નારી શક્તિની વાત જ અનોખી છે.. અહીં આપણે દુનિયાની ખ્યાતિપ્રાપ્ત એવી મહાન નારીઓ જે અલગ અલગ સદીઓમાં જીવી ગઇ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામી છે તેવી મહિલાઓ પૈકીની કેટલીક નારી શક્તિઓની પ્રેરણાદાયક વાત કરવાની છે… આવો, તેને જાણીએ અને માણીએ…
પારૂલ સોલંકી
ઝાંસીની વિરાંગના રાણી લક્ષ્મીબાઇ… એક મર્દાની નારી હતાં. આજે પણ જો કોઇ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યું હોય તો લોકો એને તરત જ ‘ઝાંસીની રાણી’નો ખિતાબ આપીને સન્માનશે. ઝાંસી એ 18પ7ના બળવાનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતું. એટલે ચાતુરી, પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી રાણી લક્ષ્મીબાઇએ ઝાંસીની સુરક્ષા માટે બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું અને એક સ્વયં સેના પણ રચી, એમાં મહિલાઓની ભરતી કરી. તેઓને યુદ્ધની તાલીમ પણ અપાઇ. 18પ7માં પાડોશી રાજ્યોએ ઝાંસી પર હુમલો કર્યો પરંતુ રાણીએ તેઓને હરાવી દીધા. 18પ8 માર્ચમાં અંગ્રેજ સેનાએ ઝાંસીને ઘેરી લીધું અને બે અઠવાડિયાની લડાઇ બાદ એના પર કબજો કરી લીધો. પરંતુ રાણી દત્તક પુત્ર દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગવામાં સફળ રહી. અંગ્રેજ સેના સામે પોતાના મુઠ્ઠીભર બાહોશ સૈનિકો સાથે લડતી રહી અને આખરે 18 જૂન, 18પ8ના રોજ લક્ષ્મીબાઇ વિરગતિને પામી. રાણી લક્ષ્મીબાઇ વાસ્તવિક અર્થમાં એક આદર્શ વિરાંગના હતી.
શ્રીમતી ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારત દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન હતા. ઇન્દિરા ગાંધીને નાનપણથી તેઓના ઘરે પિતાને મળવા આવતા રાજકારણી નેતાઓ અને બુદ્ધિજીવીઓના સંપર્કમાં રહેવાનું બન્યું હતું. જેથી કરીને ભારતની સ્વતંત્રતા ચળચળથી સ્વાભાવિક રીતે જ તેઓ પરિચિત હતાં. 194રમાં ભારત છોડો આંદોલનમાં તેઓ જેલમાં પણ ગયા હતા. તેઓ જાન્યુઆરી, 1966માં ભારતના પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં. ઇન્દિરાજી એક કુશળ પ્રધાનમંત્રી અને રાજનીતિજ્ઞ હતાં એમાં કોઇ શંકા નથી. તેમના સમયમાં સમાજને મદદરૂપ, અભૂતપૂર્વ ઉપયોગી ઘણાં કાર્યો થયાં, જેમાંથી વિધવા પેન્શન, બેન્કોનું રાષ્ટ્રીયકરણ ઉપરાંત 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ પોતાની બાહોશી અને મુત્સદ્દીગીરીથી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અલગ કર્યું અને જીત પણ મેળવી જે એક નોંધનીય બાબત છે. સોવિયેત રૂસ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ અને અંતરિક્ષ ક્ષેત્રમાં પણ અનુસંધાન. આમ અનેક લોકોપયોગી કાર્ય તેમણે કર્યાં. તેઓની રાજનીતિ અને સૂઝબૂઝ ઘણાં નેતાઓ માટે પથ-પ્રદર્શક રહ્યા છે. લોખંડી મનોબળ ધરાવનાર એક હિંમતવાન મહિલા વડાંપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હંમેશાં લોકોને યાદ રહેઈેં.
સેવાભાવી અને કરુણાની મૂર્તિ મધર ટેરેસાનો જન્મ ર6 ઓગસ્ટ, 1910માં થયો હતો. બાળપણથી જ ટેરેસા સ્વભાવે ધાર્મિક હતાં. 18 વર્ષની ઉંમરે તેમણે લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે ઘર છોડયું. મધર ટેરેસા એ ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલબેલિયન રોમન કેથેલિક નન હતાં. તેઓએ ભારતના કોલકાતામાં ઠેક-ઠેકાણે ચેરિટી મિશનરીની સ્થાપના કરી હતી. સળંગ 4પ વર્ષ સુધી તેઓએ ગરીબ, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની સેવા કરી અને પ્રથમ ભારતભરમાં અને ત્યાર બાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડયું. 1970ના દાયકા સુધીમાં તો તેઓ માનવતાવાદી, ગરીબો અને અસહાય લોકોનાં બેલી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર બન્યું, પુસ્તક પણ લખાયું. 1979માં તેઓને શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ મળ્યું. તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે 1980માં તેમને ભારતના સર્વોચ્ચ બહુમાન ભારત રત્ન દ્વારા પણ નવાજ્યા હતા. તેમના મૃત્યુ સમયે 123 દેશોમાં આવા 610 મિશન ચાલતાં હતાં. જેમાં એચઆઇવી/એઇડ્સ, રક્તપિત્ત અને ક્ષયના રોગીઓ માટે રૂગ્ણાલય, અનાથાલયો વગેરે શરૂ થયા હતા.
સુનીતા વિલિયમ્સ એ ભારતીય મૂળ ધરાવતી અમેરિકન મહિલા અંતરીક્ષયાત્રી છે. સુનીતાનો જન્મ 19 સપ્ટેમ્બર, 196પના રોજ ઓહાયો સ્ટેટના યુક્લીડ ખાતે થયો હતો. તેમણે મેસાચ્યુસેટ્સના નીડહામ ખાતે શિક્ષણ લીધું હતું અને 1983માં સ્નાતક થયાં હતાં. 1987માં તેમણે યુએસએ નૌકાદળ તાલીમ કેન્દ્ર (યુએસ નેવલ એકેડેમી)માંથી ફિઝિકલ સાયન્સ વિષયમાં બેચલર ઓફ સાયન્સની પદવી મેળવી હતી. 199પમાં ફલોરિડા આઇટીમાંથી એેન્જિ. મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી. સુનીતાને 1987માં યુએસ નેવલ અકાદમીમાંથી નૌકાદળની કામગીરી સોંપાઇ હતી. 1989માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું. 1993માં તેઓ નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયાં. જૂન, 1998માં હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે આવેલ નાસા દ્વારા પસંદગી પામીને અવકાશ વિજ્ઞાનની તાલીમ લેવાની શરૂ કરી. બાદ નાસાના અવકાશયાત્રી તરીકે તેમને અભિયાન 14ના એક સભ્ય તરીકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની કામગીરી સોંપાઇ હતી બાદ તેઓ અભિયાન-1પમાં જોડાયાં હતાં. ‘પદ્મ વિભૂષણ’ થી સન્માનિત સુનીતા એક સ્ત્રી અવકાશ યાત્રી તરીકે અવકાશમાં સૌથી લાંબા સમય માટેની સફર (3રર દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.
વિશ્ર્વસ્તરે ખૂબ જ વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવનાર મેડોનાની અમેરિકન સિંગર, ડાન્સર, એક્ટ્રેસ અને ર0મી સદીની ટોપ લેવલની પોપ સ્ટાર તરીકે ગણના થાય છે. એક અદ્ભુત સેલ્ફ પ્રમોટર જે પોતાની ટેલેન્ટ દ્વારા સફળતાની ટોચ સુધી પહોંચી તે મેડોનાનો ઉછેર ખૂબ જ કડક માહોલમાં થયો હતો. ઇવન, બાળપણમાં પણ તેના ઉપર ખૂબ જ જવાબદારી લદાઇ હતી. 1ર વર્ષની ઉંમરે તેને લોકલ કેથોલિક હાઇસ્કૂલમાં મૂકી. ત્યાં મેડોનાએ સાબિત કરી દીધું કે એ એક હોંશિયાર વિદ્યાર્થિની છે. પરંતુ યુવાનીમાં ડગ માંડવા સાથે એ એકદમ બોલ્ડ બનવા લાગી..હોટ લુકસ, હોટ ડ્રેસિંગ. એની કરિયરની શરૂઆત મોડેલિંગ અને કોરિયોગ્રાફર તરીકે થઇ. સિંગર તરીકેની એની પહેલી કોન્સર્ટ ટૂરથી જ એ રાતોરાત ખ્યાતિ પામી ગઇ અને ત્યાર બાદ તેના ઉપરાઉપરી આલ્બમ બહાર પડતા ગયા. પ્રસિદ્ધિ મળવા સાથે એણે ટીકાઓનો પણ સામનો કરવો પડયો. 199રમાં મેડોના સફળતાની એવી ઊંચાઇએ પહોંચી કે દુનિયાભરમાં એ પ્રખ્યાત થઇ ગઇ. સિંગરની સાથે સાથે એક કોન્ફિડન્સવાળી હોંશિયાર બિઝનેસ વુમન બની ગઇ. મેડોનાએ તેના બેસ્ટ ડાન્સ, બેસ્ટ સોંગ માટે અનેક એવોર્ડ્સ મેળવ્યા છે.
ઓપ્રાહ વિન્ફ્રે એ અમેરિકાના પ્રથમ મહિલા ટેલિવિઝન હોસ્ટ તરીકે વિશ્ર્વસ્તરે પ્રખ્યાત છે. શો બિઝનેસ ટીવી પ્રસ્તુતકર્તા ઓપ્રાહ વિન્ફ્રેએ સ્ટાર નંબર વનને ટેલિવિઝન પર નાણાં બનાવવા અને લોકપ્રિયતા અંગેના તમામ રેકોર્ડ તોડયા. આજે લાખો ટીવી દર્શકો પ્રશંસા સાથે આ સંપૂર્ણ આફ્રિકન-અમેરિકન મહિલાની પ્રશંસા કરે છે. એક ડાયનેમિક શો હોસ્ટ કર્યો અને પ્રસિદ્ધિ પામ્યાં. તેઓની ગેસ્ટ અને ઓડિયન્સ સાથે વાર્તાલાપ કરવાની એક નેચરલ સ્ટાઇલ ખૂબ લોકપ્રિય બનેલી. પ્રસિદ્ધિની આ ઊંચાઇએ પહોંચેલ ઓપ્રાહનું બાળપણ ખૂબ મુશ્કેલભર્યું હતું. પણ ત્યાર બાદ તેમના જીવનમાં એક સરસ ટર્નિંગ પોઇન્ટ આવ્યો. બીઝેડ ટીવીમાં ગ્રેજ્યુએટનું એજ્યુકેશન લીધું. કરિયરની શરૂઆત એક મોર્નિંગ ટોક શોથી કરી તેઓ પોતાના આ ફેમસ ટોક શો સુધી પહોંચ્યાં. તેમણે આ માટે કેટલાક એવોર્ડ્સ પણ મેળવ્યા. તે દાન પણ એટલું જ કરે છે. ગ્લીશ મૂવીઝ, મ્યુઝિક અને ટેલિવિઝન સ્ટારને પોતાના શોમાં ચમકાવનાર ‘ઓપ્રાહ વિન્ફ્રે શો’ને તેના 13,000 ચાહકોએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે વિદાય આપી હતી.
રાણી કલીયોપેટ્રાનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. તેનું સૌંદર્ય અને તેની રાજ ચલાવવાની કુશળતાને લીધે તે દુનિયામાં ખૂબ જાણીતી છે. ઇજિપ્તમાં ટોલેમી વંશની તે છેલ્લી રાણી હતી. તેનું આખું નામ કલીયોપેટ્રા-7 ફિલોપેટર હતું. કલીયોપેટ્રા એ ગ્રીક નામ છે. તેનો જન્મ ઇ.સ. પૂર્વે 69માં એટલે કે ર08પ વર્ષ પહેલાં ઇજિપ્તમાં થયો હતો. તે વખતે ઇજિપ્તમાં તેના પિતા ટોલેમી-1ર ઓલેટસનું રાજ ચાલતું હતું. ટોલેમીઓ મેસેડોનિયન ગ્રીક કુટુંબના (એલેકઝાન્ડર ધ ગ્રેટના વંશજો) હતા અને ગ્રીક ભાષા બોલતા. પણ કલીયોપેટ્રાએ ઇજિપ્તની ભાષા શીખી હતી. તે ઇજિપ્તની દેવી આઇસીસની પૂજા પણ કરતી. તેની માતાનું નામ કલીયોપેટ્રા-પ હતું. ઇજિપ્તમાં એવો વિચિત્ર રિવાજ હતો કે રાજા પોતાની બહેનને જ પરણતો. કલીયોપેટ્રા શરૂમાં તેના પિતા જોડે રાજ્ય સંભળાતી પછી તે તેના ભાઇઓ ટોલેમી-13 અને ટોલેમી-14 જોડે રાજ સંભાળવા લાગી. રિવાજ મુજબ તેણે તેના આ બંને ભાઇઓ જોડે લગ્ન કર્યા. પણ તેમને બાળકો ન હતાં. તેને ભાઇઓ જોડે બહુ ફાવ્યું નહીં. આથી તે સ્વતંત્ર રીતે રાજ કરવા લાગી. એવામાં તેને જુલિયસ સીઝર જોડે પરિચય થયો. સીઝર રોમન યોદ્ધો અને શાસક હતો. કલીયોપેટ્રા સીઝરને ઇ.સ. પૂર્વે 48માં પહેલીવાર મળી ત્યારે તે ર1 વર્ષની અને સીઝર પર વર્ષનો હતો. છતાં પ્રેમ થતાં તેણે સીઝર સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર પણ થયો. ઇ.સ. પૂર્વે 44માં સીઝરનું ખૂન થયું. ત્યાર પછી કલીયોપેટ્રાએ રોમના શાસક માર્ક એન્ટોની જોડે સંબંધ રાખ્યો. તેમાં તેને બે દીકરીઓ તથા એક દીકરો થયા. એન્ટોનીએ એક યુદ્ધમાં હારવાથી આપઘાત કરતાં કલીયોપેટ્રાએ પણ રિવાજ મુજબ પોતાની જાતને સર્પદંશ દઇ આપઘાત કર્યો. ક્લીયોપેટ્રાની સુંદરતા અને જીવન અંગેની ઘણી કિવંદતીઓ હજુ પણ લોકપ્રિય છે.
ઇન્દ્રા નૂઇને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતીક રૂપે જોવામાં આવે છે. અમેરિકાના મુખ્ય મહિલા સીઇઓમાંથી તે એક ગણાય છે. ભારતીય મૂળના ઇન્દ્રા રિસેપ્શનિસ્ટમાંથી પેપ્સિકોના સીઇઓ બન્યા છે. 19પપમાં ચેન્નાઇમાં તામિલ પરિવારમાં જન્મેલા ઇન્દ્રા કૃષ્ણમૂર્તિ નૂઇ અમેરિકામાં વસે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ એક્ઝિ. તરીકે એમનું નામ દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં ગણાય છે. મદ્રાસમાં ગ્રેજ્યુએટ અને કોલકાતામાંથી એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ પૂરું કરનાર ઇન્દ્રાએ અમેરિકા જઇને યેલ યુનિ.માંથી પબ્લિક અને પ્રાઇવેટ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ હાંસલ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરનાર ઇન્દ્રા પેપ્સિકો કંપનીના ચેરવુમન અને ચીફ એક્ઝિ. ઓફિસર છે. ર016ના આંકડા અનુસાર એમનો વાર્ષિક પગાર આશરે 3 કરોડ ડૉલર છે. વિદેશમાં મળેલી આ સફળતા વિશે તેઓ કહે છે, તમે ત્યાંના માહોલમાં એડજસ્ટ થાવ એ સૌથી વધુ જરૂરી છે. કોલ્ડડ્રિંક્સ અને ફૂડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સિકોમાં સતત 1ર વર્ષ સુધી સીઇઓ તરીકે રહ્યા બાદ ઓક્ટોબરમાં રાજીનામું આપનાર ઇન્દ્રાને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતીકરૂપે જોવામાં આવે છે.
પ્રિન્સેસ ડાયેના એક એવી માનવતાવાદી સ્ત્રી હતી કે જે કેરિંગ અને લવિંગ હાર્ટ ધરાવતી હતી. જરૂરિયાતમંદો માટે તે એક મદદગાર વ્યક્તિ હતી. પ્રિન્સેસ ડાયેનાના અકાળ અને કરુણ મૃત્યુને બે દાયકા થવા છતાં તેમની લોકપ્રિયતા અપાર રહી છે. 31 ઓગસ્ટે પ્રિન્સેસના મૃત્યુની વરસીના દિવસે શુભેચ્છકો અને શોકાતુરો તેમને પુષ્પો, બેનર્સ અને કાર્ડ દ્વારા શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે દર વર્ષે તેના વેસ્ટ લંડન નિવાસની દક્ષિણે ધ ગોલ્ડન ગેટ્સ ખાતે ખાસ વ્યવસ્થા કરાય છે. આ જ સ્થળે ર1 વર્ષ અગાઉ પુષ્પો અને કાર્ડસના ડુંગરો છવાઇ ગયા હતા. ડયુક ઓફ કેમ્બ્રિજ અને પ્રિન્સ હેરી પણ આ જ પેલેસમાં રહે છે. બ્રિટિશ શાહી પરિવારમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારાં ડાયેનાનો જન્મ 1 જુલાઇ, 1961ના દિવસે ડાયેના સ્પેન્સર તરીકે થયો હતો. 197પમાં તેમના પિતાને વારસામાં અર્લ સ્પેન્સરનું ટાઇટલ મળ્યા પછી તેઓ લેડી ડાયેના સ્પેન્સર તરીકે ઓળખાતાં હતાં. તેમના લગ્ન બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ સાથે ર9 જુલાઇ, 1981એ થયાં હતાં. આ લગ્નજીવનમાં તેઓ બે સંતાન પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીની માતા બન્યાં હતાં. જો કે, ડાયેના અને ચાર્લ્સનું લગ્નજીવન ભાંગી પડયું હતું અને ડિસેમ્બર, 199રમાં તેઓ અલગ થયાંની જાહેરાત બ્રિટિશ પાર્લામેન્ટમાં કરાઇ હતી. આખરે, 1996માં તેમના ડાઇવોર્સ પણ થઇ ગયાં હતાં. 1997માં પેરિસમાં એક કાર અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે પ્રિન્સેસ ડાયનાએ માત્ર 36 વર્ષની વયે ફાની દુનિયાનો ત્યાગ કર્યો હતો. વ્યાપક લોકપ્રિયતા અને વૈશ્ર્વિક માનવતાવાદી કાર્યોના પરિણામે તેઓ લોકોમાં ‘પીપલ્સ પ્રિન્સેસ’ તરીકે પણ ઓળખાતાં હતાં.
મેરેલીન મનરો નામ યાદ કરતાં જ એક અપ્રતિમ સૌંદર્યમૂર્તિ દૃશ્યમાન થઇ જાય. કોઇ અભિનેત્રીને લોકો વરસો સુધી યાદ કરે તે અમરત્વ છે. હોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ આવી, પરંતુ મેરેલીન કક્ષાનું સૌંદર્ય અને એના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઇનું હશે. લોકોને હજુ એનું એટલું જ ઘેલું છે. મેરેલીનના કેટલાક વસ્ત્રાની લીલામી યોજાઇ ત્યારે એને ખરીદવા માટે પડાપડી થઇ હતી. મેરેલીને જેટલી ઝડપથી ડીમેગીઓ સાથે લગ્ન કર્યા હતા એટલી જ ઉતાવળથી છૂટાછેડા પણ લઇ લીધા હતા. આવો એક બીજો પણ ઐતિહાસિક પ્રસંગ છે. મેરેલીન એ વખતના વિશ્ર્વના સૌથી શક્તિશાળી રાજકારણી અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ.કેનેડીના ભરપૂર પ્રેમમાં હતી. બંને વચ્ચે છેક 19પ4થી પ્રણયસંબંધ બંધાયો હતો. ત્યારે કેનેડી માત્ર સેનેટર હતા. આ સંબંધ તેઓ પ્રેસિડેન્ટ થયા ત્યાં સુધી એટલે કે 196ર સુધી ચાલ્યો હતો. વ્હાઇટ હાઉસમાં બધાને આ સંબંધોની ખબર પડી ગઇ હતી. કેનેડીની પોતાની પ્રતિષ્ઠા જાળવવા હવે મેરેલીનને ટાળતા હતા. મેરેલીન કેનેડી વિના રહી શકતી નહોતી. અંતે ભગ્ન મેરેલીન એક રાત્રે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇને ચીર નિદ્રામાં પોઢી ગઇ હતી. મેરેલીનના જીવનની કારકિર્દી અત્યંત ટૂંકી હતી.