રાજકોટનું અનોખું રોટરી ડોલ્સ મ્યુઝિયમ

રાજકોટનું અનોખું રોટરી ડોલ્સ મ્યુઝિયમ

- in Special Article
445
Comments Off on રાજકોટનું અનોખું રોટરી ડોલ્સ મ્યુઝિયમ

જે લોકોને એક વર્લ્ડ ટૂરનો અનુભવ કરાવે છે

રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય ‘રોટરી ડોલ્સ મ્યુઝિયમ’ એ ગુજરાતનું ગૌરવ છે. જ્યાં દુનિયાના 6 ખંડના 102 દેશોની 1600થી વધુ યુનિક ઢીંગલીઓ ગોઠવાયેલી છે. આ દરેક ઢીંગલી પોતાની એક આગવી સ્ટોરી ધરાવે છે… ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ’માં સ્થાન પામેલ આ મ્યુઝિયમ બાળકો માટે તો ખરું જ, મોટેરાં માટે પણ આકર્ષણ બન્યું છે.

ઢીંગલીઓનું મ્યુઝિયમ… ડોલ્સ મ્યુઝિયમ.. સાંભળતાં જ એક પરીકથા જેવું લાગે. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ આંતરરાષ્ટ્રીય રોટરી ડોલ્સ મ્યુઝિયમ એક અનોખી સ્વપ્નનગરી કહેવાય છે. મ્યુઝિયમની બિલ્ડિંગ પર બહાર લખ્યું છે DISCOVER DUNIYA… અને એ જ હકીકત છે આ મ્યુઝિયમની, જ્યાં દુનિયાના છ ખંડના કુલ 10ર દેશની 1600થી વધુ યુનિક ઢીંગલીઓ છે. કોઇ ઢીંગલી રીપિટ નથી થતી. દરેક ઢીંગલીઓની સુંદર મિરરવાળા શો-કેસમાં ખૂબ જ વ્યવસ્થિતપણે અદ્ભુત ગોઠવણી કરાઇ છે. દરેક દેશની ઢીંગલીઓ દ્વારા એ દેશની ભૌગોલિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રહેણી- કરણી, પહેરવેશ અને અન્ય વિશેષતાનો વિઝિટરને પરિચય થાય છે.

આ મ્યુઝિયમની સ્થાપના તા. ર4 જુલાઇ, ર004ના રોજ કરવામાં આવી હતી. જેનું વિધિવત્ ઉદ્ઘાટન ભારતના ભૂ.પૂ. ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના વરદ્હસ્તે કરવામાં આવેલ. આ મ્યુઝિયમને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ભારતમાં બે પૈકીનું એક માત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ રાજકોટમાં છે, જે ગુજરાતનું પણ ગૌરવ છે.

મ્યુઝિયમની ઢીંગલીઓ વિશે વાત કરીએ તો દરેક ઢીંગલી યુનિક છે અને દરેક ઢીંગલી પોતાની એક આગવી સ્ટોરી ધરાવે છે. દરેક ઢીંગલી વિશે લખવા બેસીએ તો આખી બુક લખવી પડે. જેમ કે આ મ્યુઝિયમની બધી યુનિક ઢીંગલીઓ દેશ-દુનિયાની અલગ અલગ રોટરી ક્લબ તરફથી મ્યુઝિયમને ગિફ્ટ કરવામાં આવેલ છે. પરંતુ આમાં એક રોયલ ડોલ છે.. જે રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરી દેવીના શૈશવની ઢીંગલી છે. રાણીસાહેબ કાદમ્બરી દેવીને તેઓની માતાએ બાળપણમાં આ ઢીંગલી ભેટમાં આપેલ. આ બાબતે આનંદની વાત એ છે કે ભવ્ય ફુલેકું, તલવાર રાસ સાથે રાજકોટના રણજિત વિલાસ પેલેસની આભા અને ગરિમા સમી આ ઢીંગલી અહીં રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં પધારી છે. આ પ્રસંગે રાજવી પરિવાર અને રોટરી ક્લબના વિવિધ શાળાના બાળકો નૃત્ય અને સંગીત સાથે સામેલ થયા હતા તેમજ એ સમયે પારંપરિક ઢબે ઢીંગલીનું ભવ્ય સામૈયું થયું હતું. આ સામૈયામાં રાસ ગરબાની રમઝટ, તલવાર રાસ સાથે ભગિની મંડળની મહિલાઓ, બાળકો આનંદભેર જોડાયા હતા.

ડોલ્સ હાઉસની દરેક ઢીંગલી એટલી સુંદર છે કે જોઇને એવું લાગે કે પોતાની ભાવવહી આંખો દ્વારા તે કંઇક કહેવા માગે છે. તો કોઇ ઢીંગલીને જોઇને એમ પણ લાગે કે હમણાં કંઇક બોલી ઊઠશે. મનના અલગ અલગ મૂડ દર્શાવતી ઢીંગલીઓ અહીં છે. કોઇ ગ્રામ્ય ક્ધયા છે તો કોઇ શહેરી મોડર્ન ગર્લ પણ છે. તો આદિવાસી ક્ધયા પણ ઢીંગલી રૂપે દેખાય છે. અહીં ઢીંગલી રૂપે કિડ્સ પણ છે. ઢીંગલીના રૂપમાં જે તે દેશના સૈનિકો પણ દેખાય છે. તો કોઇ ઢીંગલીઓ સમૂહ નૃત્યના વેશમાં છે. અહો… આશ્ર્ચર્યમ… બહુ વિવિધતા છે આ ડોલ્સ મ્યુઝિયમમાં.

આટલું અદ્ભુત ડોલ્સ મ્યુઝિયમ જોઇને, એના વિશે જાણીને બધાને આ વિચાર આવે એ સહજ છે કે આવું મ્યુઝિયમ બનાવવાનો વિચાર કોને આવ્યો? આ મ્યુઝિયમ પાછળનો ઇતિહાસ શું?.. તો ડોલ્સ મ્યુઝિયમ બનાવવાનો આ વિચાર રાજકોટમાં રહેતા દીપક અગ્રવાલને આવ્યો હતો. તો આવો જાણીએ તેની વિગતે વાત..
દીપક અગ્રવાલ વરસો પહેલાં તેમના ફેમિલી સાથે ચારધામની જાત્રાએ ગયેલા. એ સમયે તેમણે પોતાની દીકરીને કહ્યું કે, ‘બેટા, દિલ્હી તને ઢીંગલીઓનું મ્યુઝિયમ જોવા માટે લઇ જઇશ.’ દીકરી એકદમ ખુશ થઇ ગઇ કે વાહ આ તો એકસાથે કેટલી બધી ઢીંગલીઓ જોવા મળશે. પરંતુ બીજે બધે ફરીને દીપક અગ્રવાલ ફેમિલી સાથે દિલ્હી પહોંચ્યા ત્યારે તે દિવસે સોમવાર હોવાના કારણે દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ બંધ હતું. માત્ર ચાર વર્ષની વય ધરાવતી દીપકભાઇની દીકરી એકદમ નારાજ થઇ ગઇ અને કહે, ‘પપ્પા, તમે મ્યુઝિયમ બતાવવાનું ખોટું કહેલું. આ મ્યુઝિયમ તો બંધ છે!’ એટલે એ સમયે દીપકભાઇએ પોતાની દીકરીને કહ્યું કે, ‘બેટા, પપ્પા કદી ખોટું ન બોલે! પણ ચાલ આપણે રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું.’ મિત્રો, દીપકભાઇ પોતાની વાત જણાવતાં કહે છે, ‘ત્યારે તો એ વાત આમ પૂરી થઇ ગઇ. પરંતુ ચાર મહિના બાદ ફરી મારી દીકરીને ઢીંગલીઓનું મ્યુઝિયમ યાદ આવ્યું અને મને કહે, ‘પપ્પા, મારું ઢીંગલીનું મ્યુઝિયમ ક્યાં?’ અને મારી દીકરીને મેં જવાબ આપ્યો, ‘ઓ..કે.. બેટા, ચાલો મ્યુઝિયમ બનાવીએ.’ મેં મારી રોટરી સંસ્થામાં આ બાબતે વાત કરી તો અમારા રોટરીના સભ્યો વાત સાંભળીને કહે, ‘આ તો સાવ વાહિયાત વિચાર છે.’ આવી રીતે કોઇ તમને ઓળખતું ન હોય તો શા માટે ઢીંગલી મોકલે અને કેવી રીતે મ્યુઝિયમ બને!’ દીપકભાઇ ભૂતકાળની વાત યાદ કરતાં કહે છે, ‘એ સમયે મને થયું કે કદાચ ‘વસુધૈવકુટુમ્બકમ’ની જે ભાવના છે એનો કદાચ કોઇએ ઉપયોગ નથી કર્યો. મેં દુનિયાની બાર અલગ અલગ રોટરી સંસ્થામાં ઇ-મેલ કર્યા. જેઓને હું ઓળખતો પણ નહોતો. એમાંથી ત્રણ સંસ્થામાંથી જવાબ આવ્યા કે અમે ઢીંગલી મોકલીશું. અને એમાંથી એક રોટરી ક્લબે મને ઢીંગલી મોકલી પણ ખરી. એટલે મને થયું કે આ તો બહુ સારી વાત બની કહેવાય. મારો ઉત્સાહ વધ્યો એટલે મેં વિચાર્યું કે ચાલો વધુ લોકોને દેશ-વિદેશની રોટરી ક્લબમાં ઇ-મેલ કરીએ. મેં એ સમયે દોઢ વર્ષમાં કુલ 76000 વ્યક્તિગત ઇ-મેલ કર્યા. પણ હું દિવસે મારો બિઝનેસ કરતો તેથી રાતે 1ર વાગ્યા પછી ફરી ઓફિસ જતો અને 3 કલાક સુધી ઇ-મેલ કરતો. કેમ કે, એ સમયે ઇન્ટરનેટ પણ ધીમું ચાલતું. આ રીતે આ બધું કાર્ય શરૂ કર્યું અને ધીમે ધીમે ઢીંગલીઓ આવવાની શરૂ પણ થઇ ગઇ. પછી ઢીંગલીઓને ક્યાં ગોઠવવી એ સવાલ ઊભો થયો! તેથી મ્યુઝિયમની જગ્યા માટે રાજકોટના ઘણા બધા લોકોને મળ્યો. પરંતુ મને બધાએ ના પાડી કે આ તો કેવી વસ્તુ છે અને ઢીંગલીઓનું મ્યુઝિયમ..એમાં લોકોને કઇ રીતે મજા આવે? લોકોને કઇ રીતે આ ગમશે! પછી હું કલ્પકભાઇ મણિયારને મળ્યો, જેઓ એ સમયે રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન હતા અને અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલ છે. તેમની સાથે વાત કરી. ડોલ્સ મ્યુઝિયમ બનાવવા બાબતની મારી વાત તેમને ખૂબ જ ગમી ગઇ. ઇશ્ર્વરની કૃપાથી એ સમયે ર004માં એવો સંજોગ રચાયો કે એ સમયગાળામાં નાગરિક બેન્કના પ0 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. રાજકોટમાં રોટરી ક્લબને 10 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. ઉપરાંત રોટરી ઇન્ફર્મેશનના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. બધુ એક જ વર્ષે ર004માં એક સાથે થઇ રહ્યું હતું. તેથી ર004માં આ ડોલ્સ ક્લબની સ્થાપના થઇ અને એ માટે કલ્પકભાઇએ કુલ 9000 સ્કેવર ફિટ એરિયાની જગ્યા અમને મ્યુઝિયમ બનાવવા માટે આપી. ઉપરાંત આ મ્યુઝિયમ બનાવવા માટેનો ખર્ચો પણ તેઓએ જ કર્યો. આ ઢીંગલીઓ જે અલગ અલગ દેશમાંથી રોટરી ક્લબ દ્વારા અહીં ગિફ્ટમાં આવેલ છે, તેની અત્યારે કુલ 1 કરોડ જેવી કિંમત થાય છે. આવી રીતે ત્રણ સારી સંસ્થાઓ દ્વારા સાથે મળીને આ મ્યુઝિયમની ખૂબ જ સરસ રીતે સ્થાપના થઇ.’ દીપકભાઇ પોતાની વાત આગળ વધારતા કહે છે કે, ‘અત્યારે અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા જ મ્યુઝિયમનું સંચાલન થાય છે. એના થકી જ આ મ્યુઝિયમ ચાલે છે.’ ભાવવિભોર થતાં દીપકભાઇ કહે છે કે, ‘હા, અરવિંદભાઇ મણિયાર ટ્રસ્ટનો સહકાર ન હોત તો આ મ્યુઝિયમ રાજકોટમાં બનાવવું શક્ય જ નહોતું. કેમ કે, અમે તો અહીં ઢીંગલીઓ લઇ આવ્યા. પરંતુ એ ઢીંગલીઓને ગોઠવીને રાખવા માટે આ મ્યુઝિયમ બનાવવું, સાચવવું, બધી જાળવણી કરવી એ આ ટ્રસ્ટ દ્વારા થાય છે. કહોને કે કૃષ્ણની જનેતા દેવકી કરતાં કૃષ્ણની પાલક માતા જશોદા માને બધા વધુ ઓળખે છે. કેમ કે, જશોદાએ પ્રેમભર્યા લાલન-પાલન સાથે કૃષ્ણનો ઉછેર કરેલો. એ જ રીતે અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અમારા માટે જશોદા માતા બનીને આવ્યું છે. કેમ કે, મારું વિચારબીજ અને મારું સપનું હતું કે ઢીંગલીનું મ્યુઝિયમ રાજકોટમાં આકાર લે. પરંતુ આ મ્યુઝિયમ આખું તૈયાર તો અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા થયું છે. સાથે નાગરિક બેન્કનો સહયોગ મળ્યો.’ દીપકભાઇ એક બીજી સરસ વાત કરે છે કે ‘આ મ્યુઝિયમની મુખ્ય વિશેષતા એ છે કે દુનિયાનું આ એક એવું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઇ રાજાએ, નિઝામે કે સરકારે નથી બનાવ્યું. પરંતુ લોકોએ એટલે કે આપણા જેવા સામાન્ય માણસોએ બનાવેલ મ્યુઝિયમ છે. દુનિયાભરમાં આ પહેલું જ મ્યુઝિયમ છે જે લોકશક્તિથી બનાવેલ છે.

મ્યુઝિયમની બીજી એક વિશેષતા એ છે કે, અમે જે શો-કેસમાં ઢીંગલીઓ રાખી છે એ શો-કેસની સાઇઝ અને શેઇપ અલગ છે. કેમ કે, અમે માનીએ છીએ કે દરેક બાળક યુનિક હોય છે. શો-કેસમાં મિરર રાખ્યા છે. કેમ કે, દરેક બાળકને એક આદત હોય છે. ઢીંગલીને જોઇને તેના જેવો પોતાનો ફેઇસ બનાવે છે તેથી આ મિરરમાં બાળકો જોઇ શકે અને મિરરમાં ઢીંગલીનો પાછળનો ભાગ દેખાઇ શકે, ઉપરાંત તેના કોશ્ચ્યુમ દેખાય છે. શો-કેસમાં અમે બ્લૂ કલરની લાઇનિંગ રાખેલ છે. તો બ્લૂ કલર એ ઓક્સિજનનો કલર છે તેથી અમે વિચારીએ છીએ કે આ ઓક્સિજન એ ઢીંગલીઓને મળે છે અને ઢીંગલીઓ પણ લાઇવ છે. એ રીતે આ સેટપ છે. આ ગોઠવણ એવી રાખી છે કે બાળકો ગમે ત્યાંથી કોઇ પણ શો-કેસમાં જઇને ઢીંગલી જોઇ શકે. કેમ કે, બાળકને એક ફ્રિડમ હોવી જોઇએ એવું અમે માનીએ છીએ તો જ એના જીવનમાં પ્રગતિ થતી હોય છે. તેથી આખા મ્યુઝિયમમાં અમે ફ્રી ફ્લો રાખ્યો છે. ઉપરાંત મિરરના કારણે આખા મ્યુઝિયમમાં મલ્ટિપલ ઇફેક્ટ દેખાય છે. એને કારણે દરેક બાળક મ્યુઝિયમમાં ગમે ત્યાં ઊભું રહે તો પણ સુંદર દેખાવ જોવા મળે છે. શો-કેસ સાથે અમે જે તે દેશની ઢીંગલીઓ વિશે વિગતે માહિતી આપી છે.’

મિત્રો, દીપકભાઇએ ડોલ્સ મ્યુઝિયમ વિશે વિગતમાં ખૂબ જ સરસ વાત કરી. જાણીને આપણને અનુભૂતિ થાય કે દીપકભાઇના મનમાં આવેલ ડોલ્સ મ્યુઝિયમ બનાવવાના વિચારબીજ પાછળ તેમનો અથાગ પરિશ્રમ રહેલો છે. તેમણે ખંતપૂર્વક, ધીરજ અને મનમાં ઉત્સાહ અને શ્રદ્ધા સાથે આ કાર્ય યજ્ઞનો આરંભ કર્યો હશે ત્યારે આ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું અને એક સ્વપ્ન નગરી બની શક્યું. દીપકભાઇને ચોક્કસ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ કહી શકાય.
મ્યુઝિયમમાં કામ કરતો આખો સ્ટાફ પણ મ્યુઝિયમ વિશે પોતાના સુંદર વિચાર રજૂ કરે છે એ જોઇએ…

જ્હાનવી શર્મા, જેઓ રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં અડ્મિન તરીકે ફરજ સંભાળે છે. તેઓ ડોલ્સ મ્યુઝિયમ વિશે કહે છે કે, ‘જ્યારથી હું અહીં જોઇન થઇ છું ત્યારથી મને એવું ફીલ થાય છે કે નાના બાળકોના ચહેરા પર સ્માઇલ લાવવું એ એક મોટી ગિફટ છે. તો આ ગિફટને આપણે કેવી રીતે લાવી શકીએ એ અગત્યની વાત છે. એટલે જ્યારે પણ નાના બાળકો આ મ્યુઝિયમમાં આવે છે, ડોલ્સને મલકતા ચહેરે કુતૂહલ સાથે નિહાળે છે ત્યારે એ લોકોના ખુશીભર્યા ચહેરા જોઇને ખુશી થાય છે. હું અહીં જોઉં છું કે જ્યારે પણ બાળકો અહીં મ્યુઝિયમ જોવા આવે છે ત્યારે તે લોકોના મનમાં આનંદ સાથે પ્રશ્ર્નો ઊભા થતા જોવા મળે છે કે આ ડોલ્સની સ્ટોરી શું છે? અને ડોલ્સની સ્ટોરી સાંભળતાં જેમ જેમ ઇન્વોલ્વ થતા જાય છે તેમ તેઓના ચહેરાના હાવભાવ બદલાતા જાય છે. ત્યારે તેમના સુંદર મલકાતા ચહેરા સાથે વર્લ્ડની કોઇપણ વસ્તુની તુલના શક્ય જ નથી એમ મારું માનવું છે.’

ઋતુ અજાણી ડોલ્સ મ્યુઝિયમમાં ટૂર ગાઇડ તરીકે જોબ કરે છે અને વિઝિટરને ડોલ્સ મ્યુઝિયમમાં રહેલ વિવિધ ઢીંગલીઓ વિશે વિગતમાં સમજાવે છે. ઋતુ ડોલ્સ મ્યુઝિયમમાં પોતાના કામ કરવાનો અનુભવ વર્ણવે છે.. ‘અહીં મેં ટૂર ગાઇડ તરીકે જોબ જોઇન કરી ત્યારે પહેલાં તો મારા મનમાં એવી માન્યતા હતી કે મ્યુઝિયમમાં સિમ્પલ અને સામાન્ય ઢીંગલીઓ હશે. પણ અહીં આવ્યા બાદ જાણ્યું કે અહીંયાં તો 108 દેશની અલગ અલગ વિવિધતા ધરાવતી બહુ બધી સુંદર ઢીંગલીઓ સમાયેલ છે. વિઝિટર વિશેની વાત કરું તો તેઓ આવે ત્યારે અમે તેઓને આ બધી માહિતી વિગતમાં સમજાવીએ. ત્યારે તેઓને પણ અહીં આવીને પ્લેઝન્ટ સરપ્રાઇઝ મળે છે. ખૂબ ખુશ થઇને સ્માઇલ સાથે તેઓ અહીંથી જાય છે. આ મ્યુઝિયમમાં તો જાણે આખું વિશ્ર્વ સમાયેલું છે.’

વિધિ રાજા ટિકિટ વિન્ડોમાં કામ કરે છે. વિધિ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, ‘ડોલ્સ મ્યુઝિયમ વિશે પહેલાં મેં સાંભળેલું પરંતુ અહીં જોબ જોઇન કર્યા બાદ મેં પ્રથમ વાર ડોલ્સ મ્યુઝિયમ જોયું. કેટલી બધી યુનિક, અદ્ભુત ઢીંગલીઓ જોઇ ત્યારે થયું કે આ તો બધું જાણવા જેવું અને દરેક વ્યક્તિએ જોવા જેવું છે. જે લોકોમાં નવું નવું જાણવાની, જોવાની ક્યુરીઓસિટી હોય તેમણે આ ડોલ્સ મ્યુઝિયમ જોવા જેવું છે. જ્યારે મ્યુઝિયમ જોવા આવતા લોકો ટિકિટ લેવા આવે છે ત્યારે મને પૂછે છે કે, ‘આ મ્યુઝિયમમાં ફોટોગ્રાફી કરવા જેવી ખરી કે? સામાન્ય રીતે અત્યારે ફોટોગ્રાફી તો બધા કરતા જ હોય છે તેમ છતાં ત્યારે મારો રિપ્લાય એમ જ હોય કે તમે જ્યારે વર્લ્ડ ટૂર કરો ત્યારે એ ટ્રીપ યાદગાર બની રહે તે માટે તમે ફોટોગ્રાફી કરો કે નહીં? એમ જ આ ફોટોગ્રાફી કરવા જેવી છે.’ ટૂંકમાં આ એક વૈવિધ્ય ધરાવતું મ્યુઝિયમ છે.

કીર્તિબેન રાવલ આ મ્યુઝિયમમાં ટૂર ગાઇડ તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે, ‘હું અહીં 10 વર્ષથી જોબ કરું છું. આ ડોલ્સ મ્યુઝિયમ સાથે એક હૃદયની લાગણીથી જોડાઇને મારા ગાઇડ તરીકેના કામમાં ઓતપ્રોત થઇને ઉત્સાહથી કાર્ય કરું છું. મ્યુઝિયમ જોવા આવતા દરેક વિઝિટર આ ડોલ્સ મ્યુઝિયમ વિશે તદ્દન અજાણ હોય છે ત્યારે હું માનું છું કે એક ટૂર ગાઇડ તરીકે મારે દરેક વિઝિટરને, ચાહે તે બાળક હોય કે પુખ્ત, તેઓને ખૂબ જ સરસ રીતે ઢીંગલીઓ વિશે વિગતમાં સમજાવવાનું હોય છે. પહેલેથી છેલ્લે સુધી પૂરા મ્યુઝિયમની દરેક ડોલ વિશે સંતોષ થાય તે રીતે વિઝિટરની સાથે રહીને બધી માહિતી સમજાવીને આપવાની હોય છે. દરેક ડોલ વિશે જ્યારે તેઓને નવું જાણીને આનંદ થાય છે ત્યારે તેઓ કરતાં વિશેષ આનંદ મને થતો હોય છે. અમારા અહીં બે ફલોર પરના ત્રણ-ત્રણ ખંડમાં અલગ અલગ દેશની ઢીંગલીઓ છે. અમે ઇચ્છીએ છીએ કે, વિઝિટર્સને બેઉ ફલોર પરની ઢીંગલીઓ જોઇને એમ થવું જોઇએ કે અમે વર્લ્ડ ટૂર કરીને નીકળ્યા. બાળકોનું તો શું કહેવું, કેમ કે બાળકની ખુશી જોઇને તો અમે પોતે બાળક જેવા બની જઇએ છીએે. મને આ કામમાં ખૂબ જ આનંદ મળે છે.’

મિત્રો, આ રોટરી ડોલ્સ મ્યુઝિયમ એ એક એવી જગ્યા છે કે જ્યાં આપ ઉત્સુકતા અને ઉત્સાહ સાથે સુંદર ઢીંગલીઓ સાથે ગોઠડી માંડી શકો છો, તેઓ વિશે જાણી શકો છો અને એક નવા જ્ઞાનથી સમૃદ્ધ થઇને ખુશી સાથે બહાર આવો છો.

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019