કોઇની આંખોનું તેજ ઓછું હોય એટલે કે તડકાથી બચવા આપણે ચશ્માંનો ઉપયોગ કરીએે છીએ. જો કે ફેશનના રૂપમાં પણ હવે ચશ્માંનો ઉપયોગ થતો જોવા મળે છે. જે હોય તે, પરંતુ ચશ્માં આંખોનું રક્ષણ કરે છે. પણ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આ ચશ્માં આવ્યા ક્યાંથી? તેની શોધ કોણે કરી? ગૌરવની વાત છે કે વિશ્ર્વને ચશ્માંની ભેટ આપણા દેશ ભારતે આપી છે…
ઈતિહાસ એટલે સામાન્ય રીતે રાજા-મહારાજાઓની વિગતો જ એવું માનવામાં આવે છે. એની સાલવારીઓ વગેરે એટલે ઈતિહાસ. આવી માન્યતામાં છેલ્લાં કેટલાંક સમયથી પરિવર્તન આવવા લાગ્યું છે. સામાન્ય જનનો પણ ઈતિહાસ હોઇ શકે છે તેવું લોકો અને સંશોધકો હવે સ્વીકારવા લાગ્યા છે. હવે આમ આદમીનો કે સમાજનો ઇતિહાસ પણ લખાવા માંડયો છે, ત્યારે સામાન્ય જન માટે અતિ ઉપયોગી અને રોજિંદા જીવનની જરૂરિયાત એવા ચશ્માંને પણ પોતાનો રોચક ઇતિહાસ હોઇ શકે તે જાણીને નવાઇ લાગે. આજે અહીં અતિ સામાન્ય છતાં અગત્યના એવા આ ચશ્માંના રોચક ઇતિહાસની વાત કરવી છે. આપણને જાણીને નવાઇ લાગે કે વિશ્ર્વને ચશ્માંની ભેટ આપનાર આપણો ભારત દેશ છે. તેની વિગતે વાત અહીં નોંધવાનો ઉપક્રમ છે…
કોઇની આંખોનું તેજ ઓછું હોઇ નજર ઓછી પડતી હોય તેથી કે પછી તડકાથી બચવા આપણે ચશ્માંનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આજકાલ જો કે ફેશનના રૂપમાં પણ ચશ્માંનો ઉપયોગ થતો જોવા મળે છે. જે હોય તે પરંતુ ચશ્માં આપણી આંખોનું રક્ષણ કરે છે. પણ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આ ચશ્માં આવ્યા ક્યાંથી? તેની શોધ કોણે કરી? આપણે ગૌરવ લેવા જેવું છે કે વિશ્ર્વને ચશ્માંની ભેટ આપણા દેશ ભારતે આપી છે. ભારતમાં ચશ્માંનો ઉપયોગ ઇસવીસન પૂર્વે પાંચસો વર્ષ પહેલાંથી કરાતો હોવાની નોંધ મળે છે. હેનસાંગ નામના એક ચીની પ્રવાસીએ ઇસવીસન છઠ્ઠી શતાબ્દીમાં ભારતમાં ચશ્માંનો ઉપયોગ કરાતો હોવાની નોંધ કરી છે. તેણે ભારતમાં જોયેલી અનેક વસ્તુઓની નોંધ કરી છે જેમાં ‘આંખો માટે ચમકદાર વસ્તુ’ એવી નોંધ દ્વારા લોકો આંખોના રક્ષણ માટે ચશ્માંનો ઉપયોગ કરતાં હોવાની વાત લખી છે. ઇ.સ. 1038માં મિસ્રમાં લખાયેલા એક પુસ્તકમાં આંખોનું તેજ વધારવા માટે લેન્સની વાત કરવામાં આવી છે.
ચશ્માંના વિકાસમાં ચીનનું યોગદાન પણ મહત્ત્વનું છે. કહેવાય છે કે, ઇસવીસન પૂર્વે ચીની સમ્રાટો તારાના અવલોકન માટે પારદર્શક પથ્થરોનો ઉપયોગ કરતા. ઇ.સ. પપ0 વર્ષ અગાઉ ક્ધફયુશિયસના સમયમાં એક વ્યક્તિની આંખોની રોશની કાચની મદદ વડે પાછી લાવવામાં આવી હતી. જો કે, આવી ઘટનાઓ અપવાદ જ હતી, બાકી ચીનના સરદારો આંખોનું તેજ ઓછું થતું ત્યારે નોકરોની મદદ લેતા હતા. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આંખોના તેજ માટેનું તાંત્રિક જ્ઞાન અને કાચના ઉપયોગની વાતો ચીને ઇસવીસનની છઠ્ઠી શતાબ્દીમાં ભારત પાસેથી શીખી છે. કે.એસ.લેટોરેટ પોતાના પુસ્તક ‘ચીનનો ઈતિહાસ અને સંસ્કૃતિ’માં લખે છે એ મુજબ ચીને આંખોની માવજત માટે કાચનો ઉપયોગ ભારત પાસેથી શીખ્યો છે અને તેનું અધિકૃત વર્ણન તંગવંશ (ઇ.સ. 618)માં કરવામાં આવ્યું છે. તો અન્ય લેખક એફ.એચ. ગેરીસને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘ઇ.સ. 1ર60માં ચીનીઓએ આંખોની રોશની માટે કાચનો ઉપયોગ તુર્કિસ્તાન પાસેથી શીખ્યો છે અને તુર્કિસ્તાને ભારત પાસેથી શીખ્યો છે.’ આમ, એ તો સ્પષ્ટ થાય છે કે નેત્ર વિજ્ઞાન અને ચશ્માંનો જન્મ મૂળ રૂપે ભારતમાં જ થયો છે અને અહીંથી જ વિશ્ર્વના અન્ય દેશોમાં ગયા છે.
ચશ્માંના વિચારનો જન્મ ભારતમાં થયો, પરંતુ તે પછી તેમાં પરિવર્તન લાવી આધુનિક ચશ્માંની શોધ યુરોપમાં થઇ હોવાની નોંધ પણ પૂનાના ઇતિહાસકાર પ્રો. પી.કે.ગોડે ભારત ઇતિહાસ સંશોધન મંડળના ત્રિમાસિકના અંકમાં કરી છે. ગોડ લખે છે એ મુજબ આધુનિક ચશ્માંની શોધ યુરોપમાં ઇ.સ. 1ર60ના અરસામાં કરાઇ છે. તો ભારતમાં આધુનિક ચશ્માંનો પ્રવેશ પોર્ટુગીઝોએ કરાવ્યો હતો. ભારતમાં આવા આધુનિક ચશ્માંનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઇ.સ. 1પર0ના અરસાનો મળે છે. સોમનાથ કવિએ રચેલા ‘વ્યાસોગીચરિત’ નામના ગ્રંથમાં વિજયનગરના વ્યાસાચાર્ય નામના મધ્ય સંપ્રદાયના એક નામાંકિત આચાર્યનું જીવન આપ્યું છે જેમાં આ વ્યાસાચાર્યને ‘ઉપલોચન ગોલક’ અર્થાત્ ચશ્માં પહેરીને વાચતા વર્ણવ્યા છે. ભારતમાં આધુનિક ચશ્માંનો આ ઇ.સ. 1પર0ના અરસાનો જૂનામાં જૂનો આ ઉલ્લેખ લેખકે કદાચ માત્ર એક કુતૂહલની વસ્તુ તરીકે કર્યો છે પરંતુ ઈતિહાસકારો માટે ચશ્માંનો ઈતિહાસ તપાસવા માટે એક મહત્ત્વનો આધાર બની રહે છે. તેમના આ ઉલ્લેખ પરથી એવું પણ ફલિત થાય છે કે એ સમયે સમાજના અતિ ઉચ્ચ વર્ગના કેટલાક લોકો જ ચશ્માંનો ઉપયોગ કરતા હશે અથવા કરી શકતા હશે.
શ્રી ગોડના આ ઉલ્લેખ પછી ગુજરાતના જાણીતા ઈતિહાસકાર ભોગીલાલ સાંડેસરાની પણ કેટલીક મહત્ત્વની નોંધો ચશ્માંના ઇતિહાસને જાણવામાં મદદરૂપ થાય એવી જોવા મળે છે. શ્રી સાંડેસરાએ ઇ.સ. 16 અને 17મા સૈકાની કેટલીક સાહિત્યિક રચનાઓમાં ચશ્માંનો ઉલ્લેખ જોવા મળ્યો છે. તેઓ નોંધે છે એ મુજબ ગુજરાતમાં સોળમા સૈકામાં વાંચવા-લખવા માટે ચશ્માંનો ઉપયોગ શરૂ થઇ ચૂકયો હતો. અમદાવાદમાં ઇ.સ. 1પ7પમાં રચાયેલા જૈન કવિ સોમવિમલસૂરિના કાવ્ય ‘શતાર્થી સ્વાધ્યાય’માં ‘ચસિમા’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ‘ચસિમા’ (આધુનિક ચશ્માં) શબ્દને જુદા જુદા અર્થોમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કાવ્યની 11મી પંક્તિ આ મુજબ છે :
‘ચસિ માં ચિત્ર જીવે તુઝ ભણઉ,
ચસમાં ધરીનઇ વાંચે ઘણઉ.’
આ કાવ્ય પાટણના ભંડારમાં રહેલી હસ્તપ્રતમાંથી તેઓને મળી આવ્યું હતું, જેને તેઓએ સંપાદિત કરી પ્રકાશિત પણ કર્યું છે. તો ભોગીલાલ સાંડેસરાને ચશ્માં અંગેનો અન્ય ઉલ્લેખ જ્ઞાની કવિ અખાના એક કાવ્યમાં મળ્યો છે. ઇ.સ. 1649માં રચવામાં આવેલા કાવ્ય ‘અખેગીતા’માં 1પમા કડવાની આઠમી કડીમાં જ્ઞાનીનું અતિ સ્પષ્ટ પરમાર્થ દર્શન વર્ણવતાં કવિ કહે છે :
‘જેમ ચશ્માંના પડ વિશે
રોધ ન પામે દષ્ટ;
તે જ અધિકું પોષે આંખને,
તેમ અણલિંગી પ્રત્યક્ષથ
આ બંને ઉલ્લેખો 16 અને 17મા સૈકામાં ગુજરાતમાં આધુનિક ચશ્માંનો ઉપયોગ શરૂ થઇ ગયો હશે તેના માટેનો પૂરતો આધાર આપે છે અને બંને એકબીજાના આધાર માટે પૂરક પણ બને છે.
‘જહાંગીર આલ્બમ’ના એક જૂના ચિત્રમાં અકબરની રાજસત્તાના ઉત્તરકાળમાં થઇ ગયેલા એક ચિત્રકારને ચશ્માં પહેરેલો બતાવાયો છે. આ ચિત્ર પણ ઉપર્યુક્ત ગુજરાતી સાહિત્ય રચનાઓને અનુમોદન આપે છે.
ચશ્માં શબ્દ મૂળ ફારસી ભાષાનો છે, તો પ્રો.ગોડે પોતાના સંશોધનમાં ચશ્માં માટે ‘ઉપલોચન ગોલક’, ‘ઉપનેત્ર’ અને ‘ચાળસી’ શબ્દો શોધ્યા છે. આમાં ઉપલોચન ગોલક ને ઉપનેત્ર તો સંસ્કૃત સાહિત્યના સર્જકોએ શોધેલા સંસ્કૃત શબ્દો છે પરંતુ ચાળસી અથવા ચાળશી શબ્દ તો ચાલીશ વર્ષની વય થતાં માણસને નજીકની વસ્તુઓ જોવા માટે ચશ્માંની જરૂર પડે છે. તે ઉપરથી મરાઠી ભાષામાં ચશ્માંના અર્થમાં વર્ણવાયેલો શબ્દ હોવાનું અનુમાન સાંડેસરા કરે છે. આ ઉપરથી ગુજરાતી શબ્દ ‘બેતાળાં’, ઉડિયા ‘ચાલેસા’ અને તેલુગુ ‘ચતવાર’ (ચાર દશકા) સરખાવી શકાય છે.
ચશ્માં એ ફારસી શબ્દ છે અને તેનો મૂળ અર્થ આંખ થાય છે. આ હકીકતને માનવા માટે આધાર રૂપે જોઇએ તો આરબો અને ઇરાનીઓ દ્વારા હિન્દ અને યુરોપ વચ્ચે થયેલી વસ્તુ વિનિમયતાને કારણે વિશિષ્ટ વસ્તુઓનો અર્થ વ્યક્ત કરવા માટે નવા આવેલા શબ્દના આથી ઊલટા પ્રકારના ઉદાહરણો જોવાથી આ અનુમાનની સાધારતાની ખાતરી થશે. હિન્દમાં થતી આંબલીને આરબ વેપારીઓ યુરોપ લઇ ગયા જ્યાં આંબલીનો દેખાવ કંઇક અંશે ખજૂર જેવો હોઇ તેને ‘તમર અલ હિન્દ’ અર્થાત્ ‘હિન્દની ખજૂર’ એવું નામ આપવામાં આવ્યું. એના પરથી જ આંબલીને અંગ્રેજીમાં ‘ટેમેરિન્ડ’ નામ આપવામાં આવ્યું હોવાનું અનુમાન છે. એ જ રીતે હિન્દના ચંદનમાંથી ઇરાનીઓ દ્વારા ફારસી ભાષામાં ‘સંદલ’ નામ આપવામાં આવ્યું અને તેના પરથી અંગ્રેજીમાં ‘સેન્ડલ’ થયું. ઈતિહાસના સંશોધનમાં ભાષા આ રીતે પણ ઉપયોગી થતી હોવાનું જોઇ શકાય છે. આથી જ સાંડેસરા અનુમાન કરે છે કે, ભારતમાં ચશ્માં પોર્ટુગીઝો નહીં, પણ આરબ અને ઇરાની વેપારીઓ લાવ્યા હશે. પ્રાચીન સમયમાં પશ્ર્ચિમ ભારતના મોટાભાગના બંદરોમાં આરબ અને ઇરાની વેપારીઓ યુરોપનો માલ ભારતમાં લાવવાનું અને ભારતનો માલ યુરોપમાં લઇ જવાનું કામ કરતા. પરિણામે યુરોપ અને ભારત વચ્ચે સારો સંસ્કાર વિનિમય સધાયો હતો. શક્ય છે કે, એ સમયે આ વેપારીઓએ ભારતમાં ચશ્માં લાવવાનું પણ કાર્ય કર્યું હોય.
13મી સદીના અંત સુધી ચશ્માં માટેના કાચની શોધ થઇ ન હતી. આથી એ અગાઉ નબળી દૃષ્ટિના લોકો કેવા ઉપાયો કરતા એ પણ જાણવું રસપ્રદ છે. અગાઉ જેમની નબળી દૃષ્ટિ હતી તેવા લોકો પોતાની એ મુશ્કેલી સ્વીકારી લેતા અથવા તો જે માલેતુજાર હતા તેઓ વાંચવા તથા સાથે રહેવા માટે ખાસ માણસ રાખતા.
સનગ્લાસની બનાવટના ચશ્માં આવ્યા તે અગાઉ સૂર્યના કિરણોથી આંખોને રક્ષણ આપવા ખાસ પ્રકારના હાથીદાંતના ચશ્માં બનાવવામાં આવતા જેમાં હાથીદાંતને ગોળ કાપી તેની મધ્યમાં નાનું બિંદું જેટલું કાણું અથવા નાની તિરાડ પાડવામાં આવતી અને તેને આંખ પર ટેકવી તે કાણાં અથવા તિરાડમાંથી જોવાથી સૂર્યના કિરણોની અસર ઓછી થતી. એક મળતી નોંધ મુજબ પ્રાચીન રોમમાં સમ્રાટ નીરોએ પોતાના સૈનિકોને યુદ્ધ સમયે સૂર્યના તેજ કિરણોથી રાહત આપવા માટે પોલીશ્ડ પીનર આંખ સામે રાખવા આપ્યા હતા.
તો સમ્રાટ નીરોના શિક્ષકે પોતાની નબળી આંખોને કારણે વાંચવામાં પડતી મુશ્કેલી નિવારવા એક નવો અખતરો અપનાવ્યો હતો. તેમણે પાણીથી ભરેલા એક કાચના બાઉલની મદદથી એ સમયે તમામ પુસ્તી નાકો વાંચ્યા હતા. આ ઘટનાને વાંચવા માટે કાચની શોધનું પ્રથમ પગથિયું કહી શકાય. ઇ.સ. 1000માં વેનિસમાં સેનેકાના સપાટ તળિયાવાળા બાઉલમાં પાણી ભરી તે બાઉલને પુસ્તક પર મૂકવામાં આવતા તેની જ્યાં બાઉલની સપાટી રહે તે અક્ષરો મોટા અને સુવાચ્ય બનતા. આ પ્રયોગ એ સમયે બહુ લોકપ્રિય બન્યો હતો. પાછળથી એ બાઉલના તળિયાના કાચને છૂટો કરી વાંચવા માટે ઉપયોગમાં લેવાનો જેને એ લોકો ‘વાંચન પથ્થર’ તરીકે ઓળખતા. એ સમયે વિહાર કરતાં ધાર્મિક આગેવાનો તે ‘વાંચન પથ્થર’ને પોતાની સાથે રાખતા, જેથી વાંચવા તથા માર્ગમાં દૂરનું જોવામાં પણ તે ઉપયોગી બનતા. ચશ્માં માટે બહિર્ગોળ કાચની શોધ પણ આ પ્રયોગથી થઇ હશે.
1રમી સદીમાં ચીનના ન્યાયાધીશો કેસ ચલાવતા ત્યારે એક ખાસ પ્રકારના
સ્મોકી ક્વોટર્ઝ ફટિક્સથી બનેલા કાચ પહેરતા જેથી સામેની સાક્ષી અને ગુનેગાર વ્યક્તિ ન્યાયાધીશની આંખોના ભાવ પારખી ન શકે.
ચશ્માંની શોધનો ચોક્કસ સમય તો મળતો નથી, પરંતુ સામાન્ય રીતે સ્વીકૃત સમય મુજબ ઇ.સ. 1ર68થી 1300ના અરસામાં ઇટાલીમાં સુધારેલા ચશ્માંની પહેલી જોડ બનાવવામાં આવી હતી. આ ચશ્માંમાં બે મેગ્નિફાઇડ પથ્થરોને લીસા બનાવીને તૈયાર કરવામાં આવ્યા હતા અને તેને તેમાં એ બે પથ્થરને વચ્ચે એક ડાંડીથી જોડવામાં આવ્યા હતા, જે નાક પર ટેકવી શકાતા ન હતા, પણ હાથમાં પકડી આંખ સામે ધરીને વાંચવામાં ઉપયોગમાં
લેવામાં આવતા.
નાક પર ટેકવીને પહેરવાના ચશ્માં સૌ પ્રથમ 14મી સદીના મધ્યકાળમાં ટોમાસા ડા મોડેનાએ બનાવ્યા હોવાનું જાણવા મળે છે અને ઇટાલીમાં કરાયેલી આ ચશ્માંની શોધ બેલ્જિયમ, નેધરલેન્ડ અને લકઝમબર્ગ, જર્મની, સ્પેન, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં રજૂ કરવામાં આવતા ત્યાં તેને બહોળા પ્રમાણમાં લોકોનો આવકાર મળ્યો એ સમયે શોધાયેલા આ ચશ્માંથી છપાયેલા શબ્દો અને સામેની નાની વસ્તુને સ્પષ્ટ અને મોટી જોઇ શકાતી.
ઇંગ્લેન્ડમાં આ ચશ્માંનું વ્યવસાયિક રીતે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને તે સમયે ચાલીસથી વધારે ઉંમરની વ્યક્તિઓ માટે વરદાનરૂપ શોધના રૂપમાં તેની જાહેરાત કરવામાં આવતી. 16ર9માં ‘વયસ્કો માટે આશીર્વાદ’ એવા સૂત્ર સાથે તેની જાહેરાતો ચશ્માં ઉત્પાદક કંપનીઓ આપતી હતી.
16મી સદી પછી આ શોધમાં પણ પરિવર્તન આવ્યું અને નજીક અને દૂર એમ બંને પ્રકારે જોઇ શકાય એવા ચશ્માંની શોધ કરવામાં એ સમયના સંશોધકોને સફળતા મળી. આમ છતાં આ ચશ્માંને વ્યવસ્થિત પહેરી શકાય તેવી શોધ તો હજુ નહોતી થઇ. આ મુશ્કેલીનો હલ શોધવા સ્પેનિશ ચશ્માંના ઉત્પાદકોએ આરંભમાં એવો રસ્તો શોધ્યો કે રેશમની રિબીન જેવી બે દોરી સાથે કાચને જોડીને તેને કાન પર વિંટાળી દેવામાં આવતી. આ પ્રકારની શોધના ચશ્માં સ્પેનિશ અને ઇટાલિયન ઉત્પાદકો દ્વારા ચીનમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ચીનની પ્રજાએ કાન પર વિંટાળવાની આ ઝંઝટવાળા ચશ્માંને સ્વીકાર્યા નહીં. પરંતુ આ સમસ્યાનો પણ અંત 1730માં લંડનના ઓપ્ટિશિઅન એડવર્ડ સ્કાર્લેટે લાવી દીધો. તેણે કાચ સાથે સ્ટીકને જોડી અને તેને કાનની પાછળ રહી શકે તે પ્રકારની બનાવી.આ પછી વીસ વર્ષ પછી આ શોધમાં પણ ઉમેરણ કરવામાં આવ્યું અને ચશ્માં ડિઝાઇનર જેમ્સ એ સ્કકો દ્વારા નાના મજાગરાં સાથે એ સ્ટીક કાચ સાથે જોડી સ્ટીકને પણ વિવિધ રંગની બનાવી એ સમયે આધુનિક કહી શકાય તેવા ચશ્માં નિર્માણ કરવામાં આવ્યા.
આ પછી તેમાં વિવિધ સુધારા થતા ગયા અને અંતે આજના વિવિધ ડિઝાઇનના આધુનિક ચશ્માં અમલમાં આવ્યા. ચશ્માંની શોધમાં મોટું પરિવર્તન તો ઇ.સ. 1780ના દાયકામાં આવ્યું. આ અરસામાં બેન્જામિન ફ્રેકલી દ્વારા બાયફોકલ ચશ્માંની શોધ કરવામાં આવી.
જો કે, આ દાવાને ઓપ્ટોમેટ્રિક્સ કોલેજની વેબ સાઇટમાં શંકાસ્પદ ગણાવી. તેમાં કહેવાયું છે કે ઇ.સ. 1760ના દાયકામાં ઇંગ્લેન્ડમાં બાયફોકલ લેન્સની શોધ કરવામાં આવી છે. પરંતુ બેન્જામિન ફ્રેકલીને પોતાના એક મિત્ર જ્યોર્જ વોટલીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘પોતે પોતાની બાયફોકલ (ડબલ ચશ્માં)ના શોધથી અત્યંત ખુશ છે, જે દૂર અને નજીક જોવાનું કામ સાથે આપે છે.’
આ બંને દાવાને સ્વીકારીએ તો પણ એટલું ચોક્કસ છે કે ડબલ જોવાના ચશ્માંની શોધ 1760થી 80ના દાયકામાં થઇ અને ચશ્માંની દુનિયામાં મોટી ક્રાંતિ આવી.