જેની પાસે જે હોય તે આપે!

જેની પાસે જે હોય તે આપે!

- in I K Vijaliwala
73
0

એક માણસે પોતાના શહેરનાં એક શાંત અને અતિ રમણીય વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું. ઘરની આસપાસ એક સરસ મજાનો બગીચો હતો. બગીચામાં ઉત્તમ કક્ષાનાં ફૂલો ઉગાડેલાં હતાં. ઉપરાંત સારામાં સારી જાતના આંબાના કાંઇ કેટલાંય વૃક્ષો પણ હતાં. બધી જ રીતે ઘર એટલું સરસ હતું કે એ માણસ પોતાના કુટુંબને લઇને જલદી જલદી ત્યાં રહેવા આવી ગયો.

નવા ઘરમાં રહેવા આવ્યો એ પછીના દિવસે વહેલી સવારે એ ઊઠ્યો. બગીચાનું સુંદર વાતાવરણ માણવા એ તૈયાર થઇને જલદી બહાર આવ્યો. પોતાનાં ઘરનો દરવાજો ખોલતાં જ એણે જોયું કે એનો પાડોશી આ માણસના દરવાજાની સામે જ કચરો અને એંઠવાડ ઠાલવી રહ્યો હતો. એને ખૂબ ગુસ્સો આવ્યો. પણ એ કશું બોલ્યો નહીં. એને ખ્યાલ આવી ગયો કે પેલાનો ઇરાદો એને ઉશ્કેરવાનો જ હતો. એણે ચૂપચાપ એક ખાલી ડોલ લીધી, પાડોશીએ ઠાલવેલ કચરો એમાં ભર્યો અને કચરાનાં પોઇન્ટ પર જઇને નાખી આવ્યો. પેલો પાડોશી આ જોઇને ખંધું હસતો રહ્યો, પણ તેણે એના પર ધ્યાન જ ન આપ્યું. પછી તો રોજ એવું જ બનવા લાગ્યું. પેલો કોઇને કોઇ ચીજ, કચરો કે નકામી વસ્તુ આના કંપાઉન્ડમાં નાખે અને આ માણસ કાંઇ પણ બોલ્યા વિના એ ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખી આવે. 

એમ કરતાં લગભગ છ મહિના વીતી ગયા. ઉનાળો આવી પહોંચ્યો. આ માણસનાં આંબાઓમાં મીઠી મધ જેવી કેરીઓ આવી. એક દિવસ વહેલી સવારે પેલો પાડોશી કચરો ફેંકવા ઊઠે એ પહેલાં એ કેરીઓ ભરેલી ડોલ લઇને એના ઘરે પહોંચી ગયો અને પેલાનું બારણું ખખડાવ્યું.

પાડોશીએ બારણું ખોલ્યું. આના હાથમાં ડોલ જોઇને ઘડીક તો એને થયું કે, ‘હમ…મ…મ…! આજે તો આ પણ કચરો લઇને આવ્યો લાગે છે. હવે મજા આવશે!’
‘આ લો! આ તમારા માટે છે!’ પેલાએ કહ્યું. પાડોશીએ ડોલમાં નજર નાખી. સારામાં સારી કેરીઓથી ભરેલી ડોલ જોઇને એનાથી બોલી જવાયું, ‘અરે ભાઇ! આ શું? હું તો રોજ તમારા ઘર સામે કચરો નાખું છું અને તમે તો મને આટલી બધી સરસ કેરીઓ આપો છો?’

‘ભાઇ!’ પેલો માણસ બોલ્યો, ‘આપણી પાસે આપવા જેવું હોય એ જ બીજાને અપાય ને? જેની પાસે જે હોય એ જ બીજાને આપે! મારી પાસે આ કેરીઓ હતી એટલે મેં તમને એ આપી!’ એટલું કહીને એ પોતાના ઘર તરફ વળી ગયો. પેલો પાડોશી ઘડીક કેરી ભરેલી ડોલ સામે તો ઘડીક જઇ રહેલા પેલા માણસ સામે પૂતળાની માફક જોતો સ્થિર થઇ ગયો!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘દૃઢ ઈચ્છાશક્તિથી સપનાં સાકાર થઈ શકે છે’ સરોજકુમારી, IPS ઓફિસર, ડીસીપી – ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા

અત્યંત સાધારણ પરિસ્થિતિમાંથી પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકાય