ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!

ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!

- in Other Articles
931
Comments Off on ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!

વરસાદી માહોલમાં જો કુદરતી નજારો માણવાના શોખીન હો તો અવશ્ય ’સાપુતારા’ જવું જ જોઈએ. મુસ્કુરાતા જંગલો અને તેમાં પથરાયેલી હરિયાળી જોવી હોય કે ધમ ધમ વહેતા.. કૂદતા..ધોધનું મનોહર સૌંદર્ય જોવું હોય તો… વરસાદી મોસમમાં સાપુતારા આહલાદક આનંદ આપી શકે છે.

પ્રકૃતિની ગોદમાં વસેલું સાપુતારા…એ..દરિયાઈ સપાટીથી ૮૭૫ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. જે તે આખું વર્ષ આમ તો આહલાદક રહે છે પણ જો તમારે જંગલોની નજાકતતા, ગિરીમથકોનું ખુશનુમા હવામાન, ધોધનું નિરાલાપણું, તળાવની તાજગી, મંદિરોની પ્રસન્નતાભરી મુસ્કાન અને વરસાદ પછીની ખીલેલી સંધ્યાનું સુવર્ણમય સૌંદર્ય માણવું હોય તો અવશ્ય સાપુતારા જવું જ રહ્યું.

સાપુતારા એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે સહ્યાદ્રી અને પશ્ર્ચિમ ઘાટની વચ્ચે ખીલી ઉઠેલો પ્રદેશ છે. આ પ્રદેશ માત્ર તેના કુદરતી સૌંદર્ય માટે જ લોકપ્રિય નથી પણ આ સાથે.. આ પ્રદેશ ધાર્મિક શ્રધ્ધા સાથે પણ સંકળાયેલ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે આ સાપુતારાના લીલાછંમ જંગલોમાં ૧૧ વર્ષ વિતાવ્યા હતા. જે ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે.

સાપુતારામાં એવા અનેક સ્થળો છે કે.. જ્યાંથી સાપુતારાનું ખાસ વરસાદી સૌંદર્ય માણી શકાય છે. જેમાં… ઇકો પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, ટેબલ ટોપ પોઇન્ટ, ટાઉન વ્યૂ પોઇન્ટ, ગાંધી શિખર, સાપુતારા તળાવ, લેક ગાર્ડન, હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ગીરા ધોધ, સપ્તશૃંગીદેવી મંદિર, પૂર્ણા અભયારણ્ય, સાપુતારા આદિવાસી સંગ્રહાલય, નાગેશ્ર્વર મહાદેવ મંદિર વગેરે જોવા લાયક સ્થળો છે.

સાપુતારા એ એક અદભૂત પહાડી સૌંદર્ય ધરાવતું સ્થળ છે. જ્યાં વહેલી સવારે ઉગતા કે સાંજે આથમતા સૂર્યની સુવર્ણ – કેસરી કિરણો મિશ્રિત લીલા જોવી એ જીવનનો અદભૂત લ્હાવો છે. આ કિરણો પ્રકૃતિને સારી રીતે શ્રૃંગારિત કરે છે. જેના દ્વારા નયનરમ્ય મનોહર દ્રશ્ય રચાય છે. તો ઇકો પોઇન્ટમાં ‘પડઘા’ સાંભળવાની મજા આવે છે. અહીં તમે દિલથી આવાઝ દો કે ‘આઈ લવ યુ ’ તો.. કુદરત પણ તમોને કહેશે કે ‘આઈ લવ યુ’! હા.. આ પડઘો થોડી સેકન્ડમાં પુન : કાન અને દિલને રોમાંચિત કરી મૂકશે! .

ગીરા વોટરફોલ એ તો સાપુતારાનું નજરાણું છે. એ સુંદરતાનો ધોધ છે. જ્યાંથી હટવાનું મન જ ના થાય! જે સાપુતારાથી લગભગ ૪૯ કિ. મી. દૂર સાપુતારા-વાઘી રોડ પર આવેલ છે. કપરી ઉપનદીમાંથી નીકળતો ધોધ ચોમાસાની ઋતુમાં તો..આહલાદક લાગે છે. તે ૩૦ મીટરની ઊંચાઈએથી અંબિકા નદીમાં વહેતાં મનોહર દ્રશ્ય સર્જાય છે અને હાં..તમારે ગુજરાતી ટેકરીઓ પર સાંસ્કૃતિક અનુભવ કરવો હોય તો..‘ગાંધી શિખર’ પર જવું જ રહ્યું. તમારે માનસિક શાંતિ અને હીલ સ્ટેશન વચ્ચેનું તરતું સૌંદર્ય જોવું હોય તો તળાવ જોવું રહ્યું. જ્યાં સ્વચ્છ પાણી અને તેમાં તરતા હંસો આપણને શાંતિ આપે છે. તળાવ ફરતે ‘વોક ’ પણ કરી શકો છો… અને વરસાદી માહોલનો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત આદિવાસી મ્યુઝિયમની મુલાકાત પણ લેવા જેવી ખરી. ત્યાંં આપણને આદિવાસીની જીવન શૈલી, વેશભૂષા, લાકડાની કોતરણી, ઘાસના આભૂષણો વગેરેની સંસ્કૃતિ અને તેનો વારસો જોવા મળશે.

સાપુતારા નેશનલ હાઇવે-૯૫૩ પર આવેલ છે. ગુજરાત, પૂણે અને મુંબઈના રસ્તે પહોંચી શકાય છે. ટ્રેન દ્વારા પહોંચવા માટે બીલીમોરામાં સૌથી નજીકનું વઘાઈ રેલવે સ્ટેશન છે. જ્યાંથી સાપુતારા ૫૦ કિ. મી. દૂર છે. હવાઈ માર્ગે સૌથી નજીકનું એરપોર્ટ સુરત છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે મુંબઈ એ નજીકનું એરપોર્ટ છે.

શુલપાણેશ્ર્વર – ખડકાળ.. ટેકરીઓ કે પર્વતોની જટામાંથી વહેતો પાણીનો ધોધ…. એ સૌ કોઈને કેવો આકર્ષે છે! આપણને એમ જ થાય કે આ ધોધ એ શિવજીની જટામાંથી નીકળી ને આ ધરતી મૈયાનો ખોળો ખૂંદી રહ્યો છે.

નિનાઈ ધોધ એ.. તેની આસપાસ જબરદસ્ત સુંદરતા ધરાવે છે. તે શૂલપાણેશ્ર્વર વન્ય જીવન અભયારણ્ય ઉપરાંત ડેડિયાપાડાની સુંદરવન રેન્જમાં આવેલ છે.

નિનાઈ ધોધની ઊંચાઈ ૩૦ ફૂટથી વધુ છે. તે જ્યારે આટલી ઊંચાઈ પરથી પડતો હોય છે ત્યારે તેની આસપાસ સુંદર મનભાવન દ્રશ્યો સર્જાય છે. સહેલાણીઓને ત્યાંથી જવાનું મન જ ના થાય તેવું સુંદર સ્થળ છે. વરસાદી ઋતુમાં તો તેની સુંદરતા ઓર ખીલી ઉઠે છે, મહેંકી ઉઠે છે.

નિનાઈ ધોધ એ.. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલો ધોધ છે. તે ડેડિયાપાડાથી અંદાજે ૩૫ કિલોમીટર અને સુરતથી ૧૪૩ કિલોમીટરના અંતરે આવેલ છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે. જ્યાંથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર આવેલ છે. નજીકનું એરપોર્ટ સુરત છે.

હાથણી વોટર ફોલ્સ – વરસાદી મોસમની આહલાદક મજા માણવી હોય તો.. હાથણી વોટર ફોલ્સ જોવો જ રહ્યો! આ ધોધ… વરસાદી મોસમમાં ઓર ખીલી ઉઠે છે. આ ધોધને માણવાનો ખરો સમય વરસાદી ઋતુ જ છે. આ ધોધ આપણને વધુ રોમાંચિત કરી મૂકે છે.

સૌથી આકર્ષક અને ભવ્ય ધોધનું ઘર… જાંબુઘોડામાં આવેલું છે. આ લગભગ ૧૦૦ મીટર લંબાઈ ધરાવતો ભવ્ય એવો આ ‘હાથણી વોટરફોલ્સ’ વિવિધ પ્રકારના સુંદર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી ઘેરાયેલ છે. જો તમોને.. ધોધના પ્રવાહનું સંગીત ગમતું હોય તો આ ધોધ ખૂબ જ મનમોહક અને સંગીતમય લાગશે. જો તમારે ગાઢ જંગલમાં.. કુદરતી વાતાવરણ સાથે.. આધ્યાત્મિક શાંતિ જોઈતી હોય તો… અહીં આવવું જ રહ્યું. ફોટોગ્રાફીનો શોખ હોય તો પણ આ સ્થળ શ્રેષ્ઠ છે. પાવાગઢથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આવેલ ‘હાથણી વોટર ફોલ્સ’ રોમાંચક અને મનભાવન સ્થળ છે. દરેક વયની વ્યક્તિ તેનો ભરપૂર આનંદ લૂંટી શકે છે.

ડુમસ બીચ –કાળી રેતી માટે વિખ્યાત બીચ એટલે…‘ડુમસ બીચ ’. જે ‘ભૂતિયા બીચ’ તરીકે પણ ઓળખાય છે! દક્ષિણ ગુજરાતનું લોકપ્રિય પ્રવાસન સ્થળ એટલે… ‘ડુમસ બીચ’. આ બીચ એ.. ભારતમાં ટોચના ૩૫ ભૂતિયા સ્થળોમાંનું એક સ્થળ છે. ડુમસ બીચ એ અરબી સમુદ્રનો એક રૂરલ બીચ છે જે સુરત શહેરની દક્ષિણપશ્ર્ચિમમાં ૨૧ કિલોમીટરના અંતરે આવેલ છે. ડુમસ ખાતે જોવાલાયક સ્થળોમાં મુખ્ય બીચની બાજુમાં આવેલ દરિયા ગણેશ મંદિર જોવા જેવું છે.

શિવરાજપુર બીચ – ‘બ્લુ ફ્લેગ’ બીચ તરીકેની આગવી ઓળખ ધરાવતો શિવરાજપુરનો બીચ એ… કાચ જેવો, નીલ વર્ણી પાણી અને સફેદ રેતી ધરાવતો મનોહર બીચ છે. આ બીચને પર્યાવરણ શિક્ષણ માટે ફાઉન્ડેશન તરીકે ઓળખાતી ડેનમાર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા પ્રતિષ્ઠિત ‘બ્લુ ફ્લેગ’ એવોર્ડ આપવામાં આવેલ છે.

આ બીચનું નીલવર્ણી પાણી છીછરૂં છે એટલે… તમે તન અને મનને… ખુશી ખુશી સાથે… ભીંજવી શકો છો.. તેમાં તરી પણ શકો છો. તે સ્વિમિંગ માટે યોગ્ય છે. બીચ સૌર ઊર્જાથી ચાલે છે અને વિકલાંગોને અનુકૂળ છે. દરિયા કિનારે એક દીવાદાંડી છે જેનું નામ ‘કચ્છીગઢ લાઈટ હાઉસ’ છે. ગુજરાત સરકારે પણ આ બીચના બ્યુટિફિકેશન પાછળ લગભગ ૧૦૦ કરોડનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે.

શિવરાજપુર બીચ પર તમે વિવિધ પ્રકારની મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો. જેમાં સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલીગ, બોટિંગ વગેરેનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક આવેલા કેટલાંક સ્થળો જોવાલાયક છે. જેમાં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્ર્વર જ્યોર્તિલિંગ, રૂક્મણિ દેવી મંદિર અને સનસેટ પોઇન્ટ વગેરે છે. શિવરાજપુર એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે.

જમજીર ધોધ – જો તમે કવિ, ચિત્રકાર, સંગીતકાર કે કોઈ કલાકાર હો તો…જમજીર ધોધ જોવો જ રહ્યો! અને તે પણ… વરસાદી ઋતુમાં જ! કારણ કે આ ધોધ એ પ્રકૃતિ અને વનરાઈ સૌંદર્યથી ભરપૂર એવા સાસણ ગીર નજીક આવેલું મંત્રમુગ્ધ સ્થળ છે.

ચિત્રકાર, લેખક, કવિ કે સર્જનાત્મક કલાકાર માટે તો આ સ્થળ… સ્વર્ગ સમાન છે. અહીં માત્ર પેન કે પેન્સિલ અને કાગળ લઈને આવી જાવ… આપ અદભુત દ્રશ્યો કેન્વાસ પર અને માનસ પટ પર ઉતારી શકશો. વાતાવરણ ખૂબ શુદ્ધ અને શાંત છે. મન સાથે રહેવાનો અવસર આ કુદરતી વાતાવરણમાં મળે છે . જે જીવનભર યાદ રહી જાય.

જમજીર ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ છે. જે સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલ છે. કોડિનારથી ૩૭ કિલોમીટરના અંતરે આવેલ છે. રેલવે દ્વારા વેરાવળ આવવું પડે છે અને ત્યાંથી તે ૫૦ કિલોમીટર દૂર છે.સૌથી નજીકનું એરપોર્ટ દીવ છે. જ્યાંથી લગભગ ૪૫ કિલોમીટર દૂર આવેલ છે.

નજીકમાં તુલસી શ્યામ, સોમનાથ, જૂનાગઢ, દીવ અને દ્વારકા જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.

આ ઉપરાંત નર્મદા જિલ્લામાં આવેલ જુના ઘાટા ફોલ્સ, ઝરવાણી ફોલ્સ, સાબરકાંઠામાં આવેલ ઝાંઝરી ફોલ્સ, જૂનાગઢમાં આવેલ ‘જલશંકર ફોલ્સ, ડેડિયાપાડામાં આવેલ કોકમ ફોલ્સ વગેરે જોવા જેવા ફોલ્સ છે.

વરસાદી મોસમમાં આ બધા સ્થળો એ ફરવાની કઈંક ઓર જ મજા આવે છે. તો ચાલો આપણે સરસ આયોજન કરીને.. વરસાદની ભીનાશને માણવા જઈએ.

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં