પ્રેમના મહાપર્વ વેલેન્ટાઈન ડે પર જાણીતા મહાનુભાવો વ્યક્ત કરે છે તેમની વિશેષ લાગણી…….પ્રેમ એટલે કે….

પ્રેમના મહાપર્વ વેલેન્ટાઈન ડે પર જાણીતા મહાનુભાવો વ્યક્ત કરે છે તેમની વિશેષ લાગણી…….પ્રેમ એટલે કે….

- in Other Articles
96
Comments Off on પ્રેમના મહાપર્વ વેલેન્ટાઈન ડે પર જાણીતા મહાનુભાવો વ્યક્ત કરે છે તેમની વિશેષ લાગણી…….પ્રેમ એટલે કે….

પ્રેમના મહાપર્વ વેલેન્ટાઈન ડે પર જાણીતા મહાનુભાવો વ્યક્ત કરે છે તેમની વિશેષ લાગણી

પ્રેમ એટલે કે….

પ્રદીપ ત્રિવેદી
આઇ લવ યુ ડીકુ ડાર્લિંગ… આઇ લવ યુ ટુ મચ… આઇ લવ યુ એવરી મોમેન્ટ… હું તને હર ક્ષણ ચાહુ છું. હું તારામાં, તું મારામાં જીવે છે બંધ આંખે. આપણે એકબીજામાં જીવીએ છીએ. મારા બે હોઠ ખૂલે અને કંઇ કહે એ પહેલાં તું સમજી જાય છે અને તારી આંખો કંઇ કહે એ પહેલાં હું સમજી જાઉં છું તે પ્રેમ છે. તારા હૃદયમાં સતત ખળ-ખળ વહેતા પ્રેમના ઝરણામાં હું વહેતો રહું છું અને તું મારા હૃદયમાં વહેતી લાગણીઓમાં ભીંજાતી રહે છે.

રોજ સવારે ફૂલ ખીલવા સાથે તું ખીલતી રહે છે અને આપણે રોજ વેલેન્ટાઇન-ડે ઉજવતા રહીએ છીએ. તારી કાળજી લેવામાં જે મજા આવે છે તે પ્રેમ છે. તને દરરોજ ‘સરપ્રાઇઝ’ આપવાની જે મજા આવે છે અને તું જે ખુશ થાય છે તે પ્રેમ છે. તું મારી ભૂલને ‘ફૂલ’ સમજીને ચાહતી રહે છે તે પ્રેમ છે. સવારથી સાંજ સુધી આપણે એકબીજાના કામમાં સાથ આપીએ છીએ તે પ્રેમ છે. હંમેશાં એકબીજાને સતત ગમતા રહીએ તે પ્રેમ છે. તારી આંખોના સપના પૂરા કરવા હું મારી આંખોમાં કાજળ આંજુ તે પ્રેમ છે.

રોજ સવારે તારામાં ઇશ્ર્વરના દર્શન કરું અને તારી પૂજા કરવાનું મન થાય તે પ્રેમ છે. કોઇ જ બંધન વગર સતત એકબીજાને ચાહતા રહીએ અને જીવન ઉજાણીની માફક ઉજવતા રહીએ તે પ્રેમ છે. તું ર7 વર્ષની હો કે 7ર વર્ષની, પણ તારો હાથ કે સંગાથ છોડવાનું ક્યારેય મન ન થાય તે પ્રેમ છે.

ક્ષણે ક્ષણે આઇ લવ યુ કહું એ પ્રેમ નથી, પણ ક્ષણે ક્ષણે મારાં વાણી-વર્તનથી તને આઇ લવ યુ કહેવાનું મન થાય તે પ્રેમ છે. સુખ-દુ:ખમાં સતત તારો હૂંફાળો સાથ મળતો રહે તે પ્રેમ છે. પ્રેમ એ કહેવાનો નહીં, પણ કરી બતાવવાનો હોય છે. પ્રેમ એ સમજ છે, પ્રેમ એ ક્ષમા છે. પ્રેમ એ હકારાત્મકતા છે. પ્રેમ એ વિશ્ર્વાસ અને વફાદારીના પંખ સાથેનો મુક્ત વિહાર છે. એકબીજામાં ઓગળી જવાનું મન થાય તે પ્રેમ છે. એકબીજાને ખુશ રાખવા સતત પ્રયત્ન કરીએ તે પ્રેમ છે.
વેલેન્ટાઇન-ડેના દિવસે ગુલાબ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરવામાં આવે છે, પણ રોજ જો પ્રેમ કરવામાં આવે તો જીવન આખું ‘વેલેન્ટાઇન લાઇફ’ બની જાય.

પ્રેમ કરો અને પ્રેમથી જીવો એટલે રોજ વેલેન્ટાઇન-ડે

વેલેન્ટાઇન-ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. પ્રેમ એ અનુભુતિ છે. વ્યક્તિએ વ્યક્તિએ એ નવાં રૂપો ધારણ કરે છે. ક્યારેક મસ્તી, ક્યારેક મર્યાદા, ક્યારેક આકર્ષણ તો ક્યારેક વ્હાલ. ‘પ્રેમ’ એ શબ્દ નથી, પણ એક હૃદયથી બીજા હૃદય તરફ વ્હાલપભરી લાગણીને વહેવાની ક્રિયા છે. પ્રેમ હકારાત્મક છે. દુનિયામાં જે કાંઇ હકારાત્મક છે તે પ્રેમની જ સાધના છે. સમસ્યા એટલે જ પ્રેમનો અભાવ. જ્યાં પ્રેમ છે ત્યાં સમાધાન છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ પ્રેમમાંથી થઇ છે, તેનું અસ્તિત્વ પ્રેમમાં જ છે અને છેવટે તે પ્રેમમાં જ લય પામે છે. માટે હૃદયમાં પ્રેમદીપ પ્રજ્વલિત કરીએ અને પ્રેમ-પ્રકાશમાં જીવન માણીએ. પ્રેમ કરો અને પ્રેમથી જીવો એટલે રોજ વેલેન્ટાઇન-ડે.
રૂપા મનીષ મજમુદાર (આં.રા. રૈકી, યોગા, ટ્રેઇનર, અમદાવાદ)

ભીડમાં પણ ‘એના’ વગર એકલું લાગે એ છે પ્રેમ…
વેલેન્ટાઇન-ડે એટલે આટલા વરસો પછી એના વગર ભીડમાં પણ એકલું લાગે…‘એ’. દુનિયાની બધી જ લક્ઝરી એક તરફ અને એની સાથેની કંપનીની મજા એક તરફ. મોટાભાગે પ્રેમની કિંમત જ્યારે સાથી સાથે ફરતો હોય ત્યારે નહીં પણ જ્યારે સાથી આસપાસ ન હોય ત્યારે જણાય છે. સાચો પ્રેમ ડાયમંડનો સેટ આપવામાં નથી, પણ હું પાણી પીવાનું ભૂલી જાઉં અને એ મને પીવડાવે તેમાં છે. એ મને લક્ઝુરિયસ કાર આપે તેના કરતાં હું રસ્તા પર ચાલતી હોઉં અને એ હાથમાં હાથ પકડી મારી સાથે ચાલતો હોય એને લક્ઝરી સમજું છું. પ્રેમ દેખાવ જોઇને નહીં પણ મારી માંદગીમાં કે મને જૂનાં કપડાંમાં જોઇને પણ વહાલ કરે તે પ્રેમ છે. આખા વર્ષ દરમિયાન થતા આવા નાના પ્રસંગો એ જ મારી પરફેક્ટ વેલેન્ટાઇન મોમેન્ટ છે.
– સૌમ્યા પંડયા-ઠક્કર (આં.રા. થ્રીડી પેઇન્ટિંગ આર્ટિસ્ટ)

પ્રેમ વ્યક્ત કરવા કોઇ દિવસની રાહ જોવાની જરૂર જ નથી..
વ્હાલા પ્રિયતમ, આઇ લવ યુ… આમ તો મારો પ્રેમ વ્યક્ત કરવા કોઇ દિવસની રાહ જોવાની જરૂર નથી, એ અભિવ્યક્તિ મારા માટે કુદરતની દેન હોઇ સાવ સરળ અને સહજ છે. આપણા પ્રેમને નજર ના લાગે અને પ્રેમ વધુ ને વધુ સોહામણો બનીને દીપી ઊઠે એવી ઇચ્છા મનમાં રાખું ખરી, હોં! તું ડિયર, બધા હીરાઓમાં મારો કોહિનૂર હીરા જેવો વેલેન્ટાઇન છે! મારા જેવી ગર્વીલી સ્ત્રીને ઘણી વખત તારી ઉપર ડિપેન્ડ બનવું ગમે છે. એ ડિપેન્ડન્સી આખા વિશ્ર્વમાં ફક્ત ને ફક્ત તારી ઉપર! બસ, તું મને હેલ્પ કરે, કેર કરે એ મને બહુ જ ગમે. વળી તારી કોઇપણ જરૂરિયાત પૂરી કરવાને હું પૂરતી સમર્થ છું. તું પણ મારી ઉપર વિશ્ર્વાસ રાખીને મને તારી સઘળી ચિંતા સોંપી શકે છે. આ બધું તને ફરી ફરીને કહેવું મને બહુ ગમે છે. એટલે જ આજે આ વેલેન્ટાઇન-ડે પર તને ફરીથી કહું છું, ‘તારા વિના હું કાયમ અધૂરી છું, પ્રિય! કાયમ મારી સાથે આમ જ રહેજે, તને મારા સમ હોં કે!’

– સ્નેહા પટેલ (કવયિત્રી-લેખિકા)

તું ને હું મળીએ.. એ દિવસ છે વેલેન્ટાઇન..
‘દો દીવાને શહેર મેં’ની જેમ અમે રાજકોટમાં સરખી રીતે મળ્યા! ‘સરખી’ એટલા માટે કે પહેલા પરિચિત હતા એકબીજાથી અને હવે ઓળખવા લાગ્યા હતા. બંને દીવાના હતા કામ પ્રત્યે, સર્જન પ્રત્યે અને લગ્ન ન કરવા પ્રત્યે! ઓફિસ-ઓફિસ રમતાં, આજે ઘર-ઘર રમતાં અમને દસકો ક્યારે થઇ ગયો, તેની ખબર જ ન પડી! અમારી વેલેન્ટાઇન્સ મોમેન્ટ્સમાં અમારા સજ્જડ મતભેદ, એકબીજા પ્રત્યે સન્માનની લાગણી અને મૈત્રી વધારે આવે! અમે એકબીજાને વધુ ને વધુ અનુકૂળ, એવા પૂર્ણ સ્વતંત્રતા બંધ પર જ ‘સંબંધ’ અકબંધ છે! અને એ ‘સહ-બંધ’ ભાવ જ અમારા સહવાસની અનિવાર્યતા અને આત્મવિશ્ર્વાસ છે! પોત-પોતાના કર્મ-યજ્ઞમાં બેઉ મસ્ત! અમે પરસ્પર તો એવું માનીએ કે, ‘તું ને હું મળીએ એ દિન વેલેન્ટાઇન! તારા શબ્દો એ ‘રોઝ’, તારી આંખો એ ‘કાર્ડ’, તારું હોવું એ ‘અત્તર’, સ્પર્શ તારો-ડિવાઇન, તું ને હું મળીએ એ દિન વેલેન્ટાઇન!
– ડો. મિત્તલ મકરંદ શુક્લ (આંતરરાષ્ટ્રીય રેડિયો સાહિત્યકાર-ઇન્ડોનેશિયા)

પ્રેમ એ ફક્ત એક દિવસને આધીન નથી, એ તો આજીવન ચાલતી ક્રિયા છે..
‘લ્યો આજે મને ફરી માણસ થવાનું મન થયું
એક કૂંપળ ફૂટતી જોયા પછી, જગ આખાને ચાહવાનું મન થયું’
પ્રેમ એ ખૂબ જ નિર્મળ લાગણી છે. એમાં પ્રિયપાત્રની ખુશીની માગણી છે. આ કુદરતી અનુભુતિ છે. કોઇ પણ ઉંમરે, કોઇની પણ સાથે પ્રેમ થાય એ નૈસર્ગિક સ્વાભાવિક લાગણી છે. પ્રિયપાત્રની ખુશીમાં હૈયું નાચે અને એની જ આંખના અશ્રુ આપણને આખાને આખા નિચોવે તે પ્રેમ. પ્રેમ વ્યક્તિને હલકા પીંછા જેવી અનુભૂતિ કરાવે છે. થાય કે જાણે હવામાં ઊડી જઇએ! પ્રેમ એટલે એવી અનુભુતિ જે વ્યક્તિના ખાલીપાને ભરી દે છે. વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે. પ્રેમ એટલે વિશ્ર્વાસ, સભાન અને સ્વમાન. પ્રેમ ફક્ત આકર્ષણનો ભાગ નથી, પણ પ્રેમ એ સંપૂર્ણ જીવન છે. પ્રેમ એ જીવનનો ઉત્તમ આયામ છે. પ્રેમ એટલે પ્રેમ, જે ફક્ત એક દિવસને આધીન નથી, પરંતુ આજીવન ચાલતી નિરંતર ક્રિયા છે. વેલેન્ટાઇન-ડે એ બીજાને ચાહવા સાથે પોતાની જાતને પણ ચાહવાનો દિવસ છે. સ્ત્રી માટે પોતાને પ્રેમ કરવો અઘરો છે. એક સ્ત્રી તરીકે હું સ્વીકારું છું કે હા, હું મને પ્રેમ કરું છું. આઇ એમ માય વેલેન્ટાઇન…
– વિરાજ (એન્કર, સ્પીકર, રાઇટર, એક્ટર, કાઉન્સિલર સ્ત્રીમંચ અને સંગાથના ફાઉન્ડર)

એકબીજા સાથે મળીને પ્રેમથી જીવવું એટલે વેલેન્ટાઇન
એકબીજાને ગમતા રહેવું, એવું સતત સ્મરણ રહે અને સહચર્ય સદાય મિત્રતા અને પ્રેમથી સભર રહે એ બંને પાત્રો એકબીજાના વેલેન્ટાઇન છે. અમારા લગ્ન જીવનનો પાયો છે મિત્રતા. એકબીજાની આંખે સપના જોવા અને એ સાકાર કરવા, એકબીજા સાથે મળીને પ્રેમથી જીવવું એટલે વેલેન્ટાઇન. એકબીજાના શોખના પ્રોત્સાહક બનવું એ જ ખરો પ્રેમ છે. હું ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અને શશાંક પણ… અમે બંને એક જ ક્ષેત્રના ડોક્ટર છતાં મારા પ્રાણ સમા સંગીતના શોખને વિકસિત કર્યો મારા પ્રાણપ્રિય શશાંકે! અમે બંને એકબીજાના શોખને પ્રોત્સાહન કરીએ છીએ તે જ પ્રેમ છે. એકબીજાની લાગણીનો આદર, સ્વભાવનો સ્વીકાર અને અનહદ પ્રેમ એ અમારા વેલેન્ટાઇન લાઇફના જીવન મંત્રો છે. – ડો. ફાલ્ગુની શશાંક ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ)

એકબીજાને સતત ગમતા રહેવું તે પ્રેમ છે…
‘એકલતા સતાવતી નથી, હવે તમારી યાદ મારી પાસે છે,
તમે પણ દૂર નથી હવે, તમારી યાદ મારી પાસે છે.’
વેલેન્ટાઇન-ડે સાંભળતાં જ કેવો રોમાંચ થાય છે! અરીસા સામે આપણે ઊભા હોઇએ અને કોઇ ગમતી વ્યક્તિનું પ્રતિબિંબ દેખાય એનું નામ પ્રેમ. કોઇ આપણા માટે જીવે છે, કોઇ આપણા માટે ફના થવા તૈયાર છે. આહ! આ વિચાર જ કેટલો રોમાંચક છે, નહીં! કોઇની ગેરહાજરી આપણને વિહવળ બનાવી દે. કોઇની હાજરી આપણને ખુશ કરી દે તે આપણો વેલેન્ટાઇન છે. એકબીજાને સતત ગમતા રહેવું અને એકબીજાની ખુશીમાં ખુશ થવું તે પ્રેમ છે. વેલેન્ટાઇન-ડે આપણને રોજ ગુલાબની જેમ ખૂશ્બુદાર અને ચોકલેટની જેમ મીઠાશભર્યું જીવન જીવવાનો સંદેશો આપે છે. – રાહી રાઠોર (એન્કર, સિંગર, કવયિત્રી)

પ્રેમ એ ‘પહેલી તારીખ’ જેવો માલેતુજાર છે…
પ્રેમ ખુદ તો હર્બલ છે જ, પણ તે ‘ટ્રબલ’ પાત્રમાં હોય છે. એટલે પાત્ર જોઇને રોકાણ કરવું!
પ્રેમ એ ‘પહેલી તારીખ’ જેવો માલેતુજાર છે, પણ યાદ રહે કે પહેલી તારીખને આખર તારીખમાં તબદીલ થતાં ઝાઝી વાર નથી લાગતી.
પ્રેમના ફક્ત એમઓયુ જ કરવા. આજીવન લવાજમ ભરવાની ભૂલ ન કરવી.
પ્રેમ એ પિત્તળની રાશિ છે એટલે ‘તસ્કરો’એ એમાં સોનું શોધવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો.
પ્રેમ વિશે વધુ વાંચશો તો વધુ ગૂંચવાશો, એના કરતાં યા હોમ કરીને પડો પ્રેમમાં! બાય ધ વે, ટફહય-ક્ષ-શિંક્ષય શબ્દ આગળ ટફહય યાને ખીણ છે અને પાછળ શિંક્ષય કાંટો છે, એટલે સમજો વેલેન્ટાઇન એ શું છે?!!
– નલિની ગણાત્રા (વિખ્યાત હાસ્ય લેખિકા)

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય