
રાજસ્થાનનાં રાજવી પરિવારોએ જોધપુર શહેરની શોભામાં વધારો થાય અને પોતાની કીર્તિ અમર રહે એવા શુભ આશયથી પ્રાચીન મંદિરો, ભવ્ય વિશાળ મહેલો, ઘંટાઘરો, ટાવર જેવા સ્થાપત્યો રચેલા છે. રાજસ્થાનના પીળા પથ્થર અને લાલ પથ્થરમાંથી બનતી
ઈમારતોમાં સોનાની છાંટ જેવો કલર ટોન જોવા મળે છે. તે બારીક કલા કોતરણી માટે ખૂબજ પ્રખ્યાત છે. તેના ઊંચા…ઊંચા કિલ્લા જોતાં તેની સુરક્ષા કેવી મજબૂત હશે તેનો ખ્યાલ આવી જાય છે. અહીંના પુરુષો રંગીન પાઘડી અવશ્ય પહેરે છે. લગભગ કોઈક જ ઉઘાડા માથે ફરે છે…! અહીંની ભાષા મારવાડી છે. ખૂબ જ લહેકાથી બોલાતી ભાષા માન વાચક લાગે છે આ ભાષાને લખવામાં આવે તો હિન્દી ભાષામાં લખાય છે. રાજસ્થાનમાં અમુક કોમમાં હાથીદાંતના ચૂડલા આખા હાથમાં પહેરે છે…! જે સફેદ રંગના હોય છે. હવે તો હાથીદાંતના બદલે રસના ચૂડલા પહેરવા લાગ્યા છે. પુરુષો ધોતી પહેરે છે. રાજસ્થાનમાં રણ વિસ્તાર વધુ છે. આથી પાણીનો પ્રશ્ર્ન ખુબ જ રહેતો જોકે હવે બંધ કે નહેરથી પાણી પૂરતું મળી રહે છે. અહીં વરસાદ ઓછો થાય છે. રાજસ્થાન કલાકારો અને કલા કોતરણીની ભૂમિ છે ! જેમાં એક વિશાળ શહેર જોધપુર મરૂ સ્થળનું પ્રવેશદ્વાર છે. અહીં વિશાળ રેગિસ્તાન આવેલું છે. જાણે હીરાની માફક ચમકે છે…! પ્રાચીન મારવાડ રાજ્યોમાં તે કિલ્લેબંધ નગર છે. લાંબા કિલ્લાની અંદર પ્રવેશતાં સાત વિશાળ દરવાજા
રાખવામાં આવેલા છે. જોધપુરમાં જોવાલાયક સ્થળમાં જોધપુરનો ડુંગર પરનો કિલ્લો અદ્ભુત છે. તેમજ ઉમેદભવન અને જોધપુરના લાલ બ્લુઈશ પથ્થરમાંથી બનાવેલ ખૂબસૂરત આ મહેલ 1948માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાને બનાવવા 20 વર્ષ જેવો માતબર સમય લાગ્યો હતો. બ્રિટિશ શિલ્પકારોના રોયલ ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ એચ.સી. લેન્કેસ્ટર દ્વારા તૈયાર કરેલ ઉત્કૃષ્ટ રૂપરેખા અનુરૂપ આ કિલ્લાને બનાવેલ છે. છીતરજીલની બાજુમાં મહારાજા ઉમેદસિંહ દ્વારા બનાવેલ આ ભવનને છીતર ભવનનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ વિશાળ મહેલ વિલક્ષણ છે…! તેની દીવાલો પર બનાવેલ કલાનયન મ્યુરલ પેઈન્ટિંગ તેમજ એની પ્રકાશ વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ છે.
આજે રજવાડાનો અમુક ભાગ પર્યટકો માટે આધુનિક હોટલમાં તબદિલ કરવામાં આવેલ છે. આ હોટલ આનંદ પ્રમોદના અનેક સાધનોથી ભરપૂર છે. જોધપુરનો જૂનો પ્રાચીન કિલ્લો ભવ્યાતિભવ્ય છે. તેમાં પ્રાચીન તલવાર, ને રાજવી ઘરાનાની વસ્તુઓ નિહાળવા મળે છે. આ કિલ્લા પરથી જોધપુર સિટીનો એરિયલવ્યૂ નયનરમ્ય લાગે છે. તેમાં ઘણી બધી એન્ટિક વસ્તુઓ નિહાળવા મળે તેમ છે. આપ રાજસ્થાન જાવ તો અચૂક જોધપુર જજો ને તેનો પ્રાચીન કિલ્લો, ઘંટાઘર, ઉમેદભવન જોજો.


