તો સ્વાભાવિક છે કે, સેલિબ્રિટિઝની કોઇપણ વાત હોય એ સીધી તેના ફેન્સની લાગણી સાથે જોડાય છે. ચાહે એ તેની કોઇ પર્સનલ વાત હોય કે કોઇ તહેવારની ઉજવણીની વાત હોય… ફેન્સને તેની એ ગમતી સેલિબ્રિટિઝની વાતો જાણવાની ઉત્સુકતા રહે જ છે. દિવાળી આવી રહી છે ત્યારે આ ફેન્સ પોતાના ફેવરિટ કલાકારો આ તહેવાર કેવી રીતે ઉજવે છે તે જાણવા આતુર છે. તો આવો, ફીલિંગ્સ થકી જાણીએ આવી સેલિબ્રિટિઝની સેલિબ્રેશનની વાતો…
આ વર્ષે હું મનભરીને મીઠાઇ ખાવાનો છું
– મલ્હાર ઠાકર (એક્ટર)
આ વર્ષે મારા માટે દિવાળી થોડી વધારે સ્પેશિયલ છે. કારણ કે, આ વર્ષે દિવાળીના થોડાં સમય પહેલાં જ મારી ફિલ્મ આવી રહી છે અને હું ખૂબ એક્સાઇટેડ છું દિવાળી પર તેની સક્સેસ માણવા માટે. આ વર્ષે હું ફટાકડા ફોડવાનો નથી. પ્રદૂષણ, કોઇને ઇન્જરી કે નુકસાન ન થાય એ વાતનું ધ્યાન દરેક નાગરિકે રાખવું જોઇએ. દર વર્ષે હું મીઠાઇ નથી ખાતો પણ આ વર્ષે હું મનભરીને મીઠાઇઓ ખાવાનો છું. મારા કુળદેવીએ દર્શન કરવા પણ પરિવાર સાથે જઇશ. હું દર વર્ષે દિવાળીમાં નવી ફિલ્મની રાહ જોતો હોઉં છું અને ફિલ્મો જોવા જતો હોઉં છું. સાથે સાથે આ વર્ષે હું સારી ફિલ્મોના મુહૂર્ત પણ કરી રહ્યો છું. મારા જૂના મિત્રોને મળીને તેમની સાથે બહાર જમવા જવાનો અને ગેટ ટુ ગેધર કરવાનો મારો પ્લાન છે. મારા ગામનું પ્રખ્યાત મગદળ અને મને ભાવતી કાજુકતરી બંનેની આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. દિવાળી સાથે જોડાયેલા ખાસ પ્રસંગની વાત કરું તો ગયા વર્ષે 4 નવેમ્બરે દિવાળીના બે દિવસ પછી મારી ફિલ્મ ‘પાસપોર્ટ’ રીલિઝ થઇ હતી. બિગ બજેટની ફિલ્મો સાથે આપણી ગુજરાતી અને મારી ફિલ્મ પણ રીલિઝ થાય એ મારા માટે ખૂબ યાદગાર ક્ષણ હતી. હું એવું ઇચ્છું છું કે દર વર્ષે મારી એક ફિલ્મ તો દિવાળી પર મારા ફેન્સ અને ગુજરાતી માટે રીલિઝ થાય. હું ઇચ્છું છું કે, ગુજરાતી ફિલ્મોને જે રીતે આવકાર મળી રહ્યો છે તે અકબંધ રહે. હું લોકોને એટલું જ કહીશ કે પરિવાર સાથે ઉત્સાહ અને સલામતીપૂર્વક દિવાળી ઉજવો…
રોજિંદી જિંદગીમાં રંગ ભરવાનો ઉત્સવ એટલે દિવાળી
– સંજય છેલ (ફિલ્મ રાઇટર, ડિરેકટર, ગીતકાર, કોલમિસ્ટ)
દિવાળી એટલે મારા માટે મીઠાઇનો, ખાણી-પીણીનો ઉત્સવ..બોરિંગ કે રોજિંદી જિંદગીમાં રંગ ભરવાનો ઉત્સવ. નવરાત્રિ અને દિવાળી એ ઇન્દ્રધનુષના રંગો જેવા તહેવારો છે જે આપણા જીવનને ઉત્સાહ, ઉમંગ અને આનંદથી ભરી દે છે. આખું વર્ષ તેની પોઝિટિવ એનર્જી આપણામાં રહે છે. દિવાળીમાં ખાણી-પીણીની પણ આગવી મજા છે. ક્ધટ્રોલ ડાયેટ છોડીને સંપૂર્ણ શરીર-પેટને રંગોથી ભરી દઇએ છીએ. દિવાળીમાં હું કેનવાસ પેઇન્ટિંગની રંગોળી કરું છું અને એ કરવામાં મને ખૂબ મજા આવે છે. સાથે સાથે દિવાળીના અંકો વાંચવા ખૂબ ગમે છે. દિવાળી દરમિયાન સગાસંબંધીઓના ઘરે બેસવા જવાનું તો નિયમિત રીતે થાય છે. મુંબઇ જેવા શહેરો, મેટ્રો કે મેગા સિટીમાં દિવાળીની ઉજવણીમાં સમય પ્રમાણે પરિવર્તનો આવ્યા છે. ઝાકમઝાળ, શોપિંગ, પાર્ટીઓ ઓનલાઇન ગ્રીટિંગ્સ વગેરે વધારે જોવા મળે છે, પરંતુ ગામડાઓમાં, નાના શહેરોમાં હજુ પણ પરંપરાગત રીતરિવાજો યથાવત્ છે અને તે રીતે જ દિવાળીની ઉજવણી થાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે એટલે સમય સાથે બધું બદલાય છે તેનો કોઇ ઉપાય પણ નથી. પહેલાં મારી ફિલ્મો દિવાળી પર રીલિઝ થતી એટલે એનું એક્સાઇટમેન્ટ ખૂબ જ રહેતું હતું, દિવાળી નિમિત્તે મારો એક જ સંદેશો છે કે પોલ્યુશન ઓછું કરો, પરિવારજનો, મિત્રો, સંબંધીઓ સાથે આનંદ માણો….
દિવાળી છે આનંદ-ઉત્સાહનું પર્વ
– અપરા મહેતા (એક્ટ્રેસ)
દિવાળી સૌથી મોટું પર્વ છે. કોઇપણ ઉંમરની વ્યક્તિ માટે દિવાળી આનંદ અને ઉત્સાહની રેલમછેલ લઇને આવે છે. દશેરાથી જ દરેક વ્યક્તિ મનથી તૈયાર થઇ જાય છે દિવાળીની ઉજવણી માટે. મોટા ભાગે હું શૂટિંગમાં વ્યસ્ત રહેતી હોઉં છું પણ દિવાળીના ત્રણ દિવસ હું રજાઓ લઇ મનભરીને દિવાળી ઉજવું છું. મુંબઇમાં દિવાળીનો દિવસ ધામધૂમથી ઉજવાય છે પરંતુ બેસતું વર્ષ કે ભાઇબીજના દિવસનું મહત્ત્વ પ્રમાણમાં ઓછું હોય છે. મને ઘણાં કહે કે નવા વર્ષે તો તમારે ખૂબ કામ કરવું જોઇએ.. તો હું કહું, ના. અમે નવા વર્ષે કામની શરૂઆત નથી કરતા. ધનતેરસ પહેલાં મારા ઘરે સાફ-સફાઇ અને નાસ્તાઓ બની જ જાય. મારા જેઠ-જેઠાણી અને પરિવારના સદસ્યો મળી સાથે જમતાં હોઇએ છીએ. મારી દીકરીની પાંચ બહેનપણી છે જે ગુજરાતી નથી. તેઓ અમારા ઘરે જમવા આવે છે. મને રંગોળી બનાવવાની ખૂબ મજા આવે છે પણ મુંબઇમાં હું ફૂલોની રંગોળી બનાવું છું. દિવાળીમાં હું મારા ક્લીગ્સને મળતી નથી. દિવાળી હું ફક્ત પરિવાર જોડે જ ઉજવું છું. હું નાની હતી ત્યારે દિવાળી દરમિયાન અમારા ઘરે કાકા-કાકી, ફોઇ-ફુઆ બધા ભેગા મળીએ છીએ અને એ વખતે પહેલાં મહારાજ આવે અને ચોકમાં ચૂલો બનાવી બહુ બધા નાસ્તાઓ બનાવે. બધા ભેગા મળીને દિવાળી ઉજવતા. અડધી રાત સુધી ફટાકડા ફોડયા હોય પછી ઊઠવાનું હોય એ બધું મને કાયમ યાદ આવે છે. હવે એવું નથી રહ્યું ત્યારે ઘણીવાર મને થાય કે મારી દીકરીએ આવું કંઇ જ નથી જોયું. લક્ષ્મીપૂજન કરવું ખૂબ જ ગમે છે. મિત્રો, વર્ષમાં એક જ વાર દિવાળી આવે છે તો તેને આનંદ, ઉત્સાહથી પોતાના લોકો સાથે મનાવો.
દિવાળી એ મારા માટે તો ફેમિલી ટાઇમ છે
– આરોહી પટેલ (એક્ટ્રેસ)
મારા માટે દિવાળી સૌથી મોટો તહેવાર છે. મારા જીવનની એક યાદગાર પળો એટલે દિવાળી. અમે આખું ફેમિલી સાથે મળીને આ તહેવાર ઉજવીએ છીએ. મારા માટે દિવાળી ફેમિલી ટાઇમ છે. જેમાં બધા ઘરે આવે, પૂજાપાઠ અને મસ્તી-મજા કરીએ. દિવાળી આવવાના અઠવાડિયા પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. હું, મારી બહેન લાઇટ્સના વિવિધ લેમ્પ જાતે બનાવીએ. દિવાળીમાં અમે બહાર ફરવા જઇએ, સાથે ડિનર કરવા જઇએ. મને સૌથી વધારે ચોળાફળી અને મીઠાઇઓ ખાવાની ખૂબ મજા આવે જે ઘરે બનેલ હોય. એટલે જ હું દિવાળીની આતુરતાથી રાહ જોતી હોઉં છું. હું દર વર્ષે રંગોળી બનાવું છું. મને ફટાકડા ફાડવાની મજા આવે છે. મારા માટે નાનપણથી આ ઉત્સવ મારા ઘર માટે, ફેમિલી માટેનો સમય છે. બહાર ફરવા જવું ઓછું ગમે. દિવાળી સાથે સંકળાયેલી મારી ખાસ યાદ છે બટરફ્લાય ફટાકડો.. નાનપણથી જ મને ફટાકડા ફોડવા ખૂબ ગમે. તે વખતે બટરફલાય કરીને એક ફટાકડો આવતો જેે ગમે તે જગ્યાએ ઊડતો. એકવાર જ્યાં બીજા ફટાકડા હતા ત્યાં આવીને એ ઊડવા લાગ્યું. અમે ત્યારે ખૂબ ગભરાઇ ગયા હતા. ત્યારથી મને એ ફટાકડાથી ખૂબ બીક લાગે છે. જ્યારે પણ આવે તો હું આજેય મારા ઘરમાં જઇ સંતાઇ જાઉં છું. દિવાળીની આવી આગવી પરંપરા જળવાઇ રહે અને આજની યંગ જનરેશન તેનું મહત્ત્વ સમજી પોતાની સંસ્કૃતિને ધબકતી રાખે તે જરૂરી છે.
દિવાળીમાં પરિવાર સાથે રહેવું ખૂબ ગમે
– દેવેન ભોજાણી(એક્ટર)
દિવાળી હિન્દુ ધર્મ સંસ્કૃતિનો સૌથી સારામાં સારો અને પવિત્ર તહેવાર છે. નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે અમે ઘરમાં ચોપડા પૂજન કરીએ છીએ. દિવાળીમાં અમારે ત્યાં નવી નવી વાનગીઓ, મીઠાઇ અને ફરસાણ બને છે. મને ફટાકડા ફોડવા નથી ગમતા એટલે હું તેનાથી દૂર રહું છું. મોટાભાગે અમારું મિત્રોનું ગ્રૂપ છે તો અમે સૌ સાથે મળીને ડિનર કરીએ છીએ અથવા તો બહાર ફરવા જઇએે. મોટાભાગે દિવાળીના થોડાં સમય પહેલાં જ ઘરની સાફ-સફાઇની શરૂઆત થઇ જાય અને ઘરમાં નાસ્તાઓ બનવાના શરૂ થઇ જાય. મારો પહેલેથી એક નિયમ છે કે મારું કબાટ હું પોતે જ સાફ કરીને ગોઠવું છું. દિવાળીમાં મને મારા પરિવાર સાથે સમય ગાળવો સૌથી વધારે ગમે છે. અમે સાથે બેસીને જૂના વીડિયો જોઇને યાદોને વાગોળીએ છીએ. મને મીઠાઇઓ ઓછી ભાવે છે પણ ફરસાણ ખાવું ખૂબ જ ગમે છે. ચેવડો, ચકરી, ચોળાફળી મને ખૂબ જ ભાવે. દિવાળી સાથે જોડાયેલી મારી અનેક યાદો છે. હું ઘણો નાનો હતો ત્યારે ફરવા ગયો હતો. પરત આવતાં એક હોટલમાંથી ટુવાલ લઇ ઘરે આવ્યો. આવીને પિતાને મેં આ વાત કરી. તો એમણે મને સમજાવ્યું કે આ ખોટું છે. મેં કીધું કે કોઇએ જોયું નથી, તો પિતાએ પ્રેમથી મને સમજાવ્યું કે બીજા કોઇએ ભલે ન જોયું હોય, પરંતુ ભગવાને તો જોયું ને! હું એ દિવાળીમાં જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો કે જીવનમાં ખોટું કામ કરતાં પહેલાં સો વાર વિચાર કરો. સૌ વાચકો અને મિત્રોને દીપાવલીની અઢળક શુભેચ્છા..
દિવાળી એટલે હસતાં-રમતાં માણેલો સમય
– હિતુ કનોડિયા (એક્ટર)
પરિવાર સાથે આનંદની પળો માણવાનો સમય એટલે દિવાળી. એવું પણ કહી શકું કે પરિવાર સાથે આનંદ અને ઉત્સાહથી હસતાં-રમતાં માણેલો સમય એ મારા માટે દિવાળી છે. એક કલાકાર તરીકે તમે જ્યારે કામ કરતા હો ત્યારે સતત કામ અને વ્યસ્ત શિડયુલને કારણે તમે પરિવારને પૂરતો સમય ફાળવી શકતા નથી. એક ધારાસભ્ય તરીકે પ્રજાના કામમાં પણ સતત કાર્યરત રહું છું. આ સમયે પરિવારને સમય ઓછો આપી શકાય છે. મારી પત્ની અને દીકરો ક્યારેય આ બાબતે નારાજગી વ્યક્ત કરતા નથી. ઉપરથી મારી પત્ની મોના મને પ્રોત્સાહન આપે છે અને હંમેશાં મારા દરેક કામમાં મને સાથ આપે છે એટલે હું દિવાળી માટે કાયમ ઉત્સાહિત રહું છું કારણ હું હંમેશાં મારા પરિવાર સાથે જ દિવાળીનો તહેવાર ઉજવું છું. ઘરની સફાઇ ચાલુ થઇ જાય એટલે સમજી જઇએ કે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પછી પરિવાર અને સગાં-સંબંધીઓને ત્યાં ક્યારે જવાનું એ બધી વાતો નક્કી થઇ જાય. મને દિવાળીમાં પરિવાર અને પિતરાઇ ભાઇ-બહેનો સાથે મળીને જૂની વાતો વાગોળવાનું, બધા સાથે બેસી જમવાનું, મનગમતી મીઠાઇઓ ખાવાનું ખૂબ જ પ્રિય છે. અમે પહેલાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા હતા. અમારું આખું કુટુંબ ત્યારે ભેગું થતું. જેમાં પરિવારના સોથી સવા-સો સદસ્યો અમે ભેગા મળીને દિવાળી મનાવીએ, ફટાકડા ફોડીએ અને ફરસાણ-મીઠાઇઓ ખાઇએ. અમારી આજુબાજુના પાડોશી પણ એટલે જ દિવાળીની રાહ જોવે.. કનોડિયાઝ દિવાળી જોવા. મિત્રો, પરંપરાગત રીતે દિવાળી મનાવવાનો પૂરતો પ્રયાસ કરજો તેનાથી અત્યંત ખુશી મળશે…
મને સૌથી વધારે ગમતો તહેવાર છે દિવાળી
– મુનિ ઝા(એક્ટર)
મેં મારું બાળપણ અને જુવાનીનો મોટાભાગનો સમય અમદાવાદ અને ગાંધીનગરમાં ગાળ્યો છે. તો દિવાળી પણ ત્યાં જ વધારે ઉજવી છે. હજુ આજે પણ મને ગાંધીનગર જવું અને ત્યાં તહેવાર મનાવવો ખૂબ ગમે. નાનપણમાં વડીલો પાસેથી દિવાળી વિશે જાણ્યું હતું કે આ તહેવારમાં કેવા રીતરિવાજ છે. જોકે બદલાતા સમયની સાથે એમાં ઘણા ફેરફાર આવ્યા છે. મને દિવાળી સૌથી વધારે ગમે છે. પહેલાં અમે લગભગ 30થી 40 જેટલા ફેમિલી મેમ્બર દિવાળીમાં એક સાથે ભેગા થતા અને એ વખતે જે મસ્તી, શોરબકોર, હોહલ્લા કરવાની મજા આવતી તે આજે ય યાદ આવે છે. મને દિવાળીમાં થતો ઘોંઘાટ અને ધુમાડા પસંદ નથી. કારણ કે, તે સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે. દિવાળી સાથે જોડાયેલી મારી એક યાદ કહું તો પત્નીને ઇમ્પ્રેસ કરવા અને હું કેટલો બહાદુર છું એ બતાવવાના ચક્કરમાં મેં એક ફટાકડો સળગાવ્યો જે સંજોગોવસાત્ ન સળગ્યો. મેં હાથમાં લઇ ફરી સળગાવવાનો પ્રયાસ કર્યો અને એ ફૂટ્યો. હું જમણા હાથે દાઝી ગયો હતો. રાતનો સમય કોઇ ડોક્ટર પણ ન મળ્યો. મેં તાત્કાલિક બરફ અને મલમ લગાવ્યો. પછી એક હાથે કાર ડ્રાઇવ કરી મારી થનારી પત્નીને એના ઘરે મૂકવા ગયો હતો. આ પ્રસંગ મને હજુ યાદ છે.
જીવનમાં ઉજાસ પાથરવાનો ઉત્સવ છે
– આદિત્ય ગઢવી (સિંગર)
હું સુરેન્દ્રનગરનો.. ત્યાં દિવાળી દરમિયાન મારો આખો પરિવાર એકસાથે મળીને આનંદ-ઉત્સાહથી પર્વને મનાવે છે. મારા માટે આ એક ખૂબ જ મોટો તહેવાર છે. નાનપણમાં તો ફટાકડા ફોડવા મળતાં એટલે તેની તૈયારી કરવાનો એક અલગ આનંદ રહેતોે. આજે તો અમે બધા ભાઇ-બહેનો અલગ અલગ જગ્યાએ રહીએ છીએ. એટલે અમે પ્લાન કરીને બધા ભેગા થઇએ છીએ અને દિવાળી તો સાથે જ ઉજવીએ છીએ. આ વર્ષે દિવાળી પર હું એક પ્રોજેક્ટ કરવાનો વિચારી રહ્યો છું. જેમાં સંસ્કૃતના અમુક શ્ર્લોકને લઇને તેની સાથે લોકસંગીતની રચના મિક્સ કરી એક નવું ગીત બહાર પાડવાની ઇચ્છા છે. મિત્રો, આપણા જીવનમાંથી અંધકાર દૂર થઇ સુખરૂપી ઉજાસને પાથરવાનો ઉત્સવ એટલે દિવાળી..
ઉમંગથી ઉજવવાનો તહેવાર એટલે દિવાળી
– જે.ડી.મજેઠિયા (એક્ટર-ડાયરેકટર)
આ વર્ષની દિવાળી બાકીના વર્ષો કરતાં થોડી જુદી રહેશે. કારણ કે, મારી દીકરી કેસર આ વખતે દિવાળીમાં આવી શકે એમ નથી. બાકી અમે ફરવા જોઇએ, પૂજા કરીએ, ભજન થાય અને ખૂબ મજા કરીએ. હું વર્કોહોલિક નથી પણ મારા કામ પ્રત્યે પેશનેટ છું. કામ કરવું ખૂબ ગમે એટલે એક સાથે ઘણી બધી રજાઓ આવે તો મને અકળામણ થઇ જાય. જોકે, દિવાળીમાં મને મજા આવે.. કારણકે તેની તૈયારીઓ ચાલતી હોય, સાંજ પડે બધા તૈયાર થઇને બહાર ફરવા જતાં હોય. દિવાળી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. અમે છ ભાઇ-બહેન એટલે મારા પિતા બહુ બધા ફટાકડા લાવે અને બધાના સરખા ભાગ કરીને અમને આપે. એમાં હું મારા ફટાકડા સંતાડીને રાખું જ્યારે ભાઇ-બહેનો એમના ફટાકડા ફોડી નાખે. પણ બીજા દિવસે સવારે હું મારા ફટાકડા જોઉં તો તેમાંથી ઓછા થઇ ગયા હોય. સૌ મિત્રો ઉમંગથી દિવાળી ઉજવો અને ફટાકડા સાથે દાન-પુણ્ય પણ કરજો.