અત્યંત સાધારણ પરિસ્થિતિમાંથી પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકાય છે… જો તમારી પાસે આઈપીએસ ઓફિસર સરોજકુમારી જેવું દૃઢ મનોબળ, સપનાં સાચાં કરવાનો સંકલ્પ, અને મહેનતનો ત્રિવેણી સંગમ હોય. મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં અગ્રેસર થવા માંડી છે ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારી, માઉન્ટેનિયર, મેરેથોન રનર અને બહુમુખી પ્રતિભા ધરાવનાર સરોજકુમારી અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. વડોદરા પોલીસ વિભાગમાં હાલ ડીસીપી ક્રાઈમ તરીકે નિયુક્ત સરોજકુમારી ફીલિંગ્સ સાથે તેમની સક્સેસ જર્ની વિશે વિસ્તારથી વાત કરે છે.
તેમનો જન્મ 1982માં રાજસ્થાનના સાવ નાનકડા એક ગામ બુદાનિયામાં થયો હતો. પરિવારમાં તેઓ ત્રણ ભાઈ બહેન અને માતા-પિતા.. પણ ઘરની હાલત અત્યંત કફોડી હતી. પિતા બનવારીલાલ આર્મીમાંથી હવાલદાર તરીકે રિટાયર્ડ થયા હતા અને તેમને 700 રૂપિયા પેન્શન મળતું. આટલી નાની રકમમાંથી પાંચ વ્યક્તિનું ભરણપોષણ કરવું કેટલું મુશ્કેલ હશે એ સમજાઈ શકે છે. સંઘર્ષના કાળને યાદ કરતાં સરોજકુમારી કહે છે, ‘બાળપણથી અમે તકલીફોથી ટેવાઈ ગયા હતા. મુશ્કેલીઓ પારાવાર હતી પણ એમાંથી રસ્તો પણ અમારે જ બનાવવાનો છે એ સમજાઈ ગયું હતું. સવારે વહેલા ઉઠીને ભેંસ દોહવાની, દૂધ ભરવા જવાનું, ખેતરમાં જઈ કામ કરવાનું અને ત્યારબાદ સ્કૂલમાં જવાનું, આ નિત્યક્રમ હતો. અમારા ગામમાં આઠમા ધોરણ સુધી અભ્યાસ થઈ શક્તો હતો. જ્યારે બારમા ધોરણ સુધી અભ્યાસ માટે છ કિ.મી. દૂર બીજા ગામમાં ચાલીને જવા-આવવાનું રહેતું. સવારે ઘરના અને ખેતરમાં તમામ કામ તો કરવાના જ ઉપરાંત સાંજે ઘરકામમાં પણ મદદ કરવાની અને સાથે સાથે અભ્યાસ પણ કરતાં રહેવાનો. આવી રીતે અમારું બાળપણ વીત્યું હતું.’
આઈપીએસ બનવાની પ્રેરણા ક્યાંથી મળી એમ પૂછતાં સરોજ કુમારીજી કહે છે, ‘બારમાની એક્ઝામ પાસ કર્યા બાદ જયપુરની મહારાણી કોલેજમાં બેચલર ઓફ આર્ટસ કર્યું. ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એ તેમજ રાજસ્થાન યુનિવર્સિટીનાં સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી ટૉપ રેન્કિંગ સાથે એમ.ફીલ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરદારશર ગવર્નમેન્ટ કોલેજ, રાજસ્થાનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાઈ લગભગ બે વર્ષ સુધી કાર્ય કર્યું. અહીં કોલેજના યુથ ડેવલપમેન્ટ સેન્ટરમાં યુવાઓને ગાઈડન્સ આપવાનું થતું જેમાં એકવાર આઈએસ અને આઈપીએસ અધિકારી કેવી રીતે બની શકાય તે અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. એ દરમિયાન મને વિચાર આવ્યો કે હું પણ આઈપીએસ ઓફિસર કેમ ના બની શકું ? આ ઉપરાંત મારા પિતાજી પણ ફોજમાં હતા એટલે વર્દીનું આકર્ષણ તો બાળપણથી જ હતું, વળી કિરણ બેદી વિશે વાંચ્યા પછી મારા મનમાં આઈપીએસ બનવાના બીજ તો પહેલેથી જ રોપાયા હતા પણ યુથ ફેસ્ટિવલની ઘટના મોટું વૈચારિક પરિવર્તન લાવી. હું આઈપીએસ બનવા માટેની તૈયારી શરૂ કરવા માંડી. દિવસ-રાત અભ્યાસ અને લગનથી આઈપીએસ એક્ઝામ પણ સફળતાપૂર્વક ક્રેક કરી.’
આમ, અભ્યાસ માટે વિશેષ કાંઈપણ સુવિધાઓ ન હોવા છતાં સરોજકુમારીજીએ જે શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી છે તે કાબિલે તારીફ છે. આઈપીએસ ક્લીયર કર્યા બાદ એની ટ્રેનિંગ પણ એટલી જ મુશ્કેલ અને શારીરિક-માનસિક ક્ષમતાની પરીક્ષણ કરનારી હોય છે. મસૂરી અને હૈદરાબાદમાં તેમણે આ કસોટી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી. 2011માં ગુજરાત કેડરમાંથી આઈપીએસ ઓફિસર થયેલ સરોજકુમારીનું પ્રથમ પોસ્ટિંગ વલસાડમાં થયું. અહીં ટ્રેનિંગ સંપન્ન થયા બાદ સુરત રૂરલ ડિવિઝનમાં એએસપી તરીકે તેમની નિમણૂક થઈ. સુરતમાં સફળતાપૂર્વક કાર્ય કર્યા બાદ બોટાદમાં તેમની એસપી તરીકે ટ્રાન્સફર થઈ. બોટાદમાં તેમણે સેક્સ્યુલ મહિલા વર્કરની સમસ્યાઓને જાણી અને તેના નિરાકરણ માટે ‘ઉજાસ’ અભિયાન અંતર્ગત ઉત્તમ પ્રયાસ કર્યા. અહીં તેઓએ મહિલાઓને સ્વાવલંબનનાં પાઠ શીખવ્યા, સમાજની મુખ્ય ધારામાં લાવ્યા, રોજગારી અપાવી તો હપ્તા ઉઘરાવનાર ઘણા ગુંડા તત્ત્વોને સીધા કરી કડક અધિકારીની છાપ પણ ઊભી કરી. હાલ તેઓ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરામાં ડીસીપી તરીકે હોદ્દો સંભાળે છે.
દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે પરંતુ મહિલાઓ માટે ચેલેન્જિસ પણ ખૂબ હોય છે ત્યારે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ એ અંગે સરોજકુમારી કહે છે, ‘આપણો સમાજ પહેલેથી પુરુષપ્રધાન છે જેથી મહિલાઓને આગળ આવવાની તક ખૂબ ઓછી હોય છે પણ હવે સમય બદલાયો છે. મહિલાઓ પણ અભ્યાસ, કારકિર્દી અને પોતાના જીવન અંગે ખૂબ સભાન રહીને નિર્ણય લે છે. જાહેર જીવનમાં પણ મહિલા માટે અનેક ચેલેન્જિસ હોય છે અને તેમણે તેમની કાબેલિયત પુરવાર કરવી પડે છે. મહિલાઓની વિશિષ્ટતા એ હોય છે કે તેઓ ખૂબ સેન્સિટિવ હોય છે, કોઈપણ પરિસ્થિતિને સારી રીતે એન્ટિસિપેટ કરી શકે છે. સમય અને સંજોગ મુજબ નિર્ણય લેવામાં મહિલા અધિકારી ઘણા પાસાઓ પર નજર રાખે છે. મહિલાઓ પાસે કુદરતી વિશિષ્ટ શક્તિ છે એમ કહી શકાય જે તેને સચોટ નિર્ણય લેવામાં મદદ કરે છે.
અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણાં ક્રાઈમ કેસ તેમણે સોલ્વ કર્યા છે પણ કોઈ એકાદ ખાસ કેસ જેનાથી મનને શાંતિ મળી હોય એવો કોઈ કિસ્સો પૂછતાં સરોજકુમારી કહે છે, ‘હા, એવો એક કેસ છે જે ખૂબ સેન્સિટિવ છે એટલે વધુ વિગત નહીં આપું. પણ એટલું કહીશ કે એક બાળકી સાથે ક્રાઈમ થયો હતો અને તેની કોઈ કમ્પલેઈન નોંધવા પણ તૈયાર ન હતું. ફેમિલી સાથે ઘણું બધું કાઉન્સેલિંગ કર્યા બાદ આખરે ફરિયાદ થઇ અને આરોપી સામે કાર્યવાહી થઇ. આ મામલો ખરેખર સેન્સિટિવ હતો અને તેનો ઉકેલ આવતાં મને રાહતની લાગણી થઇ હતી. આવા નાજુક તબક્કામાં મહિલાઓ વધુ સારી રીતે સમસ્યાને સંભાળી શકે છે.’
પોલીસની ડ્યૂટીમાં પર્સનલ લાઈફ-સ્ટાઈલનો ભોગ લેવાઈ જતો હોય છે. આપની ડેઈલી રૂટિન લાઈફ સ્ટાઈલ કેવી છે એ પૂછતાં સરોજજી કહે છે, ‘જુઓ, હું ખૂબ હેલ્થ કોન્સિયસ છું. મારી ફિટનેસ બાબતે હંમેશાં એલર્ટ રહું છું. બાળપણથી જ ખેતરમાં કામ કર્યું છે એટલે પરિશ્રમથી શરીર કસાયેલું છે. આ ઉપરાંત હાલમાં પણ ડેઈલી યોગા અને એક્સરસાઈઝ મારા શિડ્યુલમાં હોય છે. આ ઉપરાંત સ્પોર્ટસમાં પણ મારી રુચિ છે, ખાસ કરીને એડવેન્ચર અને માઉન્ટેનિયરિંગ મને ખૂબ પસંદ હોવાથી ઘણાં માઉન્ટેન સર કરી ચૂકી છું.’ તેમને કવિતા અને લેખનનો ઘણો શોખ છે. તેમણે ‘ઉજાસ’ નામે પુસ્તક પણ લખ્યું છે. સમય મળે ત્યારે અચૂક કવિતા લખે છે. તેમની લખેલી આ કવિતા ખાસ સમજવા જેવી છે.
‘કોઈ મા કે રૂપ મેં પહેચાને
કોઈ બહન ઔર બેટી
નારી હું મૈં, સમર્થ હું, હક્કદાર હું
યે પરિચય કિસી દિન દિયા જાયેગા
સાહિત્ય-કલા સે નિકાલકર
એક ઈન્સાન કે રૂપમેં પહેચાના જાયેગા’
ફીલિંગ્સના મહિલા વાચકો માટે સંદેશ આપતાં તેઓ કહે છે, મહિલાઓએ ફીલિંગ્સ જેવા મેગેઝિન્સ તથા ન્યૂઝ પેપર્સ નિયમિત વાંચવા જોઈએ. દરેક સારા આર્ટિકલ્સ, વ્યક્તિત્વમાંથી પ્રેરણા મેળવી તમારા લક્ષ્ય પર ફોકસ કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.