નૃત્યકૌશલ્ય દ્વારા દુનિયાને નૃત્યમય બનાવનારા મહાન નૃત્યકારો

નૃત્યકૌશલ્ય દ્વારા દુનિયાને નૃત્યમય બનાવનારા મહાન નૃત્યકારો

- in Other Articles, Special Article
418
Comments Off on નૃત્યકૌશલ્ય દ્વારા દુનિયાને નૃત્યમય બનાવનારા મહાન નૃત્યકારો

ભારતમાં નૃત્યનો અજબ મહિમા છે. રામાયણ કાળથી નૃત્ય ચાલતું આવે છે. જૂના અનેક ગ્રંથોમાં અને સંસ્કૃત સાહિત્યમાં નૃત્યના ઉલ્લેખો જોવા મળે છે. આ દેશમાં નૃત્યના જે રીતે ચોક્કસ પ્રકારો વિકસિત થયા છે એટલી સમૃદ્ધિ બીજા કોઇ દેશની સંસ્કૃતિમાં જોવા નથી મળતી. જોકે વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ડાન્સનું પ્રભુત્વ રહ્યું જ છે. પ્રસ્તુત છે, દેશ-વિદેશના કેટલાક લીજેન્ડરી ડાન્સર્સની કેટલીક નોંધપાત્ર અને રસપ્રદ વાતો…

અભિમન્યુ મોદી

ભારતમાં જેટલી સદીઓથી નૃત્યના ચોક્કસ પ્રકારો વિકસ્યા છે એટલી સમૃદ્ધિ અન્ય કોઇ દેશની સંસ્કૃતિમાં નથી દેખાતી. ભરતનાટ્યમ, કુચીપુડી, મણીપુરી, કથ્થક જેવા ડાન્સ ફોર્મ સદીઓથી આપણે ત્યાં રજૂ થઇ રહ્યા છે. આ વિવિધ ડાન્સમાં નિપુણ એવા યામિની કૃષ્ણમૂર્તિ, શોવના નારાયણ, સોનલ માનસિંહ, રુક્મિણીદેવી, ઉદય શંકર, નૃત્યસામ્રાજ્ઞી સિતારા દેવી કે જેક્સન સાથે પરફોર્મ કરનાર શોભના કે દક્ષા શેઠ, મૃણાલિની સારાભાઇ, મલ્લિકા સારાભાઇ, કૌમુદિની લાખિયા વગેરે પણ ભારતનું જ ગૌરવ છે. હા, વિશ્ર્વ પણ આ ક્ષેત્રે જરાય પાછળ નથી. અમેરિકન ડાન્સને ઇન્ફ્લુઅન્સ કરનારા મહાન ડાન્સરો પણ હતા. જેમાં માર્થા ગ્રેહામનું નામ ટોપ પર આવે, તો યુરોપને ભેટ મળી જોસેફીન બેકરની, જેને પ્રથમ અશ્ર્વેત એન્ટરટેઇનર કહી શકાય. ડાન્સ ક્ષેત્રે માઇકલ જેક્સનનું નામ તો પહેલું યાદ આવે. ડાન્સનો એ ખેરખાં હતો. આ સિવાય પણ ક્રીસ બ્રાઉન, વ્લાદીમીરવસીલેવ, ડોનાલ્ડ ઓકોનર, એન મિલર જેવા વિશ્ર્વના અનેક કલાકારોએ નૃત્યની કલાને સમૃદ્ધ કરી છે…

ભારતના અનેક લીજેન્ડરી નૃત્યકારો વિશે વાત કરી શકાય પણ વર્તમાનમાં કોઇ લીવિંગ લીજેન્ડનું નામ લેવું હોય તો તે હોઇ શકે.. બિરજુ મહારાજ. તેમના જેવા મહાન કથ્થક ડાન્સર બીજા કોઇ થયા નથી. કથ્થકના સૌ પ્રથમ શિક્ષક ઇશ્ર્વરપ્રસાદજીના તે શિષ્ય કહેવાય. અલ્હાબાદ ઘરાનાના આ બિરજુ મહારાજે કથ્થકને વર્લ્ડ ફેમસ બનાવ્યું છે. તેમણે મહાન નૃત્યકારો શંભુ મહારાજ, લચ્છુ મહારાજ અને અચ્ચન મહારાજની પરંપરા જાળવી છે. કથ્થકમાં નવી ઇનોવેટિવ સ્ટાઇલ પણ તે જ લઇ આવ્યા. નવી દિલ્હીના કથ્થક કેન્દ્ર ખાતે વરસો સુધી તેમણે ભારતના શ્રેષ્ઠ ક્લાસિકલ ડાન્સરોને તાલીમ આપી. ડાન્સ-ડ્રામા એટલે કે નૃત્યનાટિકાના અનેક નવીન પ્રકારના પ્રયોગો કર્યા અને ઘણા એવોર્ડઝ પણ મેળવ્યા. ફિલ્મોમાં પણ તેમણે કોરિયોગ્રાફ કરેલા ગીતો આપણે જોઇ ચૂકયા છે. સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’, સંજય ભણશાળીની ફિલ્મ ‘દેવદાસ’માં તેમણે ગીતો પર કોરિયોગ્રાફી કરી છે. ‘દેઢ ઇશ્ક્યિા’, ‘ઉમરાવ જાન’ અને હમણાં આવેલી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના અમુક ગીતોમાં પણ બિરજુ મહારાજનું યોગદાન રહ્યું જે ભારતીય દર્શકોને સેવન્ટી એમ એમના પડદે જોવા મળ્યું. બિરજુ મહારાજ કથ્થકનું અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મનું એક અલાયદું ગુરુશિખર છે. તેઓ હજુ પણ નૃત્યમાં કાર્યરત છે જે નૃત્યકળાના જ નહિ દેશના સમસ્ત કલાજગતના પણ સદનસીબ કહેવાય.

બીજા એક પ્રવર્તમાન મહાન ડાન્સરની વાત કરીએ. બોલરૂમ ડાન્સ નૃત્યકળાની એક અલગ શાખા છે અને ‘લગાન’ જેવી ફિલ્મોમાં આપણે બોલરૂમ ડાન્સ જોયો છે. સ્કોટિશ ડાન્સર ડોની બર્ન્સ આ બોલરૂમ ડાન્સના મહાનતમ નૃત્યકાર ગણાય છે. લેટિન અમેરિકન ડાન્સમાં તેમના જેવી હથોટી ભાગ્યે જ બીજા કોઇ નૃત્યકારમાં જોવા મળે. તે અત્યારે ‘વર્લ્ડ ડાન્સ કાઉન્સિલ’ના પ્રેસિડેન્ટ છે. ચૌદ વખત વર્લ્ડ પ્રોફેશનલ લેટિન ચેમ્પિયન્સનો ખિતાબ ગેયનોર ફેરવેધર સાથે તેમણે જીત્યો છે. ઇન્ટરનેશનલ લેટિન અમેરિકન ડાન્સ ચેમ્પિયન્સનો અગિયાર વખત ખિતાબ મેળવ્યો છે. આવા ઘણાં રેકોર્ડ એમના નામે બોલે છે. તેમને અત્યારે ‘ડાન્સિંગ કિંગ’ કહેવામાં આવે છે.

ફક્ત સ્ટેજ આર્ટિસ્ટોએ જ ડાન્સની કળાને સમૃદ્ધ કરી એવું નથી. ફિલ્મ કલાકારોએ પણ તેમાં સિંહફાળો આપ્યો છે. જીન કેલી અમેરિકન સુપરસ્ટાર હતા. બેલે ડાન્સ ફોર્મને અમેરિકામાં કોમર્શિયલ બનાવનાર કલાકાર તરીકે જીન કેલીનું નામ લેવું પડે. ‘એન અમેરિકન ઇન પેરિસ’, ‘સિંગિંગ ઇન ધ રેઇન’ જેવી ઘણી ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મો તેમણે કરી હતી. હોલિવૂડમાં મ્યુઝિકલ ફિલ્મોનો દોર ચાલતો હતો ત્યારે આ એથ્લેટિક બોડી ધરાવતા ડાન્સરને જોવા માટે ઓડિયન્સ સિનેમાગૃહો ફૂલ કરી નાખતા. તેમણે બેલેની અંદર ટેપ ડાન્સ અને મોડર્ન ક્ધટેમ્પરીનું સરસ મિક્સિગં કર્યું હતું જેથી એવું થતું હતું કે સેટનો દરેક ઇંચ તેમની કોરિયોગ્રાફીમાં કવર થઇ જતો હતો. એટલે જ જીન કેલીનો ડાન્સ જોઇ પ્રેક્ષકોને જુદી જ અનુભૂતિ થતી.

વસ્લાવ નીજીન્સકી…આ નામ યાદ રાખવું હોય તો રાખી લેજો. અમુક જાણકારોના મતે ઇતિહાસનો આ શ્રેષ્ઠ ડાન્સર હતો. તેના કોઇ ક્લીયર વીડિયો ઉપલબ્ધ નથી એટલે આ વાત દાવા સાથે કરી શકાતી નથી. નીજીન્સકી વિશે એવું કહેવાતું કે આ માણસે ગુરુત્વાકર્ષણ બળને મહાત કરેલું. લીજેન્ડરી બેલે ડાન્સર અન્ના પાવ્લોવા સાથે તેમણે ઘણા શો કરેલા. તેમના શો જોઇને લોકો આભા બની જતા. આવો ડાન્સ કોઇ બીજું કરી જ ન શકે એવું કહેવાતું. 19પ0માં તો આ દંતકથારૂપ માણસ મૃત્યુ પામ્યો. જિંદગીના પાછલા વરસો એમણે એકાંતમાં વિતાવેલા. માનસિક સ્થિરતા રહી ન હતી અને સ્કીઝોફ્રેનીયાનો શિકાર બન્યા. ગાંડાના દવાખાનામાં છેલ્લા દિવસો આ મહાન નૃત્યકારે કાઢવા પડેલા. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન એમણે છેલ્લું પર્ફોર્મન્સ રશિયન સૈનિકો સામે કરેલું અને લંડનમાં દેહ છોડયો.

ડાન્સની વાત આવે અને માઇકલ જેક્સનની વાત જો ન થાય તો સમજી જવાનું કે તે વાત સાવ અધૂરી છે. માઇકલ જેક્સન ડાન્સનો ખેરખાં હતો. તેના જેવી વિભૂતિ બીજી વખત આ ગ્રહ ઉપર આવશે કે કેમ તે સવાલ છે. યૂ-ટયૂબના પહેલાના સમયમાં મ્યુઝિક વીડિયોનો ટ્રેન્ડ આ માણસે શરૂ કરેલો. માઇકલ જેક્સન જેવી સફળતા માનવજાતના ઇતિહાસમાં જૂજ કલાકારોને કે કોઇ પણ ક્ષેત્રના જૂજ માણસોને જ મળી છે. તેના જેવી સફળતા મેળવવાનું ભલભલા કલાકારો સપનામાં પણ નથી વિચારતા. આ બધી હકીકતની સામે બીજી હકીકત એ છે કે જેક્સન મૂળત: ડાન્સર નહીં પણ ગાયક કલાકાર અને ગીતકાર હતો. તેની સાથે સાથે તેણે ડાન્સ કરવાના ચાલુ કર્યા. પદ્ધતિસરની ખાસ તાલીમ લીધા વિના. કિંગ ઓફ પોપે ચાર ચાર દાયકાઓ સુધી અબજો દિલો ઉપર રાજ કર્યું. જિનિયસ માણસો આ હદ સુધી ફેમસ થતા હોતા નથી. ગાંધીજી કે આઇનસ્ટાઇન કે જેક્સન અપવાદોમાં આવે. આપણા ભારતીય ડાન્સર શોભાના સાથે જેક્સનનો વીડિયો અવેલેબલ છે. થોડી જ મિનિટોમાં એ ભરત નાટયમના સ્ટેપ શીખી ગયો હતો… આ જેક્સનની તાકાત બતાવે છે. કલાકો સુધી થાક્યા વિના તે નાચતો અને હાંફયા વિના ગાઇ બતાવતો. લાખોની સંખ્યામાં ઓડિયન્સ તેને જોવા આવતું. લોકો તેને જોઇને જ ખુશીના માર્યા રડી પડતા. તેના સિગ્નેચર સ્ટેપ જેવો મૂનવોક ડાન્સ હજુ આજે પણ ડાન્સર્સ અને યુવાઓમાં લોકપ્રિય છે. તેના જેવો સફળ પોપ આઇકન કદાચ આપણને બીજો નહીં મળે.

‘લોર્ડ ઓફ ધ ડાન્સ’ તખલ્લુસ જેને મળ્યું તે એક રશિયન ડાન્સર હતા.. જેનું નામ છે રુડોલ્ફ ન્યુરેવ. તેના જેવો શ્રેષ્ઠ મેલ બેલે ડાન્સર બીજો થયો નથી તેવું કહેવાય છે. લાખો લોકો સુધી તે સોવિયેત બેલે ડાન્સ આર્ટને લઇ ગયેલો. તેના શો ‘સ્વાન લેક’ ઉપરથી તો બ્લેક સ્વાન કરીને એક અદ્ભુત ફિલ્મ પણ બની ગઇ છે. તેના ઇમોશનલ પર્ફોર્મન્સ સાથે લોકો તરત કનેક્ટ થઇ જતા. 1961માં રશિયન સરકાર સાથે વાંધો પડતાં તે રશિયા છોડીને ફ્રાન્સ ચાલ્યો ગયો. ઇન્ટરનેશનલ હેડલાઇનમાં આ ન્યૂઝ ચમક્યા હતા. પેરિસમાં તેણે અનેક શો કર્યા. 1983થી 1989 દરમિયાન પેરિસ ઓપેરા બેલેનો તે ડિરેક્ટર હતો. ફિલ્મોમાં પણ તે આવ્યો. તેની સુંદર કોરિયોગ્રાફી ઉપરથી ઘણાં લોકોને પ્રેરણા મળી. બદનસીબે એઇડ્સના રોગે રુડોલ્ફનો 1993માં ભોગ લઇ લીધો.

હવે એક નવા જ ડાન્સ ફોર્મ વિશે વાત કરીએ. ઓછા જાણીતા ડાન્સ ફોર્મને દુનિયા સામે લઇ જનાર એક મહાન ડાન્સર અત્યારે પ્રમાણમાં નાની ઉંમરનો છે અને જીવે છે. જ્યોર્જ બુશ જેના શો વ્હાઇટ હાઉસમાં ગોઠવતા… ટેરેન્ટીનો અને બેટ્રોલુચી જેવા ડિરેક્ટર, અલ પચીનો જેવા અભિનેતા, જેનીફર લોપેઝ અને મેડોના જેવા વર્લ્ડ ફેમસ પર્ફોમર જેના વખાણ કરે છે એવો આ ડાન્સર છે..જોક્વીન કોર્તિસ. જોક્વીન બેલે અને ફલેમેન્કોનો ડાન્સર છે. આજે પ0 વર્ષની ઉંમરે પણ જુવાનને શરમાવે એ તાકાતથી તે ડાન્સ કરે છે. તેના સુદૃઢ ફિગરને કારણે ઘણા લોકો તેને સેકસ ગોડ પણ કહે છે. લાઇવ મ્યુઝિક સાથે તે ખૂબ સારા ફૂટ વર્કથી ખૂબસૂરત કોરિયોગ્રાફી સાથે બહુ સારું નૃત્ય કરે છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તે કહે છે કે નૃત્ય જ મારી પત્ની છે..

જીન કેલીનું એક નોંધપાત્ર સ્ટેટમેન્ટ હતું જે વાંચવા જેવું છે : ‘ફિલ્મોમાં ડાન્સના ઇતિહાસની વાત એસ્ટેરથી શરૂ થાય છે.’ ફ્રેડ એસ્ટેરને સિનેમાપ્રેમીઓ પ્રથમ સ્થાન ઉપર મૂકે છે. તેના ડાન્સની અસર વીસમી સદીના ઘણાં કલાકારો ઉપર પડી હતી. ફ્રેડ એસ્ટેર અને જિંજર રોજર્સની જોડી નૃત્ય યુગલ તરીકે ડાન્સના ઇતિહાસમાં અમર રહેશે પછી ભલે ને તે બંનેએ ફક્ત દસ જ ફિલ્મોમાં સાથે કામ કર્યું હોય. અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટયૂટ ક્લાસિક હોલિવૂડ સિનેમાની યાદીમાં ફ્રેડ એસ્ટેરને પાંચમા ક્રમનો મહાન અભિનેતા ગણ્યો છે. ‘કિટી ફોયલ’ ફિલ્મ માટે વધુ જાણીતી જિંજર રોજર્સે રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મોમાં બહુ જ સુંદર કામ કર્યું છે. આ જોડી માટે એવું કહેવાય છે કે ફ્રેડે તેણીને ક્લાસ આપ્યો અને રોજર્સે તેને સેક્સ અપીલ આપી. પોતાના ડાન્સ પર્ફોર્મન્સમાં એક્ટિંગને ઇન્વોલ્વ કરીને આ યુગલ અદ્ભુત નૃત્ય કરતું.. જે વર્લ્ડ સિનેમાના ઓડિયન્સને જોવું બહુ ગમતું. અમેરિકાની મહામંદીના સમયમાં અનેક હતાશ અને દુ:ખી લોકોના ખિન્ન મન થોડા કે વધુ સમય માટે પ્રફુલ્લિત કરવાનો શ્રેય આ બંનેને જાય છે.

કથ્થકમાં ક્રાંતિ લાવનાર મહાન નૃત્યકારો ભારતને મળ્યા તો અમેરિકન ડાન્સને ઇન્ફલુઅન્સ કરનારા મહાન ડાન્સરો પણ હતા. એમાં માર્થા ગ્રેહામનું નામ ટોપ ઉપર આવે. 70 વર્ષ સુધી સતત નૃત્ય કરનાર અને શીખવાડનાર માર્થા ગ્રેહામે અમેરિકન મોડર્ન ડાન્સની વ્યાખ્યા બદલી નાખી હતી એવું કહીએ તો કંઇ ખોટું નથી. વ્હાઇટ હાઉસમાં પર્ફોર્મ કરનારા તે પ્રથમ ડાન્સર હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે દોઢસોથી વધુ ડાન્સ કોરિયોગ્રાફ કરેલા. તેના ડાન્સમાં બેલેની છાંટ હતી. શરીરને સંકોચવું, ફુદરડી ફેરવીને સ્ટેજનો મોટો વિસ્તાર કવર કરવો જેવી ઘણી ટેક્નિક તેમણે ડેવલપ કરેલી. કલ્ચરલ એમ્બેસેડર તરીકે વિદેશ જનારા તે પ્રથમ ડાન્સર હતા. અમેરિકાનો સર્વોચ્ચ એવોર્ડ પણ તેમને મળ્યો હતો. તેમના ડાન્સમાં એક લાગણી હતી, તેમના જેવા ઇમોશનલ કોરિયોગ્રાફર ઇતિહાસમાં બહુ ઓછા થયા છે. તેમને મધર ઓફ મોડર્ન અમેરિકન ડાન્સ ટેક્નિક કહી શકાય.

વીસમી સદીમાં હોલિવૂડની ફિલ્મો દ્વારા ડાન્સને એક અલગ ઊંચાઇ આપી હોય તેવી બીજી એક જોડી હતી.. ફાયર્ડ અને હેરોલ્ડ. જેમનો ડાન્સ તેમના શોખીનો આજે પણ યાદ કરે છે. પણ તે યુગલ ન હતું…બે ભાઇઓ હતા, જે નિકોલસ બ્રધર્સ તરીકે ઓળખાયા. ફાયર્ડ અને હેરોલ્ડે એક્રોબેટ ટેક્નિકથી જે ડાન્સ કર્યા તે જોઇને ભાવકોના મોં ખૂલ્લાં રહી જતાં. ફ્રેડ એસ્ટેર તો ટેપ ડાન્સિંગના પિતા કહેવાય પણ આ બંને ભાઇઓએ ટેપ ડાન્સ અને રેપનું અજાયબ સંમિશ્રણ બનાવ્યું હતું. જેથી જેઝની દુનિયામાં આ બંનેના નામ ખૂબ પ્રચલિત થયા હતા. જોસેફીનની જેમ આ બંને ભાઇઓએ પણ રંગભેદનો સામનો કરેલો અને ચામડીના રંગને અતિક્રમી જઇને દુનિયા સામે અદ્ભુત નૃત્યકળા પીરસી હતી. તે બંનેની એકબીજા સાથેની કેમિસ્ટ્રી, બંનેના શરીરની સ્ફૂર્તિ અને ડાન્સનું ટાઇમિંગ અજબ હતું. બંનેની કોરિયોગ્રાફી પણ મૌલિક હતી, જેથી તેમણે દાયકાઓ સુધી લીકોના દિલ પર રાજ કર્યું.

પશ્ર્ચિમમાં માર્થા જેવી નૃત્યવિદ્દે ડાન્સમાં ક્રાંતિ લાવી તો યુરોપને જોસેફીન બેકર મળી. જોસેફીનનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય, તેણે મુખ્યત્વે યુરોપ અને એમાં પણ ફ્રાન્સમાં કામ કર્યું. જાઝના જમાનાની આ ડાન્સર વિશ્ર્વમાં પ્રખ્યાત થયેલી પ્રથમ અશ્ર્વેત એન્ટરટેઇનર કહી શકાય. આફ્રિકન ઓરીજિનની આ ‘બ્રોન્ઝ વિનસ’ આખા ફ્રાન્સમાં સેન્સેશન બની ગઇ હતી. સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ વખતે તેના લચીલા શરીરના અદ્ભુત અંગમરોડ જોઇને પ્રેક્ષકો દિગ્મૂઢ થઇ જતા. આજે ચિત્ર-વિચિત્ર કોસ્ચ્યુમમાં તમે લેડી ગાગાને સ્ટેજ પર જોઇ છે. જ્યારે જોસેફીન 1930-1940ના સમયમાં ફક્ત કેળાથી બનેલું સ્કર્ટ પહેરીને સ્ટેજ ઉપર પર્ફોમ કરતી. તેની હિંમત અને ટેલેન્ટ બંને અદ્ભૂત હતા. રંગભેદની નીતિનો અનુભવ આ ‘બ્લેક પર્લને’ જેટલો અમેરિકામાં થયો હતો એટલો ફ્રાન્સમાં થયો ન હતો. અમેરિકામાં અમુક એલિટ પ્રકારના જ ઓડિયન્સ માટે તેણે પફોર્મ કરવાની ના પાડી દીધી હતી. માનવીય અધિકારો માટે તેમણે નોંધનીય કામ કરેલું. 197પમાં યુરોપે આ અનન્ય કલાકારને ગુમાવી દીધી.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય