સ્વર્ગમાં બે ફરિશ્તાઓ હતા. એમાંનો એક હંમેશાં કામમાં જ લાગેલો હોય. દિવસ-રાત એ પૃથ્વીથી સ્વર્ગ વચ્ચે દોડાદોડી જ કરતો હોય. એક ક્ષણનો વિરામ પણ એને ભાગ્યે જ મળતો. સતત કામ, કામ અને કામમાં જ એ વ્યસ્ત રહેતો.
જ્યારે બીજો ફરિશ્તો હંમેશાં આરામ જ કરતો! પેલો ફરિશ્તો જ્યારે જુએ ત્યારે એ સૂતો જ હોય. પેલો ફરિશ્તો રાત-દિવસ દોડતો હોય જ્યારે આ તો ભાગ્યે જ ક્યારેક પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે આંટો મારતો દેખાય.
એક દિવસ પેલા અતિ વ્યસ્ત ફરિશ્તાને થોડોક આરામનો સમય મળી ગયો. પોતાનો થાક ઉતારવા એ પેલા નવરાધૂપ ફરિશ્તા સાથે વાતોએ વળગ્યો. એને કાયમ દોડાદોડી કરતો જોઇને પેલા નવરા ફરિશ્તાને હંમેશાં નવાઇ તો લાગતી જ હતી. એટલે એ દિવસે નવરા ફરિશ્તાએ પૂછી જ લીધું, ‘અલ્યા! તું આટલી બધી દોડાદોડી કેમ કરતો હોય છે? હું જ્યારે જોઉં ત્યારે તું સ્વર્ગથી ધરતી વચ્ચે આવ-જા જ કરતો હોય છે? તને ભગવાને એવું તો શું કામ સોંપ્યું છે કે તારે આટલી બધી ભાગમભાગ કરવી પડે છે?’
‘અરે ભાઇ! વાત પૂછ મા!’ વ્યસ્ત ફરિશ્તાએ જવાબ આપ્યો, ‘મારે પૃથ્વી પરનાં લોકોની પ્રાર્થનાઓ અને વિનંતીઓ સ્વર્ગમાં પહોંચાડવાની હોય છે. ‘ભગવાન મારું દુ:ખ દૂર કરો,’ ‘મને આ આપો,’ ‘મને પેલું આપો’ વગેરે વગેરે અનંત માગણીઓ, પ્રાર્થનાઓ અને સંદેશાઓ મારે ભગવાન સુધી પહોંચાડવાના હોય છે. તું તો જાણે જ છે કે લોકોની માગણીઓ ક્યારેય પૂરી થતી જ નથી.
એમની માગણીઓ અને કાકલૂદીઓ નિરંતર ચાલતી જ હોય છે. એટલે મને તો ક્યારેય જરા જેટલો સમય પણ નથી મળતો. પણ એલા! તું શું કામ કરે છે? ભગવાને તને એવું તો કયું કામ સોંપ્યું છે કે તારે કાયમ આરામ જ હોય છે?’
નવરા ફરિશ્તાએ એક મોટું બગાસું ખાધું! પછી હસીને જવાબ આપ્યો, ‘અરે! મારે તો તારાથી બિલકુલ ઊંધું છે. મારે પણ સંદેશાઓ જ સ્વર્ગમાં પહોંચાડવાના હોય છે. પરંતુ ‘હે ભગવાન! તારો આભાર!’ ‘હે પ્રભુ! તેં અમારી ઇચ્છા પૂરી કરી એ બદલ અમે તારા આભારી છીએ!’ આવા અને ભગવાનનો આભાર માનતા અન્ય સંદેશાઓ મારે સ્વર્ગમાં પહોંચતાં કરવાના હોય છે.
પણ નવાઇ તો જો! લોકોની ઇચ્છા પૂરી થતાં જ એ બધાં આભાર માનવાની વાત તો દૂર રહી, ભગવાનને જ ભૂલી જાય છે! ભાગ્યે જ કોઇક આવા શબ્દો ઉચ્ચારે છે. એટલે જ તું જો ને! હું કાયમ નવરોધૂપ જેવો જ હોઉં છું!’
‘હમ…મ…મ…!’ પેલો વ્યસ્ત ફરિશ્તો બોલ્યો. એને પેલાના નવરા હોવાનું કારણ બરાબર સમજાઇ ગયું!
***
આપણે પણ આ સવાલ આપણી જાતને પૂછવો ન જોઇએ? આપણે કેટલી વાર ભગવાનનો આભાર માનીએ છીએ?
‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…
જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં