતરે છે. લખવું એટલે આપણી જાતને વ્યક્ત કરવાનો એક અનોખો આનંદ. ઘણીવાર અર્ધી રાત્રે પણ કોઈ પંક્તિ યાદ આવે અને ત્યારે જ કાવ્ય લખાઈ જાય એવું પણ બને. હું એફવાય બી.એ.માં હતી ત્યારે લખવાનું શરૂ કર્યું હતું. મારી પ્રથમ કૃતિ ‘હે રવીન્દ્ર’ કવિલોક મેગેઝિનમાં 1988માં છપાઈ હતી.
આપ ઉચ્ચતર સાહિત્યના છાત્રોને ભણાવો છો તેમજ ઉચ્ચ કોટિના સાહિત્યકાર પણ છો ત્યારે અન્ય પ્રોફેસરની તુલનાએ સાહિત્યકાર તરીકેનો શું લાભ છાત્રોને વિશેષ મળે છે?
સાહિત્યકાર હોવાના કારણે મારી સંવેદનાઓ ખૂબ તીવ્ર છે. 1985માં હું ફૂલટાઈમ પ્રોફેસર થઈ ત્યારથી એટલે કે 32 વર્ષથી ભણાવું છું પણ ક્યારેય વિદ્યાર્થીઓ માટે ક્યાંય અભાવ કે કંટાળો નથી આવ્યો. એનું એક જ કારણ કે જે વિદ્યાર્થી વર્ગમાં આવે છે એના માતા-પિતાએ તેમના અભ્યાસ અને વિકાસ માટે ઘરથી દૂર અહીં સુધી મોકલ્યા છે. અહીં માત્ર ડિગ્રીલક્ષી શિક્ષણને બદલે તેમની સાહિત્યરુચિ કેળવાય, ઉત્તમ સાહિત્ય વાંચે, તેમજ નેટ, જે.આર.એફ. થાય, તેઓનો વિકાસ થાય એવો મારો પ્રયાસ હોય છે. કોઈ વિદ્યાર્થી મારી ઓફિસમાં આવે અને જો તેનો ચહેરો સ્હેજ પડેલો જોઉં તો મારાથી સ્વાભાવિક પૂછાઇ જાય કે બેટા શું થયું? કોઈ પ્રશ્ર્ન છે? સાહિત્યકાર હોવાના કારણે હું માનું છું કે મારી સંવેદના તેઓ સાથે સહજપણે જોડાયેલી રહે છે.
ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ, મેઘાણી જેવા યુગપ્રવર્તક સાહિત્યકાર થઈ ગયા તોે આજે આવાં સાહિત્યકાર છે ખરાં? તેઓ તરફથી આગામી પેઢીને સાહિત્યની શું ભેટ હશે?
આજના સમયમાં પણ સદ્નસીબે યુગપ્રવર્તક કે શકવર્તી કહી શકાય એવા સાહિત્યકારો છે. જેમાં પહેલું નામ હું લઈશ ધ્રુવ ભટ્ટનું, જેઓ ઉમદા શિક્ષક રહ્યા છે અને સાહિત્યકાર તરીકે પ્રકૃતિ, માનવસમાજ, સંસ્કૃતિને જોડીને અદ્ભુત કાર્ય કર્યા છે. તેમના સાહિત્યસર્જનમાં તત્વમસી, સમુદ્રાંતિકે, અકૂપાર, તિમિરપંથી વગેરે જેવી નવલકથા પ્રમુખ છે. ‘તત્ત્વમસી’ નામની તેમની નોવેલ પરથી પ્રસિદ્ધ ફિલ્મ ‘રેવા’ બની છે એમાં નર્મદા પરિક્રમાનો વિષયવસ્તુ લીધો છે. ફિલ્મમાં નર્મદા પરિક્રમા કરનારની શ્રદ્ધા તો ખરી પણ સાથે સાથે કાંઠાની પ્રકૃતિ, સંસ્કૃતિ, જીવનશૈલી અને ભારતીય તત્ત્વચિંતન દેખાય છે. સર્જનાત્મક સાહિત્યની દૃષ્ટિએ તો ધ્રુવ ભટ્ટનું સાહિત્ય મારી નજરે બેનમૂન છે. તેમણે ‘અકૂપાર’ નામની નવલકથા આપી છે જેમાં સાસણગીરની વાત છે. તેના પરથી નાટક ‘અકૂપાર’ પણ પ્રસિદ્ધ થયું છે. એ જ રીતે તિમિરપંથી નવલકથા પરથી હિન્દીમાં ફિલ્મ બની રહી છે.
આજે ઘણી મહિલાઓ સાહિત્ય ક્ષેત્રે આગળ આવી રહી છે, મુક્તપણે વિચારો રજૂ કરી રહી છે ત્યારે તેને આપ કેવી રીતે જુઓ છો?
ફેમિનિઝમ નામની એક સંજ્ઞા છે, પશ્ર્ચિમમાંથી આખો ક્ધસેપ્ટ આપણે ત્યાં આવ્યો છે ‘સ્ત્રી મુક્તિ આંદોલન’નો.. પણ ભારત એક વિશિષ્ટ પ્રજા ધરાવતો પ્રદેશ છે. યુરોપમાં ફેમિનિઝમ છે એ એક્સ્ટ્રીમ છે ત્યાં સંપૂર્ણ નારીમુક્તિની વાત છે. ભારતમાં પણ યુરોપનો પ્રભાવ આવ્યો છતાં ફરક એ છે કે અહીં સ્ત્રી હોય કે પુરુષ એ પરિવારને પ્રેમ કરે છે. એટલે યુરોપની અંદર જે રીતે સ્ત્રી મુક્તિ આંદોલન ચાલ્યું એ ભારતમાં શક્ય જ નથી. પોતાના પરિવાર, સંતાનને સાથે રાખીને પછી જે સમય મળે એમાં પોતાની જાતને વિકસાવવાનો પ્રયત્ન તેણે કર્યો છે. ભારતમાં સ્ત્રી મુક્તિ આંદોલનો 1975થી વધુ પ્રભાવમાં આવ્યા પણ એ પહેલાં ગાંધીજીએ આ દિશામાં સવિશેષ કાર્ય કર્યું હતું. તેઓ મહિલાઓની શક્તિ પારખતા હતા જેથી સત્યાગ્રહમાં આશ્રમની મહિલાઓને સામેલ કરી હતી. મહિલાઓને જાહેરજીવનમાં જોડી એ તેમની મોટી પહેલ હતી.
આપે મહિલા સાહિત્યકાર વિશે ખૂબ રિસર્ચ કર્યું છે તો એના વિશે જણાવશો ?
મધ્યકાલિન અને અર્વાચીન કવયિત્રીઓના કવિતા સંશોધન વિશેના 2007માં મારા બે પુસ્તકો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’ અને ‘રાધા-કૃષ્ણ વિના બીજું બોલમા’આવ્યાં હતાં. આ પુસ્તક તૈયાર કરવાનું કારણ એ છે કે મીરાં અને ગંગા સતી જેવા એક-બે જાણીતા નામ સિવાય બીજી કવયિત્રીઓ વિશે ભાગ્યે જ કોઈ માહિતી આપણી પાસે હોય છે. આ સિવાય પણ ઘણા મહિલા સાહિત્યકારો છે જે મારા રિસર્ચ દરમિયાન મને જાણવા મળ્યું. મેં ગુજરાતી ભાષાની પહેલી એન્થ્રોલોજી તૈયાર કરી છે જેમાં 550 વર્ષ દરમિયાનની કવયિત્રીની કવિતા અને તેમનો પરિચય છે. એ દૃષ્ટિએ આ વિશેષ સંશોધનકાર્ય હતું. આ રિસર્ચ દરમિયાન તોરલ, લોયણ વિશે તો જાણ્યું.. એ જ રીતે રતનીબાઈ, જે આમ તો ખોજા-મુસ્લિમ છે પણ કૃષ્ણની પ્રેમલક્ષણાભક્તિની ભાષામાં તેમણે રસસભર સર્જન કર્યું છે. આ સંશોધન કાર્ય નરસિંહ-મીરાંથી લઈ 19મી સદી સુધીનું હતું અને તેનું ટાઈટલ રાખ્યું હતું ‘રાધા-કૃષ્ણ વિના બોલ મા’. કારણકે એ સમયનું સર્જનકાર્ય કૃષ્ણભક્તિ પર વિશેષ હતું. આમ મીરા અને ગંગા સતી સિવાય બીજા 48 કવયિત્રીઓએ પણ આ સમયગાળા દરમિયાન સર્જન કર્યું છે જેમના વિશેની માહિતી આ પુસ્તકમાં છે.
આજકાલ વોટસએપ, ફેસબુક જેવા પેરેલલ પ્લેટફોર્મ પણ હવે નવા લેખકો માટે ઉપલબ્ધ છેે ત્યારે તેને આપ કેટલું ચેલેન્જિંગ માનોછો?
એક સમય એવો હતો કે લેખકનું પુસ્તક છપાય અને કોઈ સારો વિવેચક તેનું વિવેચન કરે ત્યારે જ એ કવિ કે લેખકને સાહિત્યકાર તરીકની સ્વીકૃતિ મળતી હતી, ત્યાં સુધી એણે મથવું પડતું હતું. હવે શું છે કે ફેસબુક કે કોઈ સોશિયલ મીડિયામાં કૃતિ મૂકાય અને તેને 400-500 લાઈક મળે એટલે મૂકનાર એમ માનતા થઈ જાય કે હું ઉત્તમ કામ કરું છું. આનાથી વિવેચનનો જે લાભ હતો તે ઓછો થઈ ગયો છે. બીજી બાજુ, સોશિયલ મીડિયાના માધ્યમથી હવે વિશ્ર્વના કોઈપણ ખૂણામાં બેઠેલ વ્યક્તિ હોય પણ તેના પુસ્તક વિશેની માહિતી ઝડપથી બધાને મળી જાય છે. સોશિયલ મીડિયાનો પ્લસ પોઈન્ટ એ છે કે તેના કારણે ગુજરાતી ભાષા પોષાતી જાય છે. થોડા અંગ્રેજી શબ્દો સાથે ગુજરેજીમાં લખાય છે છતાં હું માનું છું કે સોશિયલ મીડિયામાં નવી પેઢી લખતી થઈ એ માતૃભાષા માટે સારી વાત છે.
આપ ઘણી સંસ્થા સાથે સંકળાયેલ છો તો તે સંસ્થા, તેમાં આપના પ્રદાન વિશે કહેશો?
તાજેતરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી હું નિવૃત્ત થઈ છું. પરિષદમાં પ્રસાર અને પ્રકાશન એમ બે વખત મંત્રી રહી ચૂકી છું. 1987થી પરિષદમાં ચૂંટાતી આવી છું અને લગભગ છેલ્લી 2 ચૂંટણીથી પહેલાં 3 ક્રમમાં હોઉં એવું બન્યું છે. ઉપરાંત મનુભાઈ પંચોળી ‘દર્શક’ જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ બન્યા ત્યારથી હું તેની સાથે જોડાયેલી છું. આ બંને સંસ્થા સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કામ કરી રહી છે. તો ખઇંછઉ દ્વારા સંચાલિત સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન લેંગ્વેજિસ (ઈઈંઈંક, મૈસુર)ની એક કમિટીમાં પણ બે વર્ષ માટે મારું નોમિનેશન થયું હતું. દર છ મહિને ત્યાં જવાનું થતું હતું. આ સંસ્થાનો મને સૌથી સારો અનુભવ થયો હતો. ભારતના દરેક રાજ્યમાંથી એક એક પ્રતિનિધિ હોય એટલે મિનિ ભારત જેવું લાગે. આ સંસ્થાની ટ્રાન્સપરન્સી, કાર્ય કરવાની શૈલી, કામગીરી મને ખૂબ સ્પર્શી છે. લખનૌમાં ‘ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન’ નામની સંસ્થા છે, હું લેખક તરીકે ગુજરાતી, હિન્દી બંનેમાં લખું છું, અનુવાદ કરું છું, ત્યાં બિન-હિન્દીભાષી તરીકે મારા હિન્દીમાં કરેલા પ્રદાનને ધ્યાનમાં રાખી 2007નો ‘સૌહાર્દ સમ્માન’ પુરસ્કાર અપાયો હતો. આ ઉપરાંત છેલ્લાં બે વર્ષથી મહિલાઓ માટે ‘જૂઈ મેળો’ નામના સાહિત્યિક સંમેલનનું આયોજન કરું છું.
આપના સાહિત્યસર્જન વિશે અને તે કેટલું લોકભોગ્ય બન્યું છે તે વિશે જણાવશો?
મેં આમ તો ચાલીસેક પુસ્તકો લખ્યાં છે. હું કવિ, વિવેચક, સંશોધક છું. વાર્તાકાર અને નિબંધકાર પણ છું. કવિ તરીકે મારું કાર્ય લોકોને ખૂબ ગમ્યું છે ત્યાં સુધી કે 1994માં નેશનલ બુક ટ્રસ્ટે અમદાવાદમાં બુક ફેર કર્યો હતો અને એ વખતે ભારતીય કવિ સંમેલનમાં મને આમંત્રણ આપ્યું હતું. બાદ દિલ્હીમાં યોજાયેલ વિશ્ર્વ પુસ્તકમેળાના સર્વ ભાષા કવિ સંમેલનમાં પણ મને આમંત્રણ મળ્યું હતું. કોચી, પટીયાલા યુનિ., નેપાળ વગેરે જ્ગ્યાએ સર્વભાષા કવિ સંમેલનમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. મારા કાવ્યસંગ્રહમાં ‘જળ બિલ્લોરી’, ‘અરુંધતીનો તારો’, ‘શ્યામ પંખી અવ આવ’ છે. મારા 6 વિવેચન પુસ્તકો અને 9 સંશોધન-સંપાદન પુસ્તકો છે. આ ઉપરાંત મારું કાવ્ય ‘નભ વચ્ચે આ કયો ખલાસી, જળની જાળ ગૂંથે છે ?’ ખૂબ લોકચાહના પામ્યું છે જેમાં કોસ્મિક ઈમેજ છે. કચ્છના ભૂકંપ વખતે ‘ઊંટ’ને પ્રતીક તરીકે લઈને ધરતીકંપની આખી પ્રક્રિયાને વર્ણવી હતી.
જોબ અને ઘરના કાર્યમાંથી આપ આ બધા માટે સમય કેવી રીતે મેનેજ કરો છો ?
મારા સંતાન કૌશલ અને જિગીષા નાનાં હતાં ત્યારથી વહેલા ઉઠીને લખવા-વાંચવાની ટેવ પાડી છે. પરિવાર, બાળકો મારી પ્રથમ અગ્રતા હતી. તો વાંચન અને લેખન માટે પણ મને એટલું જ પૅશન હતું જેથી એ માટે સમય કાઢી શકતી નહોતી. આ સમસ્યામાંથી મેં એક રસ્તો શોધી કાઢ્યો કે સવારે વહેલા 3-4 વાગે ઊઠી જાઉં અને લખું. બીજું એ સમયે મારી કોઈને જરૂર નથી હોતી તેથી હું મોજથી એ સમયે વાંચન-લેખનની પ્રવૃતિ કરી શકું. આથી સવારે વહેલા ઉઠીને લખવાનું શરૂ કર્યું જે વાતને આજે લગભગ 30 વર્ષથી વધારે સમય થઈ ગયો છે. લેખક તરીકે હું લખવાની સાથે પ્રવાસ કરી, વાસ્તવિક જીવન જોવા અને અનુભવવાનો મત ધરાવું છું જેથી લેખનમાં એ અનુભવ સંવેદન તરીકે ઊભરી આવે. મેં વાર્તાઓ પણ લખી છે જેમાંની એક વાર્તા ‘હું તો ચાલી’ 95-96ના ગાળામાં આવી હતી. ઘણા વિવેચકોએ દાયકાની શ્રેષ્ઠ વાર્તા તરીકે મારી આ કૃતિને બિરદાવી છે.
આપના જીવનનો યાદગાર પ્રસંગ જણાવો?
પ્રસંગો તો ઘણાં છે.. તેમાંનો આ એક યાદગાર પ્રસંગ છે… જ્ઞાનપીઠ પુરસ્કૃત રાજેન્દ્ર શાહે એકવાર મને ફોન કર્યો અને તેમણે એવું કહ્યું ઉષાબહેન શું કરો છો? મેં કહ્યું હું વિદ્યાપીઠ જવાની તૈયારી કરું છું. તેમણે કહ્યું મને સખત તાવ આવી રહ્યો છે. મને થોડો ક્ષોભ થયો અને કહ્યું કે મને ખ્યાલ ન હતો પણ સાંજે હું તમારી ખબરઅંતર પૂછવા આવું છું. ત્યારે તેમણે કહ્યું,‘ના, એવું નથી કહેતો, મારી ઉંમર ઘણી થઈ છે અને મને ઘણા દિવસથી તાવ આવી રહ્યો છે અને કશું કહી શકાય એમ નથી તો મારી ઈચ્છા છે કે મારી સ્મૃતિકથા લખું પણ હવે મારી શક્તિ નથી. પણ હું બોલું અને તમે લખો એવું થઈ શકે?’ હું તેમને મળી અને રોજ સાંજે કલાક એમના સંસ્મરણ લખવાનું નક્કી થયું અને ઘણા દિવસો સુધી એમના સંસ્મરણો લખ્યાં. એમને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાનું નક્કી થયું ત્યારે તેમની ગુજરાતી સ્પીચનો મેં હિન્દીમાં અનુવાદ કરી આપ્યો હતો જે તેમણે પુરસ્કાર સ્વીકારતી વખતે વાંચ્યો હતો એ મારી યાદગાર ક્ષણ હતી.
આપને મળેલા એવોર્ડ વિશે જણાવશો?
‘અરુંધતીનો તારો’ કાવ્યસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદીતા’ પારિતોષિક મળ્યું છે. એકાંકી સંગ્રહ ‘મસ્તીખોર મનીયો’ને પણ પરિષદનું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક મળ્યું છે.
ફેમિલી વિશે…
પુત્ર કૌશલ, પુત્રવધૂ હિરલ, પૌત્રી નંદિની, દીકરી જિગીષા, જમાઈ રવિ.. આ મારો પરિવાર છે. પતિ ઘનશ્યામભાઈ પ્રોફેસર હતા જેમનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું છે. 1985થી હું પૂર્ણસમયની અધ્યાપક છું અને ઘણાં પ્રવાસ કરું છું, એટલે નોકરીની સાથે પણ મારા સંતાનોનો ઉત્તમ ઉછેર કરી શકી છું અને કલાપ્રીતિ તેમજ મૂલ્યનિષ્ઠા ઉમેરી શકું છું એનો મને સંતોષ છે. સ્ત્રીઓએ શિક્ષણ લેવું જ જોઈએ તેમજ ઉતમ ગુજરાતી પુસ્તકો નિયમિત વાંચવા જોઈએ અને પોતાના સંતાનોને પણ વંચાવવા જોઈએ. યાદ રહે, સાહિત્યપ્રીતિનો વારસો ફક્ત મા જ આપી શકશે બીજું કોઈ નહીં.