એશિયન ગેઈમ્સ તરફ ચિત્તા જેવી દોડ:  રાજકોટની સ્પ્રિન્ટ ક્વીન દેવયાનીબા ઝાલાની ગૌરવગાથા

- પ્રદીપ ત્રિવેદી  એશિયન ગેઈમ્સ-26 ક્વોલિફિકેશન પ્રાઈઝ ગોઝ ટુ દેવયાનીબા ઝાલા. આ ઘોષણા ઓડિશા રાજ્યના વિખ્યાત શહેર ભુવનેશ્ર્વરના કલિંગા સ્ટેડિયમમાં થતાં જ રંગીલું રાજકોટ ઝૂમી ઊઠ્યું! રાજકોટના રમતગમતના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખાઈ ગયું! એશિયન ગેઈમ્સમાં ભાગ લેવા માટે ભારતીય એથલેટિક્સ ટીમમાં પસંદગી થયાની ઘોષણા થતાં જ, વર્ષોથી સેવેલું સ્વપ્ન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું …

– પ્રદીપ ત્રિવેદી 

એશિયન ગેઈમ્સ-26 ક્વોલિફિકેશન પ્રાઈઝ ગોઝ ટુ દેવયાનીબા ઝાલા.

આ ઘોષણા ઓડિશા રાજ્યના વિખ્યાત શહેર ભુવનેશ્ર્વરના કલિંગા સ્ટેડિયમમાં થતાં જ રંગીલું રાજકોટ ઝૂમી ઊઠ્યું! રાજકોટના રમતગમતના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખાઈ ગયું!

એશિયન ગેઈમ્સમાં ભાગ લેવા માટે ભારતીય એથલેટિક્સ ટીમમાં પસંદગી થયાની ઘોષણા થતાં જ, વર્ષોથી સેવેલું સ્વપ્ન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું હોવાની ખુશી દેવયાનીબા ઝાલાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી. ભુવનેશ્ર્વર ખાતે યોજાયેલી 65મી નેશનલ ઈન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે 400 મીટરની દોડમાં 53.26 સેક્ધડનો શાનદાર સમય નોંધાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સાથે જ ‘એશિયન ગેઈમ્સ-26’ માટે ક્વોલિફિકેશન પ્રાઈઝ પણ હાંસલ કરીને ગુજરાત અને રાજકોટના રમતગમતના ઈતિહાસમાં નવું ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેર્યું.

ઉચ્ચતમ સફળતા માટે કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એવું દૃઢપણે માનતા દેવયાનીબાની સૌપ્રથમ પ્રેરણામૂર્તિ ડાંગ એક્સપ્રેસ તરીકે વિખ્યાત સરિતા ગાયકવાડ રહ્યા છે. સરિતાએ વર્ષ 2018માં જકાર્તા ખાતે યોજાયેલા 18મા એશિયન ગેઈમ્સમાં મહિલાઓની 4ડ્ઢ400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતના રમતગમતના ઈતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખ્યું હતું.

આઠ વર્ષ બાદ હવે રાજકોટની સ્પ્રિન્ટ ક્વીન દેવયાનીબા જાપાનના નાગોયા ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા 20મા એશિયન ગેઈમ્સમાં 400 મીટરની દોડમાં ભાગ લેનાર રાજકોટની પ્રથમ અને ગુજરાતની દ્વિતીય મહિલા એથ્લીટ બનવાનું ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત કરશે.

ગરબા રમવાનો અને દોડવાનો ગજબનો શોખ ધરાવતા દેવયાનીબા જ્યારે રાજકોટના રૈયા રોડ સ્થિત કલ્યાણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા, ત્યારે વર્ષ 2016માં માત્ર 14 વર્ષની ઉંમરે તેમના રમતપ્રેમી પિતાશ્રી મહેન્દ્રસિંહ તેમને રાજકોટના વિખ્યાત રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા લઈ જતા. ક્રિકેટ રમતી વખતે તેમની અદ્ભૂત દોડવાની ઝડપ જોઈ તેમના કોચ શ્રી રાવલ સરે તેમને એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવાની સોનેરી સલાહ આપી. ખરેખર, આ સલાહ તેમના જીવનમાં સુવર્ણ અવસર બની.

રાવલ સરની સલાહ પ્રમાણે તેમના પિતાશ્રી મહેન્દ્રસિંહે તેમને રનિંગની તાલીમ અપાવવી શરૂ કરી. ત્યારબાદ શાળાકીય રમતોત્સવની દોડ સ્પર્ધાઓમાં દેવયાનીબા સતત ઝળહળતા રહ્યા. આમ પરિવાર તથા શાળાના ટીચર્સ તરફથી સારું એવું પ્રોત્સાહન મળતાં તેમણે આ દોડની રમતમાં જ કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું.

અમેરિકાની 100 મીટરની વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન શા’કેરી રિચાર્ડ્સન દેવયાનીબાની રોલ મોડેલ છે. તેમની રમત જોઈ દેવયાનીબા પણ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ઈતિહાસ રચવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. એશિયાડ બાદ તેમનું સૌથી મોટું લક્ષ્ય ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે.

આજે તેમના શોકેસમાં 30થી વધુ મેડલ્સ અને 20થી વધુ ટ્રોફીઓ શોભી રહી છે. તેમણે સૌપ્રથમ વર્ષ 2018માં દિલ્હીમાં યોજાયેલા સ્કૂલ નેશનલ ગેઈમ્સમાં 100 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જે તેમની કારકિર્દીનો પ્રથમ નેશનલ લેવલનો મેડલ હતો. ત્યારબાદ વર્ષ 2021માં છત્તીસગઢ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતી નવી સફળતાનો અધ્યાય શરૂ કર્યો હતો.

શરૂઆતમાં તેમણે 100 અને 200 મીટરની દોડમાં ભાગ લીધો હતો. પરંતુ આ ઈવેન્ટમાં આગળ વધવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓના અભાવે વર્ષ 2024થી તેમણે 400 મીટરની ઈવેન્ટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ નિર્ણય ધીમે ધીમે તેમને પ્રિય એવા ગુલાબની જેમ ખીલતો ગયો.

રાજકોટની કુંડલિયા કોલેજમાંથી વર્ષ 2023માં બી.બી.એ.ની ડિગ્રી મેળવનાર તથા હાલ માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે ત્રીજા વર્ષમાં બી.એ.નો અભ્યાસ કરતા દેવયાનીબા ઝાલાએ વર્ષ 2024માં ભુવનેશ્ર્વર ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં 400 મીટરની દોડમાં 54.42 સેક્ધડનો સમય નોંધાવી બ્રોન્ઝ મેડલ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું.

એટલું જ નહીં, વર્ષ 2025માં જર્મનીના રાઈન-રૂહર ખાતે યોજાયેલા વર્લ્ડ યુનિવર્સિટી ગેઈમ્સમાં 4ડ્ઢ400 મીટર મિક્સ્ડ રિલેમાં ચોથું તથા મહિલા રિલેમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમની આ સિદ્ધિઓ બદલ રાજકોટની કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમનું સન્માન કરીને પ્રગતિને વધુ પ્રોત્સાહન આપ્યું હતું.

દરિયાની લહેરો સાથે મસ્તી કરવાનો અને બીચ પર ફરવાનો શોખ ધરાવતા દેવયાનીબાની દોડમાં ચિત્તાની ઝડપ, મનની એકાગ્રતા અને ઈશ્ર્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન થાય છે. તેમની ચિત્તા જેવી ઝડપી દોડ પાછળ સખત પરિશ્રમ અને ઊટી તથા બેંગ્લોરમાં આંતરરાષ્ટ્રીય કોચ અર્જુન અજેય પાસેથી મેળવેલી તાલીમનો મહત્વનો ફાળો છે. તેઓ મોટાભાગે ઊટીમાં રહી શરીર અને મનને ઘડવાની તાલીમ લે છે. આ સાથે કડક ડાયટ, યોગ, પ્રાણાયામ અને ધ્યાન તેમને 400 મીટરની દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સતત પ્રેરિત કરે છે. તેઓ માને છે કે આજે માત્ર દોડ જ મહત્વની નથી, પરંતુ મનની એકાગ્રતા અને ઈશ્ર્વર પ્રત્યેની શ્રદ્ધા પણ ભવ્ય સફળતા અપાવે છે.

ખેલ મહાકુંભમાં છેલ્લા પાંચ વર્ષથી ચેમ્પિયન રહેલા દેવયાનીબાને 21 વર્ષનો નાનો ભાઈ ભગીરથ છે. તે પણ રમતગમતનો શોખીન છે. તેને હોર્સ રાઈડિંગ અને સ્વિમિંગનો વિશેષ શોખ છે. હોર્સ રાઈડિંગમાં એશિયન ગેઈમ્સ રમવાની તેની પ્રબળ ઈચ્છા છે અને તે માટે તે નિયમિત તાલીમ પણ લઈ રહ્યો છે.

‘Run Fast, Run Fearless’  જેવું જ તેમનું જીવનમંત્ર રહ્યું છે. દોડની રમતમાં ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતા દેવયાનીબાની સફળતા પાછળ તેમના બેકબોન સમાન પિતાશ્રી મહેન્દ્રસિંહનો અમૂલ્ય ફાળો રહ્યો છે. કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની તમામ વ્યવસ્થા કરવી, તેમની સાથે પ્રવાસ કરવો, સતત પ્રોત્સાહન અને હૂંફ આપવી તથા તેમને દરેક પ્રકારની ચિંતા અને પ્રશ્ર્નોથી દૂર રાખવાનું ઉત્તમ કાર્ય તેઓ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.

પહેરવામાં સ્પોર્ટ્સવેર અને રંગોમાં બ્લેક કલર પસંદ કરતા દેવયાનીબા ઝાલાના પ્રિય ખેલાડીઓમાં મહેન્દ્રસિંહ ધોની પ્રથમ સ્થાને છે. જ્યારે મહિલા ખેલાડીઓમાં તેમને હિમા દાસની રમત ખૂબ ગમે છે. હિમા દાસે વર્ષ 2018માં જકાર્તા એશિયન ગેઈમ્સમાં 400 મીટરની દોડમાં 51.00 સેક્ધડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ઉપરાંત 4ડ્ઢ400 મીટર અને 4ડ્ઢ400 મીટર મિક્સ્ડ રિલેમાં બે ગોલ્ડ મેડલ મેળવી શાનદાર દેખાવ કર્યો હતો. ઢીંગ એક્સપ્રેસ તરીકે જાણીતી હિમા દાસે વર્ષ 2018માં ફિનલેન્ડના ટેમ્પેર ખાતે યોજાયેલી વર્લ્ડ અન્ડર-20 ચેમ્પિયનશિપમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.

દેવયાનીબાની આ ઐતિહાસિક ઉપલબ્ધિએ સાબિત કરી દીધું છે કે દૃઢ સંકલ્પ, અથાક પરિશ્રમ અને અડગ આત્મવિશ્ર્વાસ હોય તો સપનાઓ માત્ર જોવાતા નથી, પરંતુ સાકાર પણ થતા હોય છે. તેમની સફળતા હવે માત્ર રાજકોટ કે ગુજરાતની નહીં, પરંતુ સમગ્ર દેશની રમતગમતની પ્રેરણાદાયક ગાથા બની રહી છે.

હવે રંગીલા રાજકોટની મહિલા સ્પ્રિન્ટર દેવયાનીબા ઓગસ્ટ-2026માં યોજાનાર વર્લ્ડ કોન્ટિનેન્ટલ ટૂર અને સપ્ટેમ્બર-2026માં યોજાનાર એશિયન ગેઈમ્સમાં મેડલ જીતવાની સાથે નવો ઈતિહાસ રચવા આતુર છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય અને જવલંત સફળતા માટે ફીલિંગ્સ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *