ભારત માતાના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલનું એક વિશાળકદનું શિલ્પ ગુજરાતની જીવાદોરી સમી મા રેવા નર્મદાના બેટમાં ઊભું થઇ રહ્યું છે. વિશ્ર્વભરના અનેકવિધ ઊંચા શિલ્પોથીય ઊંચું વિશ્ર્વનું સૌથી ઊંચું શિલ્પ બનવા જઇ રહેલું આ શિલ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે. હાલ રાત દિવસ ચાલી રહેલા આ પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે…
ફીલિંગ્સનો આ ચરોતર સ્પેશિયલ અંક થઇ રહ્યો છે ત્યારે રાજરમતની રાજકીય કોલમમાં પણ આપણે ચરોતરની જ વાત કરીએ. જે નેતાના વિષયે અહીં વાત કરવી છે એમને માત્ર ચરોતર કે ગુજરાત પૂરતા સીમિત કરી દેવા શક્ય નથી. કારણ કે, એ અખંડ ભારતના ઘડવૈયા સરદાર છે. આમ તો સરદાર વલ્લભભાઇ પટેલનો પરિચય કોઇપણ ભારતીયને આપવો પડે એમ નથી. છતાં એમના વિશે જરૂરી કેટલીક વિગતોના ઉલ્લેખ સાથે આજના વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ.
સરદાર વલ્લભભાઇ પટેલ ધીકતી વકીલાત છોડીને ગાંધીજીના સાચા અર્થમાં અનુયાયી બન્યા અને કોઠાસૂઝથી ઉપાડેલી લોકલડતના પહેલા શિરપાવરૂપે એમને સરદારનું અસરદાર બિરુદ મળ્યું, જે એમના વ્યક્તિત્વ સાથે બિલકુલ મેળ ખાતું હતું. સરદાર પટેલ આજીવન કોંગ્રેસમાં રહ્યા. નાના મોટા પદથી શરૂ કરીને પહેલી ભારતીય કેન્દ્રિય સરકારમાં નાયબ વડાપ્રધાન તરીકે પોતાની સેવાઓ આપી. દેશની આઝાદીની લડત પછી સમગ્ર ભારતને એકસૂત્રમાં બાંધીને વહીવટ કરવામાં જે સૌથી મોટી મુશ્કેલી હતી એ પ6ર નાના મોટા રાજા-રજવાડાં હતાં. પરંતુ સરદાર પટેલે પોતાની કુનેહથી એ સમસ્યાને સરળ કરી મૂકી અને અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખાયા.
ભારત માતાના આવા પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલનું એક વિશાળકદનું શિલ્પ ગુજરાતની જીવાદોરી સમી મા રેવા નર્મદાના બેટમાં ઊભું થઇ રહ્યું છે. વિશ્ર્વભરના અનેકવિધ ઊંચા શિલ્પોથીય ઊંચું વિશ્ર્વનું સૌથી ઊંચું શિલ્પ બનવા જઇ રહેલું આ શિલ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે. એમનો આ ડ્રીમ પ્રોજેક્ટ દિવસરાત ચાલી રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, ર013ના રોજ પ્રકલ્પનું ભૂમિપૂજન કર્યું હતું. 3 ડિસેમ્બર, ર014થી કામગીરી શરૂ થઇ હતી. દરિયાની સપાટીથી 117 મીટર ઉપર બની રહેલા ભારતના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની 18ર મીટર (પ97 ફૂટ) ઊંચી પ્રતિમા લગભગ તૈયાર થઇ ગઇ છે. સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિમાની ઊંચાઇ ગુજરાત વિધાનસભાની કુલ સીટો (18ર)ની બરોબર રખાઇ છે. આ સ્ટેચ્યૂ આખું તૈયાર થઇ ગયા બાદ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હશે.
સરદારના સ્ટેચ્યૂની રચનામાં દેશ-વિદેશના કંઇ-કેટલાય નામી-અનામી કારીગરો પોતાની કળાનો કસબ બતાવી રહ્યા છે. ચીનના નાગચાંગની જિયાંગશી તોંગકિંગના ટીકયૂ આર્ટ ફાઉન્ડ્રીના કારીગર કેવડિયા આવીને વલ્લભભાઇની પ્રતિમાનું બહારનું તાંબાનું માળખું બનાવવામાં મદદરૂપ બન્યા છે. મૂર્તિનું મૂળ માળખું કોંક્રીટ અને સ્ટીલમાંથી બની રહ્યું છે. મૂર્તિનું બહારનું માળખું બનાવવા માટે ટીકયૂ આર્ટ ફાઉન્ડ્રીએ કારીગર રામ સુથારના નેતૃત્વમાં તાંબાની પાંચ હજાર પેનલ ડિઝાઇન કરી છે. આ તમામ પેનલને એક વર્કશોપમાં લઇને જોડાશે, ત્યાર બાદ તબક્કાવાર મૂર્તિનું બહારનું માળખું તૈયાર કરાશે. ટીકયૂ આર્ટ ફાઉન્ડ્રી વર્કશોપ દ્વારા પહેલા તબક્કામાં વલ્લભભાઇ પટેલની મૂર્તિના પગ અને ધોતી માટે તાંબાની પેનલ તૈયાર કરાઇ હતી, જેની તસવીરો પણ સમૂહમાધ્યમોમાં પ્રકાશિત થઇ છે. મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાનારા સ્ટીલનું ઉત્પાદન ત્રિચીનાપલ્લીમાં થઇ રહ્યું છે. પ્રતિમાનું સ્ટીલ ફ્રેમવર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ મલેશિયા સ્થિત કંપની એવરસેનડાઇને આપવામાં આવ્યો છે, જેને દુબઇની પ્રખ્યાત બુર્જ ખલીફા અને બુર્જ અલ-અલબ જેવી બિલ્ડિંગ બનાવી છે.
નર્મદા બંધ નજીક 7ર મીટર ઊંચી સાધુ ટેકરીને કાપીને પર.પ મીટરનું ફાઉન્ડેશન તૈયાર કરાયું છે. એલ એન્ડ ટી કંપનીએ યુદ્ધના ધોરણે કામકાજ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્ર્વની સૌથી ઊંચી સરદારની આ પ્રતિમાનો પ્રોજેક્ટ રૂા.ર989 કરોડના ખર્ચે આ વર્ષે એટલે કે વર્ષ ર018 સુધીમાં પૂર્ણ થશે. ઓક્ટોબર, ર014માં એલ એન્ડ ટીને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામકાજમાં રર,પ00 ટન લોખંડ વપરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પ્રમાણે દેશભરમાંથી ખેતીના ઓજારોનું લોખંડ ભેગું કરી લોકોની લોકનેતા સરદાર પટેલ પ્રત્યેની લાગણીઓને પણ આ પ્રોજેક્ટ સાથે જોડી દઇ મોટાપાયે લોખંડ ભેગું કરાયું છે.
આ પ્રકલ્પ માટે ગુજરાત સરકારે પણ પોતાના બજેટમાં લગભગ 900 કરોડની જોગવાઇ કરી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કામ લગભગ 80 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે અને તા.31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસ્કેલેટર અને લિફટ સહિતની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સરદાર પટેલનો ચહેરો પહેલી જ વખત તાજેતરમાં જાહેર કરાયો છે. આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના આયોજન સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરરોજ 1પ,000 પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટની મુલાકાત લે એ રીતે આ સ્થળને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન કરવા વિશેનો પુનરુચ્ચાર કર્યો હતો. એ સંદર્ભે જોતાં કેવડિયા કોલોનીની આસપાસમાં ગુજરાતને વધુ એક એરપોર્ટ મળી શકે એમ છે. જેથી આ સ્થળની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને સુવિધા રહે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પણ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જીવન-કવનથી વિશ્ર્વભરના પ્રવાસીઓને અવગત કરાવવા સરદાર પટેલના જન્મ-કર્મસ્થાનોને સાંકળી લેતી ટુરિસ્ટ સર્કિટ શરૂ કરવાની નેમ વ્યક્ત કરી ચૂકયાં છે. દક્ષિણ ગુજરાતના બારડોલીના બાબેન ખાતે સરદાર પટેલની નર્મદા બંધના નિર્માણસ્થળ કેવડિયા ખાતે નિર્માણાધીન સરદાર સાહેબની વિશ્ર્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિરૂપ 30 ફૂટ ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.
એકંદરે જોતાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું આ વિશ્ર્વવિક્રમી શિલ્પ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ચોક્કસ ટેકો આપશે અને આ શિલ્પની વૈશ્ર્વિક ઊંચાઇને જોતાં ગુજરાતને પણ વૈશ્ર્વિક સ્તરે ફરી એક નવા કારણસર ચર્ચાના કેન્દ્રમાં લાવી મૂકશે એ વાતમાં કોઇ મિનમેખ નથી.