ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

- in Womens World
45
Comments Off on ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય કે નેવી
ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

આજે સ્ત્રી-પુરુષ સમાનતા, મહિલા સશક્તિકરણની વાતો ઠેરઠેર થતી જોવા મળે છે, ત્યારે પુરુષોની મોનોપોલી કહેવાતા પોલીસ વિભાગમાં મહિલાઓ જોડાય તે ગૌરવની વાત કહેવાય. આજે ઘણી એવી મહિલાઓ છે જે આ ક્ષેત્રમાં જોડાઇ છે અને દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી રહી છે. આવો, આવી કેટલીક મહિલાઓને જાણીએ…

તમારા જીવનનો ચાર્જ તમે પોતે લો, નક્કી કરો કે તમારે શું કરવાનું છે
– મીરા બોરવણકર (મહારાષ્ટ્રની પ્રથમ મહિલા આઇપીએસ ઓફિસર)

મીરા બોરવણકર લેડી સુપરકોપ કોપના નામે મશહૂર છે અને તેઓ મહારાષ્ટ્ર કેડરની પ્રથમ મહિલા આઇપીએસ ઓફિસર છે. આઇપીએસ ઓફિસર બન્યા બાદ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ તેમનું પોસ્ટિંગ થયું પરંતુ મુંબઇમાં થયેલું તેમનું પોસ્ટિંગ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યું. કારણ કે, મુંબઇ શહેરમાંથી માફિયારાજ ખતમ કરવામાં મીરા બોરવણકરનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.

મીરા બોરવણકર તેમના બાળપણ વિશે વાત કરતાં જણાવે છે કે તેમના બે ભાઇઓ અને એક બહેનમાં મીરાની છાપ ટોમબોયની હતી. હોર્સ રાઇડિંગ-ક્રિકેટ, ડ્રાઇવિંગ વગેરે જેવા શોખને કારણે તેમની માતા હંમેશાં તેમના ભવિષ્યને લઇને ચિંતિત રહેતા. ભણવામાં હંમેશાં અવ્વલ આવનાર મીરાએ સરકારી શાળામાં પોતાનું પ્રાથમિક ભણતર લીધું હતું. ત્યાર બાદ જલંધરની ખાલસા કોલેજમાંથી ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. ત્યાર બાદ યુએસએની યુનિ. ઓફ મીનેસોટા તરફથી એક વર્ષની ફેલોશિપ પણ તેઓને મળી હતી. ભણતા રહેવાના શોખને કારણે તેમના મિત્રો અને પરિવાર તેમની હંમેશાં મજાક ઉડાવ્યા કરતા.

પોલીસમાં ભરતી થવાના કારણોમાં એક હતું મીરાને પોલીસના ખાખી ડ્રેસનું આકર્ષણ. તેમના પિતા પણ પોલીસ ફોર્સમાં હતા અને તેઓ ઇચ્છતા હતા કે તેમના બાળકો પણ સિવિલ સર્વિસીસમાં જોડાય. મીરાના માતા સ્કૂલ ટીચર હોવાને કારણે તેમનાં બાળકો પણ શિસ્તમાં રહે તેવા આગ્રહી હતાં અને તેના કારણે જ આજે મીરા પોતે આઇપીએસ બની શક્યાં અને બહેન ઇન્ડિયન રેવન્યૂ સર્વિસીસ (આઇઆરએસ)માં જોડાયાં. મીરા કહે છે કે, ‘આજે મને ભણેલી માતાનું મહત્ત્વ સમજાય છે, જેણે અમને શિસ્ત તથા ભણતરનું મહત્ત્વ સમજાવ્યું.
પોલીસ ફોર્સમાં જોડાયા બાદ મીરા જણાવે છે કે ‘એવા કોઇ ખાસ લક્ષ્ય સાથે હું આઇપીએસ બની નહોતી. પરંતુ જેમ પડકારો સામે આવતા ગયા તેમ હું ઝીલતી ગઇ ને આગળ વધતી ગઇ. મારી પોલીસ જીવનની કારકિર્દીમાં મેં હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે કોઇ જરૂરતમંદ કે ગરીબને રાહ જોવડાવ્યા વિના મારાથી બનતી બધી જ મદદ કરું. હા, અમીર અને શક્તિશાળી લોકોને મેં કદાચ રાહ જોવડાવી હશે પરંતુ જરૂરતમંદને નહીં. મીરાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, પોલીસ કારકિર્દીમાં કયા પ્રકારની સમસ્યાઓનો તેમણે સામનો કરવો પડયો… તેના જવાબમાં તેઓ જણાવે છે કે ‘શરૂમાં 1981ની આઇપીએસ બેચમાં હું એક જ મહિલા હતી. મને ટ્રેનિંગ દરમિયાન સમજાઇ ગયું હતું કે મારે લિંગભેદના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. ટ્રેનિંગની શરૂઆતમાં મારા મહિલા હોવાના કારણે હું ન કહી શકું એવા સંજોગો ઊભા કરાયા. પરંતુ હું એ બધામાં પાર પડી. ’

મીરાને કારકિર્દી દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇમાં માફિયા-રાજનો ખાત્મો કર્યા બદલ તેમને લેડી સુપર કોપનું બિરુદ પણ મળ્યું હતું. મીરા મોસ્ટ વોન્ટેડ ડોન અને ડી કંપનીના વડા દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન ગેંગના અનેક સભ્યોને જેલના સળિયા ગણાવી ચૂકયા છે. યાકુબ મેમણની ફાંસી સમયે મીરા મહારાષ્ટ્રના એડીજીપી (જેલ) હતાં. તેઓ એ પાંચ અધિકારીઓમાંના એક હતાં જેઓ યાકુબ મેમણની ફાંસી સમયે જેલ પરિસરમાં હાજર હતાં. મીરા બોરવણકર ઉપર બોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ચૂકી છે.. ‘મર્દાની’, જેમાં રાની મુખર્જીએ મુખ્ય કિરદાર નિભાવ્યું હતું. સામાન્ય રીતે કોઇપણ મહિલા પછી ભલે તે ગમે તે હોદ્દા પર હોય કે ગમે તે કામ કરતી હોય તેમના માટે પારિવારિક તથા વ્યાવસાયિક જીવન બેલેન્સ કરવું કપરું હોય છે. મીરા કહે છે કે, ‘હું મારા પતિ અભય ચઢ્ઢાના સાથ વગર સફળ ન થઇ શકી હોત. મારા બાળકોના ઉછેરમાં તેમનો મારાં કરતાં અનેક ગણો ફાળો છે. તેમના સાથ અને સહકારથી જ હું પારિવારિક તથા વ્યાવસાયિક બેલેન્સ જાળવી શકી.’ મીરાને અનેક એવોર્ડથી નવાજ્યા છે. જેમાં તેમના માટે સૌથી યાદગાર એવોર્ડ છે.. રાષ્ટ્રપતિ એવોર્ડ, જે ર006માં પોલીસમાં તેમના યોગદાન માટે એપીજે અબ્દુલ કલામના હસ્તક એનાયત કરાયો હતો. આજની પેઢીની યુવતીઓને મીરા જણાવેે છે કે તમારા જીવનનો ચાર્જ તમે પોતે લો. નક્કી કરો કે તમારે શું કરવું છે. આજે છોકરીઓ માટે ભારતમાં સકારાત્મક વાતાવરણ છે, ત્યારે તમારો કિંમતી સમય તથા પૈસા તમારી જાતના વિકાસમાં લગાવો, ખૂબ વાંચો તથા સાહસિક બનો.

Facebook Comments

You may also like

નિરજાની શૈક્ષણિક સુવાસ ચારે ય કોરે, તેજસ્વી પણ ગરીબ બાળકોને ભણાવવાની પંડ્યા બંધુઓની નેમ

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ એટલે