સાહજિક, મોજિલા, ઉત્સાહી અને કામને સંપૂર્ણપણે સમર્પિત એવા અદાકારા સુજાતા મહેતા

સાહજિક, મોજિલા, ઉત્સાહી અને કામને સંપૂર્ણપણે સમર્પિત એવા અદાકારા સુજાતા મહેતા

- in Shakti
2208
Comments Off on સાહજિક, મોજિલા, ઉત્સાહી અને કામને સંપૂર્ણપણે સમર્પિત એવા અદાકારા સુજાતા મહેતા

ચિત્કાર નાટક અને સુજાતા મહેતા એકમેકનાં એવા પર્યાય બની ચૂકયાં છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. મનોરોગીનાં પાત્રને તેમણે અદ્દલ એ રીતે ભજવ્યું કે દર્શક ભૂલી જાય કે સામે અભિનેત્રી છે કે સાચ્ચે કોઇ મનોરોગી સ્ત્રી. જો કે, પાત્રનો અંચળો ઉતારીને એ તમારી સામે આવે ત્યારે એ જ સાહજિક, મોજિલા, ઉત્સાહી અને સંપૂર્ણપણે કામને સમર્પિત એવા અદના અદાકારા છે સુજાતા મહેતા. કલાકાર જ્યારે પાત્રમાં ઓતપ્રોત થઇ જાય ત્યારે સુજાતા મહેતા જેવી સફળતા પામે છે. સફળતાનાં ઉચ્ચ શિખરે બિરાજતાં સુજાતા મહેતાએ બાળનાટકો દ્વારા રંગમંચ પર પ્રતિભાશાળી પ્રવેશ કરી લીધો હતો. ત્યારબાદ તો ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘પેરેલિસિસ’માં, દૂરદર્શનનાં ટીવી નાટકોમાં તેમજ પ્રવીણ જોશીનાં આઇએનટીમાં પણ યાદગાર અભિનય આપ્યો હતો. ‘તો જેનાં 800 જેટલા શો થઇ ચૂકયા છે તેવા ‘ચિત્કાર’ નાટકનો તેમનો અભિનય ચિરકાલીન અને સ્મરણીય બની રહ્યો. ઉપરાંત દૂરદર્શનની શરદબાબુની ‘શ્રીકાંત’ નવલકથા પર આધારિત શ્રેણીમાં રાજલક્ષ્મીનું અવિસ્મરણીય પાત્ર તેમણે ભજવ્યું હતું. તો હિન્દી ફિલ્મ પ્રતિઘાતની તેમની ભૂમિકા આજેય વખણાય છે. તેમના નાટક પરથી જ બનેલી ગુજરાતી ફિલ્મ ચિત્કાર રજૂ થઇ છે ત્યારે તેમણે ફીલિંગ્સ સાથે તેમની આ અભિનય યાત્રાની ગોષ્ઠિ મોકળા મને કરી હતી.

* આપના જન્મ તેમજ બાળપણ અને ઉછેરને લગતા કેવા સંસ્મરણો છે?
– મારો જન્મ મોસાળ નવસારીમાં થયો ને ઉછેર તેમજ અભ્યાસ મુંબઇ. જો કે મુંબઇથી હું દર વેકેશનમાં નવસારી જતી હતી. મુંબઇમાં મારો શાળાનો અભ્યાસ સહકારી વિદ્યામંદિરમાં થયો હતો. કારણકે, મારા પિતા સ્વાતંત્ર્યસેનાની હતા. તેઓ ઇચ્છતા હતા કે હું ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરું. મારા પિતા પ્રહલાદ મહેતા અને માતા રેખા મહેતાએ મારા ઉછેરમાં કોઇ ઊણપ નહોતી રાખી. તેથી જ કદાચ હું જીવનમાં દરેક પડકારને પહોંચી વળવા સજ્જ થઇ. કોલેજની વાત કરું તો મુંબઇની જયહિન્દ કોલેજમાંથી મારો કોલેજનો અભ્યાસ મેં પૂર્ણ કર્યો.

* અભિનય ક્ષેત્રમાં કામ કરવાની પ્રથમ તક ક્યારે મળી?
– આમ તો કહેવાય કે આ તક મને નાનપણમાં જ મળી ગઇ. મને ગાયન, ડાન્સ અને ગરબાનો ઘણો શોખ હતો અને મારા કાકા તથા કાકી નાટયક્ષેત્રમાં હતા. આથી મને પ્રથમ બ્રેક અપાવનાર મારા કાકા જ હતા. મેં ઘણા બાળનાટકોમાં કામ કર્યું છે. મેં આંખની અટારી સાવ સૂની નાટકમાં કામ કર્યું. અને કોલેજમાં આવ્યા બાદ મેં આઇએનટી જેવી પ્રખ્યાત સંસ્થામાંથી નાટકની તાલીમ પણ લીધી. બસ તે પછી મારી નાટયસફર સડસડાટ ચાલી. ‘અમે બરફના પંખી’ એ મારું નાટક ખૂબ પ્રખ્યાત થયું હતું. કોલેજ દરમિયાન પણ આંતર કોલેજ સ્પર્ધામાં હું સતત સક્રિય રહેતી હતી.

* ‘ચિત્કાર’ સાથે કેવી રીતે જોડાયા?
– હું નાટકોમાં કામ કરતી હતી તે દરમિયાન મેં એક પ્રયોગાત્મક નાટકમાં કામ કર્યું હતું. તે નાટક હતું રાફડા. આ નાટક એકદમ પ્રયોગાત્મક હતું, જે સફળ ના રહ્યું, પણ મારા અભિનયની ઘણી પ્રશંસા થઇ. એ નાટકનાં શો બાદ એક ભાઇ મને મળવા આવ્યા અને મારા અભિનયનાં વખાણ કરતાં કહ્યું કે, ‘તારી સાથે એક સરસ મજાનું નાટક કરવું છે. જેને હું પ્રોડયુસ કરીશ.’ આ જ વાત મેં મારા મિત્ર વર્તુળ અને સ્વજનોને પણ જણાવી. તેમાં મારા મિત્રો સામેલ હતા. તેમાંનાં એક લતેશ શાહ જેઓ તે સમયે મનોરોગીની હોસ્પિટલનાં કામ સાથે જોડાયેલા હતા. તે લોકોનાં સંપર્કમાં રહીને ચિત્કારનો ફણગો ફૂટ્યો. જે લોકો સ્ક્રીઝોફેનિક હોય છે તેમની વેદના, તડપ આ બધું મારે ચિત્કારમાં ઠાલવવાનું હતું. બસ તે પછી સફર શરૂ થઇ ચિત્કારનાં શોની અને લેખક દિગ્દર્શક લતેશ શાહ તેમજ મારા અભિનય તથા સાથીદારોનાં કારણે તે 800 જેટલા શોના આંકડે પહોંચી ગઇ. જે શો સાથે જોડાયેલા તમામ લોકો માટે આનંદની વાત હતી. મારા માટે આ નાટક એટલા માટે ખાસ બની રહ્યું, કારણ કે, અન્ય પાત્રો બદલાતા રહ્યા પરંતુ મારું પાત્ર ન બદલાયું. આ નાટકને ફિલ્મમાં રૂપાંતરિત કરવા અમને ઘણા પ્રસ્તાવ મળ્યા હતા. પરંતુ લતેશ એ બાબતે કટિબદ્ધ હતા કે ચિત્કાર ફિલ્મમાં પણ મૂળ પાત્ર તો સુજાતા જ કરશે. અને હવે લોકો ફિલ્મ થકી આ એક અલગ જ વિષયને નિહાળી શકશે.

* નાટકનાં પ્રથમ શોથી અત્યાર સુધી ચિત્કાર માટે કેવી તૈયારીઓ કરી?
– મેં કોઇ તૈયારીઓ નહોતી કરી. મારા ડિરેકટર કહે તે પ્રમાણે હું અભિનય કરતી હતી અને મને અભિનય કરતાં કરતાં સમજાયું કે મનોરોગી અને સામાન્ય માણસમાં એક પાતળી ભેદરેખા હોય છે. હું સતત લોકોનું અવલોકન કર્યા કરતી હતી અને બસ આ જ અવલોકન મારા પાત્રમાં પ્રાણ પૂરતું રહ્યું છે.

* આ ક્ષેત્રમાં આવવું અને ટકી રહેવું કેટલું સંઘર્ષમય રહ્યું?
– સંઘર્ષ તો હતો. મારા પપ્પા ઇચ્છતા હતા કે હું ડોકટર કે એન્જિનિયર બનું. પરંતુ મારી ડેસ્ટિની કંઇક અલગ જ હતી. મારી મમ્મી મારા માટે મોટી સપોર્ટ સિસ્ટમ હતી. અને સંઘર્ષની વાત કહું તો મારા કાકા-કાકી આ ક્ષેત્રમાં હોવાને લીધે મને નાટ્યક્ષેત્રમાં આવવામાં સરળતા રહી અને અભિનય તો ગૉડ ગિફટેડ હતો. જોકે મારે બીજા ઘણા પડકારનો સામનો કરવો પડયો. જેમ કે કાસ્ટિંગ કાઉચ. ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ હોય છે પરંતુ હું તેવા કોઇ સંજોગોને તાબે થઇ નહોતી. આથી મને જે સ્થાન મળવું જોઇએ તે સફળતાનું શિખર મને મોડું પ્રાપ્ત થયું. પરંતુ મને તે બાબતનો ગર્વ છે. કારણકે, મારી સફળતા મારી પોતાની છે. કોઇ સમાધાનથી મળેલી નહીં.

* આજે દરેક ક્ષેત્રે સ્ત્રીઓ અગ્રેસર છે તે જોઇ આપ કેવી લાગણી અનુભવો છો?
– સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓને આગળ વધતી જોઇ ઘણો આનંદ થાય છે. જો કે, હજી પણ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રીઓની જે દશા છે તેમાં સુધારો આવે તે ઘણું જરૂરી છે. આપણે શહેરી જીવનમાં જે રીતે સ્ત્રીઓને, યુવતીઓને જોઇએ છે તેની સામે ગ્રામીણ ક્ષેત્રની સ્ત્રીઓ અને તેમના વિકાસને હજી પણ અવકાશ છે.

* આટલી લાંબી અભિનય યાત્રા દરમિયાન ઘણા યાદગાર પ્રસંગો બન્યા હશે, વાચકો સાથે આમાંથી કોઇ શેર કરશો?
– અત્યાર સુધી એવા ઘણા પ્રસંગો બન્યા છે જે આલેખવા અહીં પાના ઓછા પડે. તેમ છતાં એક બે પ્રસંગની વાત કરું તો એક સમયે અમારો શો કેનેડાના ટોરેન્ટોમાં હતો. તે સમયે અમારી ફલાઇટ બે કલાક મોડી હતી. અહીં દર્શકો સમયનાં ખૂબ ચોક્કસ હોય છે. તેમ છતાં દર્શકો અમારી રાહ જોઇને બેસી રહ્યા અને અમે ફલાઇટ લેન્ડ થતાં તુરંત અમારા શોનાં સ્થળે પહોંચીને શો કમ્પ્લિટ કર્યો હતો. તો બીજી એક ઘટના સુરતની છે. તે સમયે અમારો શો સુરતના ટેક્સ પલાઝોમાં હતો ત્યારે અમારો સામાન મુંબઇથી ટ્રકમાં આવતો હતો. અમે અમારા આઉટફિટ્સ, જ્વેલરી વગેરેની રાહ જોઇને બેઠા હતા અને છેવટે અમે પારકા વસ્ત્રો અને વસ્તુ દ્વારા શો કર્યો. કારણકે, કલાકારો એક જ વસ્તુને અનુસરે છે ‘શો મસ્ટ ગો ઓન’. જોકે જે શોમાં અમને આવી તકલીફો પડી તે શો સૌથી સરસ રહ્યા હતા.

* કોઇ ચોક્કસ જીવનમંત્રને અનુસરીને ચાલો છો?
– હા, આ ઘણો સરસ પ્રશ્ર્ન છે. મારો જીવનમંત્ર એ છે કે કોઇપણ કાર્ય અપૂર્ણ ન રાખવું. દરેક કામ નાનું હોય કે મોટું. વ્યક્તિ નાની હોય કે મોટી તેની સાથે કરેલા કમિટમેન્ટ પૂરા કરવા જોઇએ. એટલે મારો તો સરળ મંત્ર છે કે કોઇ કામ ઇનકમ્પ્લીટ ન રાખો.

* યુવતીઓ અને મહિલાઓ માટે શું સંદેશ આપવા માગો છો?
– મારો સંદેઈં એ જ છે કે કોઇ કાર્ય અપૂર્ણ ન રાખો અને પડકારોનો સામનો કરીને સતત આગળ વધતાં શીખો.

Facebook Comments

You may also like

UMBARRO- Gujarati movie special screening by IGSCA Atlanta-USA

IGSCA-International Gujarati Cultural Society Atlanta, USA is committed