બાલમ તો બાઘો જ સારો

બાલમ તો બાઘો જ સારો

- in Laughing Zone
1036
Comments Off on બાલમ તો બાઘો જ સારો

‘બધિર’ અમદાવાદી

સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઇ દે દરિયો!’ કવિ રમેશ પારેખના આ ગીત પછી સૌભાગ્યકાંક્ષી ગુજરાતી ક્ધયાઓના અરમાનો આસમાનને આંબવા લાગ્યા છે! આ.. હા.. હા.. ક્યાં મળે છે આવો સાંવરિયો? કઇ ફેક્ટરીમાં બનતો હશે? કોઇ સરનામું આપે તો ડાયરેક્ટ ફેક્ટરી શો-રૂમમાંથી ઉપાડીએ, પણ કોઇ સરનામું તો આપો! ફેસબુક-ઇન્સ્ટાની લિંક આપો. અમે લાઇક-કોમેન્ટ્સ અને ઇનબોક્સ-ડાયરેક્ટ મેસેજિસ કરીને એને પાડી દઇશું. છેવટે ગૂગલ મેપની પ્નિ આલો તોયે ચાલશે.

જો તમે લગ્ન વયે પહોંચેલી ક્ધયા હશો તો આ ગીત સાંભળીને તમારા મનમાં આવા જ પોકાર ઊઠ્યા હશે. હેં ને! જે બબુચકને સૉરી, જે બાંકા સાંવરિયાને પામવા માટે તમે મહાદેવજીને આખ્ખા ચોખા તો શું બાસમતી ચોખાની આખી ગુણ ચઢાવવા તૈયાર હતા તેને આવો જ કલ્પ્યો હતો ને? ડીટ્ટો? તમે એક્ટિવા માગો અને હ્યુન્ડાઇ એક્સેન્ટ દઇ દે એવો! અને ‘સાંવરિયો…’ ગીત પણ એટલે જ ગમતું હતું ને કે બસ આવો એક મળી જાય એટલે ભયો ભયો?

ઓછામાં પૂરું, આજુબાજુ નજર કરતાં જીવ બાળવા માટે ઘણું બધું મળી પણ આવતું હશે. તમારા ભાઇને પોતાની ડુગડુગી પર નચાવતી તમારી પોતાની ભાભી કે પછી દેખાવે મમરાના કોથળા જેવા પણ કરોડોમાં આળોટનારને લપેટમાં લેનાર તમારી બહેનપણી? અને પેલો પોતાના સાળાના ગલુડિયાંના બર્થ-ડે પર ગુલદસ્તો લઇને દોડ્યો આવતો તમારી બહેનપણીનો જીજો? હેં ને! તમે પણ મનોમન પૂછતા હશો કે ‘હે ભોળાનાથ! મારા માટે પણ મારા ઇશારા પર નાચે એવો એક ‘સાવ ભોળો ‘ને સાવ બાવરિયો’ બનાવ્યો તો છે ને?’

આવા સાંવરિયા માગવાનું મૂળ કારણ એ છે કે એ પ્રજાતિના માટીડા તન, મન અને ધનથી પત્ની કે ગર્લ ફ્રેન્ડ(લાગુ પડતું ન હોય એ છેકી નાખવું)ના કહ્યામાં રહેતા હોય છે. પાણી પણ એમની રજા લીધા પછી જાતે પાણિયારે જઇને પીતા હોય છે. ગુજરાતી લોકોક્તિમાં આવા ‘સુ’વરનું વર્ણન કરતાં કહ્યું છે –

‘વર રાંધણિયો, વર સાંધણિયો, વર ઘમ્મર ઘંટી તાણે
પરણનારીના ભાગ્ય હોય તો બેડે પાણી આણે!’

અહીં પરણનારીના ભાગ્ય હોય તો શબ્દો બહુ અગત્યના છે. જો કે, તમારા માટે તો મોકાણના સમાચાર એ છે કે તમે ખોબો માગો અને દરિયો આપે એવા સાવ ભોળા ને સાવ બાવરિયા સાંવરિયા આજકાલ ભગવાને બનાવવાના લગભગ બંધ જ કરી દીધા છે. હાલમાં સાંવરિયાઓનો જે ફાલ ઉતરે છે એમાં સાવ ભોળા ને સાવ બાવરિયા બહુ ઓછા હોય છે અને જે હોય છે એ બજારમાં આવે એ પહેલાં જ, એટલે કે સ્કૂલ-કોલેજમાંથી જ ચપોચપ ઉપડી જાય છે! બાકીના આરટીઓના ટેસ્ટમાં આઠડો મારીને પાસ થાય એવા જે હોય છે તે પાછા શરીરે તેલ લગાવેલા પહેલવાન જેવા હોય છે. હાથમાં આવ્યા હોય તો પણ છટકી જાય એવા! પણ તમારે હિંમત હારવાની જરૂર નથી. મહેનત ઘણી છે. પણ હૈયે હામ રાખીને કીકો મારતાં રહેશો તો તમારી ગાડી પણ ‘ગેરમાં પડશે’ અને રમરમાટ ભાગશે, એટલે જો તમે પણ તમારો ગમતો બાવરિયો સાંવરિયો ન વસાવી શક્યા હોવ તો અમે કહીએ એમ કરો…

સહુ પહેલાં તો એક વાત સમજી લો કે જેમ મદારીના કરંડિયામાં સાપ પડ્યો હોય એમ દરેક સામાન્ય સાંવરિયામાં એક ભોળો-બાવરિયો સાંવરિયો પડ્યો જ હોય છે. તમારે ખાલી કુશળ મદારીની જેમ મોહક બિન વગાડીને એને જગાડવાનો છે. એની ચિતરામણ કરેલી સ્લેટને કોરી કરીને એની ઉપર ઘૂંટી ઘૂંટીને નવા અક્ષરો પાડવાના છે. તમારો જ એકડો સાચો એવી એને તાલીમ આપવાની છે. ચાબુકના ફટાકાના ડરથી કે પછી કેળાંની લાલચથી જો ચિમ્પાન્ઝી ફટફટિયું ચલાવતું હોય તો આ બાઘા બાવરિયાની શી વિસાત છે! પછી જુઓ એની કમાલ. તમારો સાંવરિયો દુનિયા દંગ રહી જાય એવા ખેલ બતાવશે! તમારી પાસે નજર હશે તો આસપાસ એક કહેતા દસ બાવરિયા જડી આવશે! તો એમાંથી એકને પસંદ કરો અને એને તમારે લાયક બનાવો.

બીજી વાત. સાંવરિયાઓની એક વિશિષ્ઠ ખાસિયત છે અને એ ખાસિયત એ કે જે કોઇ છોકરી એને ધ્યાનથી સાંભળે એના પ0 ટકા પ્રેમમાં તો એ ત્યાં ને ત્યાં જ પડી જાય છે! એટલે એ જ્યારે બોલતો હોય ત્યારે એની વાતો ધ્યાનથી સાંભળો અથવા એટલિસ્ટ સાંભળતાં હોવ એવી એક્ટિંગ કરો! એ તો કહેશે કે એ ગુજરાતી સિરિયલોમાં વિલનનો રોલ કરતો હતો, પણ તમે ઇન્ટરનેટ પર એ સિરિયલના જૂના એપિસોડ ખોલીને જોશો તો એ વિલનની પાછળ ડાંગ લઇને ઊભેલો દેખાશે. એ તમને જે બાઇક ઉપર ફેરવતો હોય એ એને કંપનીએ આપ્યું છે એવું કહે તો ચેક કરી લેજો કે એ કંપની ઓનલાઇન ઓર્ડર પર ફૂડ ડિલિવરી કરતી ક્લાઉડ કિચન કંપની તો નથી ને! એટલે ધ્યાન રાખજો, તમને એની માત્ર વાતો સાંભળવાનું કહ્યું છે એની વાતોમાં આવી જવાનું નહીં! આ કહી દીધું હા, નહિ તો પછી ગધેડાએ પહેલી ફૂંક માર્યા જેવું થશે!

જરૂર પડે તો તમારી મમ્મીની સલાહ લો. આ સાંવરિયા લોકોની ચાલાકીઓ પકડવામાં તમારી મમ્મી એ.સી.પી. પ્રદ્યુમન કરતાં પણ વધુ અક્સીર સાબિત થશે. તમે વળગાડવાળી વ્યક્તિને શ્રી હનુમાન મંદિરે લઇ જવાતી હોય ત્યારે એ કેવી તોફાને ચઢતી હોય છે એ જોયું છે? બસ, બરોબર એવું જ, એ તમે એને તમારા ઘરે આવવાનું કહેશો ત્યારે કરશે. આવું થાય તો સાવચેત રહેજો. સાંવરિયાના આવા દરેક દાવનો તોડ તમારી મમ્મી પાસેથી મળશે. એ પાક્કી રોન કાઢશે તો તમારી મમ્મી ત્રણ એક્કા કાઢશે. એ તમને કોઇ આલિયા માલિયાના હાથે નહીં પડવા દે! સાથે સાથે તમારા પપ્પા બાબતે પણ ઘણું નવું જાણવા મળશે! આગળ વધો.

એક અગત્યનો દાવ છે વાયદા કરો! એને તડપાવો. એના મનમાં તમારા માટે તડપ પેદા ન થાય તો બાકીનું બધું નકામું છે. આ દાવ ટ્રાય કરો અને ચેક કરો. એને મલ્ટિપ્લેક્સ પર બોલાવો. પિક્ચર અડધું થવા આવે ત્યારે પહોંચો. એ થિયેટરમાં જવા ગમે તેટલી ઉતાવળ કરે પણ તમે બહાર કેક શોપ પર એના જ પૈસે નિરાંતે એકલેરપેસ્ટ્રી સાથે સોફ્ટ ડ્રિંક ઠઠાડતા રહો. છેલ્લે, ‘એય, આજે તો ટીવી પર ‘ઇન્ડિયન આઇડોલ’માં મારી કઝીન પર્ફોર્મ કરવાની છે..’ જેવા કોઇ બહાના નીચે એને લબડાવીને ભાગી છૂટો, પણ બીજા દિવસે લંચ બોક્સમાં એના માટે તમારા મમ્મીએ બનાવેલો ગાજરનો હલવો લઇ જાવ અને તમારા હાથથી જ ખવડાવવાનું ભૂલતા નહીં. હા, હજુ પણ ગાજરનો હલવો એ હિટ ફોર્મ્યુલા છે!

આ બધું કર્યા છતાં આખરી કિલ્લાના કાંગરા ખેરવવા તો તમારે એના ઘરે જ જવું પડશે. જઇને કરવાનું શું? તો એક વાત યાદ રાખો કે સાંવરિયાઓ કબૂતર જેવા હોય છે. એમના રૂમ અને કબૂતરના માળા વચ્ચે કોઇ ફેર ન મળે! લબડતા મોબાઇલના કેબલો, અસ્તવ્યસ્ત ચાદર-ઓશિકા, ચોતરફ ફેલાયેલા ચોપડા, ગમે ત્યાં પડેલા કપડાંના ગંજ, ખુલ્લું લેપટોપ, પાણીની બોટલો, નાસ્તાના પડીકા બધું તમારી જ રાહ જોતું લાગશે! હા, એની મા પણ આ બધું જ તમને વળગાડીને જાત્રાએ જવા, સૉરી, (આજકાલ એ બધું ડાઉન માર્કેટ છે) સિંગાપુર-પતાયા, બાલી કે યુરોપની ટૂર મારવાની ફિરાકમાં જ હશે! એટલે શરૂઆતની મુલાકાતોમાં થોડી મહેનત કરશો તો એ બકરીને તમારા ડબ્બામાં આવતાં વાર નહીં લાગે! જો જો રખે એવું માનતા કે આ બધું તમારે આખી જિંદગી કરવું પડશે! આને તો ખાલી ઇન્વેસ્ટમેન્ટ ગણજો. પછી તો તમે તમારા પપ્પાને બધું જ કરતાં જોયા છે ને? પછી મમ્મીની ટ્રેઇનિંગ તમને ક્યારે કામ આવશે? હોવ ત્યારે!

પણ એટલું યાદ રાખજો કે વહેલા કે મોડા સાંવરિયાઓને પણ અક્કલ આવે છે અને એ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, માટે તમારે જરા પણ ઢીલું મૂકવું નહીં, સમજ્યા? તો પછી કરવાનું શું એ મુદ્ાનો સવાલ છે. તમે જ કહો કે મારે એ બધું અહીં જ કહેવાનું છે? અને આ બધું ભૂલેચૂકે જો તમારો થનાર બાલમ વાંચી જશે અને તમને રનઆઉટ કરી દેશે તો? અને મારા માટે તમે એકલાં થોડા જ છો? બીજા પણ લોકો છે કે જેમનો પનારો ઓલરેડી ‘એડા’ કિસમના સાંવરિયા સાથે પડી ચૂકયો છે અથવા તો જેમણે ઓલરેડી સાંવરિયો વસાવી લીધો છે પણ તુરિયા સમજીને ગલકાં ઉપાડી લાવ્યા હોય એવી એમની હાલત છે.

… તો એમના માટે પણ ઉપાય છે! પણ મહેરબાન, કદરદાન, સાહેબાન… એના માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇને મળવું પડે!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો